2025નું વર્ષ પૂરું થવાનું છે, અને 2026 નજીક આવી રહ્યું છે. નવું વર્ષ નવી આશાઓ અને ફેરફારો સાથે શરૂ થઈ શકે છે. નવું વર્ષ ફક્ત તમારા કેલેન્ડરમાં જ નહીં પરંતુ તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ, જેમ કે પગાર, ખર્ચ અને બચત પર પણ અસર કરશે. ચાલો જોઈએ કે નવા વર્ષના પહેલા દિવસથી તમારા માટે કયા ફેરફારો થઈ શકે છે.
8મું પગાર પંચ
31 ડિસેમ્બર, 2025, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ તારીખ છે, કારણ કે તે દિવસે 7મા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થશે. નવું 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાનું છે. પગાર અને પેન્શન પછીથી લાગુ કરવામાં આવશે, પરંતુ અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી હશે.
ક્રેડિટ સ્કોર અપડેટ્સ
ભારતીય રિઝર્વ બેંકે ફરજિયાત કર્યું છે કે, 1 જાન્યુઆરી, 2025 થી, બેંકો અને NBFCs એ દર 14 દિવસે ક્રેડિટ બ્યુરોને માહિતી સબમિટ કરવી આવશ્યક છે. આ તમારા ક્રેડિટ સ્કોરમાં સમયસર અપડેટ્સસુનિશ્ચિત કરશે અને નવી લોન મેળવવાનું સરળ બનાવશે.
ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર
1 જાન્યુઆરીથીLPG અનેકોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે. ઉડ્ડયન ઇંધણના ભાવ પણ બદલાઈ શકે છે, જેની અસર હવાઈ ટિકિટના ભાવ પર પડશે.
પાન-આધાર લિંકિંગ
જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું નથી, તો 1 જાન્યુઆરીથી બેંકિંગ, સરકારી સેવાઓ અને અન્ય વ્યવહારોઍક્સેસ કરવામાં મુશ્કેલી પડી શકે છે. તમારું પાન કાર્ડ 1 જાન્યુઆરીથી નિષ્ક્રિય થઈ શકે છે, જેના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
રેશન કાર્ડ e-KYC
31 ડિસેમ્બર સુધીમાં તમારા રેશન કાર્ડ e-KYC પૂર્ણ કરવામાં નિષ્ફળ જવાથી 1 જાન્યુઆરી, 2026 થી રાશન ગુમાવી શકાય છે. આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે જે તમારે સમયસર પૂર્ણ કરવો જ જોઇએ.
ખેડૂત ID
ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ખેડૂતો માટે ખેડૂત ID બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો માટે આ ID જરૂરી છે. જો ખેડૂતો આ ID બનાવવામાં નિષ્ફળ જાય, તો તેમના ખાતામાં પૈસા જમા થશે નહીં અને તેઓ યોજનાઓનો લાભ મેળવી શકશે નહીં.
2026 ની શરૂઆત સાથે, આ બધા ફેરફારો તમારા રોજિંદા જીવનને અસર કરી શકે છે. આ ફેરફારોને સમજવું અને સમયસર જરૂરી પગલાં લેવાથી ફાયદો થશે.
ધરમપુર: મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય શરુ થયો છે. જેનું ઉદ્ઘાટન શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના શુભ હસ્તે થયું છે. અહીં ‘શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન’ની શરૂઆત કરવામાં આવી છે.
આ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન 11 એકર જમીન પર અંદાજે 2 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. જે મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટેનું એક આધુનિક અને દૂરદૃષ્ટિપૂર્ણ સંકુલ છે. તે વાર્ષિક ૧૫,૦૦૦થી વધુ મહિલાઓને રોજગાર, તાલીમ, સુખાકારી સંસાધનો પ્રદાન કરશે અને ગ્રામીણ ભારતમાં સેટેલાઇટ કેન્દ્રો અને ભાગીદારી દ્વારા હજારો મહિલાઓ સુધી પહોંચશે.
આ સેન્ટર ગ્રામીણ મહિલાઓ માટે ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન સાકાર કરવા મહત્ત્વાકાંક્ષી વિકાસ લક્ષ્યો સાથે આગળ વધે છે. આ વિસ્તારમાં આશરે ૯,૬૦,૦૦૦ મહિલાઓ જેમાં ૫૫% આદિવાસી છે તેમને આ પરિયોજના દ્વારા અવનવા કૌશલ્યોમાં પ્રવીણ બનાવવાથી લઈને આવક, આત્મવિશ્વાસ અને આગેવાની સુધીની યાત્રામાં સાથ આપી આત્મનિર્ભર બનાવવા માટે એક પૂર્ણ સશક્તિકરણ વર્તુળ રચશે.
