IITG ની દીપા દીક્ષિતે ગાંધીયન યંગ ટેક્નોલોજી એવોર્ડ 2020 જીત્યો

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT-ગાંધીનગર)ની કેમિકલ એન્જિનિયરિંગ શાખામાંથી હાલમાં જ પીએચડી સ્નાતક દીપા દીક્ષિતે સ્ટુડન્ટ્સ ઇનોવેશન્સ ફોર એડવાન્સમેન્ટ ઓફ રિસર્ચ એક્સપ્લોરેશન- ગાંધીયન યંગ ટેક્નોલોજી ઇનોવેશન (SITARE-GYTI)ની કેટેગરીમાં ગાંધીયન યંગ ટેક્નોલોજી ઇનોવેશન એવોર્ડ જીત્યો છે. પાંચમી નવેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલા SITARE-GYTI અને SRISTI-GYTI એવોર્ડ્સના વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા.

SITARE-GYTI  એવોર્ડ મેળવનારા દેશભરના 14 વિદ્યાર્થીઓમાંથી દીપા એક છે. જેમને સંબંધિત ક્ષેત્રોના અગ્રણી પ્રોફેસરો અને વૈજ્ઞાનિકો દ્વારા સખત સમીક્ષા પ્રક્રિયા બાદ પસંદ કરવામાં આવ્યા હતા. આ વર્ષે SITARE-GYTI  એવોર્ડ કેટેગરીમાં 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 96 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સ્ટુડન્ટ ઇનોવેટર્સની 250 એન્ટ્રી મળી હતી.

દીપાને આ એવોર્ડ એક નોન-ઇલેક્ટ્રિક અને એફોર્ડેબલ સર્ફેસ એન્જિનિયર્ડ પાર્ટિકલ બેઝ્ડ પોઇન્ટ-ઓફ-યુઝ વોટર ડિસઇન્ફેક્શન સિસ્ટમ વિકસાવવામાં મળ્યો છે. દીપાનો ઉદ્દેશ એક ઓછા ખર્ચાળ અને ઉપયોગમાં સરળ હોય એવું પીવાના પાણીનું ફિલ્ટર વિકસાવવાનો હતો, જે ઓછી આવકવાળા જૂથોમાં પાણી ઉકાળવાની અને ક્લોરિનેશનની પરંપરાગત ઉપચાર પદ્ધતિઓને બદલી શકે.

દીપાએ તેમના પીએચડી માર્ગદર્શક પ્રો. ચિન્મય ઘોરોઈના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.