Home Blog Page 410

અલ-ફલાહના યુનિવર્સિટીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાઃ નર્સિંગ સ્ટાફનો ખુલાસો

નવી દિલ્હીઃ દિલ્હી બ્લાસ્ટના આતંકી મોડ્યુલનું સેન્ટર પોઇન્ટ બનેલી ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી વિશે ત્યાંના એક ભૂતપૂર્વ નર્સિંગ સ્ટાફે મોટો ખુલાસો કર્યો છે. કર્મચારીએ દાવો કર્યો છે કે યુનિવર્સિટીની મેડિકલ કોલેજ–હોસ્પિટલમાં દરરોજ 100થી 150 સુધી નકલી દર્દીઓની ફાઈલો તૈયાર કરવામાં આવતી હતી. આ કામ આતંકી ડો. મુજમ્મિલ શાકીલ અને સુસાઈડ બોમ્બર બનેલા ડો. ઉમર નબીના આદેશ પર કરાવવામાં આવતું. જે કર્મચારી ફાઈલ બનાવવામાં વાંધો કરતો, તેનું એબ્સેન્ટ માર્ક કરી પગાર કાપવામાં આવતો.

પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાકર્મચારીએ જણાવ્યું હતું કે રાત્રીની પાળીમાં કામ કરતા કાશ્મીરી મેડિકલ સ્ટાફ અને ડોક્ટર ફરજ દરમ્યાન વારંવાર પાકિસ્તાનનાં વખાણ કરતા. ઘણી વાર મજાક–મજાકમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવતા. ડો. શાહીન સઈદ પોતાના મિત્ર અને દિલ્હીના બ્લાસ્ટ મોડ્યુલના સદસ્ય ડો. મુજમ્મિલ સાથે NIT માર્કેટમાં વિસ્ફોટક માલસામાન અથવા બીજું સાહિત્ય ખરીદવા જતી હતી. સુરક્ષા એજન્સીઓ તેમની આવન-જાવન, ખરીદેલો સામાન, મળેલા લોકો વગેરેની તમામ માહિતી એકત્ર કરી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

નર્સિંગ સ્ટાફે શું આરોપ લગાવ્યા?

રાજસ્થાનના રહેવાસી લખમણે 14 જુલાઈ, 2025એ અલ-ફલાહ મેડિકલ કોલેજમાં જોઇન કરી, પરંતુ 25 ઓક્ટોબરે નોકરી છોડી દીધી હતી. તે ICUમાં નરેસિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતો. લખમણે કહ્યુ હતું કે રાત્રી પાળીના સ્ટાફ પાસે નકલી ફાઈલો તૈયાર કરાવવામાં આવતી હતી. દરેક કર્મચારીને પાંચ ફાઈલો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવતો. આ નકલી ફાઈલો પર ડોક્ટરના સહી પહેલેથી જ હોય. સ્ટાફને માત્ર મેડિકલ ચાર્ટ નોટ્સ લખવાની હોય. આ ફાઈલોમાં એવી દવાઓનો રેકોર્ડ દાખલ કરવો પડતો જેને વાસ્તવમાં ઉપયોગ જ ન કરવામાં આવતી. સવારે આ ફાઈલ ડોક્ટર સાથે લઈ જતા. આ ફાઈલોના ઉપયોગ વિશે સ્ટાફને કંઈ કહેવાતું ન હતું.

ફંડિંગ માટે ફાઈલો બનતીલખમણને મતે આ નકલી ફાઈલો ‘ગરીબોના સારવાર’ને નામે બહારથી ફંડ એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાતી હતી. દરરોજ 100થી 150 સુધી નકલી ફાઈલો તૈયાર થાય. જો કોઈ કર્મચારી ફાઈલ બનાવવામાં વાંધો લેતો તો તેની સેલરી અટકાવી દેવામાં આવતી, પણ કાશ્મીરી સ્ટાફ સાથે આવું ક્યારેય ન થતું.

હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી વિવાદ

હૈદરાબાદઃ  તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ હૈદરાબાદ સ્થિત ગાંધી ભવનમાં તેલંગાણા કોંગ્રેસ સમિતિની કાર્યકારિણી બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીના આંતરિક વૈવિધ્ય પર પ્રકાશ પાડ્યો અને હિંદુ ધર્મની સાથે તેની તુલના કરી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દરેક પ્રકારના લોકોને સાથે લઈને ચાલે છે. કોઈ કહે છે કે તે ભગવાન વેંકટેશ્વરની પૂજા કરશે, બીજો કહે છે કે તે હનુમાનજીની પૂજા કરશે. જ્યારે આપણે દેવતાઓ પર સહમતી બનાવી શક્યા નહીં, ત્યારે મને લાગતું નથી કે આપણે રાજકીય નેતાઓ અને ડીસીસી અધ્યક્ષોને લઈને પણ સહમતી બનાવી શકીશું.

તેમણે વધુમાં કહ્યું હતું કે હિંદુ ધર્મમાં કેટલા દેવતાઓ છે? કેટલા દેવતાઓ છે? ત્રણ કરોડ? કેમ? જે અવિવાહિત છે, તેમના માટે ભગવાન હનુમાન છે. જે બે વાર લગ્ન કરે છે, તેમના માટે એક બીજા દેવ છે. જે દારૂ પીએ છે, તેમના માટે અન્ય ભગવાન છે. યેલ્લમ્મા, પોચમ્મા, મૈસમ્મા. જે ચિકન માગે છે, તેમના માટે એક ભગવાન છે, અને જે દાળ-ભાત ખાય છે, તેમના માટે બીજા ભગવાન છે, બરાબર? બધા પ્રકારના દેવ છે.

ભાજપના નેતાઓએ કરી ટીકા

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને બંદી સંજય કુમાર સહિત તેલંગાણા ભાજપના નેતાઓએ આ નિવેદનની આલોચના કરી હતી. કિશન રેડ્ડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે મુખ્ય મંત્રીએ તાજેતરમાં જ જ્યુબિલી હિલ્સની પેટા-ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે કોંગ્રેસ એટલે મુસ્લિમ અને મુસ્લિમ એટલે કોંગ્રેસ.


તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે AIMIM સાથેની મિત્રતાને કારણે મુખ્ય મંત્રી હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓ વિશે અહંકારીયુક્ત ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હવે તેલંગાણામાં પણ હિંદુઓએ એક થવાનો સમય આવી ગયો છે. રેવંત રેડ્ડી અને કોંગ્રેસ પાર્ટીને હિંદુઓની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે.

પેથોલોજી લેબમાં આગ લાગતાં નાસભાગઃ 19 જણનું રેસ્ક્યુ કરાયું

ભાવનગર: શહેરમાં પેથોલોજી લેબોરેટરીમાં આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ છે. આ આગમાંથી ફાયર બ્રિગેડે બાળકો-વૃદ્ધોનું રેસ્કયુ કર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સમા વિકરાળ આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ કાર્યરત છે. આ કોમ્પલેક્સમાં ડઝનથી વધુ હોસ્પિટલો આવેલી છે. જ્યારે આગને પગલે દોડધામ મચી જવા પામી છે.  

આ  આગ ધીમે-ધીમે ફેલાતી જઈને આખી બિલ્ડિંગ સુધી પહોંચી હતી અને કોમ્પ્લેક્સમાં આવેલી 3-4 હોસ્પિટલને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આગ ફેલાતી હતી ત્યારે બિલ્ડિંગમાં ફસાયેલા 19 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ આગને કાબૂમાં લેવા માટે પાંચ ફાયર ફાઇટર અને 50 કરતાં વધુ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ભાવનગર શહેરના કાલુભર રોડ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં આજે સવારે લગભગ 9 વાગ્યે આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં 10–15 હોસ્પિટલ ઉપરાંત કેટલીક દુકાનો અને ઓફિસો પણ આવેલી છે. આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્સની હોસ્પિટલોમાં દાખલ બાળકો અને અન્ય દર્દીઓને ફાયર ડિપાર્ટમેન્ટે કાચ તોડીને બહાર કાઢ્યા. અધિકારીઓએ જણાવ્યું પ્રમાણે, આ ઘટનામાં કોઈને ઇજા થઈ નથી અને કોઈ જાનહાનિ પણ થઈ નથી. તમામ દર્દીઓને મેડિકલ કોલેજના સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ આગ કાળા નાળા વિસ્તાર પાસે આવેલા કોમ્પ્લેક્સમાં આવેલી દેવ પેથોલોજી લેબમાં લાગી હતી. કેટલીક મિનિટો માટે ચારેબાજુ ભાગદડ મચી ગઈ હતી. આ ઘટના અંગે ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ઓફિસર પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું હતું કે 19–20 લોકોને બચાવવામાં આવ્યા છે.

