Home Blog Page 4303

સી પ્લેન ઉડાન ભરવા માટે તૈયાર

અમદાવાદઃ શહેરના સરદાર બ્રિજથી વાસણા તરફ જતા રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રામ પર સી પ્લેન ઉતારવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત વખતે તેઓ કેવડિયાથી અમદાવાદ સી પ્લેનની સફર કરવાના છે. કેવડિયાથી અમદાવાદ વડા પ્રધાન મોદી પ્રવાસ કરે એ પહેલાં સોમવારની બપોરે સી પ્લેનની ટ્રાયલ ઉડાન ભરવામાં આવી હતી.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પરથી જ સી પ્લેનની સવારી શરૂ થશે અને સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકાય એ સેવા શરૂ કરવામાં આવશે. શહેરના રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેનથી ઉડાન ભરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સી પ્લેન અમદાવાદ આવે એ પૂર્વે રિવરફ્રન્ટની સાફસફાઈ, રંગરોગાન, સમારકામ અને ગુજરાત સરકારે તૈયાર કરેલા વોટર એરોડ્રામની ઓફિસને સુંદર, સ્વચ્છ, સુરક્ષિત  બનાવવાની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે, કારણ કે સી પ્લેનની આજુબાજુના વિસ્તારોમાં ઘણી કામગીરી બાકી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

BSE, ઈન્વેન્ટિવપ્રેનર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે જોડાણ

મુંબઈઃ મુંબઈ શેરબજાર (બીએસઈ)એ સૌથી મોટા વૈશ્વિક વેપાર સાહસિકોના પ્લેટફોર્મ ઈન્વેન્ટિવપ્રેનર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (આઈસીસીઆઈ) સાથે જોડાણ કર્યું છે. આ જોડાણ મારફત આઈસીસીઆઈ બીએસઈ એસએમઈ બોર્ડ પર લિસ્ટિંગ માટેના એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સનું મૂલ્યાંકન કરશે. એ ઉપરાંત તે લિસ્ટેડ એસએમઈ-સ્ટાર્ટ-અપ્સ રોકાણકારના નેટવર્કને વધુ સંવેદનશીલ બનાવશે અને તેનું સંવર્ધન કરશે. આઈસીસીઆઈ બીએસઈ લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક સ્તરે કનેક્ટ કરશે અને સરકારે જાહેર કરેલા કાર્યક્રમો, એક્સલરેશન ફંડ ઈન્ટરનેશનલ પ્રેઝન્સ અને ગ્લોબલ બિઝનેસ રિલેશન્સ સંબંધિત જ્ઞાનનો પ્રસાર કરશે. આઈસીસીઆઈ વિવિધ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ, જાગૃતિ પરિસંવાદો અને ચર્ચા સત્રો, બિઝનેસ ઈવેન્ટ્સ વગેરે યોજશે.
આઈસીસીઆઈનાં પ્રેસિડેન્ટ ડો. રિતિકા યાદવે કહ્યું કે દેશ ભરમાં વેપાર સાહસિકતાને ઉત્તેજન આપવા અમે બીએસઈ સાથે જોડાણ કર્યું છે. અમે બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ વેપાર સાહસોના રોકાણકારો માટેના માહિલને સમૃદ્ધ કરીશું. અમારો હેતુ સરકારી એજન્સીઓ, દરિયા પારનાં વેપાર સાહસો અને ભારતીય કંપનીઓને દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક છત્ર હેઠળ લાવવાનો છે.
બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સના વડા અજયકુમાર ઠાકુરે કહ્યું કે દેશના અગ્રણી સ્ટોક  એક્સચેન્જ તરીકે સરકારના રાષ્ટ્ર ઘડતરના કાર્યમાં સહાય કરવી અમારી જવાબદારી છે. અમે માનીએ છીએ કે આઈસીસીઆઈ મારફત  વધુને વધુ સ્ટાર્ટઅપ્સ અને એસએમઈ લિસ્ટિંગના લાભ પ્રાપ્ત કરી શકશે અને મૂડીબજારમાં વધુ સારી કામગીરી કરી શકશે.એસએસએમઈઝ ઈક્વિટી મૂડી એકત્ર કરી શકે એ માટે બીએસઈએ તાજેતરમાં તેલંગણા સરકાર અને ગ્લોબલલિંકર સાથે જોડાણ કર્યું છે.

