Home Blog Page 4876

રાષ્ટ્રપતિ, PM અને સંસદસભ્યોના પગારમાં કાપ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, પ્રધાનો અને સંસદસભ્યોના પગારમાં એક વર્ષ માટે 30 ટકાનો કાપ મૂકાશે. કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી. આ સાથે સંસદસભ્યોના ફંડને પણ બે વર્ષ માટે ટાળી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, સંસદસભ્યોના ફંડને કોરોના સામેના જંગમાં ઉપયોગમાં લેવામાં આવશે. જાવડેકરે જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2020થી આ નિર્ણય લાગુ થશે.

લોકડાઉન ક્યારે હટશે?

લોકડાઉન ક્યારે હટશે? આ સવાલના જવાબમાં જાવડેકરે કહ્યું હતું કે અમે પ્રતિ મિનિટ વિશ્વની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવામાં આવશે.

વટહુમને મંજૂરી

જાવડેકરે કહ્યું હતું કે સંસદસભ્યોના પગારમાં 30 ટકાના કાપના વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કેટલાંય રાજ્યોના રાજ્યપાલોએ પણ સ્વૈચ્છાએ પગારમાં 30 ટકા કાપ માટે પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન, પ્રધાનો અને સંસદસભ્યોએ એક વર્ષ માટે પગાર કાપનો આ નિર્ણય જાતે લીધો છે. જોકે તેમણે એ સ્પષ્ટ નહોતું કર્યું કે સંસદોના ભથ્થાંમાં કાપ મૂકવામાં આવશે કે નહીં.

તેમણે કહ્યું હતું કે સંસદસભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શનથી જોડાયેલા કાનૂન છે, એટલે વટહુકમથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદના આગામી સત્રમાં આ અધ્યાદેશ પર સંસદની મંજૂરી લેવામાં આવશે.

શું લોકડાઉન પછી ખુલી જશે સરકારી ઓફિસો?

નવી દિલ્હી: દેશભરમાં લાગુ 21 દિવસના લોકડાઉનના હવે અંતિમ તબક્કા શરુ થઈ ગયો છે. આ સ્થિતિમાં દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે, 14 એપ્રિલ પછી લોકડાઉન ખુલશે કે નહીં? સરકાર લોકડાઉન ખોલવા અંગેનો નિર્ણય આ સપ્તાહે લે તેવી શક્યતા છે. જ્યાં કોરોનાના એક પણ કેસ નથી એવા વિસ્તારોમાં સરકાર લોડડાઉન ખોલી શકે છે. સોમવારે કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ ઈશારો કર્યો કે, લોકડાઉન પછી તબક્કાવાર રીતે સરકારી ઓફિસ ખોલી શકે છે. આ સાથે જ વડાપ્રધાને આ મામલે મંત્રીઓને એક પ્લાન તૈયાર કરવા કહ્યું છે.

લોકડાઉનની સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે, જેનો પાકની કાપણી થવાની હતી અથવા તો કાપણી થઈને ખેતરમાં પડી હતી. આ સ્થિતિમાં ખેડૂતો મૂંઝવણમાં છે કે, કરે તો શું કરે? ખેડૂતોની મદદ માટે વડાપ્રધાન મોદીએ તેમના મંત્રીઓને ખાસ સલાહ આપી છે. મોદીએ કહ્યુ કે, ટ્રક અગ્રીગેટર્સ જેવા ઈનોવેટિવનો ઉપયોગ કરી ખેડૂતોને માર્કેટ સાથે જોડે.

મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે, કોરોના વિરુદ્ધ લડાઈ લાંબી ચાલવાની છે, દેશે લાંબી લડાઈ લડવા માટે તૈયાર રહેવું પડશે. આપણે લાંબી લડાઈ છતા જીતવાનું છે. વડાપ્રધાને કહ્યું કે, માઈક્રો લેવલ પર પ્લાનિંગ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, લોકડાઉન ખતમ થયા પછી ઉભી થનારી સ્થિતિ અંગે રણનીતિ બનાવવી જરૂરી છે. તેમણે તમામ મંત્રીઓને 10 મોટા નિર્ણયો અને 10 પ્રાથમિકતાવાળા વિસ્તારોની લિસ્ટ તૈયાર કરવા કહ્યું છે જે લોકડાઉન પછી કરવું જરૂરી છે. આ ઉપરાંત તેમણે તમામ વિભાગોને મેક ઈન ઈન્ડિયાને પ્રમોટ કરવાના ઉપાયો શોધવા પણ કહ્યું છે.

