અમારી પેમેન્ટ સેવા સુરક્ષિત છેઃ વોટ્સએપ

નવી દિલ્હીઃ લોકપ્રિય મેસેજિંગ સેવા વોટ્સએપે તેની પેમેન્ટ સેવા સિસ્ટમ સુરક્ષિત અને વિશ્વસનીય નથી તેમજ ઈઝરાયલી જાસૂસી સ્પાઈ સોફ્ટવેર પેગેસસ દ્વારા એને હેક કરી શકાય છે એવા દાવાઓને આજે સુપ્રીમ કોર્ટમાં નકારી કાઢ્યા છે. એમેઝોન પે, ગૂગલ પે તથા અન્ય દ્વારા યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યૂપીઆઈ)નો ઉપયોગ કરીને ભારતના લોકોની ફાઈનાન્સિયલ ડેટા સુરક્ષાનું ઉલ્લંઘન કરવામાં આવતો હોવાનો આરોપ મૂકતી રાજ્યસભાના સદસ્ય બિનોય વિશ્વમે નોંધાવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં દલીલબાજી થઈ હતી.

દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ વોટ્સએપના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે વોટ્સએપની પેમેન્ટ્સ સર્વિસ સિસ્ટમ હેક થઈ શકે છે એવા દાવા સદંતર રીતે પાયાવિહોણા છે. રિટ પીટિશનમાં એનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ માત્ર મૌખિક રજૂઆત કરાઈ છે, તે પણ કોઈ પ્રકારના આધાર વગર.