દીપિકા JNUની મુલાકાતે ગઈ એમાં કંઈ ખોટું નથી: પ્રકાશ જાવડેકર

નવી દિલ્હી – બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ મંગળવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની મુલાકાત લીધી એમાં ઊભા થયેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મહત્ત્વનું નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જઈ શકે છે અને પોતાનાં મંતવ્યો વ્યક્ત કરી શકે છે, એમાં કોઈને વાંધો શા માટે હોઈ શકે?

આજે પત્રકારો સાથેની વાતચીતમાં જાવડેકરને જ્યારે દીપિકાની મુલાકાતને પગલે થયેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે ભારત લોકતાંત્રિક દેશ છે. કોઈ કલાકાર શું કામ, કોઈ પણ સામાન્ય માનવી પણ ગમે ત્યાં જઈ શકે છે અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. આમાં કોઈ વાંધો ન હોય, કોઈએ ક્યારેય વાંધો ઉઠાવ્યો પણ નથી. હું પોતે ભાજપનો પ્રધાન છું અને પ્રવક્તા પણ છું અને હું પોતે જ આમ કહી રહ્યો છું.

એક અન્ય સવાલના જવાબમાં જાવડેકરે કહ્યું કે દેશના કોઈ પણ ભાગમાં હિંસા થાય તો આપણે એને વખોડી કાઢીએ છીએ. આપણો દેશ પરિપક્વ લોકશાહીવાળો છે અને તમામ લોકોને એમના મંતવ્યો વ્યક્ત કરવાની તક મળે છે. તેથી દેશમાં હિંસાને કોઈ સ્થાન નથી.

ઉલ્લેખનીય છે કે, જેએનયૂમાં ગઈ પાંચ જાન્યુઆરીના રવિવારે કેટલાક બુકાનીધારી શખ્સોએ ઘૂસીને તોડફોડ કરી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મારપીટ કરી હતી. એ હિંસામાં 18 જણ ઘાયલ થયા હતા. દિલ્હીની પોલીસ હજી સુધી એ બુકાનીધારી હુમલાખોરોને શોધી શકી નથી. એ હુમલા કરાવ્યાનું આરએસએસ-સંચાલિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સંગઠન અને ડાબેરી વિચારસરણી હેઠળના વિદ્યાર્થી સંગઠનોએ એકબીજા પર દોષારોપણ કર્યું છે. એ હુમલાને પગલે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.

દીપિકા પદુકોણ હિંસાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના સમર્થન માટે મંગળવારે જેએનયૂમાં વિદ્યાર્થીઓએ યોજેલા દેખાવોમાં હાજરી આપવા ગઈ હતી અને વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષા આઈશી ઘોષ તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પરંતુ ભાજપના અમુક નેતાઓએ દીપિકાની ટીકા કરી છે તો ટ્વિટર ઉપર ભાજપ તરફી ઘણા લોકોએ દીપિકાની ‘છપાક ફિલ્મનો બહિષ્કાર કરો’ (boycottChhapak) એવી ઝુંબેશ શરૂ કરી છે.

ભાજપના દિલ્હી એકમના પ્રમુખ તેજિન્દર બગ્ગાએ દેખાવકારોનું સમર્થન આપવા બદલ દીપિકાની ટીકા કરી હતી. એમણે દીપિકાની છપાક ફિલ્મનો બહિષ્કાર કરવાની લોકોને અપીલ કરી હતી. એમની અપીલને પગલે સોશિયલ મિડિયા પર દીપિકાની ફિલ્મનો બહિષ્કાર કરવાની વ્યાપક ઝુંબેશ શરૂ થઈ ગઈ છે.