Exclusive chat with Tennis Player Harmeet Desai

શરમજનકઃ ઈરફાન પઠાણની નેટયુઝર્સે ટીકા કરી

વડોદરાઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવાના સંદર્ભમાં દેશમાં પ્રવર્તતા લોકડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે દેશભરમાં નાગરિકોએ રવિવાર પાંચ એપ્રિલે રાતે 9 વાગ્યે પોતપોતાના ઘરની લાઈટ બંધ કરી દીધી હતી અને 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અને મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ વડે પ્રકાશનો ફેલાવો કરીને મહાબીમારી સામેની લડાઈમાં એકતા પ્રદર્શિત કરી હતી.

એને કારણે #9baje9minute હેશટેગ ટ્રેન્ડિંગમાં રહ્યો હતો.

ગઈ કાલે એ 9 મિનિટ દરમિયાન લોકોએ પ્રકાશપર્વના સંદર્ભમાં પ્રકાશના ફેલાવાની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. એમાં અમુક તોફાની લોકોએ ફટાકડા પણ ફોડ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ફટાકડા ફોડનારાઓ વિશે નારાજગી વ્યક્ત કરી હતી. એણે ફટાકડા ફોડવાની તે પ્રવૃત્તિની ટ્વિટર પર ટીકા કરી હતી. એને પગલે અમુક લોકોએ જવાબમાં ઈરફાનની ટીકા કરી હતી. કેટલાકે ઝનૂની રીતે જવાબ આપ્યા હતા, ગાળો પણ લખી હતી.

પોતાની ટીકા કરનારાઓની ઈરફાને બાદમાં ઝાટકણી કાઢી હતી.

પહેલા ટ્વીટમાં ઈરફાને લખ્યું હતું કેઃ ‘લોકોએ ફટાકડા ફોડવાની શરૂઆત કરી ત્યાં સુધી બધું એકદમ સરસ રીતે ચાલ્યું હતું. #IndiaVsCorona’

પઠાણના આ ટ્વીટ બાદ એને ગંદી ગાળો દેતા મેસેજિસનો મારો શરૂ થયો હતો.

એના જવાબમાં, પઠાણે એવા કેટલાક જવાબી ટ્વીટ્સને ભેગા કરીને એક ટ્વીટ કર્યું હતું જેની કેપ્શનમાં લખ્યું હતું: ‘અમને બંબાવાળાઓની જરૂર છે, ટ્વિટર ઈન્ડિયા તમે મદદ કરી શકો ખરા?’

એક ઈન્ટરનેટ યુઝરે ઈરફાનને કહ્યું હતું કે તું આ ટ્રોલની અવગણના કર, પણ ઈરફાને કમેન્ટના વિભાગમાં જવાબમાં લખ્યું હતું કે, ‘લોકો શું કહે છે એની હું ચિંતા કરતો નથી. લોકો મારા ચરિત્રને જાણે છે, પણ ઝનૂન અટકવું જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, રવિવારે રાતે સચીન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત અનેક ક્રિકેટરો અને રમતવીરોએ મોદીની અપીલનું અનુસરણ કરીને લાઈટ બંધ કરીને પ્રકાશ ફેલાવ્યો હતો અને કોરોના સામેની લડાઈમાં એકતા પ્રદર્શિત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઈરફાન અને એના ક્રિકેટર ભાઈ યુસુફ પઠાણ પણ કોરોના વાઈરસને કારણે જાહેર કરાયેલા લોકડાઉનને લીધે મુશ્કેલીમાં આવી ગયેલા ગરીબ અને બેસહારા લોકોની મદદ માટે આગળ આવ્યા છે. બંને ભાઈએ જરૂરિયાતમંદ લોકો માટે 10 કિલો ચોખા અને 700 કિલો બટાટા દાન કરવાનો નિર્ણય લીધો છે.

માર્ચમાં સર્વિસિસ PMI 49.3ના સ્તરે

નવી દિલ્હીઃ માર્ચમાં દેશના સર્વિસિસ સેક્ટરનાં કામકાજમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચમાં PMI સર્વિસ ઇન્ડેક્સ 49.3 આંક રહ્યો હતો, જે ફેબ્રુઆરીમાં 85 મહિનામાં ઉચ્ચ સ્તર પર પહોંચીને 57.5 પોઇન્ટ હતો. આ PMI ઇન્ડેક્સ 50થી નીચે રહે છે, તો એ વેપારનું સંકોચન હોય છે અને જો 50થી ઉપર હોય છે તો વેપારનું વિસ્તરણ થાય છે. આ સર્વેક્ષણના આંકડા 12થી 27 માર્ચની વચ્ચેના છે.