નવરાત્રિ-દશેરામાં મર્સિડીઝ-બેન્ઝે 550 કાર ડિલીવર કરી

નવી દિલ્હીઃ જર્મનીની લક્ઝરી કારઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે કહ્યું છે કે એણે આ વખતની નવરાત્રિ અને દશેરા દરમિયાનના દિવસોએ 550 કારોની ડિલિવરી કરી છે અને કંપની માટે તહેવારોની સિઝન પ્રોત્સાહક બની રહી છે.

કંપનીએ આ કારોની ડિલિવરી મુંબઈ, ગુજરાત અને દિલ્હી NCR અને ઉત્તર ભારતની અન્ય બજારોમાં કરી છે. કંપનીએ દિલ્હી NCR ક્ષેત્રમાં તહેવારોની સીઝનમાં 175 કારોની ડિલિવરી કરી છે. હવે આવતા મહિને દિવાળી અને ધનતેરસના સમયગાળા દરમિયાન મર્સિડીઝ-બેન્ઝ કારની નોંધપાત્ર માગ રહેવાની આશા છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કંપનીની વેચાણ કામગીરી પર ટિપ્પણી કરતાં મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO માર્ટિન શ્વેનકે કહ્યું હતું કે આ વર્ષે તહેવારોની સીઝન કંપની માટે પ્રોત્સાહક રહેવાની ધારણા છે અને અમે ગ્રાહકોનું સકારાત્મક સેન્ટિમેન્ટ જોઈને ખુશ છીએ.

તેમણે કહ્યું હતું કે  આ સિઝનમાં કંપનીની આટલી બધી કારોની ડિલીવરી કરી શકવાથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને આનાથી સાબિત થયું છે કે લક્ઝરી કારના ખરીદદારો મર્સિડીઝ-બેન્ઝ બ્રાન્ડ અને ઉત્પાદનો પર વિશ્વાસ ધરાવે છે. તેમણે કંપનીના આઉટલૂક માટે કહ્યું હતું કે હજી બાકીના તહેવારોના સમયગાળા અને ત્રિમાસિક ગાળામાં કારોનું વેચાણ વધે એવી આશા ધરાવીએ છે. અમે બજારમાં નવાં ઉત્પાદનો દાખલ થવાની સાથે ત્રિમાસિક ગાળો અને વર્ષના બાકીના ભાગમાં વેચાણની દ્રષ્ટિએ સારો રહે એ માટે પ્રયત્નશીલ છીએ.

મરાઠી અભિનેત્રી રૂપાલી ભોસલેનું નવરાત્રી વિશેષ ફોટોશૂટ ઈન્ટરનેટ પર વાઈરલ…

નવરાત્રી ઉત્સવ કોરોના વાઈરસની બીમારીને કારણે ઓછા ઉત્સવ સાથે, પરંતુ પરંપરાગત ભક્તિભાવ સાથે સંપન્ન થયો. મરાઠી ફિલ્મોની અભિનેત્રી રૂપાલી ભોસલેએ આ વખતનો ઉત્સવ અંગત સ્તરે અલગ રીતે ઉજવ્યો. ગયા શનિવારે સમાપ્ત થયેલા નવરાત્રી ઉત્સવ દરમિયાન 9 દિવસોએ જુદા જુદા રંગની સાડી પહેરીને માતાજીનાં 9-સ્વરૂપને તાદ્રશ કરતું ખાસ ફોટોશૂટ રૂપાલીએ કરાવ્યું હતું. આ વિવિધ લૂક ધારણ કરીને રૂપાલી એ કહેવા માગે છે કે દુર્ગા માતાની શક્તિ દરેક સ્ત્રીમાં હોય છે, દરેક સ્ત્રીની અંદર ‘દુર્ગા માતા’ છુપાયેલાં છે એટલે દરેક સ્ત્રીને સમાન ગણવી અને એને ક્યારેય ‘રમકડા’ સમાન ગણવી જોઈએ નહીં. આ ફોટોશૂટ જાણીતાં કોસ્ચ્યુમ અને સ્ટાઈલ બેન્ઝ ફેશન (તાન્યા)એ કર્યું હતું, જ્યારે મેકઅપ મનિષા કોલગેએ કર્યો હતો. આ તસવીરો રૂપાલીનાં ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

