
Chitralekha Marathi – December 21, 2020
સોનુ સુદ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને સશક્ત કરશે
મુંબઈઃ સ્પાઇસ મનીએ ફિલ્મ અભિનેતા સોનુ સુદની સાથે મળીને એક કરોડ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને ડિજિટલ અને નાણાકીય સધ્ધર બનાવવા માટે હાથ મિલાવ્યા છે. કોરોના રોગચાળાથી સોનુ સુદનો આશય દેશના અંતરિયાળમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો છે, જ્યારે સ્પાઇસ મનીનો ઉદ્દેશ દેશની ગ્રામીણ અર્થતંત્રમાં ડિજિટલ સશક્તીકરણ અને નાણાકીય સમાવેશીકરણનો રહ્યો છે. સુદ અને સ્પાઇસ મની નાનાં નગરો અને ગામોમાં એક ઉદ્યોગિક માનસિકતા બનાવવામાં કામ કરશે. આ ભાગીદારીના ભાગરૂપે સુદ કંપનીમાં ઇક્વિટી હિસ્સો મેળવશે અને તેમને નોન-એક્ઝિક્યુટિવ એડવાઇઝરી બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
સ્પાઇસ મની એ બિઝનેસ સ્પાઇસ ગ્રુપનો એક હિસ્સો છે, જેની પાસે ટેલિકોમ, ટેક્નોલોજી અને ફાઇનાન્સ ક્ષેત્રમાં કાર્યરત છે. છેલ્લા ઘણા મહિનાઓથી મારા અનુભવોથી દેશનાં નાનાં નગરોમાં અને ગામોમાં લોકોની જરૂરિયાતો અને સંઘર્ષોએ મારી આંખ ખોલી છે. મારો હેતુ દેશના લોકોને આર્થિક-સામાજિક રીતે મજબૂત કરવાનો છે. સ્પાઇસ મનીની સાથે હું સંયુક્ત રીતે મદદ કરવા માટે જોડાયો છું એમ સુદે કહ્યું હતું.
દેશની અગ્રણી ગ્રામીણ ફિનટેક કંપનીમાંની એક સ્પાઇસ મની અભિનેતા સુદ સાથે સ્ટાર્ટઅપના પાંચ લાખ ઉદ્યોગ સાહસિકોની સાથે મળીને કામ કરશે, જે તેમને રોકડ જમા કરવા, ઇન્સ્યોરન્સ, રોકડ ઉપાડ, લોન્સ, બિલ ચુકવણી, ગ્રાહક-એજન્ટો માટે રોકડ વસૂલાત સહિતની સેવા ઉપલબ્ધ કરાવશે.
અમારી પેમેન્ટ સેવા સુરક્ષિત છેઃ વોટ્સએપ
નવી દિલ્હીઃ લોકપ્રિય મેસેજિંગ સેવા વોટ્સએપે તેની પેમેન્ટ સેવા સિસ્ટમ સુરક્ષિત અને વિશ્વસનીય નથી તેમજ ઈઝરાયલી જાસૂસી સ્પાઈ સોફ્ટવેર પેગેસસ દ્વારા એને હેક કરી શકાય છે એવા દાવાઓને આજે સુપ્રીમ કોર્ટમાં નકારી કાઢ્યા છે. એમેઝોન પે, ગૂગલ પે તથા અન્ય દ્વારા યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યૂપીઆઈ)નો ઉપયોગ કરીને ભારતના લોકોની ફાઈનાન્સિયલ ડેટા સુરક્ષાનું ઉલ્લંઘન કરવામાં આવતો હોવાનો આરોપ મૂકતી રાજ્યસભાના સદસ્ય બિનોય વિશ્વમે નોંધાવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં દલીલબાજી થઈ હતી.
દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ વોટ્સએપના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે વોટ્સએપની પેમેન્ટ્સ સર્વિસ સિસ્ટમ હેક થઈ શકે છે એવા દાવા સદંતર રીતે પાયાવિહોણા છે. રિટ પીટિશનમાં એનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ માત્ર મૌખિક રજૂઆત કરાઈ છે, તે પણ કોઈ પ્રકારના આધાર વગર.