સર્વિસ સેક્ટર પરની અસરનું અત્યાર સુધી આકલન નહીં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના સામૂહિક ફેલાવાને રોકવા માટે 14 એપ્રિલ સુધી 21 દિવસ લોકડાઉન કર્યું હતું. આને કારણે સર્વિસ ક્ષેત્રે માગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચમાં આઇએચએસ ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી 49.3 આવ્યો હતો. આઇએચએસ માર્કિટના અર્થશાસ્ત્રી જો હાએસે કહ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને લીધે ભારતીય સર્વિસિસ સેક્ટર પર જે અસર પડી છે, એનું પૂરી રીતે આકલન નથી કરવામાં આવ્યા. હજી આગળ આનાથી પણ ખરાબ સ્થિતિ થવાની છે. લોકડાઉનને કારણે દેશભરમાં દુકાનો બંધ છે, આવામાં સર્વિસિસ ક્ષેત્ર પર ભારે દબાણ છે.

કોરોનાને લીધે નિકાસ પણ પ્રતિકૂળ અસર

આ સર્વેક્ષણ મુજબ સ્થાનિક માગમાં ઘટાડાની સાથે-સાથે સર્વિસિસ ક્ષેત્રની નિકાસ પર પણ કોરોનાને લીધે પ્રતિકૂળ અસર પડી છે. સપ્ટેમ્બર, 2019 પછી સર્વિસ ક્ષેત્રની ભારતીય કંપનીઓની ઓર્ડર બુકમાં માર્ચમાં પહેલી વાર ઘટાડો જોવા મળ્યો હતો.

છેવટે કનિકા કપૂરને હોસ્પિટલમાંથી મળી મુક્તિ

નવી દિલ્હી: કોરોના વાઈરસ કોવિડ-19 પોઝિટીવ બોલીવુડ સિંગર કનિકા કપૂરને છેવટે હોસ્પિટલમાંથી છૂટ્ટી મળી ગઈ છે. કનિકાનો છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે. કોરોના વાઈરસથી સંક્રમણની પુષ્ટી થયા બાદથી કનિકા લગભગ 20 દિવસથી લખનૌથી સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ હતી. કનિકાનો આ સતત બીજો ટેસ્ટ છે, જે નેગેટિવ આવ્યો, ત્યારપછી જ તેમને હોસ્પિટલમાં ડિસ્ટચાર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, કનિકા કપૂર 9 માર્ચે લંડનથી ભારત આવી હતી અને ત્યારપછી તેમણે અનેક પાર્ટી અને સમારોહમાં ભાગ લીધો હતો. ત્યારપછી તેમની ઘણી ટીકા થઈ હતી અને કોરોના વાઈરસના લક્ષણો સામે આવ્યા પછી 20 માર્ચથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કનિકાનો પ્રથમ ટેસ્ટ લખનૌના કેજીએમયૂમાં થયો હતો, ત્યારપછી તેમણે સંજય ગાંધી પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમના કુલ 6 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કનિકાનો પાંચમો અને છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

કનિકા મૂળ લખનૌની રહેવાસી છે અને 1997માં લગ્ન પછી લંડન ચાલી ગઈ હતી. જોકે, 2012માં તેમનો તલાક થઈ ગયો અને તે મુંબઈ આવી ગઈ, જ્યાં તેમણે સિંગિંગમાં કેરિયર અજમાવ્યું. બોલીવુડમાં તેમના અનેક ગીતો હિટ ગયા છે.

મોદીની ભાજપના કાર્યકરોને પંચાગ્રહનું પાલન કરવા અપીલ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટીના 40માં સ્થાપના દિવસે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોંધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સાથીઓ અવિરત સેવા અભિયાન ચાલુ રાખવાનું છે. કોરોના યોદ્ધાઓનો આત્મવિશ્વાસ વધારવાનો છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાજીએ અને અમારી રાષ્ટ્રીય ટીમે એક યોજના ઘડી કાઢી છે. એને હું તમારી સમક્ષ રજૂ કરું છે. તમારે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાની છે.

PM Cares Fundમાં દાન કરો અને અન્યને પ્રેરિત કરો

PMCares Fundમાં દાન કરો અને બીજાને એમાં દાન આપવા માટે પ્રેરિત કરો. ભૂતકાળમાં યુદ્ધ દરમ્યાન આપણ માતા-બહેનોએ ઘરેણાં પણ આપ્યાં હતા. હાલની સ્થિતિ પણ એવી જ છે. માનવતાને બચાવવા માટે આ એક યુદ્ધ છે. હું પ્રત્યેક ભાજપના કાર્યકર્તાને અપીલ કરું છું કે તેઓ PMCares Fundમાં દાન આપે અને અન્યોને પણ દાન આપવા પ્રોત્સાહિત કરે, એમ વડા પ્રધાને કહ્યું હતું.