આ પ્રસંગે ખાસ હાજર રહેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ‘‘સંપૂર્ણપણે ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું આવું અભિયાન મેં ક્યારેય જોયું નથી, આ ખરેખર એક નવીન વિચાર છે. આવી પરિકલ્પનાની પ્રેરણા અને સાકાર કરવા બદલ હું પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીને વંદન કરી આભાર માનું છું. આ યોજનાથી લાભાન્વિત થયેલ ગ્રામીણ મહિલાઓના મુખ પર આજે મેં જે સ્મિત જોયું તે ખૂબ જ વાસ્તવિક હતું. તે આત્મનિર્ભર ભારત અને વિકસીત ભારતના વિઝનને મૂર્તિમંત કરે છે. તે ભારતે વિશ્વને આપેલી એક આદર્શ પરિયોજના છે અને શ્રેષ્ઠતાનો એક માપદંડ સ્થાપિત કરે છે. મને આશા છે કે આ મિશન આ ઉમદા પ્રયાસને સમગ્ર વિશ્વમાં લઈ જવામાં સફળ થશે.”
તેમણે વધુમાં ઉમેર્યું, “આધ્યાત્મિકતાનો સાચો અર્થ વિચારની ઉન્નતિ, ભાવનાની ઉદારતા અને હૃદયની ભવ્યતામાં રહેલો છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તેનું સાચું પ્રતિબિંબ છે. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ પોતાનું આખું જીવન સામાજિક ઉત્થાન માટે સમર્પિત કર્યું છે. આવું નિઃસ્વાર્થ જીવન જ આધ્યાત્મિકતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે, અને આવા મહાન આત્માઓ પાસેથી આપણને પ્રેરણા અને દિશા બંને મળે છે. શ્રીમદ્ રાજચંદ્રજીના કાલાતીત ઉપદેશો આજે પહેલા કરતાં વધુ સુસંગત છે. આ મિશન દ્વારા, પૂજ્ય ગુરુદેવશ્રી ખરેખર ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રજીના મૂલ્યોને વિશ્વમાં લઈ જઈ રહ્યા છે. તેઓ આવનારી પેઢીઓ માટે પાયો નાખનારા છે, અને ભારતને તેની મહાનતાની આગામી સીમા સુધી પહોંચવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.”શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ઉપપ્રમુખ નેમિજીએ આ પરિયોજના પાછળના વિઝનને સમજાવતાં કહ્યું, ‘‘શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર શાંત પરિવર્તનમાં માને છે, ગુરુત્વાકર્ષણની જેમ અદૃશ્ય પણ અસરકારક. શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમનનો ઉદ્દેશ્ય મહિલાઓને નિર્ણય લેવાની ક્ષમતા, દિશા, માર્ગદર્શન અને આત્મનિર્ભરતા માટે સશક્ત બનાવવાનો છે. માનનીય સંરક્ષણ મંત્રીની અહીં હાજરી એક શક્તિશાળી સંદેશ આપે છે કે રાષ્ટ્રની શક્તિ ફક્ત તેની સરહદોમાં જ નહીં પરંતુ તેના સમાજના આત્મામાં રહેલી છે. જ્યારે મહિલાઓ સશક્ત બને છે ત્યારે પરિવારો, સમાજ અને રાષ્ટ્ર સશક્ત બને છે. આજના ઉદ્ઘાટન સાથે સેંકડો ગ્રામીણ અને આદિવાસી મહિલાઓ આત્મનિર્ભરતા તરફ એક નવી સફર શરૂ કરશે. મહિલા ઉત્થાનથી લઈને રાષ્ટ્ર નિર્માણના મોટા સંકલ્પ માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રતિબદ્ધ છે.’’
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશભાઈ પટેલ, લોકસભા વ્હીપ અને સંસદ સભ્ય ધવલભાઈ પટેલ, મહારાષ્ટ્ર સરકારમાં કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાજી સહિત આ કેમ્પસના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ અને શાહ હેપીનેસ ફાઉંડેશનના ચીફ ગિવિંગ ઓફિસર શ્રી મનુભાઈ શાહ અને શ્રીમતી રીકાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન સર્વાંગી વિકાસના ચાર-સ્તંભના અભિગમ દ્વારા મહિલાઓને સશક્તિકરણ પ્રદાન કરશે.
આર્થિક સશક્તિકરણ: ઉત્પાદન એકમોમાં મહિલાઓ સુગંધ, ખાદ્ય પદાર્થો, વસ્ત્રો અને હસ્તકલા સહિત ૩૦૦થી વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે જે ૭૫૦થી વધારે આઉટલેટ્સ દ્વારા ૨૬ દેશોમાં નિકાસ થાય છે. સાથે જ તેમને ઉત્પાદન, સ્વચ્છતા, સોફ્ટ સ્કિલ, ERP વગેરેની તાલીમ તેમજ ડિજિટલ સાક્ષરતા યોગ અને કાર્યસ્થળ સલામતી આપવામાં આવશે.
