Home Blog Page 4298

IITG ની દીપા દીક્ષિતે ગાંધીયન યંગ ટેક્નોલોજી એવોર્ડ 2020 જીત્યો

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT-ગાંધીનગર)ની કેમિકલ એન્જિનિયરિંગ શાખામાંથી હાલમાં જ પીએચડી સ્નાતક દીપા દીક્ષિતે સ્ટુડન્ટ્સ ઇનોવેશન્સ ફોર એડવાન્સમેન્ટ ઓફ રિસર્ચ એક્સપ્લોરેશન- ગાંધીયન યંગ ટેક્નોલોજી ઇનોવેશન (SITARE-GYTI)ની કેટેગરીમાં ગાંધીયન યંગ ટેક્નોલોજી ઇનોવેશન એવોર્ડ જીત્યો છે. પાંચમી નવેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલા SITARE-GYTI અને SRISTI-GYTI એવોર્ડ્સના વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા.

SITARE-GYTI  એવોર્ડ મેળવનારા દેશભરના 14 વિદ્યાર્થીઓમાંથી દીપા એક છે. જેમને સંબંધિત ક્ષેત્રોના અગ્રણી પ્રોફેસરો અને વૈજ્ઞાનિકો દ્વારા સખત સમીક્ષા પ્રક્રિયા બાદ પસંદ કરવામાં આવ્યા હતા. આ વર્ષે SITARE-GYTI  એવોર્ડ કેટેગરીમાં 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 96 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સ્ટુડન્ટ ઇનોવેટર્સની 250 એન્ટ્રી મળી હતી.

દીપાને આ એવોર્ડ એક નોન-ઇલેક્ટ્રિક અને એફોર્ડેબલ સર્ફેસ એન્જિનિયર્ડ પાર્ટિકલ બેઝ્ડ પોઇન્ટ-ઓફ-યુઝ વોટર ડિસઇન્ફેક્શન સિસ્ટમ વિકસાવવામાં મળ્યો છે. દીપાનો ઉદ્દેશ એક ઓછા ખર્ચાળ અને ઉપયોગમાં સરળ હોય એવું પીવાના પાણીનું ફિલ્ટર વિકસાવવાનો હતો, જે ઓછી આવકવાળા જૂથોમાં પાણી ઉકાળવાની અને ક્લોરિનેશનની પરંપરાગત ઉપચાર પદ્ધતિઓને બદલી શકે.

દીપાએ તેમના પીએચડી માર્ગદર્શક પ્રો. ચિન્મય ઘોરોઈના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.

 

 

ઇસરોએ PSLV-C49થી 10 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા

શ્રીહરિકોટાઃ ઇસરોએ PSLV-C49એ શનિવારે 10 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. આમાં ભારતના નવીનતમ ભૂ-પર્યવેક્ષણ ઉપગ્રહ EOS-01 અને ગ્રાહકોના નવ અન્ય ઉપગ્રહો સામેલ છે. એમને પ્રક્ષેપણ પછી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા.આ વર્ષે ISROનું આ પ્રથમ મિશન હતું.ધ્રુવીય ઉપગ્રહ યાને (PSLV-C49/EOS-01ને) 26 કલાકની ઊલટી ગણતરી પછી ત્રણ કલાકને 12 મિનિટે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.

વડા પ્રધાન મોદીએ પણ આ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવા બદલ ઇસરોને અભિનંદન આપ્યાં હતાં.

ઇસરોએ કહ્યું હતું કે પ્રક્ષેપણનો સમય પહેલાં ત્રણ કલાક અને બે મિનિટ નક્કી કરવામાં આવ્યો હતો, પણ યાનના માર્ગમાં કાટમાળ હોવાને કારણે એમાં 10 મિનિટનું મોડું થયું હતું

શું છે EOS01ની ખાસિયતો?

તે રડાર ઇમેજિંગ સેટેલાઈટછે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકશે. તે દિવસ અને રાત અને બધી ઋતુઓમાં ફોટા લેવામાં સક્ષમ છે. આ સેટેલાઈટ દ્વારા આકાશમાંથી દેશની સરહદો પર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, ખેતી, જંગલ, માટીમાં ભેજનું પ્રમાણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મદદ નિવડશે. એટલે કે સરહદોની સુરક્ષાની સાથો સાથ કુદરતી આફતો સામે પણ આ ઉપગ્રહ રક્ષણ પૂરું પાડશે.

શનિવારના લોન્ચિંગ સાથે ISROનો વિદેશી સેટેલાઇટ મોકલવાનો આંકડો 328 પર પહોંચી ગયો છે. ઇસરોનું આ 51મું મિશન હતું. ઇસરો તેની વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ટ્વિટર પેજ પર પણ LIVE ટેલિકાસ્ટપણ કર્યું હતું.

વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર એસ સોમનાથે કહ્યું હતું કે PSLV-C49 પછી ડિસેમ્બરમાં PSLV-C50 લોન્ચ કરવાની યોજના છે. એક લોન્ચ પછી બીજા માટેની તૈયારીમાં લગભગ 30 દિવસનો સમય લાગે છે.