કોંગ્રેસે PM મોદીનો ચાવાળો AI વિડિયો શેર કરતાં વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચાવાળો બતાવતાં તેમનો એક ફની AI વિડિયો શેર કર્યો છે. આ વિડિયો વાયરલ થતાં જ રાજકીય વિવાદ થયો છે. આ વિડિયો પર સવાલ ઊભા કરતાં ભાજપે કહ્યું છે કે વડા પ્રધાનની ગરિમા સાથે આવા પ્રકારનો વ્યવહાર કેવી રીતે કરી શકાય? આ વિડિયો કોંગ્રેસનાં નેતા રાગિની નાયકના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

ભાજપે આ AI વિડિયોને PM નરેન્દ્ર મોદીનું અપમાન ગણાવ્યો છે અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં પક્ષે કહ્યું છે કે  140 કરોડની જનતા PM મોદીને આશીર્વાદ આપે છે, જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસને નકારી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ X પર પોસ્ટ કરતાં લખ્યું છે કે કોંગ્રેસનું આ શરમજનક ટ્વીટ કોંગ્રેસ નેતૃત્વની વિકૃત માનસિકતાને ઉજાગર કરે છે.

કોંગ્રેસનું આ ઘૃણાસ્પદ ટ્વીટ 140 કરોડ મહેનતુ અને લાયક ભારતીયોનું ગંભીર અપમાન છે અને OBC સમુદાય પર સીધો હુમલો છે. કોંગ્રેસ નેતૃત્વ અને રાહુલ ગાંધીને આ હકીકતથી નફરત છે કે ભારતની જનતા સતત વડા પ્રધાન મોદીજીને આશીર્વાદ આપે છે અને પસંદ કરે છે, જેઓ સમર્પણ અને મહેનતથી આગળ વધ્યા છે, જ્યારે અહંકારી અને વિશેષાધિકારી રાહુલ ગાંધીને જનતાએ વારંવાર નકારી છે. કોંગ્રેસ પાર્ટી PM મોદી અને તેમની દિવંગત માતાનું અપમાન કરવામાં આદતની ગુનેગાર રહી છે. ભારતની જનતા આ પતિત બદલ કોંગ્રેસને આકરો પાઠ શીખવશે.

લગ્ન બાદ સાસરીમાં સામંથાનું થયું ગ્રાન્ડ વેલકમ, નણંદે લખી ભાવુક પોસ્ટ

મુંબઈ: અભિનેત્રી સામંથા અને ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુએ 1 ડિસેમ્બરના રોજ કોઈમ્બતુરના ઈશા ફાઉન્ડેશનમાં પ્રતિજ્ઞાઓનું આદાન-પ્રદાન કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. લગ્નના થોડા સમય પછી, રાજના બેન શીતલ નિદિમોરુએ પરિવારમાં સામંથાનું સ્વાગત કરતી એક ખાસ પોસ્ટ શેર કરી. જેમાં નવદંપતીનો પહેલો કૌટુંબિક પોટ્રેટ પણ હતો. આ ખાનગી સમારંભમાં શુભેચ્છકો અને પરિવારના સભ્યો તરફથી અભિનંદનનો માહોલ જોવા મળ્યો, જે દંપતી માટે એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sheetal Nidimoru (@sheetalnidimoru)

શીતલ નિદિમોરુએ એક પોસ્ટમાં સામંથાની પરિવારમાં જોડાવા અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, “આજે ચંદ્રકુંડમાં શિવને પ્રાર્થના કરતી વખતે, પ્રદોહના સમયે ભીંજાયેલી, ધ્રુજતી, મેં મારી જાતને આંસુઓથી ભરેલા હૃદયથી શિવલિંગને ભેટી પડેલી જોઈ. પીડાના આંસુ નહીં પણ કૃતજ્ઞતાના આંસુ.”