આત્મહત્યાનો વિચાર આવે છે? એક ફોન જોડો 

સુરતઃ સુરત જિલ્લાની કોઈ પણ વ્યક્તિ આત્મહત્યાના વિચાર આવે એ પહેલાં તે પોલીસનો સંપર્ક કરે એવું પોલીસ કહે છે, પણ આવું કોઈ કરે ખરું? મતલબ, તમે આત્મહત્યા કરવાનું નક્કી કરો એ પહેલાં તમે પોલીસનો સંપર્ક કરો ખરા?

હા, કરાય. સુરત પોલીસના અનુભવ મુજબ આ વાત સાચી છે. બહુ મૂંઝાયેલા, નદીના પુલ ઉપર પહોંચી ગયેલા, નહેરના કિનારે કૂદી પડતાં પહેલાં 10થી 12 લોકોએ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને આ અધિકારીઓએ તેમને મોત પાસેથી પાછા વાળ્યા છે.

આત્મહત્યા નિવારણ માટેની એક હેલ્પલાઇન

વાત એમ છે કે સુરત જિલ્લા પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ માટેની એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

તો એમાં નવું શું છે? એવો પ્રશ્ન થાય તો જાણી લો કે આ હેલ્પલાઇનમાં સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને જિલ્લાના ડીવાયએસપીના નંબરો આપવામાં આવ્યા છે અને તેમના અંગત નંબરનાં બોર્ડ નદીના પુલ ઉપર અને સુરત જિલ્લાનાં બજારોમાં બોર્ડ બનાવી મૂકવામાં આવ્યાં છે.

અધિકારીઓના ત્વરિત એક્શન

સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા ચિત્રલેખા.કોમ ને કહે છે કે છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના કેટલાક કેસ અમારી સામે આવ્યા છે. ગુના અટકાવીએ, આરોપીને પકડીએ પણ કોઈનું જીવન જતું રહે ત્યારે બીજા કોઈને કશો ફરક પડતો નથી પણ ભોગવવાનું માત્ર એ પરિવારે હોય છે. અમે ઉચ્ચ અધિકારીઓના નંબર એટલા માટે આપ્યા છે કે અધિકારીઓ પાસે કોઈ પણ માહિતી આવે એટલે તે લોકો કોઈ પણ એક્શન ઝડપથી લઇ શકે છે અને ઘણા બધા લોકોને દોડાવી શકે છે. એટલે અમે આ હેલ્પલાઇન શરૂ કરી છે. લોકો સંપર્ક પણ કરે છે અને અમારા અધિકારીઓના ત્વરિત એક્શનને કારણે 10-12 લોકોએ એકદમ આત્મહત્યાના વિચારથી પાછા વાળ્યા છે આવા કામ અમને સૌને, આખી ટીમને આવા કામ કરવાથી આત્મસંતોષ મળે છે.

યોગ્ય માર્ગદર્શન

કોઈ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતી વ્યક્તિ હોય, અથવા સામાજિક અને પારિવારિક સમસ્યા, આર્થિક સંકડામણ, એકલતા, વિદ્યાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સદાય તેમની સેવામાં તત્પર રહેશે. જિલ્લાની કોઈ પણ વ્યક્તિને આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિ મળે અને પોતાનું જીવન સારી અને સુખી રીતે જીવી શકે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવાની શરૂઆત કરી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમસ્યાથી હતાશ થઈ આત્મહત્યા ન કરે તેવાં તમામ પગલાં સુરત જિલ્લા પોલીસ લઈ રહી છે. સ્યુસાઇડ પોઇન્ટ પર ફ્લેક્સ બેનરો લગાવી એન્ટિ હેલ્પલાઇનના નંબરો દર્શાવવામાં આવ્યા છે. અને હવે આ જ મુદ્દાને આવરી  લેતી એક વિડિયો ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે.