કૌશલ્ય અને ક્ષમતા વિકાસ: અહીં ૧૦ વિવિધ થીમમાં ૬૦થી વધુ ડિજિટલ અને આધુનિક ઉચ્ચતર કક્ષાના કાર્યક્રમો પ્રદાન કરે છે. જેમ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન અને રોબોટિક્સ, આરોગ્ય અને સુખાકારી, હસ્તકલા, રસોઇ કલા, સોંદર્ય અને કાપડ, ઉદ્યોગસાહસિકતા અને કાર્યસ્થળ કૌશલ્યનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારની માત્ર ૧૯% મહિલાઓએ કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો છે અને માત્ર ૩૩% મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે ત્યારે આ પરિયોજના ડિજિટલ અને AI લેબ્સ દ્વારા મહિલાઓને આ વિષયમાં સાક્ષરતા પ્રદાન કરશે.
સામાજિક સશક્તિકરણ અને સુખાકારી: મહિલાઓને આજીવિકા, શિક્ષણ અને નાણાકીય સુરક્ષામાં વધારો કરે એવા સરકારી લાભો અને યોજનાઓ માટે આ પરિયોજના યોગ્ય માર્ગદર્શન આપી મદદ કરશે. મહિલા જૂથો અને સહકર્મચારી વર્તુળમાં એકતા, આત્મવિશ્વાસ અને પરસ્પર સમર્થનને પ્રોત્સાહન આપશે. આ સાથે ધ્યાન, રમતગમત, યોગ અને અન્ય સુખાકારી પ્રવૃત્તિઓ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપશે.
જ્ઞાન અને જાગૃતિ: આ પરિયોજના મહિલાઓના અધિકારો, આરોગ્ય સેવાઓ અને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતાની તકો પ્રદાન કરશે. જેમાં રોજગારલક્ષી પ્રમાણપત્ર અભ્યાસક્રમો અને નેતૃત્વ કાર્યશાળાઓનો સમાવેશ થાય છે. કોઈ પણ મહિલા ઘરની જવાબદારીઓના કારણે પાછળ ન રહી જાય એ માટે અહીં ૬ મહીનાથી ૬ વર્ષના બાળકો માટે ડેકેર, ક્લિનિક, નર્સિંગ સુવિધાઓ, પોષણ કાર્યક્રમો, માનસિક સ્વાસ્થ્ય સહાય અને પરિવહન સેવાઓનો પણ સમાવેશ છે.
તટસ્થતા એ સ્વભાવથી શાંતિપૂર્ણ લાગતી ગુણવત્તા છે, પરંતુ મહાભારતના ભીષ્મપર્વમાં ભીષ્મ પિતામહનું જીવન બતાવે છે કે તટસ્થતા જ્યારે નીતિ અને ધર્મથી કપાઈ જાય ત્યારે તે તાકાત નહીં પરંતુ ભયાનક નબળાઈ બની શકે છે, કારણ કે ભીષ્મ કૌરવોની અનીતિ જાણતા હોવા છતાં પોતાની પ્રતિજ્ઞા અને પદપ્રતિનિષ્ઠાને કારણે દ્રૌપદીના અપમાન, પાંડવોના અન્યાય અને ધર્મના વિનાશ સામે તટસ્થ રહ્યા અને અંતે યુદ્ધમાં કૌરવો તરફથી શસ્ત્ર ઉઠાવ્યા, જે સંચાલન અને નેતૃત્વ માટે ચેતવણીરૂપ ઉદાહરણ છે કે માત્ર પોઝિશન પ્રત્યે વફાદારી પૂરતી નથી, મૂલ્યપ્રત્યે જવાબદારી વધુ મહત્ત્વની છે.
આજના પ્રશાસન અને વ્યવસાયિક પરિપ્રેક્ષ્યમાં પણ ઘણીવાર મેનેજરો ‘તટસ્થ’ રહેવાના નામે અયોગ્ય નિર્ણયો સામે મૌન ધારણ કરે છે, પરંતુ જ્યારે તટસ્થતા અન્યાયને બચાવે છે, ત્યારે તે નૈતિક કાયરતા સમાન બની જાય છે.
આ સંદર્ભમાં અબ્રાહમ લિંકનનું ઉદાહરણ અત્યંત અર્થપૂર્ણ છે, જેમણે અમેરિકન ગૃહયુદ્ધ દરમિયાન માત્ર રાજકીય સંતુલન માટે તટસ્થ ન રહી, પરંતુ દાસપ્રથાના અન્યાય સામે સ્પષ્ટ નીતિગત પક્ષ લીધો, જેના કારણે તાત્કાલિક રાજકીય જોખમ વધ્યું છતાં દીર્ઘકાળે રાષ્ટ્રને નૈતિક દિશા મળી.
