અમદાવાદ: શહેર કે ગામના મંદિરોના પ્રાંગણમાં કે માર્ગ પર આવેલા વટ વૃક્ષ નીચે આજે પરંપરાગત વસ્ત્રોથી સજ્જ તમામ વયની સ્ત્રીઓ પૂજા કરતી જોવા મળી. શાત્રોક્ત રીતે ચાલતા મંત્રોચ્ચાર સાથે વૃક્ષને ફરતે દોરાની આંટીઓ મારી પોતાની શ્રધ્ધા વ્યક્ત કરી. આ છે જેઠ સુદ પૂનમના દિવસે ઉજવાતુ વટ સાવિત્રીનું વ્રત..
આ વ્રત સાથે સત્યવાન અને સાવિત્રીની વાત જોડાયેલી છે. આ વાતના અનુસંધાને પરિણીત ભારતીય મહિલાઓ પોતાની ભાવના વ્રત સાથે વ્યક્ત કરે છે. પતિના લાંબા આયુષ્ય, પરિવારમાં સુખ અને શાંતિ અને બાળકોના જન્મની કામના માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે.
એક માન્યતા પ્રમાણે સાવિત્રીએ પોતાના દૃઢ નિશ્ચય અને તપસ્યા દ્વારા પોતાના મૃત પતિ સત્યવાનને યમરાજ પાસેથી પાછા લાવ્યા હતા. ત્યારથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય અને વૈવાહિક સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે.
હિન્દુ કેલેન્ડર મુજબ આ વ્રત પ્રાંત પરંપરા અને તીથીઓ પ્રમાણે ઉજવવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રતની જેઠ સુદ પૂનમના દિવસે પણ ઉજવવામાં આવે છે. મહિલાઓ વડના વૃક્ષ નીચે જઇ જમીનને શુદ્ધ કરી દીવો, ધૂપ, ફળો, ફૂલો, સિંદૂર, સુતરાઉ દોરા સાથેનો પૂજાપો લઈ પૂજા કરે છે. વટ સાવિત્રી વ્રત ઉત્તર ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્ર ગુજરાતમાં પરંપરા મુજબ ઉજવવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