 

 

 

 

સુરત અને ભરૂચમાં ભૂકંપનો આંચકો

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં આ ભૂકંપનો બપોરે 3.40 કલાકે આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3ની હતી. આ ભૂકંપનો આંચકો બારડોલી સુધી અને બીજી બાજુ, ગોધરા દાહોદ, હાલોલ અને પંચમહાલ સુધી, વડોદરામાં સાવલી સુધી આ આંચકો અનુભવવામાં આવ્યો હતો.

આ ભૂકંપ 70 કિલોમીટર સુધી અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાને લીધે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકાને લીધે સુરતમાંથી મોટી ઇમારતોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. હાલ કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચ નજીક 36 કિલોમીટર દૂર હતું.

 

 

દિવાળીમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમ જ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. દિવાળીના તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ  મૂકવામાં આવ્યો છે.

રાજ્યમાં લોકોએ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે. હવે જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. તેમ જ ગેરકાયદે આયાત કરાતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદે વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

ફટાકડાનો ધુમાડો કોરોનાના દર્દીઓ માટે જોખમી

ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડ્યા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા બાદ પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ નિષ્ણાતો આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.

 

 

 

 

 

બાઇડનને જીતનો વિશ્વાસ, ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને કહ્યું હતું કે તેઓ વ્હાઇટ હાઉસની રેસમાં જીત હાંસલ કરવા જઈ રહ્યા છે ચૂંટણીની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ રાજ્યો પેનસિલ્વેનિયા અને જ્યોર્જિયામાં મત ગણતરીમાં પ્રતિદ્વંદ્વી ડોનાલ્ડ ટ્રમ્પથી તેઓ આગળ ચાલી રહ્યા છે. બાઇડન જીતની નિકટ પહોંચી ગયા છે.

538માંથી 264 ઇલેક્ટોરલ કોલેજ વોટ હાંસલ કરી ચૂક્યા છે બાઇડન

ગઈ કાલે રાત્રે બાઇડન 538માંથી 264 ઇલેક્ટોરલ કોલેજ વોટ હાંસલ કરી ચૂક્યા છે. તેમને જીત હાંસલ કરવા માટે હવે માત્ર છ ઇલેક્ટોરલ કોલેજ વોટની જ જરૂર છે. કેટલાંકક રાજ્યોમાં મત ગણતરી પૂરી નહીં થવાને કારણે બાઇડનની જીતની ઘોષણા નથી કરવામાં આવી, પણ અપેક્ષા એવી છે કે અંતિમ ચૂંટણી પરિણામ આવશે ત્યારે તેઓ જ વિજેતા હશે. તેમણે રાતે ડેલોવરના વિલ્મિંગ્ટનમાં ચૂંટણી ઝુંબેશની મુખ્ય ઓફિસથી દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે મારા સાથે અમેરિકાવાસીઓ, હજી જીતની અંતિમ ઘોષણા નથી થઈ, પરંતુ આંકડા જણાવે છે કે આપણે રેસમાં જીતવા જઈ રહ્યા છીએ.

બાઇડનને 300થી વધુ ઇલેક્ટોરલ કોલેજ વોટ મળવાની આશા

પેનસિલ્વેનિયા, એરિઝોના, નેવાડા અને જ્યોર્જિયામાં છેલ્લા 24 કલાકથી મત ગણતરીમાં મળેલી સરસાઈથી તેમણે કહ્યું હતું કે 300થી વધુ ઇલેક્ટોરલ કોલેજ વોટ મેળવવાની રાહ પર છે.

બીજી બાજુ, ટ્રમ્પે હાર નથી માની અને કહી રહ્યા છે કે જો બાઇડનનો રાષ્ટ્રપ્રમુખ પદ પર જીતનો દાવો ના કરવો જોઈએ. હું પણ દાવો કરી શકું છું. કાનૂની કાર્યવાહી હજી શરૂ થઈ રહી છે.

વર્ષ 2000ની જેમ કોર્ટનો હસ્તક્ષેપ ઇચ્છતા ટ્રમ્પ

ટ્રમ્પ છેલ્લા બે દિવસથી કહી રહ્યા છે કે કોર્ટે જે રીતે 2000માં ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. તેઓ આ વખતે પણ આવું ઇચ્છી રહ્યા છે. એ સમયે જ્યોર્જ ડબ્લ્યુ બુશને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં પાંચ જસ્ટિસે બુશની તરફેણમાં અને ચાર જસ્ટિસોએ તેમની વિરુદ્ધ ફેંસલો આપ્યો હતો. આ સમયે સુપ્રીમ કોર્ટમાં છ સભ્યો કન્ઝર્વેટિવ છે, જેમાંથી ત્રણને ટ્રમ્પને નોમિનેટ કર્યા છે.