તે જ રીતે આધુનિક વ્યવસાય જગતમાં સુંદર પિચાઈએ કંપનીની અંદર કર્મચારીઓના હક, ડેટાની ગોપનીયતા અને AIના જવાબદાર ઉપયોગ જેવા મુદ્દાઓ પર માત્ર બજારદબાણને ધ્યાનમાં રાખીને તટસ્થ રહેવાને બદલે મૂલ્યઆધારિત વલણ અપનાવ્યું, જેનાથી સાબિત થાય છે કે નૈતિક સ્પષ્ટતા સાથે લીધેલા નિર્ણય ટૂંકા ગાળે વિવાદી લાગે તો પણ લાંબા ગાળે વિશ્વાસ ઊભો કરે છે.
મહિલા નેતૃત્વના ક્ષેત્રમાં શેરીલ સાનબર્ગે કાર્યસ્થળ પર લિંગ સમાનતા અને નેતૃત્વમાં મહિલાઓની ભૂમિકા માટે ખુલ્લી તરફેણ કરી, જ્યાં ઘણા નેતાઓ ‘તટસ્થતા’ના પડદા પાછળ છુપાઈ જતા હતા, ત્યાં તેઓ મૂલ્યપક્ષે સ્પષ્ટ ઉભા રહ્યા; ભારતમાં વહીવટી ક્ષેત્રમાં નંદન નિલકર્ણીએ આધાર પ્રોજેક્ટ દરમિયાન રાજકીય અને બ્યુરોક્રેટિક દબાણ વચ્ચે નીતિ, પારદર્શિતા અને ટેકનોલોજીથી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને નિર્ણય લીધા, જેનાથી તટસ્થતા અને સ્પષ્ટ મૂલ્યપક્ષે ઊભા રહેવાની સાચી સમતુલા સમજાય છે.
આ તમામ ઉદાહરણો ભીષ્મના જીવન સાથે જોડીને જોતા એક મોટો પાઠ મળે છે કે તટસ્થતા ત્યારે જ તાકાત બને છે જ્યારે તે ધર્મ અને ન્યાયની રક્ષા કરે, પરંતુ જ્યારે તે માત્ર પદ, ડર કે સુવિધા બચાવવા માટે અપનાવવામાં આવે ત્યારે તે સમાજ માટે ઘાતક બની જાય છે; એક સાચા મેનેજર કે નેતા માટે તટસ્થતા એ નિષ્ક્રિયતા નથી, પરંતુ ન્યાય માટે યોગ્ય સમયે યોગ્ય પક્ષ લેવાની ક્ષમતા છે, કારણ કે પોઝિશનથી જવાબદારી ઊભી થાય છે, પરંતુ ઇતિહાસમાં સ્થાન મૂલ્યથી જ મળે છે, અને તેથી આજના સંચાલનમાં સૌથી મોટી તાકાત એ છે કે ‘હું તટસ્થ છું’ એવું કહેવાને બદલે ‘હું ન્યાય સાથે છું’ એવું નિર્ભયપણે કહી શકાય.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ જેના મનમાં અડગ વિશ્વાસ, અખૂટ સપના અને કર્મમાં અડોલ શ્રદ્ધા હતી—એ જ યુવાન ભારતના સૌથી મોટા ઉદ્યોગ સામ્રાજ્યનો સ્થાપક બન્યો.
સ્વ. ધીરૂભાઈ સાથેના મારા કાર્યકાળમાં મેં જોયેલા અને અનુભવેલા એમના વાણી, વર્તન અને વ્યવહારના ગુણોનું અનુસંધાન શ્રીમદ ભગવદ ગીતા સાથે કરવાનો પ્રયત્ન કરૂં છું ત્યારે એમ લાગે છે કે જાણે ધીરૂભાઈ અંબાણીનું જીવન એ ગીતાના શ્લોકોનું જીવંત ભાષ્ય છે. તેમણે સાબિત કર્યું કે આધ્યાત્મિક જ્ઞાન અને વ્યવહારિક જીવન વચ્ચે કોઈ અંતર નથી. જ્યારે કર્મ, કરુણા, ધૈર્ય અને દ્રષ્ટિ એકસાથે ચાલે—ત્યારે સામાન્ય માણસ પણ અસાધારણ ઇતિહાસ રચી શકે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અસમંજસમાં સપડાયેલા અર્જુનને ગીતાસાર કહી શકાય તેવો કર્મફળનો સિધ્ધાંત સમજાવતા કહે છે કે, “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન”
અર્થાત્ માનવનો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં.
