Home Blog Page 429

રાજ્યમાં વાવાઝોડાની શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય છે, જેથી આગામી 24 કલાક ખૂબ જ નિર્ણાયક છે કારણ કે આ સમયગાળામાં લો-પ્રેશર સંપૂર્ણ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. બીજી તરફ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ડબલ સિસ્ટમને કારણે ઉત્તર-પૂર્વ ચોમાસું વધુ સક્રિય બનશે અને દક્ષિણનાં રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસાવશે.

હવામાન વિભાગના રિપોર્ટ મુજબ હાલમાં આ સિસ્ટમ જમીની સીમાથી લગભગ 1000 કિમી દૂર છે અને ધીમે-ધીમે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. 26 નવેમ્બર બાદ તે સ્પષ્ટ થશે કે વાવાઝોડું તામિલનાડુ-આંધ્રના તટ તરફ જશે કે પછી ઉત્તર તરફ વળીને ઓડિશા અને બાંગ્લાદેશ તરફ ફંટાશે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી આપી છે.

નવેમ્બરના અંતિમ સપ્તાહથી લઈને ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા અને પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે રાજ્યમાં ઠંડીની વધઘટ સાથે માવઠાના યોગ સર્જાઈ રહ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે આ ચક્રવાતની ગુજરાત પર ઓછી અસર થવાની શક્યતા છે. 

આ ચક્રવાતની મુખ્ય અસર દક્ષિણ-પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જો દક્ષિણ-પૂર્વ ભારતમાં તેની અસર થાય, તો તેની આડઅસરરૂપે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર આવી શકે છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હવામાન પલટો આવી શકે છે.

હાલમાં રાજ્યમાં ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. પરંતુ જેમ-જેમ સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ-તેમ ઠંડી વધશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હળવા પશ્ચિમી વિક્ષેપો આવવાનું શરૂ થશે, જેને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. ડિસેમ્બરના મધ્ય સુધીમાં પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.

 

વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ સેન્સેક્સ 1000 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક તેજીની વચ્ચે ઘરેલુ શેરબજારમાં તેજી થઈ હતી. અમેરિકી અને એશિયન બજારોની મજબૂતીની અસર ઘરેલુ શેરબજારના સેન્ટિમેન્ટ પર પ્રોત્સાહક અસર પડી હતી.ફેડરલ રિઝર્વના વ્યાજદરોમાં એક વધુ કાપની અપેક્ષાએ સ્થાનિક શેરોમાં તેજી થઈ હતી. IT અને PSU બેન્કોમાં તેજીથી બજારને સપોર્ટ મળ્યો હતો રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.5 લાખ કરોડનો વધારો થયો હતો.

ડિસેમ્બરમાં અમેરિકામાં વ્યાજદરમાં કાપની અપેક્ષાએ બજારમાં વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા દેશોમાં નાણાં ઠાલવે છે, જેથી બજારની તેજીને વેગ મળ્યો હતો.  Fiiએ ગઈ કાલે રૂ. 785 કરોડની લેવાલી કરી હતી, જ્યારે DIIએ આશરે રૂ. 3912 કરોડની લેવાલી કરી હતી.આ સાથે ક્રૂડ ઓઇલ 63 ડોલરની નીચે આવતાં ભારતનું આયાત બિલ ઘટશે. મોંઘવારી પર દબાણ ઓછું થશે. આ સાથે યુક્રેન-રશિયા યુદ્ધ ખતમ થવાની અપેક્ષાએ સેન્ટિમેન્ટ સુધર્યું હતું. જો યુદ્ધ અટકશે તો વૈશ્વિક સપ્લાય સુધરશે અને ઓઇલ અને કોમોડિટીની કિંમતો નરમ પડશે. આ સાથે નિફ્ટી નવ અને 20 DMAની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ સાથે ડિસેમ્બરમાં રિઝર્વં બેન્ક પણ વ્યાજદરોની સમીક્ષા કરતી વખતે વધુ એક વ્યાજકાપ કરે એવી અપેક્ષા છે. જેની સીધી અસર શેરબજારના સેન્ટિમેન્ટ પર પડી હતી.