શીતલે વધુ વિગતવાર વાત કરતા કહ્યું, “આ ક્ષણમાં રાજ અને સામંથાની લગ્ન યાત્રામાં ‘સૌમ્ય સંવાદિતા’ની ઊંડી ભાવના છે તેના માટે હું કૃતજ્ઞતા અનુભવું છું. એક પરિવાર તરીકે, અમને ગર્વ છે કે તેઓ કેવી રીતે શાંત ગૌરવ, પ્રામાણિકતા અને સ્થિરતા સાથે આગળ વધી રહ્યા છે જે ફક્ત ત્યારે જ મળે છે જ્યારે બે હૃદય પ્રેમપૂર્વક સાથે એક જ માર્ગ પસંદ કરે છે.”

શીતલે પરિવારના અતૂટ સમર્થન પર પણ ભાર મૂક્યો, કહ્યું, “એક પરિવાર તરીકે, અમે સામંથા અને રાજ સાથે, સંપૂર્ણ, આનંદથી અને ખચકાટ વિના, તેમને આશીર્વાદ આપીએ છીએ અને દરેક રીતે તેમને ટેકો આપીએ છીએ.”

સામંથાએ શીતલના સંદેશનો સ્વીકાર કર્યો અને જવાબમાં લખ્યું, “લવ યુ.”

દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી, પ્રદૂષણ ભયજનક સ્તરે

અમદાવાદ: શહેરમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘ખરાબ’ (Poor)થી ‘અનહેલ્ધી’ (Unhealthy)ની કેટેગરીમાં પહોંચી ગયો છે. તાજેતરના આંકડા મુજબ, સોલા વિસ્તારમાં AQI 203 પર પહોંચી ગયો છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. અન્ય વિસ્તારોમાં પણ પ્રદૂષણનો આંક ઊંચો જોવા મળ્યો છે.

  • સોલા: AQI 203 (અનહેલ્ધી)
  • સરદાર પટેલ સ્ટેડિયમ: AQI 192
  • બોડકદેવ: AQI 191
  • ગ્યાસપુર: AQI 191
  • વશ્રામનગર: AQI 191
  • થલતેજ: AQI 190
  • વટવા: AQI 188
  • સાયન્સ સિટી: AQI 184
  • સોનીની ચાલી: AQI 184
  • બોપલ: AQI 183
  • વસ્ત્રાપુર, ઘુમા, સેટેલાઇટ: AQI 178
  • ઇસ્કોન: AQI 174

    AQI 50 કે તેથી નીચે હોય તો હવા સારી ગુણવત્તાની ગણાય અને જો AQI 51થી 100 ની વચ્ચે હોય તો ગુણવતા સંતોષકારક ગણાય. જો આ આંક 101થી 200 વચ્ચે હોય તો હવા મધ્યમ ગુણવત્તાની ગણાય અને જો આંક 201થી 300ની વચ્ચે હોય તો તે હવાની ગુણવત્તા ખરાબ છે તેવો સંકેત આપે છે.

શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચતું હોવાથી ફેફસાંનું સ્વાસ્થ્ય અવગણી શકાય નહીં. તાજેતરના અહેવાલો મુજબ, કોરોના મહામારી પછીના વર્ષોમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) ના કેસોમાં લગભગ 30 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

સરકારી નાણાંથી બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા નેહરુઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ સાચા અર્થમાં એક ધાર્મિક નિષ્પક્ષ નેતા હતા, જેઓ તુષ્ટીકરણના રાજકારણમાં વિશ્વાસ નહોતા રાખતા, પણ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહેરુએ સરકારી ખજાનામાંથી બાબરી મસ્જિદના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે આ માટે સરકારી પૈસા વાપરવાનો વિરોધ કરનાર વ્યક્તિ સરદાર પટેલ હતા, એમ તેમણે જણાવ્યું હતું.