સુરત જિલ્લા સ્યુસાઇડ હેલ્પલાઇન નંબર

  1. ઉષા રાડા (પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય) 99784 05082, 2. સી. એમ. જાડેજા (નાયબ પોલીસ અધિક્ષક સુરત ડિવિઝન), 99784 43889, 3. આર. એન. સોલંકી (નયાબ પોલીસ અધિક્ષક, બારડોલી ડિવિઝન) 99784 08075, 4. બી. વી. પંડ્યા (નાયબ પોલીસ અધિક્ષક. એસટી એસસી સેલ) 8469995707, 5. એમ. પી. ચૌધરી (નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક સુરત ગ્રામ્ય) 99784 08074, 6. એ. પી. બ્રહ્મભટ્ટ (પોલીસ ઇન્સ્પેક્ટર, એલઆઈબી શાખા) 98791 60545 પર સંપર્ક કરવાનો રહેશે.

(ફયસલ બકીલી-સુરત)

 

બિરલાની પુત્રીનાં પરિવાર સાથે અમેરિકાની રેસ્ટોરન્ટનો દુર્વ્યવહાર

વોશિંગ્ટન/મુંબઈઃ દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ કુમારમંગલમ બિરલાના પુત્રી અનન્યા બિરલાએ જાતિવાદી વ્યવહાર કરવાનો અમેરિકાની એક રેસ્ટોરન્ટ પર આરોપ મૂક્યો છે.

એક ટ્વીટ દ્વારા અનન્યા બિરલાએ કહ્યું છે કે વોશિંગ્ટનમાંની સ્કોપા ઈટાલિયન રૂટ્સ રેસ્ટોરન્ટે એમના પરિવારજનોને રીતસર બહાર ફેંકી દીધા હતા.

અનન્યાએ પોતાનાં ટ્વીટમાં એ રેસ્ટોરન્ટને ટેગ પણ કરી છે અને કહ્યું છે કે આ રેસ્ટોરન્ટે એના ગ્રાહકો સાથે યોગ્ય રીતે વર્તન કરતા શીખવાની જરૂર છે.

અનન્યાએ ટ્વીટમાં લખ્યું છે કે, આ રેસ્ટોરન્ટ @ScopaRestaurant એ મને અને મારાં પરિવારજનોને રીતસર એમની ઈમારતમાંથી બહાર ફેંકી દીધા હતા. કેટલું બધું જાતિવાદી વલણ કહેવાય. બહુ જ ખરાબ. તમારે ખરેખર તમારા ગ્રાહકો સાથે સારી રીતે વર્તન કરતા શીખવાની જરૂર છે. અત્યંત જાતિવાદી. આ બરાબર નથી.

એક બીજા ટ્વીટમાં, અનન્યાએ લખ્યું છે કે રેસ્ટોરન્ટના વેઈટરે મારી માતા સાથે અત્યંત ઉદ્ધત રીતે વર્તન કર્યું હતું.

અનન્યાએ લખ્યું છે કે વેઈટર જોશુઆ સિલ્વરમેન મારી માતા સાથે અત્યંત ઉદ્ધત રીતે વર્તી હતી. અત્યંત જાતિવાદી કહેવાય. આ બરાબર નથી.

અનન્યા બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાના પુત્રી છે. અનન્યા ગાયિકા પણ છે. એમનું પહેલું ગીત 2016માં રિલીઝ થયું હતું. એ પછી એમણે યુનિવર્સલ મ્યુઝિક ઈન્ડિયા કંપની સાથે કરારબદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓ ‘ક્યૂરોકાર્ટ’ ઈ-કોમર્સ કંપનીનાં સ્થાપક અને સીઈઓ પણ છે.

પ્યારની વાત – ૨૬ ઓક્ટોબર, ૨૦૨૦

પ્યારની વાત – ૨૬ ઓક્ટોબર, ૨૦૨૦

કોરોનાના કેસો 79 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 79 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,148 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 480 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 79,09,960 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,19,014 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 71,37,228 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 59,105 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,53,717એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.51 ટકા થયો છે.