BSE પર કુલ 4325 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2812 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1359 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 154 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 111 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 170 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 188 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 172 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

પાકિસ્તાનને હિંદુ-ખ્રિસ્તીઓ પર અત્યાચાર માટે અમેરિકાની ફટકાર

ન્યુ યોર્ક: પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો—હિંદુ, શીખ અને ખ્રિસ્તી સમુદાય—પર સામાન્ય નાગરિકો તેમ જ સરકાર દ્વારા સતત ભેદભાવ થતો રહ્યો છે, એ કોઈ નવી વાત નથી. પાકિસ્તાન સરકારની આ હરકત પર હવે અમેરિકાના એક સેનેટરે પણ ધ્યાન દોર્યું છે. તેમણે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની ધાર્મિક સ્વતંત્રતાના દમન અને તેમના વિરોધમાં ચાલી રહેલી ભેદભાવપૂર્ણ નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનની ટોચની માનવાધિકાર સંસ્થાએ એક અહેવાલ જાહેર કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસામાં ચિંતાજનક વધારો થયો છે. એ સાથે જ હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓના જબરદસ્તી ધર્માંતરણના કેસો વધી રહ્યા છે. સગીર છોકરીઓના પરિવારમાં સંમતિ વગર તેમની સાથે લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. આવા બનાવોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકન સેનેટની વિદેશ સંબંધ સમિતિના અધ્યક્ષ, સેનેટર જિમ રિશે એક પોસ્ટ દ્વારા પાકિસ્તાનની ટીકા કરી હતી.

સેનેટર જિમ રિશે X પર પોસ્ટ કર્યું  હતું કેપાકિસ્તાન સરકાર ઈશનિંદા કાયદા અને અન્ય ભેદભાવપૂર્ણ નીતિઓ અમલમાં મૂકી અલ્પસંખ્યક સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા દબાવી રહી છે. અહીં મોબ હિંસા, હેટ સ્પીચ, મનમાની ધરપકડ અને જબરન ધર્માંતરણને કારણે અસહિષ્ણુ વાતાવરણ વારંવાર અનિયંત્રિત બની રહે છે.

પાકિસ્તાનની પોલ ખોલી

પાકિસ્તાન માનવાધિકાર પંચે એક અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમૂહો—ખાસ કરીને અહમદિયા, હિંદુ અને ખ્રિસ્તીઓ—વિરુદ્ધ દમનના કિસ્સાઓ ખુલાસા થયા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે ઈશનિંદાના આરોપોમાં અલ્પસંખ્યકોની મોબ લિન્ચિંગ વધતી જઈ રહી છે.

કટ્ટરપંથીઓ આગળ ઝૂકી શહબાઝ સરકાર

અહેવાલમાં એ પણ માનવામાં આવ્યું હતું કે હેટ સ્પીચમાં વધારો જોવા મળ્યો છે—જેમાં સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયાધીશને ધમકીઓ આપવાથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાહેર નિંદા સુધીના કિસ્સાઓનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર આ સ્થિતિ નાગરિકોના અધિકારોમાં ઘટાડો કરે છે અને કટ્ટરપંથી તત્ત્વોના મનોબળને વધુ મજબૂત બનાવે છે.

ગાંધીનગરથી ઝડપાયેલા 3 આતંકી NIAને સોંપાયા

ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા ત્રણ આતંકવાદીઓને હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યા છે. ટ્રાન્સફર વોરંટના આધારે NIAએ આ ત્રણેય આતંકીઓની કસ્ટડી મેળવી છે.

