Home Blog Page 4540

સાત અબજોપતિઓએ સંપત્તિમાં $64 અબજનો ઉમેરો કર્યો

નવી દિલ્હીઃ વર્ષ 2020માં સાત ભારતીય અબજપતિઓએ તેમની સંપત્તિમાં વર્ષ 2020માં અત્યાર સુધીમાં 64 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. કોવિડ-19થી વ્યાપેલી મંદીની ગર્તામાંથી ભારતીય અર્થતંત્ર પણ બહાર આવી રહ્યું છે અને શેરો પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ સાત અબજોપતિઓની અત્યાર સુધીમાં આવેલા 50 ટકાના ઉછાળા પછી તેમની સંયુક્ત સંપત્તિ 11 ડિસેમ્બરે આશરે 200 અબજ ડોલર (194 અબજ ડોલર)ની હતી.  એક બિલિયન ડોલરની કિંમત રૂ. 7364 કરોડ (શુક્રવાર સુધીમાં) થાય છે.

ફર્સ્ટ જનરેશનના ઉદ્યોગ સાહસિક ગૌતમ અદાણી- કે જેઓ રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ, ટર્મિનલ્સ અને લોજિસ્ટિક અન્ય ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે, તેમણે તેમની સંપત્તિમાં વર્ષ 2020માં અત્યાર સુધીમાં 21.1 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. તેમની સંપત્તિ ગયા વર્ષની 11.3 અબજ ડોલરથી વધીને 32.4 અબજ ડોલર થઈ ગઈ છે.

દેશમાં સૌથી શ્રીમંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રાઝના ચેરમેન મુકેશ અંબાણી છે. તેમણે આ વર્ષે તેમની સંપત્તિમાં 18.1 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. છેલ્લી ગણતરી મુજબ તેમની સંપત્તિ 76.6 અબજ ડોલર હતી. ગયા વર્ષે તેમની સંપત્તિ 58.6 અબજ ડોલર હતી.

 

 

 

 

કોવિડ-19 વિશે બિલ ગેટ્સની ગંભીર ચેતવણી

ન્યૂયોર્કઃ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા વિશે દુનિયાના દેશોને ફરીવાર ચેતવ્યા છે અને કહ્યું છે કે કોરોના વાઈરસ રોગચાળાનો સૌથી ખરાબ સમયગાળો તો હજી આવવાનો બાકી છે. આવનારા ચારથી છ મહિના સૌથી ખરાબ રહી શકે છે. સીએનએન ચેનલને આપેલી મુલાકાતમાં ગેટ્સે કહ્યું કે, હું દુઃખ સાથે કહીશ કે આગામી ચારથી છ મહિના આ રોગચાળાના સૌથી ખરાબ જાય એવી સંભાવના છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન સંસ્થાનો અંદાજ છે કે વધુ બે લાખ જેટલા મરણ થશે. જો આપણે માસ્ક પહેરીશું અને એકબીજા સાથે હળીશું-મળીશું નહીં તો મોટા મરણાંકને ટાળી શકીશું. અમેરિકા આ પરિસ્થિતિને બરાબર સંભાળી શકશે એવું મને લાગે છે.

બિલ ગેટ્સે 2015માં પણ દુનિયાના દેશોને ચેતવણી આપી હતી કે એક સંભવિત જાગતિક રોગચાળો ફેલાઈ શકે છે. આ વખતે એમણે કહ્યું છે કે 2015માં મેં જ્યારે આગાહી કરી હતી ત્યારે પણ મેં મરણાંક ઘણો ઊંચો રહેવાની ધારણા રાખી હતી. હવે આ વાઈરસ એના કરતાં પણ વધારે જીવલેણ બની શકે છે.

મોદીની ગુજરાત મુલાકાતઃ અનેક યોજનાઓનો શિલાન્યાસ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે. તેઓ રાજ્યમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણ ઓટોમેટિક દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ સામેલ છે. કચ્છના માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટથી દરિયાઈ પાણીને પીવા લાયક પાણીમાં પરિવર્તિત કરવાના પ્લાન્ટનો તેઓ શિલાન્યાસ કરશે. દૈનિક ધોરણે 10 કરોડ લિટરની ક્ષમતાવાળા ડિસેલિનેશન પ્લાન્ટથી રાજ્યમાં નર્મદા ગ્રિડ, સૌની નેટવર્ક અને વેસ્ટ વોટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉપયોગમાં લેવામાં આવશે. દેશમાં પોસાય એવા જળ સ્રોતથી વાવણી માટે પણ જળસંગ્રહ  મહત્ત્વનો બની રહેશે.

વડા પ્રધાન દિલ્હીથી 11:30 વાગ્યે કચ્છ આવવા રવાના થશે. બપોરે 1.30 કલાકે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે. અહીંથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. વડા પ્રધાન મોદી સાંજે 5.30 કલાકે સફેદ રણનો નજારો પણ માણશે.