રિકવરી રેટ વધીને 90 ટકા

ભારતે  વિશ્વના ભલભલા વિકસિત દેશોને કોરોના વાઇરસ સામેની લડાઈમાં પાછળ રાખીને મોટી સફળતા હાંસલ કરી છે. એક તરફ દેશમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ઘટી રહી છે તો બીજી બાજુ કોરોનાને માત આપનારાઓની સંખ્યા પણ આશ્ચર્યજનક રીતે વધી રહી છે. દેશમાં કોરોના સામેનો રિકવરી રેટ વધીને 90 ટકા પહોંચી ગયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

સંસદસભ્યો માટે ફૂડની વરાઇટી વધશે, સેલિબ્રિટી શેફની નિમણૂક

નવી દિલ્હીઃ સંસદના નવા ભવનના નિર્માણ સાથે સંસદના પ્રાંગણની વ્યવસ્થામાં પરિવર્તનની શરૂઆત થવા લાગી છે. 52 વર્ષ પછી સંસદ ભવનમાં રેલવેની કેન્ટીન હવે ઇતિહાસ બની જશે. લોકસભા સચિવાલયે રેલવે પાસેથી કેન્ટીનની જવાબદારી પરત લઈને એને 15 નવેમ્બરથી ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ITDC)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે ITDC સંસદની કેન્ટીન 15 નવેમ્બરથી ચલાવશે. સંસદસભ્યોના ભોજનમાં ગુણવત્તા લાવવા અને વરાઇટી વધારવા માટે ITDCએ સેલિબ્રિટી શેફની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે.

સંસદસભ્યો માટે ભોજન તૈયાર કરવા માટે શેફની નિમણૂક કરવામાં આવી છે, એમ સૂત્રોએ કહ્યું હતું. જોકે અધિકારીઓએ અત્યાર સુધી શેફની ઓળખનો કોઈ ખુલાસો નથી કર્યો. પ્રાપ્ત માહિતી અનુસાર જે શેફની નિમણૂક કરવામાં આવી છે, તે પાંચ વર્ષ સુધી દેશના રાષ્ટ્રપતિની સાથે કામ કરી ચૂક્યો છે અને તે શેફે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કેન્ટીનના ભોજન કાર્યોની દેખરેખ કરી છે. લોકસભા સચિવાલયે આ રાજ્ય દ્વારા સંચાલિત હોટેલ ચેઇનની યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આ સર્વિસમાં ધીમ-ધીમે પરિવર્તન થશે, અમે ભોજન સંબંધી આ કામગીરી 125-150 લોકોની સાથે શરૂ કરીશું, એમ અધિકારીએ કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કોવિડ-19 રોગચાળાને પગલે ITDC પ્રારંભમાં ચા, કોફી તેમ જ હર્બલ ઉકાળા અને પેક્ડ સ્નેક્સ જેવા નાસ્તાના પેકેટ, સેવઈ અને બિસ્કિટ પીરસવા સુધી સીમિત રહેશે. જોકે આવનારા બજેટ સત્ર સુધી સંસદમાં ભોજનની વરાઇટીમાં વધારો થવાની શક્યતા છે. આ ફૂડ સર્વિસ માત્ર મોટા સ્તરે મીટિંગમાં સામેલ થનારા પ્રતિનિધિમંડળ સુધી સીમિત રહેશે, જેમ કે વડા પ્રધાનની પ્રધાનમંડળ સાથેની મીટિંગ, સંયુક્ત સંસદીય સમિતિની બેઠકો, વિદેશી પ્રતિનિધિમંડળ વગેરે જેવા પ્રસંગોએ આ સર્વિસ પૂરી પાડવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ગયા સપ્તાહે સંસદના ઉત્તરીય રેલવેની સાથે 50 વર્ષથી વધૂ જૂના સંબંધોને ખતમ કર્યા છે. 1968માં સંસદ ભવન પ્રાંગણમાં ખાનપાનની દેખરેખ ઉત્તર રેલવે કરી રહી હતી. સંસદમાં ભોજન સંબંધી કાર્યની દેખરેખ અત્યાર સુધી  ઉત્તરી રેલવેના કર્મચારીઓ સંભાળતા હતા, પણ હવે ITDCની દેખરેખમાં કેન્ટીનનું કામકાજ થશે.