NIAની સ્પેશિયલ કોર્ટે આ ત્રણેય આતંકવાદીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના પગલે NIA દ્વારા હવે આ કેસમાં સઘન તપાસ શરૂ કરવામાં આવશે. તપાસ દરમિયાન આતંકવાદીઓના મોબાઈલ ફોનમાંથી મહત્ત્વના પુરાવાઓ મળ્યા છે, જેમાં પાકિસ્તાની નંબરો સાથે વાતચીત થયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ત્રણેય આતંકીઓ કુલ 73 જેટલા સાગરીતોના સંપર્કમાં હતા. હવે NIA આ તમામ સંપર્કો અને આતંકીઓના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ ત્રણેય આતંકીઓ રાજ્યમાં કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા કે કેમ, તે દિશામાં NIA દ્વારા હવે સઘન પૂછપરછ કરવામાં આવશે.

મેરી ડીકોસ્ટા કોણ છે? જેની સાથે સ્મૃતિના મંગેતર પલાશની ચેટ થઈ વાયરલ

ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન મુલતવીના વિષયે અનેક ચર્ચાઓ થઈ રહી છે. તેનું કારણ ક્રિકેટરના પિતાની ખરાબ તબિયત જણાવવામાં આવી હતી. જોકે, આ દરમિયાન લગ્ન મુલતવી રાખવા અંગે અનેક અફવાઓ ફેલાઈ રહી છે. આ અફવાઓ વચ્ચે, મેરી ડીકોસ્ટાનું નામ ચર્ચાઈ રહ્યું છે. જાણીએ તે કોણ છે અને સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન મુલતવી રાખવા સાથે તેનો શું સંબંધ છે.

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન મુલતવી રાખ્યા પછી, પલાશ મુચ્છલ અને મેરી ડીકોસ્ટા વચ્ચેની કેટલીક ચેટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. કથિત ચેટ્સ વાંચીને એવું લાગે છે કે પલાશ મેરી ડીકોસ્ટા સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન ન થવા પાછળનું કારણ આ ચેટ્સ છે.

મેરી અને પલાશ વચ્ચે શું સંબંધ છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેરી ડીકોસ્ટા એક કોરિયોગ્રાફર છે. તે સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ જોવા મળી હતી. મેરીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ હવે ખાનગી છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની અને પલાશ વચ્ચેની ચેટ વાયરલ થયા પછી મેરીનું નામ ચર્ચામાં આવ્યું. વાયરલ ચેટ અંગે પલાશ, સ્મૃતિ અથવા તેમના પરિવારો દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. ચેટને તે પ્લેટફોર્મ પરથી પણ ડિલીટ કરવામાં આવી છે જ્યાં તે મૂળ શેર કરવામાં આવી હતી. સ્મૃતિ મંધાનાએ તેના લગ્ન સંબંધિત ફંક્શનના વીડિયો અને ફોટા પણ ડિલીટ કરી દીધા છે.

આ કથિત ચેટમાં સ્મૃતિ સાથેના તેના સંબંધો વિશે એક મહત્વપૂર્ણ વિગતો છતી થઈ છે

આ કથિત ચેટમાં પલાશ મેરીને કહેતો જોવા મળે છે કે સ્મૃતિ સાથેનો તેનો સંબંધ લોન્ગ ડિસ્ટન્સ છે. જોકે, પલાશે લગ્ન પહેલા સ્ટેડિયમમાં સ્મૃતિ મંધાનાને પ્રપોઝ કર્યું હતું. સંગીત અને મહેંદી સમારંભો દરમિયાન તે સ્મૃતિને પ્રેમથી વહાલ કરતો પણ જોવા મળ્યો હતો. કથિત ચેટ સાચી છે કે ખોટી તે અંગે પલાશ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન 23 નવેમ્બરે થવાના હતા. જોકે, તે જ દિવસે મીડિયાને જાણ કરવામાં આવી હતી કે સ્મૃતિના પિતાની તબિયત ખરાબ હોવાથી લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. સ્મૃતિના પિતાને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ લગ્નની તારીખ અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે પલાશને પણ વાયરલ ચેપ લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદનો આ દરવાજો અંગ્રેજોએ બનાવ્યો

અમદાવાદ શહેરના મોટાભાગના દરવાજા નસીરુદ્દીન મહમૂદ શાહના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યા હતા. ઇ.સ. 1459થી 1511ના સમયગાળા દરમિયાન આ દરવાજાઓ બાંધવામાં આવ્યા હોવાનું મનાય છે.