ધીરૂભાઈના જીવનનું કેન્દ્રબિંદુ આ જ સિદ્ધાંત હતો. સફળતા અને નિષ્ફળતાના ડરથી પરે રહીને તેમણે પોતાનું કર્મ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. યમનમાં નાની નોકરીથી શરૂ કરીને મુંબઈમાં મસાલાની દુકાન અને પછી પોલિયેસ્ટર યાર્ન અને પેટ્રોકેમિકલ્સ સુધીનું સફરનામું, માત્ર કર્મ પર વિશ્વાસ રાખીને રચાયું હતું. ધીરૂભાઈ હંમેશા કહેતાં કે મોટું વિચારો, ઝડપથી વીચારો અને સમય કરતાં આગળ વિચારો, વિચારો કોઇનો ઇજારો નથી. તેમની દૂરંદેશી અને મોટું વિચારવાની ક્ષમતાને કારણે જ એક જ દિવસે 100 જેટલા વિમલ સ્ટોર્સનાં ઉદ્દઘાટન થયાં, જે એક વિક્રમ બની ગયો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને ધૈર્ય શીખવે છે:
“માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય… તાંસ્તિતિક્ષસ્વ ભારત”
સુખ-દુઃખ, લાભ-હાનિ ક્ષણિક છે—તે સહન કરવાનું શીખ.
ધીરૂભાઈના જીવનમાં આવેલા અનેક સંઘર્ષો અને ચડાવ-ઉતારથી ભાગ્યે જ કોઇ વાકેફ નહીં હોય. લાઇસન્સ-પરમિટ રાજ, વ્યાવસાયિક હરીફો દ્વારા ઊભી કરવામાં આવેલી અડચણો, શેરબજારના ઉતાર-ચઢાવ, મીડિયા અને તંત્રની શંકા-કુશંકાઓ—આ બધાની વચ્ચે તેઓ ક્યારેય હતાશ થયા નહીં. તેમણે દરેક સંકટને ક્ષણિક માન્યું, અંતિમ સત્ય નહીં. આ જ ધૈર્ય તેમને આગળ ધપાવતું રહ્યું. રિલાયન્સ દ્વારા જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી સ્થાપવા માટે જમીન સંપાદનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું ત્યારે સ્થાપિત હિતો દ્વારા ઊભી કરવામાં આવેલી અડચણોને કારણે જમીન સંપાદન રદ થયું. છતાં પણ તેમણે હાર માની નહીં અને પોતાના પ્રયત્નો છોડ્યા નહીં. એનું જ પરિણામ છે કે તેઓ ભારતને ઓઇલના નેટ ઇમ્પોર્ટરમાંથી નેટ એક્સપોર્ટર બનાવી શક્યા.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જય-પરાજય, સફળતા-નિષ્ફળતામાં સમભાવ રાખવાનો બોધ આપે છે. ધીરૂભાઈ માટે નફો-નુકસાન માત્ર આંકડા હતા, આત્મવિશ્વાસનો માપદંડ નહીં. શેર બજાર ધરાશાયી થયું ત્યારે પણ તેમણે નાના રોકાણકારોને વિશ્વાસ આપ્યો—“આ દેશમાં રોકાણ કરો, ભારત પર વિશ્વાસ રાખો.” કોઇપણ વ્યક્તિના જીવનમાં આવતા પડકારોને તે કઇ રીતે પોતાની કુનેહ અને કોઠાસૂઝથી તકમાં પરીવર્તીત કરે છે, તેના પર જ તેની સફળતાનો આધાર રહેલો હોય છે. જ્યારે જ્યારે ધીરૂભાઈના જીવનમાં આવા પડકારો આવ્યા ત્યારે નિષ્ફળતાથી ડર્યા વિના તેમણે તેને આગળ વધવા માટેના માઇલસ્ટોનમાં પરીવર્તીત કર્યા. શેરબજારમાં રિલાયન્સના શેરના ભાવ ગગડાવવા માટે કોલકતા (તે સમયે કલકત્તા)ની બીયર કાર્ટેલે કારસો રચ્યો. પરંતુ ધીરૂભાઈએ તેમને જડબાતોડ જવાબ આપીને પોતાના શેરધારકોનો આત્મવિશ્વાસ વધાર્યો. તેમના હરીફોએ બજારમાં અફવા ફેલાવી કે ધીરૂભાઈને મોટું નુકસાન ગયું છે અને તેઓ લેણદારોને નાણાં ચૂકવી શકે તેમ નથી, તેવા સમયે ધીરૂભાઈ સામેથી લેણદારોને પોતાના નાણાં લઇ જવા માટે આમંત્રણ આપ્યું અને જે લોકો નાણાં લેવા આવ્યા તેમને ચૂકવ્યા પણ ખરા. આ જ કારણે બજારમાં તેમની શાખમાં અત્યંત વધારો થયો અને નાણાં ધીરનારા લોકો તેમને સન્માનની નજરે જોતા થયા.