 

 

 

પંડ્યાની ફટકાબાજીને સ્ટોક્સની સદીએ ઝાંખી પાડી દીધી

અબુધાબીઃ આઈપીએલ-2020માં ગઈ કાલની લીગ મેચમાં ટેબલ-ટોપર મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સે કડવી હાર આપી. રાજસ્થાન ટીમની જીતનો હિરો બન્યો હતો બેન સ્ટોક્સ. ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે ફાંકડી સદી ફટકારી હતી અને 107 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એના 60 બોલના દાવમાં 3 છગ્ગા, 14 ચોગ્ગા સામેલ હતા. એણે અને વિકેટકીપર સંજુ સેમસન (54 નોટઆઉટ)એ ત્રીજી વિકેટ માટે 152 રનની અતૂટ ભાગીદારી કરીને રાજસ્થાન ટીમને જીત અપાવી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે તેના દાવમાં 20 ઓવરમાં પાંચ વિકેટે 195 રન કર્યા હતા. સ્ટોક્સ અને સેમસને 196 રનના ટાર્ગેટને મામુલી બનાવી દીધો હતો અને બે ઓવર ફેંકાવાની બાકી રાખીને એમની ટીમને 8-વિકેટે વિજય અપાવ્યો હતો. સેમસને તેના 31 બોલના દાવમાં 3 સિક્સ અને 4 બાઉન્ડરી ફટકારી હતી.

આઈપીએલ સ્પર્ધામાં સ્ટોક્સની આ બીજી સદી છે. ટ્વેન્ટી-20 ક્રિકેટમાં આ તેનો હાઈએસ્ટ સ્કોર બન્યો છે.

11 મેચમાંથી 7 જીતીને 14-પોઈન્ટ સાથે મુંબઈ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ (14) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (14) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (12) આવે છે. 14-મેચોના લીગ તબક્કાને અંતે જે ટોચની 4 ટીમ હશે એ પ્લે-ઓફ્ફમાં રમશે.

રાજસ્થાન રોયલ્સ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. કિંગ્સ ઈલેવન પંજાબ પાંચમા, સનરાઈઝર્સ હૈદરાબાદ 7મા અને ચેન્નાઈ સુપર કિંગ્સ તળિયાના – 8મા નંબરે રહી ગઈ છે.

સ્ટોક્સની સદીને કારણે મુંબઈના હાર્દિક પંડ્યાની આક્રમક હાફ સેન્ચુરી ઝાંખી પડી ગઈ હતી.

મુંબઈના દાવમાં, હાર્દિક પંડ્યાના 60 નોટઆઉટ રન મુખ્ય વિશેષતા બન્યા હતા. એણે માત્ર 21 બોલમાં જ આ રન ફટકાર્યા હતા. 6ઠ્ઠા ક્રમે રમવા ઉતરેલા પંડ્યાએ 7 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ઈશાન કિશને 37, સૂર્યકુમાર યાદવે 40, સૌરભ તિવારીએ 34 રન કર્યા હતા. કેપ્ટન પોલાર્ડ 6 રન કરી શક્યો હતો.

આઈપીએલમાં, પંડ્યા અને સ્ટોક્સ બહુ મોડેથી ફોર્મમાં આવ્યા છે. સ્ટોક્સ તેના કેન્સરગ્રસ્ત પિતાને મળવા ન્યૂઝીલેન્ડ ઘેર ગયો હતો અને ત્યાંથી યૂએઈ પહોંચ્યો ત્યારે આઈપીએલ-2020 સ્પર્ધા શરૂ થઈ ચૂકી હતી. એને ક્વોરન્ટાઈનમાં રહેવું પડ્યું હતું. ‘પ્લેયર ઓફ ધ મેચ’ સ્ટોક્સે ગઈ કાલે કહ્યું કે મારું આ ફોર્મ બે-ત્રણ મેચ પહેલા આવ્યું હોત તો મારી ટીમની હાલત અત્યાર કરતાં સારી હોત.