પરંતુ શહેરનો પાંચકુવા દરવાજો, સમયની સાથે શહેરનો વ્યાપ વધતા વર્ષ 1863ની આસપાસ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો. પ્રજાની સગવડતા માટે બનાવેલો શહેરનો આ છેલ્લો દરવાજો હતો.

આ દરવાજો ત્રણ કમાનોની ડિઝાઇન સાથે 28 ફૂટ ઉંચો અને 18 ફૂટ પહોળાઈ ધરાવે છે. જ્યારે બાજુના દરવાજાની ઉંચાઈ 19 ફૂટ અને પહોળાઈ 7 ફૂટ છે. અમદાવાદ શહેરના રેલવે સ્ટેશન નજીક અને તમામ હોલસેલ બજારોની મધ્યમાં પાંચકુવા વિસ્તાર આવેલો છે. આ ઐતિહાસિક વિરાસત ચારે તરફ ટિફિન બેગો, માલ સામાનના થેલા અને કબુતર જાળીઓ વેચતા લારી-ગલ્લાથી ઘેરાયેલી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ઇતિહાસની સૌથી મોટી હારઃ ભારત દક્ષિણ આફ્રિકા સામે સિરીઝ 2-0

ગૌહાટીઃ દક્ષિણ આફ્રિકાએ ગૌહાટીમાં બીજી ટેસ્ટમાં ભારતને 408 રનથી સજ્જડ હાર આપી છે. 549 રનના લક્ષ્યનો પીછો કરતાં ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગ 140 રનમાં પૂરી થઈ હતી. આ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનનો શરમજનક દેખાવ રહ્યો. પ્રથમ ઇનિંગમાં માત્ર યશસ્વી જયસ્વાલ અને બીજી ઇનિંગમાં માત્ર રવીન્દ્ર જાડેજા અર્ધસદી ફટકારી શક્યા હતા. પ્રથમ ઇનિંગમાં પણ ટીમ ઇન્ડિયા 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેમ્બા બાવુમાએ કેપ્ટન તરીકે ક્યારેય ટેસ્ટ ન હારવાનો પોતાનો રેકોર્ડ આ સિરીઝમાં પણ જાળવી રાખ્યો. દક્ષિણ આફ્રિકાએ બે મેચોની ટેસ્ટ સિરીઝ 2-0થી જીતી લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં બનાવ્યા હતા 489 રન

ટેમ્બા બાવુમાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એડન માર્ક્રમ (38) અને રાયન રિકલ્ટન (35)એ પ્રથમ વિકેટ માટે 82 રનની ભાગીદારી સાથે ટીમને સારી શરૂઆત અપાવી. ટ્રિસ્ટન સ્ટબ્સ (49) અને ટેમ્બા બાવુમા (41)એ ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી. ભારતીય બોલરો પ્રથમ ઇનિંગમાં બેઅસર રહ્યા હતા. આનો અંદાજ એ પરથી લગાડી શકાય કે નીચલા ક્રમના બેટ્સમેન માર્કો યાન્સને પણ 93 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેના સહારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 489 રન સુધી પહોંચ્યો હતો.

ભારત માટે પ્રથમ ઇનિંગમાં કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી બુમરાહ અને સિરાજે 2-2 વિકેટ લીધી હતી.