એવી જ રીતે, સફળતામાં પણ છકી ન જવું એ ધીરૂભાઈનો સ્વભાવ હતો. સફળતાની ઇમારતની ટોચ પર રહેવા છતાં તેમના પગ હંમેશા જમીન પર રહેતા. તેઓ પોતાના ખરાબ સમયમાં સાથ આપનારા વ્યક્તિઓને ક્યારેય ભૂલ્યા ન હતા. આમ સમભાવ જ તેમને લાંબા ગાળાની સફળતા તરફ લઈ ગયો.
ગીતા આત્મવિશ્વાસ વિશે કહે છે:
“આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ”
માનવ પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ.
ધીરૂભાઈ અંબાણીનો સૌથી મોટો સહારો હતો—પોતે. તેઓ પોતાના વિચારો પર વિશ્વાસ રાખતા. ઘણી વખત નિષ્ણાતોએ કહ્યું—“આ શક્ય નથી.” પરંતુ ધીરૂભાઈએ પોતાના આત્મવિશ્વાસને ક્યારેય કમજોર થવા દીધો નહીં. તેમના શબ્દકોશમાં Impossible શબ્દ નહોતો. ગીતા જે આત્મઉદ્ધારની વાત કરે છે, તે તેમણે જીવનમાં ઉતારી.
નેતૃત્વના ગુણ અંગે ગીતા સ્પષ્ટ કહે છે:
“યદ્ યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ”
શ્રેષ્ઠ વ્યક્તિ જે કરે છે, સમાજ તેને અનુસરે છે.
ધીરૂભાઈ માત્ર ઉદ્યોગપતિ નહોતા, તેઓ પ્રેરક નેતા હતા. તેમણે ભારતીય મધ્યવર્ગને શેરબજાર સાથે જોડ્યો, જેના કારણે કેટલાય લોકોના સંતાનોના લગ્નપ્રસંગો સારી રીતે યોજાયા હોવાના અનેક દાખલા છે. રિલાયન્સ માત્ર કંપની નહીં, પણ તેના નામ પ્રમાણે વિશ્વાસનો પર્યાય બની. તેમના કર્મચારીઓ માટે તેઓ માલિક નહીં, માર્ગદર્શક હતા. તેમના નેતૃત્વમાં આદેશ કરતાં પ્રેરણા વધારે હતી—જે ગીતા દર્શાવેલા આદર્શ નેતૃત્વનું જીવંત ઉદાહરણ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ધીરૂભાઈ અંબાણીનું જીવન—બન્ને આપણને એક જ સંદેશ આપે છે: ફળની ચિંતા છોડો, કર્મ પર વિશ્વાસ રાખો; સંકટોમાં ધૈર્ય રાખો; આત્મવિશ્વાસ અને નિર્ભયતાથી મોટા સપના જુઓ; અને પોતાના આચરણથી સમાજને દિશા આપો.
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજય સિંહે સોશિયલ મિડિયા પર એક તસવીર શેર કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 1990ના દાયકાની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પોસ્ટ કરી છે અને ભાજપ તથા તેની વૈચારિક માર્ગદર્શક સંસ્થા RSSની પ્રશંસા કરી છે, જે અનેક મુદ્દાઓ પર કોંગ્રેસના નિશાને રહી છે.
તેમણે Quoraનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી ગુજરાતમાં એક કાર્યક્રમમાં હાજરી આપતા દેખાય છે. આ સ્ક્રીનશોટમાં નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણીની બાજુમાં જમીન પર બેઠેલા નજરે પડે છે. અડવાણીનો ઉલ્લેખ કરતાં દિગ્વિજય સિંહે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી કે કેવી રીતે એક જમીન સ્તરના કાર્યકર, જે ક્યારેક જમીન પર બેસતા હતા, તે સંઘ-ભાજપના માળખામાં આગળ વધી મુખ્ય મંત્રી અને પછી વડા પ્રધાન બની શકે છે.દિગ્વિજય સિંહે X (ટ્વિટર) પર લખ્યું હતું કે Quora સાઇટ પર મને આ તસવીર મળી. ખૂબ જ પ્રભાવશાળી છે. કેવી રીતે RSSનો જમીન સ્તરનો સ્વયંસેવક અને જનસંઘ/ભાજપનો કાર્યકર નેતાઓના પગ પાસે જમીન પર બેસતાં-બેસતાં રાજ્યનો મુખ્ય મંત્રી અને દેશનો વડા પ્રધાન બન્યો. આ સંગઠનની શક્તિ છે. જય સિયા રામ.”
