એમેઝોનને ફટકોઃ રિલાયન્સ-ફ્યૂચર સોદાને ‘સેબી’એ મંજૂરી આપી

નવી દિલ્હીઃ હાલ દેશમાં ઓનલાઈન શોપિંગ સેક્ટર (ઈ-કોમર્સ)માં મોખરે રહેનાર એમેઝોન કંપનીને મોટો ફટકો પડ્યો છે, કારણ કે મૂડીબજારની રેગ્યૂલેટર એજન્સી ‘સેબી’ (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ મુંબઈસ્થિત ફ્યૂચર રીટેલ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સ કંપનીઓ વચ્ચે થયેલા સોદાને મંજૂરી આપી દીધી છે. આ સોદા સામે એમેઝોને વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકાની એમેઝોને 2019માં ફ્યૂચર ગ્રુપમાં રૂ. 1,400 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. તેણે ફ્યૂચર-રિલાયન્સના સોદાને નામંજૂર કરવાની SEBIને લેખિતમાં વિનંતી કરી હતી.

ફ્યૂચર ગ્રુપના કિશોર બિયાનીએ 2020ના ઓગસ્ટમાં રિલાયન્સ રીટેલ સાથે રૂ. 24,713 કરોડનો સોદો કર્યો હતો, જે અનુસાર ફ્યૂચરે તેના રીટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ સહિતનો વેપાર રિલાયન્સ રીટેલ વેન્ચર્સ કંપનીને વેચી દીધો હતો. SEBIએ ટ્રાન્સફરી કંપનીના શેર ઈસ્યૂ કરવા સહિત અમુક શરતો સાથે સોદાને મંજૂરી આપી છે.