ભારતની પ્રથમ ઇનિંગ

યશસ્વી જાયસવાલ અને કે.એલ. રાહુલે ભારતને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી. ત્યાર પછી ભારત 201 રનમાં ઓલઆઉટ થયું હતું.

ભારતને જીત માટે લક્ષ્ય હતો 549 રન

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 288 રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 260/5 પર ઇનિંગ ઘોષિત કરી ભારતને 549 રનનું લક્ષ્ય આપ્યું. બીજી ઇનિંગમાં ટ્રિસ્ટન સ્ટબ્સે 93 રન બનાવ્યા, તેઓ શતક ચૂકી ગયા. તેમના વિકેટ પછી જ બાવુમાએ ઇનિંગ ડિક્લેર કરી.

ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં જયસ્વાલે 13 રન, સાઇ સુદર્શનો 14 રન, જાડેજાએ 54 રન અને વોશિંગ્ટ સુંદર 16 રન સિવાય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યું નહોતું.

IFFIમાં ‘શોલે’ નું સ્ક્રીનિંગ રદ, સમાપન સમારોહમાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અપાશે

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) માં ફિલ્મ “શોલે” નું સ્ક્રીનિંગ રદ કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલના અંતિમ દિવસે અભિનેતા ધર્મેન્દ્રને ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (NFDC) ના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ મગદુમે પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમે ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમારોહમાં અમારા પ્રિય અને સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપીશું. સોમવારે અમને ધરમજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ફિલ્મ બજારના સમાપન સમારોહમાં માનના ચિહ્ન તરીકે એક મિનિટનું મૌન પાળવામાં આવશે.”

“શોલે” નું સ્ક્રીનિંગ કેમ રદ કરવામાં આવ્યું?

“શોલે” નું 4K રિસ્ટોર કરેલું વર્ઝન આજે, 26 નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પ્રદર્શિત થવાનું હતું. જોકે, ટેકનિકલ કારણોસર આયોજકોએ તેને રદ કર્યું છે. આ ફેસ્ટિવલમાં 27 નવેમ્બરના રોજ એક સત્ર પણ યોજાશે. ફિલ્મે થોડા મહિના પહેલા તેની સુવર્ણ જયંતિ ઉજવી હતી. ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પી આ સત્રમાં હાજર રહેશે

‘શોલે’ ફિલ્મનું સ્ક્રીનિંગ રદ કરવામાં આવ્યું હોવા છતાં, ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવે ધર્મેન્દ્રને એક અનોખી રીતે યાદ કર્યા છે. ‘શોલે’ ફિલ્મમાં ધર્મેન્દ્ર દ્વારા ચલાવવામાં આવેલી મોટરસાઇકલને આ ફિલ્મ મહોત્સવમાં સામેલ કરવામાં આવી છે. તેમણે ફિલ્મમાં વીરુનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ મહોત્સવમાં આ બાઇક જોઈને ઘણા લોકો પ્રભાવિત થયા હતા.

વિપક્ષને હારની કળ નથી વળી, ત્યાં 43 ઉમેદવારોએ પાલો બદલ્યો

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મોટી હારને એક વર્ષ વીતી ગયું હોવા છતાં વિરોધ પક્ષ મહા વિકાસ અઘાડી (MVA) પોતાના ટેકેદારોને એકત્ર રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. તેના 43 ઉમેદવારો સત્તારૂઢ મહાયુતિમાં જોડાઈ ગયા છે, જેમાંથી મોટા ભાગના ભાજપમાં સામેલ થયા છે. જોકે મહાયુતિના કેટલાક ઘટક પક્ષોના કેટલાક ઉમેદવારોએ પણ ચૂંટણી પછી પક્ષ બદલ્યો છે.

એક વિશ્લેષણ અનુસાર કુલ 46 રનર-અપમાંથી 26 ભાજપમાં જોડાયા છે, જ્યારે મહાયુતિના સાથીદાર અજિત પવારની આગેવાનીવાળી NCPમાં 13 અને એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેનામાં સાત ઉમેદવારો જોડાયા છે.