કંગના મળી રાજનાથસિંહને

ઓલા તામિલનાડુમાં સૌથી મોટી સ્કૂટર ફેક્ટરી સ્થાપશે
નવી દિલ્હીઃ દેશની અગ્રણી કેબ કંપની ઓલાએ તામિલનાડુ સરકારની સાથે સમજૂતી કરાર કર્યા છે. કંપની રાજ્યમાં સૌથી મોટી સ્કૂટરની ફેક્ટરી લગાવવાની છે. કંપનીએ દાવો કર્યો હતો કે આ નવી ફેક્ટરીના પ્રારંભથી રાજ્યમાં ભારે સંખ્યામાં લોકોને નોકરીઓની તક મળશે. કંપની આ ફેક્ટરીમાં આશરે રૂ. 2400 કરોડનું મૂડીરોકાણ કરશે. આ ફેક્ટરીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ યુનિટ્સ હશે. આ ફેક્ટરીમાં 10,000 લોકોને નોકરી મળશે.
આ ફેક્ટરીથી રોજગારની તક તો ઊભી થશે જ, બલકે, આ દેશના ટેક્નિકલ ક્ષેત્રને મજબૂત બનાવશે. ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. આ ફેક્ટરીમાં ઉત્પાદિત વાહનોને યુરોપિયન, એશિયન અને લેટિન અમેરિકાનાં બજારોમાં પણ નિકાસ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે ભારત વિશ્વમાં ઇલેક્ટ્રિક વેહિકલ મેન્યુફેક્ચરિંગનું હબ બનીને ઊભરશે. કંપનીએ ટૂંક સમયમાં બજારમાં એનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ પહેલાં કંપનીએ જાહેરાત કરી હતી કે કંપની ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ માટે 2000 લોકોને હાયર કરશે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. ઓલાના આ નવા પ્લાન્ટથી દેશના ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં મોટું પ્રોત્સાહન મળશે. ભારત વિશ્વનું સૌથી મોટું ટૂ વ્હીલર બજાર છે.
ગૂગલની અનેક સેવાઓ દુનિયાભરમાં ખોરવાઈ
મુંબઈઃ ગૂગલની જીમેલ, ગૂગલ ડ્રાઈવ, યૂટ્યૂબ સહિત અનેક સેવાઓ આજે સાંજે ભારત સહિત દુનિયાભરમાં ખોરવાઈ ગઈ હતી. ભારતીય સમય મુજબ સાંજે લગભ 5.30 વાગ્યે જીમેલ અને હેન્ગઆઉટ સેવાઓમાં એરરનું પેજ જોવા મળ્યું હતું. યૂટ્યૂબ ઉપર પણ જ હાલ હતા. આને કારણે લોકોને ઘણી તકલીફ પડી હતી.
જોકે ગૂગલ સર્ચ એન્જીન એટલે કે google.com ને કોઈ તકલીફ નડી નહોતી. સાંજે 6.05 વાગ્યાથી અમુક સેવાઓ ફરી શરૂ થઈ હતી. ગૂગલમાં જાગતિક સ્તરે આઉટેજ થતાં ટ્વિટર પર ‘યૂટ્યૂબડાઉન’, ‘જીમેલડાઉન’ અને ‘ગૂગલડાઉન’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ગૂગલ કે ગૂગલ ઈન્ડિયા તરફથી કોઈ માહિતી આપવામાં આવી નહોતી, પણ યૂટ્યૂબ ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર કહ્યું હતું કે લોકોને પડી રહેલી તકલીફની અમને જાણ થઈ છે અને અમારી ટીમ એ તકલીફને જલદી દૂર કરવા કામ કરી રહી છે.
ખેડૂતોમાં ભાગલા પડ્યાના અહેવાલોને રદિયો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સંગઠનના અનેક નેતાઓએ રાજીનામું આપ્યા બાદ સંગઠનમાં મતભેદો અને ઝઘડા ઊભા થયાના અહેવાલોને ભારતીય કિસાન યૂનિયન (બીકેયૂ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે અફવા ગણાવીને રદિયો આપ્યો છે. એમણે કહ્યું કે નોઈડા-દિલ્હી સરહદ પર ચિલ્લા સ્થળે હાઈવેને ખુલ્લો કરવાના યૂનિયનના વડા ભાનુપ્રતાપ સિંહના નિર્ણયથી અપસેટ થવાને કારણે બીકેયૂ (ભાનુ) જૂથના 3 નેતાએ રાજીનામું આપ્યું છે. અન્ય ખેડૂતોમાં કોઈ વિખવાદ નથી.