સરકારી પૈસાથી બાબરી મસ્જિદ નહીં બનવા દીધી – રાજનાથ સિંહ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પંડિત જવાહરલાલ નેહરુ બાબરી મસ્જિદને મુદ્દે સરકારી ખજાનામાંથી ખર્ચ કરવાની વાત કરતા હતા, જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે તેનો વિરોધ કોણે કર્યો હતો? એ ગુજરાતના લાડલા સરદાર વલ્લભભાઈ પટેલે જ કર્યો હતો. અને તે સમયે સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનવા નહોતી દીધી.

નેહરુએ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે સરદાર પટેલે શાંત પરંતુ દૃઢ સ્વરે સ્પષ્ટ કર્યું હતું કે સોમનાથ મંદિરનો મામલો અલગ છે. જનતાએ લાખો રૂપિયા દાન આપ્યા છે. એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને આ યોજનામાં સરકારનો એક પણ પૈસો ખર્ચાયો નથી. આ ટ્રસ્ટની સ્થાપના પણ સરદાર પટેલે જ કરી હતી.

રામ મંદિરના નિર્માણમાં સરકારી ખજાનાનો પૈસો નહીં – રાજનાથ સિંહ

સિંહે કહ્યું કે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણમાં સરકારી ખજાનામાંથી એક પણ રૂપિયા ખર્ચાયા નથી. “જો કોઈએ (રામ મંદિરનો) આખો ખર્ચ ઉઠાવ્યો હોય તો તે દેશની જનતા છે. એ જ સાચી ધાર્મિક નિષ્પક્ષતાની વ્યાખ્યા છે.

નેહરુએ સરદાર પટેલના સ્મારકના નિર્માણનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના (પટેલના) અવસાન પછી જનતાએ સ્મારક માટે દાન એકત્ર કર્યું હતું. પરંતુ જ્યારે આ વાત નહેરુ સુધી પહોંચી, ત્યારે તેમણે શું કહ્યું? તેમણે કહ્યું કે સરદાર પટેલ ખેડૂતોના નેતા હતા, તેથી આ રકમ ગામોમાં કૂવા અને રસ્તાઓ બનાવવા માટે વાપરવી જોઈએ. પરંતુ કૂવા અને રસ્તાઓ બનાવવાની જવાબદારી તો સરકારની છે.

આ છે ભાજપના સોનિયા ગાંધી! જાણો શું છે નામ પાછળની કહાની!

કેરળ: મુન્નારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક પક્ષો પોતાના ઉમેદવારોને ટિકિટ આપવાની જાહેરાતો કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એવા ઉમેદવારને ટિકિટ આપી છે, જેમનું નામ સાંભળીને નાગરિકોની સાથે ખાસ કરીને કોંગ્રેસ પક્ષના નેતાઓ વિચારમાં પડી ગયા છે. કારણ કે, ભાજપે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જેવું જ નામ ધરાવતા એક મહિલા ઉમેદવારને કેરળથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ નામે રાજ્ય અને દેશભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપે કેરળના મુન્નારથી પંચાયત ચૂંટણીમાં ‘સોનિયા ગાંધી’ નામની મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે.પિતા કટ્ટર કોંગ્રેસી નેતા

34 વર્ષીય સોનિયા ગાંધી મુન્નાર પંચાયતના 16મા વોર્ડ નલ્લાથન્નીથી ભાજપના ઉમેદવાર છે. રસપ્રદ વાત એ છે કે, તેમના પિતા કટ્ટર કોંગ્રેસી હતા અને તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષાથી પ્રભાવિત  થઈને દીકરીનું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું.

સોનિયાએ કહ્યું કે, ‘મારા પિતા કોંગ્રેસ અને યુ.ડી.એફ.ના મોટા સમર્થક હતા. તેથી જ તેમણે મારું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું. મારો આખો પરિવાર આજે પણ કોંગ્રેસ સમર્થક છે. જો કે, મારા પતિ ભાજપમાં છે અને હું હંમેશા તેમને સમર્થન કરતી રહી છું. તેથી જ હું હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરી છું.’