2024 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો

વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ રાજ્યની 288માંથી 235 બેઠકો જીતી હતી. ભાજપને 132 બેઠકો, શિવસેનાને 57 અને NCPને 41 બેઠકો મળી હતી. MVA ફક્ત 50 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું, જેમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારની આગેવાનીવાળી NCP (SP)ને અનુક્રમે 20, 16 અને 10 બેઠકો મળી હતી. આ દળબદલ મુખ્યત્વે તે વિસ્તારમાં થયા છે જેને પરંપરાગત રીતે શિવસેના (UBT)નો ગઢ માનવામાં આવે છે.

વિધાનસભા ચૂંટણીમાં ભારે જીત બાદ મહાયુતિના પક્ષોએ પોતાના આધારને મજબૂત બનાવવાના પ્રયાસો વધાર્યા છે. NCPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, હતું કે વિરોધ પક્ષના નેતાઓને પોતાની તરફ આકર્ષવાથી ઘણા હેતુઓ પૂરા થાય છે.

સૌથી વધુ નુકસાન શિવસેના (UBT)ને

MVAના ઘટકોમાં, શિવસેના (UBT)ને સૌથી મોટું નુકસાન થયું છે. તેના 19 રનર-અપ ઉમેદવારો ચૂંટણી બાદ મહાયુતિમાં જોડાઈ ગયા છે. NCP (SP)ના 13 અને કોંગ્રેસના 10 ઉમેદવારો પણ દળબદલ કરી ચૂક્યા છે. MVA સમર્થિત ત્રણ નિરપેક્ષ અને PWP (પીજન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી)નો એક રનર-અપ પણ મહાયુતિમાં જોડાયો છે.

ડૉ. મયંક ત્રિવેદી એક્સેલન્સ એવોર્ડ ફોર યુનિવર્સિટી લાઈબ્રેરિયનથી સન્માનિત

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટી ખાતે આવેલા હંસા મહેતા લાઇબ્રેરીના મુખ્ય ગ્રંથપાલ મયંક ત્રિવેદી છે. જેમને “ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન (LIS) વ્યવસાયને સશક્ત બનાવવામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ અને અમૂલ્ય યોગદાન” બદલ યુનિવર્સિટી ગ્રંથપાલ માટે LIS શ્રેષ્ઠતા પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.“વિકસિત ભારત 2047 માટે પુસ્તકાલયોનું પરિવર્તન: ઉચ્ચ શિક્ષણ, જાહેર અને સમુદાય પુસ્તકાલયોમાં ડિજિટલ નવીનતા સેવાઓને આગળ ધપાવવી” થીમ પર SVSU-ICTL 2025 આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પરિષદનું આયોજન સ્વામી વિવેકાનંદ સુભાર્તી યુનિવર્સિટી, મેરઠ ખાતે કરવામાં આવ્યું હતું અને સોસાયટી ફોર ઇન્ફર્મેશન રિસર્ચ એન્ડ સ્ટડીઝ, નવી દિલ્હીના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું.21-22 નવેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ, જાહેર અને સમુદાય પુસ્તકાલયોમાં ડિજિટલ નવીનતા વધારવા માટેની વ્યૂહરચનાઓનું અન્વેષણ કરવા માટે પુસ્તકાલયના નેતાઓ, ટેક્નોલોજિસ્ટ્સ, નીતિ નિષ્ણાતો અને વિદ્વાનોને એકઠા કરવામાં આવ્યા હતા. જ્ઞાન-સંચાલિત ‘વિકસિત ભારત’ માટે AI-સક્ષમ ઍક્સેસ, ભવિષ્ય માટે તૈયાર પુસ્તકાલય ઇકોસિસ્ટમ્સ અને ડિજિટલ સેવા વિતરણ મોડેલો પર કેન્દ્રિત ચર્ચાઓ.