ઇસરોએ PSLV-C49થી 10 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા

શ્રીહરિકોટાઃ ઇસરોએ PSLV-C49એ શનિવારે 10 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. આમાં ભારતના નવીનતમ ભૂ-પર્યવેક્ષણ ઉપગ્રહ EOS-01 અને ગ્રાહકોના નવ અન્ય ઉપગ્રહો સામેલ છે. એમને પ્રક્ષેપણ પછી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા.આ વર્ષે ISROનું આ પ્રથમ મિશન હતું.ધ્રુવીય ઉપગ્રહ યાને (PSLV-C49/EOS-01ને) 26 કલાકની ઊલટી ગણતરી પછી ત્રણ કલાકને 12 મિનિટે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.

વડા પ્રધાન મોદીએ પણ આ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવા બદલ ઇસરોને અભિનંદન આપ્યાં હતાં.

ઇસરોએ કહ્યું હતું કે પ્રક્ષેપણનો સમય પહેલાં ત્રણ કલાક અને બે મિનિટ નક્કી કરવામાં આવ્યો હતો, પણ યાનના માર્ગમાં કાટમાળ હોવાને કારણે એમાં 10 મિનિટનું મોડું થયું હતું

શું છે EOS01ની ખાસિયતો?

તે રડાર ઇમેજિંગ સેટેલાઈટછે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકશે. તે દિવસ અને રાત અને બધી ઋતુઓમાં ફોટા લેવામાં સક્ષમ છે. આ સેટેલાઈટ દ્વારા આકાશમાંથી દેશની સરહદો પર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, ખેતી, જંગલ, માટીમાં ભેજનું પ્રમાણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મદદ નિવડશે. એટલે કે સરહદોની સુરક્ષાની સાથો સાથ કુદરતી આફતો સામે પણ આ ઉપગ્રહ રક્ષણ પૂરું પાડશે.

શનિવારના લોન્ચિંગ સાથે ISROનો વિદેશી સેટેલાઇટ મોકલવાનો આંકડો 328 પર પહોંચી ગયો છે. ઇસરોનું આ 51મું મિશન હતું. ઇસરો તેની વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ટ્વિટર પેજ પર પણ LIVE ટેલિકાસ્ટપણ કર્યું હતું.

વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર એસ સોમનાથે કહ્યું હતું કે PSLV-C49 પછી ડિસેમ્બરમાં PSLV-C50 લોન્ચ કરવાની યોજના છે. એક લોન્ચ પછી બીજા માટેની તૈયારીમાં લગભગ 30 દિવસનો સમય લાગે છે.