વડા પ્રધાન મોદીની મુલાકાતને પગલે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યામાં રાખીને ભુજથી ધોરડો જતા માર્ગે પોલીસ ખડકી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રસિદ્ધ કાળા ડુંગર સ્થાનકે પણ સુરક્ષા એજન્સીઓનો કાફલો પહોંચી ગયો છે. ધોરડોના સફેદ રણમાં કાર્યક્રમ માટે વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે. સુરક્ષાને લઈને રણમાં ચોતરફ પોલીસ, એસપીજી સહિતની સુરક્ષા-વ્યવસ્થા ગોઠવાવામાં આવી છે.

 

 

 

મહિલાઓની સલામતી માટેનો ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તુત

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે શક્તિ બિલ નામનો એક ખરડો આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યો છે. આ ખરડો મહારાષ્ટ્ર રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર હિંસા અને અત્યાચારની ઘટનાઓને રોકવા માટેનો છે. આ ખરડો આજે રાજ્ય વિધાનસભાના બે-દિવસના સત્રના પહેલા દિવસે રજૂ કરાયો છે.

આ સૂચિત કાયદા અંતર્ગત મહિલાઓ અને બાળકો પર હિંસા, બળાત્કાર, એસિડ હુમલા, તથા અન્ય અત્યાચારની ઘટનાઓને લગતા કેસની સમગ્ર કાર્યવાહી 21 દિવસમાં જ પૂરી કરવાની જોગવાઈ છે. સાથોસાથ ગુનેગારને મોતની સજા સહિત ઘણી કડક સજાની પણ જોગવાઈ છે.

બજેટ પૂર્વે ઉદ્યોગપતિઓ સાથે નાણાં પ્રધાનનો વિચારવિમર્શ

નવી દિલ્હીઃ આવતા નાણાકીય વર્ષના બજેટ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2021-22ને રજૂ કરતાં પહેલાં ટોચના ઉદ્યોગપતિઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. નાણાપ્રધાને વિવિધ મંત્રાલયો-વિભાગોના સચિવો સાથે આત્મનિર્ભર ભારત પેકેજ (ANBP) ની વ્યાપક સમીક્ષા કરી હતી, એમ નાણાં માહિતી આપી હતી.

એક સત્તાવાર યાદીમાં મંત્રાલયે કહ્યું હતું કે સંબંધિત મંત્રાલયો અને વિભાગોએ ત્રણ આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળની ઘોષણાઓને લાગુ કરવાનું શરૂ કરી દીધું છે.

કોરોના વાઇરસ રોગચાળાને લીધે નાણાકીય વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ ઘણું મહત્ત્વનું બની રહેશે. બજેટની તૈયારી દરમ્યાન સરકાર એનાથી સંકળાયેલા બધા સ્ટેકહોલ્ડરોની સાતે બેઠક કરીને તેમનો પક્ષ જાણશે. બધા સ્ટેકહોલ્ડરોનાં સૂચનોને ધ્યાનમાં રાખીને બજેટનો મુસદ્દો તૈયાર કરવામાં આવે છે.

 

 

 

 

 

રહાણે પર સુકાનીપદનું દબાણ નહીં હોયઃ ગાવસકર

મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સાથે ટીમ ઈન્ડિયાની ચાર-મેચની આગામી ટેસ્ટ શ્રેણી પૂર્વે ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે એવી માન્યતા વ્યક્ત કરી છે કે શ્રેણીમાં પહેલી ટેસ્ટ મેચ બાદ રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમનું સુકાન જ્યારે વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે સંભાળશે ત્યારે એની પર કોઈ પ્રકારનું દબાણ નહીં હોય. સ્ટાર સ્પોર્ટ્સ શો ‘ગેમ પ્લાન’માં ભાગ લેતાં ગાવસકરે વધુમાં કહ્યું કે, રહાણે એની કામગીરી પ્રામાણિકપણે બજાવશે, કારણ કે એ જમણા હાથના બેટ્સમેન તરીકે જ એનું ક્રિકેટ રમે છે. વળી, એણે ભૂતકાળમાં કેપ્ટન તરીકે બે વાર ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો. (એક વાર ધરમશાલામાં ઓસ્ટ્રેલિયા સામે અને બીજી વાર અફઘાનિસ્તાન સામે).