તેમણે ભાજપના કાર્યકરોને પંચાગ્રહ કરવા કહ્યું હતું.

  1. ગરીબો માટે જેટલી બને એટલી મદદ કરો.
  2. તમારી સાતે પાંચ અન્ય લોકોના માસ્ક બનાવો અને તેમને આપો
  3. દેશની સેવામાં લાગેલા લોકોનો આભાર માનો. આમાં ડોક્ટર્સ-નર્સ, સફાઈ કર્મચારી, પોલીસવાળા, બેન્ક પોસ્ટ ઓફિસ કર્મચારી અને સરકારી અધિકારીઓ સામેલ છે.
  4. 4 આરોગ્ય સેતુ વધુ ને વધુ લોકોના મોબાઇલમાં ડાઉનલોડ કરાવવાની છે. દરેક કાર્યકર્તાએ કમસે કમ 40 લોકોના ફોનમાં એ ડાઉનલોડ કરાવવા પ્રયાસો કરવા.
  5. યુદ્ધ સમયે જેમ બધા લોકો દેશને મદદ કરવા દાન આપે છે, એમ આ માનવતા વિરુદ્ધ જંગ છે. એટલે સમજીને બને એટલું PMCares Fundમાં દાન આપવા સમજાવો.

 

કોરોના સામેના જંગમાં વિજય નિશ્ચિત છે  PM

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કોરોના સામેના જંગમાં વિજય નિશ્ચિત છ. આ મુશ્કેલ સમયમાં દેશ એકજૂટ છે. આ લાંબી લડાઈ છે પણ આપણને બસ જીત જોઈએ છીએ. દેશવાસીઓએ ઘણો સાથ આપ્યો છે. તેમને કોટિ-કોટિ નમન કરું છું.

 

 

 

 

 

લોકડાઉનમાં સમયનો સદુપયોગઃ મલાઈકા ઓનલાઈન યોગ શીખે છે

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા, રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા ધનુષ, હોલીવૂડ અભિનેત્રી જેનિફર લોપેઝ અને એલેક્સ રોડ્રિગ્ઝ અને માર્ક મેસ્ટ્રોવ (જેને ફિટનેસ ક્ષેત્રના સ્ટીવ જોબ્સ કહેવામાં આવે છે) જેવી હસ્તીઓ લાઈવ યોગ સત્રના માધ્યમથી 14-દિવસના ઈમ્યુનિટી બિલ્ડર પ્રોગ્રામ સાથે સામેલ થઈ છે.

યોગ અને વેલનેસ સ્ટુડિયો ચેન ‘સર્વ’ (SARVA) દ્વારા શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમનો હેતુ એવા લોકોને વર્કઆઉટ ઉપલબ્ધ કરાવવાનો છે જેઓ કોરોના વાઈરસ રોગચાળાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં ફસાઈ ગયા છે, તેમજ આ માધ્યમ દ્વારા તેઓ તંદુરસ્ત રહી શકે.

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ભૂતપૂર્વ ભાભી મલાઈકા અરોરા ‘સર્વ એન્ડ ડિવા યોગા’ સંસ્થાનાં સહ-સ્થાપક છે. સર્વ ભારતની યોગા અને વેલનેસ સ્ટાર્ટ-અપ કંપની છે. એમાં જેનિફર લોપેઝ, બેઝબોલ સ્ટાર એલેક્સ રોડ્રિગ્ઝ અને મલાઈકા અરોરાએ મૂડીરોકાણ કર્યું છે.

‘સર્વ’નું લાઈવ પ્લેટફોર્મ 25 દેશોમાં એક મહિના સુધીમાં 7.5 હજાર લાઈવ સત્ર પ્રસ્તુત કરશે. એને ‘સર્વ’ અને ‘ડીવા’ (DIVA)ના 50 પ્રશિક્ષકો દ્વારા આયોજિત કરવામાં આવે છે.