ચૂંટણીમાં ગેરરીતિનો દાવો કરનારા ટ્રમ્પે કહ્યું હતું કે અમે અમેરિકી સુપ્રીમ કોર્ટમાં જઈશું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમેરિકી  સુપ્રીમ કોર્ટે ફેંસલો કરવો જોઈએ. પેન્સિલ્વેનિયાની કોર્ટે મતો પ્રાપ્ત કરવા અને મેલ દ્વારા મતોની ગણતરી કરવા માટે ત્રણ વધારાના દિવસની મંજૂરી આપી હતી. જોકે ટ્રમ્પે આનો વિરોધ કર્યો હતો.

 

 

 

 

કોરોનાના 50356 નવા કેસ, 577નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 84 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 50,356 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 577 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 84,62,080 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,25,562 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 78,19,886 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,16,632એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.32 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

કોરોના દર્દીઓ ડિપ્રેશનથી પીડિત

દેશમાં લોકોની માનસિક સ્થિતિ પર કોરોના વાઇરસની ખરાબ અસર થઈ રહી છે, જેને કારણે મેન્ટલ હેલ્થકેર વ્યવસ્થાએ ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઇડલાઇનમાં લોકોના ત્રણ જૂથોમાં વહેંચવામાં આવી છે, જે કોરોનાને કારણે માનસિક રીતે પ્રભાવિત છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓ માનસિક સમસ્યાઓનો અનુભવ કરી શકે છે.  આમાંથી 30 ટકા લોકોને ડિપ્રેશનનો શિકાર થવાની શક્યતા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

દિવાળીમાં 5.51 લાખ દીપથી અયોધ્યા ઝળાહળા થશે

લખનઉઃ દિવાળીનો તહેવાર ભગવાન શ્રીરામના અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં ઊજવવામાં આવે છે. જેથી ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં તો દિવાળી ભવ્ય રીતે ઊજવવામાં આવશે. વળી, આ વખતે તો રામ લલાના મંદિરનું કામ શરૂ થવાથી દિવાળી વધુ ખાસ થઈ ગઈ છે. હવે સરકાર પણ દિવાળી ઊજવવાની તૈયારીમાં લાગી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકાર કોવિડ-19ના નિયમોનું પાલન કરતાં આ વખતે અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ ઊજવવાની તૈયારી કરી રહી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે દીપોત્સવ-2020 પર અયોધ્યામાં શ્રીરામની પૈડી પર 5.51 લાખ દીપ પ્રગટાવવામાં આવશે.

દીપોત્સવની તૈયારીઓની સમીક્ષા

મુખ્ય પ્રધાન અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે નિર્દેશ આપ્યો છે કે દીપેત્સવ-2020 દરમ્યાન પ્રતિદિન અલગ-અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે અને દરેક આયોજનમાં કોવિડ-19ના પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવે.

ભવ્ય દીપોત્સવની પરંપરા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. મુખ્ય પ્રધાન આદિત્યનાથ દીપોત્સવ પર અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં પહોંચીને રામલલાનાં દર્શન કરશે અને ત્યાં દીપ પ્રજ્વલિત કરશે. તેમના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની સાથે દિવાળીએ અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની પરંપરા શરૂ થઈ છે અને પ્રતિ વર્ષ એની ભવ્યતા વધી રહી છે.

મુખ્ય પ્રધાને દીપોત્સવ-2020ના પર્વ પર સરયુ નદીની ભવ્ય એવમ્ દિવ્ય આરતીની વ્યવસ્થા કરવાની અને અયોધ્યાને ભવ્ય શણગાર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. શ્રીરામ જન્મભૂમિ, કનક ભવન, રામ કી પૈડી, હનુમાન ગઢી સહિત બધાં મંદિરોમાં લાઇટથી સાજ-શણગાર કરવામાં આવશે. આ પ્રકારે પૂલો, લાઇટના થાંભલા પર LED લાઇટ લગાડવામાં આવશે. આનાથી દીપોત્સવની શોભામાં વધારો થશે.

મઠ, મંદિરો અને ઘરોમાં દીપ પ્રગટાવાશે

ઉત્તર પ્રદેશના પર્યટન વિભાગ, અયોધ્યાનું જિલ્લા વહીવટી તંત્ર અને ડોક્ટર રામ મનોહર લોહિયા યુનિવર્સિટીના સંયુક્ત તત્ત્વાધાનમાં 12થી 16 નવેમ્બર સુધી દાપોત્સવનું આયોજન કરવામાં આવશે. મુખ્ય પ્રધાને કહ્યું છે કે દીપોત્સવ પર અયોધ્યાના બધા મઠ, મંદિરો અને ઘરોમાં દીપ પ્રગટાવવાની વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી ભગવાન શ્રીરામની નગરી દીપોના પ્રકાશની ઝળહળી ઊઠે. તેમણે મઠ, મંદિરોમાં ભજન અને રામાયણના પાઠનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.

 

 

વાહ ભાઈ વાહ! ૭ નવેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૭ નવેમ્બર, ૨૦૨૦

Editors’ Hour Episode 2

૭ નવેમ્બર ૨૦૨૦

૭ નવેમ્બર ૨૦૨૦