ટિકૈતે વધુમાં કહ્યું કે અમે બીજે ક્યાંય જવાના નથી, અહીંયા જ રહેવાના છીએ. ખેડૂતો આંદોલનને ઉગ્ર બનાવવાની પૂરી તૈયારી સાથે અહીં જ છે. કૃષિ કાયદા સામેના આંદોલન ચલાવતા ખેડૂતોમાં બીકેયૂ અગ્રગણ્ય જૂથોમાંનું એક છે.
દિલજીત દોસાંજે ખેડૂતવિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો
નવી દિલ્હીઃ ભારતીય કલાકાર દિલજીત દોસાંજે સતત ખેડૂત આંદોલનને સમર્થન કરી રહ્યા છે. દિલજીતે ફરી એક વાર એ ટ્રોલર્સને ફટકાર લગાવી છે, જે ખેડૂત આંદોલન વિરુદ્ધ સોશિયલ મિડિયા પર ખોટી અફવા ફેલાવી રહ્યા છે. હાલમાં કેટલાક દિવસો પહેલાં સોશિયલ મિડિયા પર એક ફોટો વાઇરલ થયો છે, જેમાં કેટલાક લોકો સવાલ ઊભા કરી રહ્યા છે કે આ લોકો આંદોલન કરી રહ્યા છે કે પિકનિક મનાવી રહ્યા છે? આ ટ્રોલર્સને હવે દિલજીત દોસાંજેએ ટ્વીટમાં જડબાતોડ જવાબ આપ્યો છે. દિલજીતે લખ્યું હતું કે જ્યારે ખેડૂત ઝેર ખાઈ રહ્યો હતો ત્યારે કોઈ ચિંતા નહોતી અને હવે જ્યારે ખેડૂત પિત્ઝા ખાઈ રહ્યો છે, ત્યારે એ ન્યૂઝ બની ગયા છે.
દિલજીતનું ટ્વીટ ઇન્ટનેટ પર વાઇરલ
દિલજીતે ટ્વીટ કરતાં એ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયું છે. લોકો ખેડૂતોને ટ્રોલ કરવાવાળા વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
Shaa Baa Shey 👏🏼
Badaa Didh Dukheya Tuadha Hain ? pic.twitter.com/u16Ti96AlN
— DILJIT DOSANJH (@diljitdosanjh) December 14, 2020
પાછલા કેટલાક દિવસોથી દેશના અન્નદાતા કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાઓની સામે વિરોઝ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન દરમ્યાન સરકાર અને ખેડૂતોની વચ્ચે મંત્રણા થઈ ચૂકી છે, પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ નથી નીકળ્યું.
સિંગાપોરે ફાઈઝરની કોરોના રસીને મંજૂરી આપી
સિંગાપોરઃ 57 લાખની વસ્તી ધરાવતા શહેર-દેશ સિંગાપોરની સરકારે ફાઈઝર-બાયોએનટેકની નોવેલ કોરોનાવાઈરસ રસીને મંજૂરી આપી દીધી છે. રસીકરણની પ્રક્રિયાની શરૂઆત આ મહિનાના અંત સુધીમાં કરવામાં આવશે. 68 વર્ષના વડા પ્રધાન લી સીયેન લૂંગે આજે જણાવ્યું છે કે દેશના મોટી ઉંમરના લોકોને રસી પહેલા આપવામાં આવશે, મને, મારા સહયોગીઓ અને મોટી ઉંમરના લોકોને સૌથી પહેલાં રસી આપવામાં આવશે. દેશની જનતાને એ બતાવવા માટે જ અમે આમ કરવાના છીએ કે રસી સુરક્ષિત છે એની અમને પૂરી ખાતરી છે. 2021ના પહેલા ચાર મહિનામાં દેશના પ્રત્યેક નાગરિકને કોરોના રસી આપી શકાશે એટલો રસીનો પૂરતો સ્ટોક મળવાની અમને આશા છે. તમામ રહેવાસીઓને આ રસી મફતમાં આપવામાં આવશે.
સિંગાપોર ઉપરાંત અમેરિકા, કેનેડા તથા બીજા અમુક દેશો ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી આપી ચૂક્યા છે.












