Home Blog Page 3828

માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સ બમણો થયો

અમદાવાદઃ મુંબઈ શેરબજારમાં શેરોમાં સાર્વત્રિક લેવાલીથી લાલચોળ તેજી જોવા મળી છે. રોકાણકારોએ શેરોની જાતેજાતમાં લેવાલી કાઢતાં સેન્સેક્સે સૌપ્રથમ વાર 50,000ની ઐતિહાસિક સપાટી સર કરી હતી. માર્ચના નીચલા સ્તરથી સેન્સેક્સ બે ગણો થયો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના શપથ બાદ વિશ્વનાં બજારોમાં તેજી છે. અમેરિકામાં રાહત પેકેજની આશા વધી છે. બાઇડને કોરોના રોગચાળા સામે $1.9 લાખ કરોડના પેકેજનું એલાન કર્યું છે.

વળી, આગામી બજેટ રજૂ થવામાં થોડા દિવસો બાકી હોવાથી બજારમાં પ્રોત્સાહક વાતાવરણ જોવા મળ્યું છે. આ ઉપરાંત કંપનીઓના ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો પ્રોત્સાહક હોવાથી બજાર સેન્ટિમેન્ટ તેજીતરફી રહ્યું હતું. દેશમાં રસીકરણ કાર્યક્રમ પણ શરૂ થયો હોવાથી કોરોનાના કેસોમાં ઘટાડો થશે અને રોગચાળો ખતમ થતાં આર્થિક કામગીરી પુરજોશમાં શરૂ થઈ જશે.

બીએસઈ સેન્સેક્સ સવારના ટ્રેડિંગ સેશનમાં 300 પોઇન્ટ ઊછળી 50,090ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સે 50,149ની ઓલટાઇમ ઊંચી સપાટી બનાવી છે, જ્યારે નિફ્ટીએ પણ 14,745ની ઊંચી સપાટી સર કરી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ભારે તેજી હતી. ઓટો શેરોમાં ધૂમ લેવાલી હતી. અમેરિકી બજારોની સાથે મોટા ભાગનાં એશિયન બજારો પણ તેજીમય હતા.

નવેમ્બર, ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાં મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે. બુધવારે વિદેશી રોકાણાકોર ધૂમ લેવાલી કરી હતી. તેમણે રૂ. 2289.05 કરોડના શેરો ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ચોખ્ખા રૂ. 864.62 કરોડની વેચવાલી કરી હતી.

 

 

 

કોરોનાના 15,223 નવા કેસ, 151નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.06 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 15,223 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 151 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,06,10,883 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,52,869 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,02,65,706  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19,965 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,92,308એ પહોંચી છે.  રિકવરી રેટ વધીને 96.69 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

એમેઝોનને ફટકોઃ રિલાયન્સ-ફ્યૂચર સોદાને ‘સેબી’એ મંજૂરી આપી

નવી દિલ્હીઃ હાલ દેશમાં ઓનલાઈન શોપિંગ સેક્ટર (ઈ-કોમર્સ)માં મોખરે રહેનાર એમેઝોન કંપનીને મોટો ફટકો પડ્યો છે, કારણ કે મૂડીબજારની રેગ્યૂલેટર એજન્સી ‘સેબી’ (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ મુંબઈસ્થિત ફ્યૂચર રીટેલ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સ કંપનીઓ વચ્ચે થયેલા સોદાને મંજૂરી આપી દીધી છે. આ સોદા સામે એમેઝોને વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકાની એમેઝોને 2019માં ફ્યૂચર ગ્રુપમાં રૂ. 1,400 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. તેણે ફ્યૂચર-રિલાયન્સના સોદાને નામંજૂર કરવાની SEBIને લેખિતમાં વિનંતી કરી હતી.

ફ્યૂચર ગ્રુપના કિશોર બિયાનીએ 2020ના ઓગસ્ટમાં રિલાયન્સ રીટેલ સાથે રૂ. 24,713 કરોડનો સોદો કર્યો હતો, જે અનુસાર ફ્યૂચરે તેના રીટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ સહિતનો વેપાર રિલાયન્સ રીટેલ વેન્ચર્સ કંપનીને વેચી દીધો હતો. SEBIએ ટ્રાન્સફરી કંપનીના શેર ઈસ્યૂ કરવા સહિત અમુક શરતો સાથે સોદાને મંજૂરી આપી છે.

રાશિ ભવિષ્ય 21/01/2021

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે, પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે, તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામા બિનજરૂરી ખર્ચા થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

અમેરિકામાં બાઈડન-હેરિસની સરકાર સત્તારૂઢઃ મોદીએ અભિનંદન આપ્યા

વોશિંગ્ટનઃ જોસેફ બાઈડ (78)ને અમેરિકાના નવા 46મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરીને સત્તાની શરૂઆત કરી દીધી છે. ગઈ કાલે કેપિટોલ હિલ (સંસદભવન) ખાતે એમની સાથે દેશના 49મા ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસે (56) પણ શપથ લીધાં હતાં. બાઈડને 127-વર્ષ જૂનનાં એમના પારિવારિક બાઈબલ ગ્રંથ પર હાથ મૂકીને શપથ લીધા હતા. ગ્રંથને એમના પત્ની ડો. જિલ બાઈડને પકડી રાખ્યું હતું. શપથવિધિ સમારોહમાં બાઈડનનાં અન્ય પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કમલા હેરિસની સાથે એમનાં પતિ ડગ ઈમોફ, સાવકા પુત્રી ઈલા ઈમોફ અને સાવકા પુત્ર કોલ ઈમોફ ઉપસ્થિત રહ્યાં હતાં. કમલા હેરિસ અમેરિકાનાં ઉપપ્રમુખ બનનાર પહેલાં જ મહિલા, અશ્વેત અને ભારતીય મૂળનાં અમેરિકન નાગરિક છે. શપથવિધિ સમારોહમાં વિદાય લેનાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત રહ્યા નહોતા, પરંતુ એમના ઉપપ્રમુખ માઈક પેન્સે હાજરી આપી હતી અને નવા પ્રમુખ બાઈડનને બિરદાવ્યા હતા.

