અમેરિકામાં બાઈડન-હેરિસની સરકાર સત્તારૂઢઃ મોદીએ અભિનંદન આપ્યા

વોશિંગ્ટનઃ જોસેફ બાઈડ (78)ને અમેરિકાના નવા 46મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરીને સત્તાની શરૂઆત કરી દીધી છે. ગઈ કાલે કેપિટોલ હિલ (સંસદભવન) ખાતે એમની સાથે દેશના 49મા ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસે (56) પણ શપથ લીધાં હતાં. બાઈડને 127-વર્ષ જૂનનાં એમના પારિવારિક બાઈબલ ગ્રંથ પર હાથ મૂકીને શપથ લીધા હતા. ગ્રંથને એમના પત્ની ડો. જિલ બાઈડને પકડી રાખ્યું હતું. શપથવિધિ સમારોહમાં બાઈડનનાં અન્ય પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કમલા હેરિસની સાથે એમનાં પતિ ડગ ઈમોફ, સાવકા પુત્રી ઈલા ઈમોફ અને સાવકા પુત્ર કોલ ઈમોફ ઉપસ્થિત રહ્યાં હતાં. કમલા હેરિસ અમેરિકાનાં ઉપપ્રમુખ બનનાર પહેલાં જ મહિલા, અશ્વેત અને ભારતીય મૂળનાં અમેરિકન નાગરિક છે. શપથવિધિ સમારોહમાં વિદાય લેનાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત રહ્યા નહોતા, પરંતુ એમના ઉપપ્રમુખ માઈક પેન્સે હાજરી આપી હતી અને નવા પ્રમુખ બાઈડનને બિરદાવ્યા હતા.

દરમિયાન, નવી દિલ્હીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં નવા પ્રમુખ તરીકે સત્તા સંભાળનાર જૉ બાઈડન અને ઉપપ્રમુખ કમલા હેરિસને અભિનંદન આપ્યા છે. એમણે ટ્વીટના માધ્યમથી કહ્યું છે કે અમેરિકાના પ્રમુખ તરીકે સત્તા સંભાળવા બદલ જો બાઈડનને મારા ઉષ્માભર્યા અભિનંદન. ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા એમની સાથે મળીને કામ કરવા હું આતુર છું. કમલા હેરિસની નિયુક્તિ વિશે તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક પ્રસંગ છે. ભારત-અમેરિકાના સંબંધોને વધારે બળવાન બનાવવા માટે એમની સાથે પ્રદાન કરવા હું આતુર છું.