હોલીવૂડ અભિનેત્રી, ગાયિકા, ડાન્સર અને સર્વમાં મૂડીરોકાણ કરનાર જેનિફર લોપેઝે કહ્યું છે કે, ‘મને એ વાતની ખુશી છે કે સુખાકારી અને યોગવિદ્યાની મુખ્ય બ્રાન્ડ ‘સર્વ’ વર્તમાન પરિસ્થિતિમાં તમામ દર્શકો માટે યોગને સરળ બનાવી રહી છે. મને આશા છે કે આ કંઈક એવું છે જે દુનિયાભરના લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. વેલનેસ અને યોગાની અગ્રગણ્ય બ્રાન્ડ ‘સર્વ’ યોગાના જન્મસ્થાનના દેશની છે એ વાતની પણ મને ખુશી છે. પ્રામાણિકતા અને આધુનિકતાનો સમન્વય કરવાના દ્રષ્ટિકોણને લીધે યોગવિદ્યા તમામ વય, તમામ ભાષાનાં લોકો સુધી પહોંચે છે.’

મલાઈકા અરોરાએ કહ્યું કે, ‘આ એવો સમય છે જેમાં આપણે સૌ એક મોટા પરંતુ સમાન કારણ વડે એકબીજા સાથે સંકળાયેલા છીએ. આ છે મહામારી અને ભવિષ્યને ધ્યાનમાં લઈને આવી મહામારીનો સામનો કરવા માટે આપણે આપણા સ્વાસ્થ્યને વધારે સારું રાખવું પડશે. મને એ વાતનો આનંદ છે કે આજકાલ દરેક જણ યોગવિદ્યા શીખવા તરફ વળી રહ્યા છે.’

‘સર્વ એન્ડ ડિવા યોગા’નું પાવર નેટવર્ક દુનિયાભરમાં પ્રસરેલું છે. એની ડિજિટલ પહોંચ 20 કરોડની છે. દુનિયાના વિવિધ દેશોનાં લોકોને યોગવિદ્યાથી જોડવા અને સંકલિત લાભો પ્રાપ્ત કરાવવાના ઉદ્દેશ્ય સાથે આ બ્રાન્ડની સ્થાપના કરવામાં આવી છે.

આ સંસ્થા લાઈવ ડોટ સર્વ ડોટ કોમ પર લાઈવ યોગ વર્ગ ચલાવે છે.

બીએસઈ ગ્રુપ, કર્મચારીઓ દ્વારા PM કેર ફંડમાં બે કરોડ રૂપિયાનું દાન

મુંબઈ: જ્યારે પણ દેશમાં મોટી આફત આવે છે ત્યારે જે અગ્રણી સંસ્થાઓ મદદનો હાથ લંબાવતી હોય છે અને તેમાં દેશનું અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈ મોખરે હોય છે.

અત્યારે દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે બીએસઈ ગ્રુપે વડાપ્રધાનના રાહતનિધિમાં બે કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણે આજે ટ્વિટ કર્યું હતું કે, COVID-19 સામેની લડતમાં અમે રાષ્ટ્રની પડખે છીએ. બીએસઈ ગ્રુપ અને તેના કર્મચારીઓએ પીએમ કેર ફંડમાં બે કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

અતિવૃષ્ટિ, પૂર, દુકાળ કે ભૂકંપ જેવી કોઈપણ આપત્તિ સમયે રાષ્ટ્રની સેવામાં તત્પર રહેવાની બીએસઈની પરંપરા રહી છે.

ICMR ને મળશે 7 લાખ ટેસ્ટિંગ કીટ મળશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસની તપાસ કીટની ઘટને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ વચ્ચે ICMR દ્વારા જણાવવામાં આવ્યું છે કે 8 એપ્રિલ સુધી 7 લાખ રેપિડ એન્ટી બોડી ટેસ્ટિંગ કીટ ભારતને મળશે. આની એ વિસ્તારોમાં વધારેમાં વધારે ટેસ્ટ કરવામાં મદદ મળશે કે જ્યાં કોરોનાના વધારે કેસો સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આઈસીએમઆરને તબક્કાવાર કીટની ડિલિવરી મળશે. આશા છે  તેમને પ્રથમ ચરણમાં 5 લાખ કીટ મળશે. આના માટે ઓર્ડર્સ આપી દેવામાં આવ્યા છે.

ભારતમાં નિઝામુદ્દીનના તબલીગી જમાત કાર્યક્રમમાં જોડાયેલા લોકોના કારણે કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિ થઈ છે. છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસના 490 જેટલા કેસો સામે આવ્યા છે. આનાથી ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 4000 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુનો આંકડો 109 પર પહોંચી ગયો છે. જો કે, આ દરમિયાન 292 જેટલા લોકો સાજા પણ થયા છે. આ પૈકી એક નામ કનિકા કપૂરનું પણ છે.