દરમિયાન, નવી દિલ્હીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં નવા પ્રમુખ તરીકે સત્તા સંભાળનાર જૉ બાઈડન અને ઉપપ્રમુખ કમલા હેરિસને અભિનંદન આપ્યા છે. એમણે ટ્વીટના માધ્યમથી કહ્યું છે કે અમેરિકાના પ્રમુખ તરીકે સત્તા સંભાળવા બદલ જો બાઈડનને મારા ઉષ્માભર્યા અભિનંદન. ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા એમની સાથે મળીને કામ કરવા હું આતુર છું. કમલા હેરિસની નિયુક્તિ વિશે તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક પ્રસંગ છે. ભારત-અમેરિકાના સંબંધોને વધારે બળવાન બનાવવા માટે એમની સાથે પ્રદાન કરવા હું આતુર છું.

પેઇન્ટેડ સેન્ડગ્રાઉસ

પેઇન્ટેડ સેન્ડગ્રાઉસને ગુજરાતીમાં રંગીન બટાવડો કે પહાડી બટાવડો તરીકે ઓળખાય છે તો ઘણા લોકો એને તેતર જ સમજે. નર અને માદા બન્ને પક્ષીના રુપ રંગ અલગ પ્રકારના પણ બન્ને દેખાય ખુબ સુંદર. ગીર અને આસપાસના વિસ્તાર તથા વેળાવદર-કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે વિસ્તારમાં જોવા મળે. મોટા ભાગે નર અને માદા પેઇન્ટેડ સેન્ડગ્રાઉસ સાથે જ જોવા મળે અને ભાગ્ય સારા હોય તો તેના બચ્ચા પણ સાથે જોવા મળે. ઘણી વાર ગીરમાં ઘાસ વાળા વિસ્તારોમાં સફારી રોડ પાસે જોવા મળી જાય.

ક્યારેક ઉનાળા પહેલાના સમયમાં પાણી પાસે પેઇન્ટેડ સેન્ડગ્રાઉસ મોટાભાગે જમીન પર જ રહે અને ઘાસના બીજ તથા અન્ય બીજ એ મોટાભાગે ખોરાક તરીકે લે. પેઇન્ટેડ સેન્ડગ્રાઉસનો આ ફોટો લગભગ 7-8 વર્ષ પહેલા ગીરમાં સફારી દરમ્યાન મળેલો.

(શ્રીનાથ શાહ)

સુવિચાર – ૨૧ જાન્યુઆરી ૨૦૨૧

સુવિચાર – ૨૧ જાન્યુઆરી ૨૦૨૧

૨૧ જાન્યુઆરી ૨૦૨૧

૨૧ જાન્યુઆરી ૨૦૨૧

સરકાર-ખેડૂતોની મંત્રણા ફરી નિષ્ફળઃ 11મો રાઉન્ડ 22-જાન્યુઆરીએ

નવી દિલ્હીઃ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદાઓના અમલના મામલે ઊભી થયેલી મડાગાંઠ યથાવત્ રહી છે, કારણ કે આજે એમની વચ્ચે મંત્રણાનો 10મો રાઉન્ડ કોઈ પણ પરિણામ લાવ્યા વિના પૂરો થઈ ગયો છે. હવે બંને પક્ષ 11મા રાઉન્ડની ચર્ચા માટે 22 જાન્યુઆરીએ મળશે.

આજની બેઠકમાં સરકારે ખેડૂતો સામે નવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ તેનો અહેવાલ સુપરત ન કરે ત્યાં સુધી સરકાર તરફથી પણ કાયદાઓને સ્થગિત કરી શકાય છે. પરંતુ ખેડૂત સંગઠનોના આગેવાનોએ આ પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં. કદાચ 22 જાન્યુઆરીના રાઉન્ડમાં તેઓ હા કે ના પાડે. ખેડૂતોની માગણી ત્રણેય કૃષિ કાયદાઓને સરકાર રદ કરે એવી છે. સરકાર તે રદ કરવાનો ઈનકાર કરી રહી છે.

કલરફૂલ પ્રિન્ટેડ ડ્રેસમાં સુંદર લાગે છે નોરા…

બોલીવૂડ ડાન્સિંગ ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી અને નોરા ફતેહીએ મલ્ટી-કલર્ડ મેચિંગ બ્લાઉઝ અને સ્કર્ટ સેટ સાથેની પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં ઘણાએ એનાં આ સ્ટાઈલિશ ડ્રેસ અને ફેશન સેન્સને વખાણી છે. ફ્લાવર પ્રિન્ટવાળું મલ્ટી-કલર્ડ બ્લાઉઝ અને સ્કર્ટ સેટ અને ખુલ્લા કેશ – આ આઉટફિટમાં નોરા સુંદર દેખાય છે.

બેલી ડાન્સર નોરા ટૂંક સમયમાં ‘ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળશે. એ ખાસ કરીને ‘દિલબર’, ‘કમરીયા’, ‘ગર્મી’, ‘સાકી સાકી’, ‘એક તો કમ જિંદગાની’ જેવા ડાન્સ-ગીતોમાં હોટ અને સેક્સી અદાઓ માટે જાણીતી થઈ છે.