સોનિયા ગાંધીના લગ્ન ભાજપ નેતા સાથે

સોનિયા ગાંધીના પતિ સુભાષ, લગભગ દોઢ વર્ષ પહેલા જૂના મુન્નાર મૂલકડઈ વિસ્તારમાં યોજાયેલી પંચાયત પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ બેઠક પરથી સોનિયા ગાંધીની ટક્કર કોંગ્રેસના મંજુલા રમેશ અને સી.પી.એમ.ના વલારમતી સાથે થશે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના નામવાળી સોનિયા ગાંધીનો જન્મ સ્વર્ગસ્થ દૂરે રાજના ઘરે થયો હતો, જે એક સ્થાનિક મજૂર અને કોંગ્રેસ નેતા હતા.પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષાના નામથી પ્રભાવિત 

તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષાથી પ્રભાવિત થઈને આ નવજાત દીકરીનું નામ સોનિયા ગાંધી રખાયું હતું. આ નામ વર્ષો સુધી ઈડુક્કીના પહાડીઓમાં એક રસપ્રદ સંયોગ તરીકે ઓળખાતું રહ્યું. કેરળમાં પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 9 અને 11 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે. રાજ્યની 941 ગ્રામ પંચાયતો, 152 બ્લોક પંચાયતો, 14 જિલ્લા પંચાયતો, 87 નગરપાલિકાઓ અને 6 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાન થશે.

એ પણ રસપ્રદ છે કે, કોંગ્રેસ અને તેનો પહેલો પરિવાર આ પ્રદેશ માટે સંપૂર્ણ રીતે અજનબી નથી. મુન્નારથી લગભગ 200 કિલોમીટર દૂર  વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રા સાંસદ છે. અગાઉ આ જ બેઠકનું પ્રતિનિધિત્વ તેમના ભાઈ રાહુલ ગાંધી કરી ચૂક્યા છે.

 

પુતિનની ધમકી: યુરોપ યુદ્ધ ઈચ્છે છે તો રશિયા તૈયાર, શાંતિ માટે કોઈ નહીં બચે!

મોસ્કો: રાષ્ટ્રપતિ પુતિન 4 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. તેના બરાબર પહેલા, યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરવા માટે મોસ્કોમાં રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે. પુતિને આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે યુએસ રાષ્ટ્રપતિના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ, જેરેડ કોરી કુશનર, સંઘર્ષ પર ચર્ચા કરવા માટે મોસ્કોમાં હતા.વિટકોફ અને કુશનર સાથે મુલાકાત

પુતિને મોસ્કો ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં આ ટિપ્પણી કરી, ત્યારે વિટકોફ અને કુશનર રશિયા-યુક્રેન શાંતિ યોજનાની વિગતો પર ચર્ચા કરવા માટે મોસ્કોના બીજા ભાગમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. ઇન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધિત કર્યા પછી, પુતિન અમેરિકી પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ બેઠક લગભગ 5 કલાક સુધી બંધ બારણે ચાલી હતી.

પુતિને ચેતવણી આપી કે, “જો યુરોપ અચાનક અમારી સાથે યુદ્ધ કરવા માંગે અને શરૂ કરે, તો અમે તરત જ તૈયાર છીએ.” તેમણે આરોપ લગાવ્યો કે યુરોપ શાંતિ પ્રસ્તાવોમાં એવા ફેરફાર કરી રહ્યું છે જે રશિયાને મંજૂર નથી અને પછી શાંતિ પ્રક્રિયા રોકવા માટે રશિયાને દોષી ઠેરવી રહ્યું છે.

બેઠકમાં શું થયું?

બેઠક બાદ, રશિયન અધિકારીઓએ વાતચીતને ‘ઉપયોગી’, ‘રચનાત્મક’ અને ‘ખૂબ જ નક્કર’ ગણાવી હતી. જોકે, ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે સ્પષ્ટ કર્યું કે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી અને બંને પક્ષોએ હજુ ઘણું કામ કરવાનું બાકી છે. તેમણે કહ્યું કે વાતચીત આગળ પણ ચાલુ રહેશે.