VIDEO | Delhi: When asked if he sought the revival of the organisation during the Congress Working Committee meeting, party MP Digvijaya Singh says, “In fact, I praised the party organisation. You people have misunderstood things. I am a staunch opponent of the BJP and the RSS.”… pic.twitter.com/RG9bKk86PZ
આ સાથે જ દિગ્વિજય સિંહે પોતાની એક અન્ય પોસ્ટમાં કોંગ્રેસની અંદર સંગઠનાત્મક સુધારાની જરૂરિયાત તરફ પણ ઈશારો કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને ટેગ કરતાં કહ્યું હતું કે સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર રાહુલ ગાંધીની સમજ બિલકુલ સચોટ છે અને તેના માટે તેમને પૂર્ણ ગુણ મળવા જોઈએ, પરંતુ હવે સમય આવી ગયો છે કે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન પર પણ એટલું જ ધ્યાન આપે.
@RahulGandhi ji you are absolutely “Bang On” in matters of Socio-Economic Issues. Full Marks.
But now please look at @INCIndia also. Like @ECISVEEP needs Reforms,
So Does Indian National Congress. You have started with “संघटन सृजन” But we need more Pragmatic Decentralised… https://t.co/jmxjtsxtU9
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ આગળ લખ્યું કે જેમ ચૂંટણી પંચમાં સુધારાની જરૂર છે, તેમ કોંગ્રેસ પાર્ટીમાં પણ માળખાકીય ફેરફાર જરૂરી છે. પાર્ટીને વધુ વ્યવહારુ અને વિકેન્દ્રિત રીતે ચલાવવાની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાહુલ ગાંધી આ કરી શકે છે, જોકે તેમને મનાવવું સહેલું નથી.
સૈયારા, ધુરંધર અને છાવા જેવી ફિલ્મોએ 2025ને બોલિવૂડ માટે સારું વર્ષ બનાવ્યું, પરંતુ તેમ છતાં, ઘણી ફિલ્મો એવી હતી જેનું બજેટ મોટું હતું અને મોટા સ્ટાર્સ હતા, છતાં પણ તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ.
2025 માં, ઘણી મોટા બજેટની બોલિવૂડ ફિલ્મો ઊંચી અપેક્ષાઓ છતાં બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. આઝાદ, લવયાપા અને દેવા જેવી ફિલ્મો દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી, જે સાબિત કરે છે કે માત્ર સ્ટાર પાવર દર્શકોને પ્રભાવિત કરવા માટે પૂરતો નથી. તેના બદલે, દર્શકો હવે કથાવસ્તુ સાથે મનોરંજનની માંગ કરે છે. અહીં કેટલીક બોલિવૂડ ફિલ્મો પર એક નજર કરીએ જે 2025 માં તેમના મોટા સ્ટાર્સ અને મોટા બજેટ હોવા છતાં ફ્લોપ રહી.
ઈમરજન્સી
કંગના રનૌતની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ, એક રાજકીય ડ્રામા, મોટા બજેટમાં બની હોવા છતાં ફ્લોપ રહી અને દર્શકો થિયેટર સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ ગઈ.
સિકંદર
એઆર મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત સલમાન ખાનની આ ફિલ્મ, ઘણી ચર્ચામાં રહી હોવા છતાં મોટી ફ્લોપ રહી. ફિલ્મનું બજેટ કરોડોમાં હતું. પરંતુ આ ફિલ્મ બજેટની અડધી રકમ પણ કમાઈ શકી નહીં.
આઝાદ
અમન દેવગન અને રાશા થડાનીની આ પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી.વિવેચકોના મતે ફિલ્મની વાર્તા કહેવાની જૂની રીત અને નબળા એક્ઝિક્યુશનને કારણે ફિલ્મ નિષ્ફળ રહી.
લવયાપા
આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂરની ફિલ્મ કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહીં. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ તેના બજેટની તુલનામાં ખરાબ રીતે ફ્લોપ ગઈ.
ધ ભૂતની
સંજય દત્ત અને મૌની રોય અભિનીત આ હોરર-કોમેડી દર્શકોને આકર્ષવામાં સફળ રહી નહીં.
ફતેહ
એક્શનથી ભરપૂર વાર્તા હોવા છતાં, સોનુ સૂદની આ ફિલ્મ નબળી બોલચાલ અને સ્પર્ધાને કારણે સંઘર્ષ કરી રહી હતી. આ ફિલ્મમાં જેક્લિન ફર્નાન્ડિસ પણ હતી.
દેવા
શાહિદ કપૂરની ફિલ્મ દેવા 2025 ની બીજી ફ્લોપ ફિલ્મ હતી. શાહિદ કપૂરની ફિલ્મ દેવા એક એક્શનથી ભરપૂર ફિલ્મ હતી, જે ઊંચી અપેક્ષાઓ હોવા છતાં, બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ.
વૉર 2
ઋતિક રોશન અને જુનિયર એનટીઆર અભિનીત વૉર 2, એક મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મ હોવા છતાં, અપેક્ષા મુજબ સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ. તેની નબળી વાર્તાને કારણે તે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી શકી નહીં.
