મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર આવેલ પંચકવાસા ગામ નજીક રવિવારે બપોરે આશરે 1 વાગ્યે એક અત્યંત કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉજ્જૈનથી ભગવાન મહાકાલના દર્શન કરીને વૅનમાં ગુજરાત તરફ પરત ફરી રહેલા યુવાનોની કારને સામેથી આવી રહેલા એક અનિયંત્રિત ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભીષણ ટક્કરમાં વૅનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા અને વૅનમાં સવાર 6 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 1 યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

બધા જ મૃતકો ગુજરાતના વડોદરાના રહેવાસી
આ દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ યુવાનો ગુજરાતના વડોદરા શહેરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ બદનાવરના ટીઆઈ અણિત સિંહ કુશવાહ અને તહસીલદાર સુરેશ નાગર પોલીસ કાફલા સાથે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી વૅનમાં ફસાયેલા મૃતદેહો અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને બહાર કાઢ્યા હતા. ઘાયલ યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ બદનાવર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
રોંગ સાઈડથી આવી રહેલું લોખંડ ભરેલું ટ્રેલર બન્યું કાળ
સ્થાનિક ગ્રામજનો અને ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, મારુતિ ઈકો કાર (GJ 17 CK 6134) માં સવાર યુવકો ઉજ્જૈનથી ગુજરાત તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર રોંગ સાઈડથી ઉજ્જૈન તરફ જઈ રહેલા અને લોખંડના સામાનથી ભરેલા એક ટ્રેલરે (GJ 39 DB 9248) સામેથી ઈકો કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.
કાચ તોડીને મૃતદેહો બહાર કઢાયા
અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ લોકો અંદર જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ 10 મિનિટમાં પહોંચી ગઈ હતી. પોલીસે કારની બારીના કાચ તોડીને અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે તહસીલદાર સુરેશ નાગર અને SDM પ્રિયંકા મિમરોદ પણ પહોંચી ગયા હતા.
અકસ્માતના કારણે ફોરલેન પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ગુજરાતમાં રહેતા મૃતકોના પરિવારોને ઘટના અંગે જાણ કરી દીધી છે. તમામ મૃતદેહોનું પંચનામું કરીને તેમને બદનાવર સિવિલ હોસ્પિટલના મોર્ચેરીમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