રશિયન રાષ્ટ્રપતિના રાજદૂત કિરીલ દિમિત્રીવે X પરની એક પોસ્ટમાં વાટાઘાટોને “ઉત્પાદક” ગણાવી, અને ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે પત્રકારોને જણાવ્યું કે “ચર્ચા ખૂબ જ ઉપયોગી, રચનાત્મક અને ખૂબ જ મહત્વપૂર્ણ હતી.” પરંતુ ઉષાકોવે ભારપૂર્વક જણાવ્યું હતું કે વોશિંગ્ટન અને મોસ્કો બંને પાસે હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને હજુ સુધી કોઈ કરાર થયો નથી. તેમણે કહ્યું કે વાટાઘાટો ચાલુ રહેશે.

મોહ પર વિજય – પરમાનંદનો માર્ગ

આપણે મોહ પર કાબુ મેળવીએ એટલે આપણી અંદર આપમેળે સહજતા ઉત્પન્ન થાય છે. જે આપણને અમર્યાદિત આનંદ આપે છે. આ સ્થિતિમાં, આપણે કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ, કારણ કે આપણું મન બંધનોથી મુક્ત છે અને સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરે છે. મોહ પર કાબુ મેળવ્યા પછી પણ, જો આપણે આપણી ક્ષમતાઓ અને સફળતાઓમાં ફસાયેલા રહીએ, તો તે વ્યર્થ છે.

ધારો કે, તમે વીણા વગાડવામાં નિપુણ બની ગયા છો. જો તમે આ વિચારને પકડી રાખશો કે તમારા કરતાં કોઈ વધુ સારી રીતે વીણા વગાડી શકે નહીં, તો તે અહંકારને જન્મ આપશે. અને જો તમે કોઈ એવાને મળો જે તમારા કરતાં વધુ કુશળ હોય, તો ઈર્ષ્યાની લાગણી ઉત્પન્ન થશે. આ તમારી શાંતિને ભંગ કરશે અને આનંદને નષ્ટ કરશે.

મોહ ફક્ત વસ્તુઓ અને ક્ષમતાઓ સુધી મર્યાદિત નથી, તે સંબંધોમાં પણ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નજીકના વ્યક્તિને હસતા અને બીજા વ્યક્તિ સાથે વાત કરતા જુએ છે, ત્યારે તેને ઈર્ષ્યા થવા લાગે છે. તે અપેક્ષા રાખવા લાગે છે કે તેનો પ્રિય વ્યક્તિ ફક્ત તેની સાથે જ વાત કરે, અને બીજા કોઈ સાથે નહીં. ધીમે ધીમે આ શંકા અને અસુરક્ષામાં ફેરવાઈ જાય છે. અને લોકો એકબીજાના મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે.

પરંતુ શું આપણે પોતાના મનને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકીએ છીએ? નહિ, જ્યારે આવું શક્ય નથી, તો બીજાના મનને શા માટે બાંધવાનો પ્રયાસ કરીએ છીએ? હકીકતમાં, જ્યારે આપણે મોહથી મુક્ત હોઈએ છીએ ત્યારે જ આપણે સાચું સુખ અને સ્વતંત્રતા અનુભવીએ છીએ. મોહ દ્વારા મળતી તૃપ્તિ ક્ષણિક હોય છે, જ્યારે આપણી ચેતના અને ખુશી વિસ્તૃત છે.

જો આપણે મોહથી ઉપર ન ઉઠી શકીએ, તો આપણું માર્યાદિત મન વિચારતું રહેશે – “મારું શું થશે? મારો દીકરો, મારી દીકરી, મારો પરિવાર!” પરંતુ જેમ તમારા પોતાના બાળકો તમને પ્રિય છે, તેમ જો તમે પાડોશીના બાળકોને તમારા પોતાના ગણવાનું શરૂ કરો છો, તો તમારો દ્રષ્ટિકોણ વ્યાપક બનશે.

જ્યારે તમારી અંદર આ લાગણી ઉદ્ભવે છે કે “આખું વિશ્વ મારું કુટુંબ છે, દરેક વ્યક્તિ મારી પોતાની છે,” ત્યારે જ તમે ખરેખર આસક્તિને દૂર કરી શકો છો અને પરમાનંદનો અનુભવ કરી શકો છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)