35-દિવસમાં 10 મિસાઈલનું સફળ પરીક્ષણઃ ભારતની કમાલ

નવી દિલ્હીઃ ભારતની મિલિટરી રિસર્ચ અને ડેવલપમેન્ટની કામગીરી સંભાળતી એજન્સી ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) આવતા અઠવાડિયે 800 કિ.મી. રેન્જ ધરાવતી ‘નિર્ભય’ સબ-સોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કરવાની છે. ભારતીય સેનામાં સામેલ કરાતા પહેલાં આ સોલિડ રોકેટ બુસ્ટર મિસાઈલનું તે આખરી પરીક્ષણ હશે.

DRDO દ્વારા છેલ્લા 35 દિવસમાં આ 10મું મિસાઈલ પરીક્ષણ હશે.

સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી પીછેહઠ કરવામાં ચીનને વટથી ના પાડી દીધા બાદ DRDO એજન્સી વ્યૂહાત્મક અને પરંપરાગત મિસાઈલોને વિકસીત કરવામાં વ્યસ્ત છે. એણે છેલ્લા એક મહિનામાં દર ચાર દિવસે એક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે અને સફળતા મેળવી છે.

ચીનની સેના ‘પીપલ્સ લિબરેશન આર્મી’એ ગયા મે મહિનામાં લદાખના ઉત્તર ભાગમાં ભારતના સૈનિકો સાથે અથડામણ કરી હતી. ત્યારથી બંને દેશ વચ્ચે સીમા પર તંગદિલી વધી ગઈ છે અને તે હજી પણ ચાલુ છે.

DRDO એજન્સીએ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું પણ હાલમાં જ પરીક્ષણ કર્યું હતું. હવે આ મિસાઈલ 400 કિ.મી. દૂરના ટાર્ગેટને તોડી પાડવામાં સક્ષમ બની છે. તે ઉપરાંત, અણુબોમ્બ ફેંકવા સક્ષમ શૌર્ય સુપરસોનિક મિસાઈલ અવાજ કરતાં બેથી ત્રણ ગણી સ્પીડે ભાગી શકે છે.

DRDO વિજ્ઞાનીઓએ અણુબોમ્બ ફેંકવા સક્ષમ અન્ય બેલિસ્ટિક મિસાઈલ પૃથ્વી-2નું પણ સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ આકાશમાંથી આકાશમાં રહેલા ટાર્ગેટને તોડી પાડી શકે છે. એ 300 કિ.મી.ની રેન્જમાં આવેલા દુશ્મન ટાર્ગેટને તોડી પાડી શકે છે. આ ભારતની પ્રથમ સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી સરફેસ-ટુ-સરફેસ વ્યૂહાત્મક મિસાઈલ છે.

ભારતે 7 સપ્ટેમ્બરે HSTDV ટેસ્ટ વેહિકલ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે અભ્યાસ મિસાઈલ, 23 સપ્ટેમ્બરે પૃથ્વી-2, 30 સપ્ટેમ્બરે બ્રહ્મોસ SR, 3 ઓક્ટોબરે શૌર્ય NG, પાંચ ઓક્ટોબરે સ્માર્ટ ASW, 8 ઓક્ટોબરે રૂદ્રમ ARM મિસાઈલોનું સફળ પરીક્ષણ કર્યું હતું.