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરથી એડીલેડમાં શરૂ થશે. એ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે અને ભારતીય સમય મુજબ સવારે 9.30 વાગ્યે શરૂ થશે. તે ટેસ્ટ મેચ બાદ કોહલી પેટરનિટી લીવ (પિતૃત્વ માટેની રજા) પર ઉતરશે અને ભારત પાછો આવશે, કારણ કે એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માનો પ્રથમ સંતાનને ડિલીવરી માટેનો સમય નિકટ છે અને કોહલી એ સમયમાં તેની પત્ની પાસે રહેવા માગે છે. બીજી ટેસ્ટ મેચ 25 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. અને ત્યારબાદ ત્રીજી અને ચોથી મેચ અનુક્રમે સિડની અને બ્રિસ્બેનમાં 6 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીથી રમાશે.

કોરોનાના 27,071 નવા કેસો, 336નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 98 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 27,071 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 336 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 98,84,100 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,43,355 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 93,88,159 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,52,586એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.84 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

આવતા ચારથી છ મહિના ખૂબ જ ખરાબ

માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે ગઈ કાલે ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ રોગચાળો આવતા ચારથી છ મહિના ખૂબ જ ખરાબ રહી શકે છે. ગેટ્સની સંસ્થા કોવિડ-19 રસી ને વિકસિત કરવા અને તેનો પુરવઠો પૂરો પાડવાના પ્રયાસમાં ભાગ લઇ રહી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

જુહીથી હીરાજડિત એરિંગ ખોવાઈઃ નેટયૂઝર્સની મદદ માગી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી જુહી ચાવલા સોશિયલ મિડિયા તરફથી કોઈક ચમત્કારની આશા રાખી રહી છે. એણે પોતાનાં સોશિયલ મિડિયા હેન્ડલ્સ પરથી એક જાણકારી આપી છે કે એની હીરાની એરિંગ ગુમાઈ ગઈ છે. આ એરિંગ એનાથી રવિવારે સવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એમિરેટ્સ કાઉન્ટર પરથી ચેકિંગના સમયગાળા દરમિયાન ગુમાઈ ગઈ છે. એનાં કાનમાંથી સરકીને ક્યાંક પડી ગઈ હતી એવું તેનું કહેવું છે.

જુહીએ એમ પણ કહ્યું છે કે પોતે આ એરિંગ છેલ્લા 15-વર્ષથી રોજ કાનમાં પહેરતી હતી, તેથી એને માટે લાગણીનો સવાલ છે. આ એરિંગ શોધી કાઢવામાં મદદ કરવાની એણે ઈન્ટરનેટ યૂઝર્સને વિનંતી કરી છે અને જો કોઈને મળી આવે તો પોલીસને જાણ કરવા કહ્યું છે. એરિંગ શોધી આપવામાં મદદરૂપ થનારને ઈનામ આપવાનું પણ એણે કહ્યું છે.

RTGS મની ટ્રાન્સફરની સુવિધા હવે 24×7

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) મની ટ્રાન્સફરની સુવિધા રાઉન્ડ-ધ-ક્લોક શરૂ કરી દીધી છે, એની જાહેરાત આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કરી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે RTGS સુવિધાને વર્ષના બધા દિવસોમાં 24 કલાક (24×7) કલાક ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત વિશ્વના એ કેટલાક દિવસોમાંનો એક બની ગયો છે, જ્યાં RTGS સિસ્ટમ 24 કલાક સંચાલિત થાય છે. આ પગલાનો હેતુ ડિજિટલ ચુકવણી પર ભાર આપવાનો છે. આ પહેલાં બીજા અને ચોથા શનિવાર સિવાય સપ્તાહના બધા કામકાજના દિવસોમાં RTGS લેવડદેવડની સુવિધા સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી ગ્રાહકો માટે ઉપલબ્ધ હતી.

RTGS સિસ્ટમ દ્વારા ઉચ્ચ મૂલ્યના વ્યવહારો થાય છે. RTGSના માધ્યમથી પ્રાપ્ત થનારી લઘુતમ રકમ રૂ. બે લાખ છે અને એની કોઈ મહત્તમ મર્યાદા નથી. લાભાર્થી બેન્કને ટ્રાન્ઝેક્શન થયા પછી તત્કાળ ફંડ મેળવ્યાના નિર્દેશ મળશે. બીજી બાજુ NEFT દ્વારા રૂ. બે લાખ સુધીના ફંડ ટ્રાન્સફર થઈ શકશે.

આ ઉપરાંત રિઝર્વ બેન્કે રોગચાળા અને સ્ટેકકહોલ્ડરોના ફીડબેકને ધ્યાનમાં રાખીને પહેલી જાન્યુઆરીથી પોઇન્ટ ઓફ સેલ (PoS) ટર્મિનલો પર કોન્ટેક્સલેસ કાર્ડની લેવડદેવડની મર્યાદા રૂ. 2000થી વધારીને રૂ. 5000 કરવાનો નિર્ણય પણ લીધો છે.

 

 

 

પ્યારની વાત – ૧૪ ડિસેમ્બર, ૨૦૨૦

પ્યારની વાત – ૧૪ ડિસેમ્બર, ૨૦૨૦