ધડક 2
સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી સ્ટારર ધડક 2 પણ બોક્સ ઓફિસ પર સફળતા હાંસલ કરવામાં નિષ્ફળ રહી. આ ફિલ્મ ઈશાન ખટ્ટર અને જાન્હવી કપૂરની 2018માં આવેલી ફિલ્મ ધડકની સિક્વલ હતી.
હૈદરાબાદઃ પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે જણાવ્યું છે કે સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડની ઘટનાની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. 24 ડિસેમ્બરે સ્થાનિક કોર્ટમાં કુલ 23 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચિક્કડપલ્લી પોલીસે ફિલ્મ ‘પુષ્પા 2’*ની સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભાગદોડની ઘટનાના સંદર્ભમાં એક્ટર અલ્લુ અર્જુન, તેમના ખાનગી બાઉન્સર તેમ જ સંધ્યા થિયેટરના સ્ટાફ સહિત 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે.
સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં એક્ટર અલ્લુ અર્જુન સહિત 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાની માહિતી ACP ચિક્કડપલ્લીએ આપી છે.ગયા વર્ષે ચાર ડિસેમ્બર, 2024એ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી આ ભાગદોડની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે એક નાનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું, જેની સારવાર હજી ચાલુ છે. આ કેસમાં હૈદરાબાદની ચિક્કડપલ્લી પોલીસે કુલ 23 લોકોને આરોપી બનાવીને આશરે 100 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.
આ ચાર્જશીટમાં અલ્લુ અર્જુન ઉપરાંત સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ અને સ્ટાફનાં નામો પણ સામેલ કરવામાં આવ્યાં છે. એ સાથે જ અલ્લુ અર્જુનના મેનેજરનું નામ પણ આ 23 આરોપીઓની યાદીમાં સામેલ છે.
શું હતો ભાગદોડનો મામલો?
આ ઘટના ચાર ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ *‘પુષ્પા 2: ધ રૂલ’*ના પ્રીમિયર દરમિયાન બની હતી. અભિનેતાના આગમન બાદ ચાહકોમાં અફરાતફરી મચી ગઈ, જેને કારણે ભાગદોડ સર્જાઈ. આ દુર્ઘટનામાં એક મહિલાનું દુઃખદ મોત થયું હતું, જ્યારે તેનો નાનો દીકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો.
નવી દિલ્હીઃ વર્ષ 2025 દરમિયાન ભારતમાં અનેક નવા સ્ટાર્ટઅપ્સ શરૂ થયા, પરંતુ સાથે જ કેટલાક જૂના અને જાણીતા સ્ટાર્ટઅપ્સ બંધ પણ થઈ ગયા. અપેક્ષા મુજબ જ આ વર્ષે બંધ થયેલા લગભગ તમામ સ્ટાર્ટઅપ્સ પાછળ મૂડીની અછત મુખ્ય કારણ રહી. ફંડ એકત્ર કરવાની ઘણી કોશિશો કરવામાં આવી, પરંતુ નિષ્ફળતા બાદ અંતે ઓપરેશન્સ બંધ કરવાની ફરજ પડી. તો 2025માં કયા મોટા સ્ટાર્ટઅપ્સ ઈતિહાસ બની ગયા, તે જોઈએ…
બ્લુસ્માર્ટ
2019માં શરૂ થયેલા બ્લુસ્માર્ટે ભારતમાં કેબ સર્વિસ ક્ષેત્રે ઓલા અને ઉબરને પડકાર આપવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીએ પ્રદૂષણમુક્ત રાઈડ્સ અને પગારધારક ડ્રાઈવર્સનું વચન આપ્યું હતું. દિલ્હી વિસ્તારમાં આ મોડલ ખાસ કરીને લોકપ્રિય બન્યું હતું. બ્લુસ્માર્ટને BP Ventures સહિત અનેક મોટા રોકાણકારો પાસેથી અંદાજે 16.8 કરોડ ડોલરનું ફંડિંગ મળ્યું હતું.
આ સ્ટાર્ટઅપની શરૂઆત જેન્સોલ એન્જિનિયરિંગના પ્રમોટર્સ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે જેન્સોલમાં મોટા પાયે કૌભાંડ સામે આવ્યું, ત્યારે તેની અસર બ્લુસ્માર્ટ પર પણ પડી. સેબીએ શોધ્યું કે જેન્સોલના પ્રમોટર્સે EV લોનમાંથી ઓછામાં ઓછા 262 કરોડ રૂપિયા ગેરરીતિ કરીને કાઢી લીધા, અંતે કંપનીએ તેના ઓપરેશન્સ બંધ કરી દીધા.
હાઇક
હાઈકની શરૂઆત 2012માં ટેલિકોમ ટાયકૂન સુનીલ ભારતી મિત્તલના પુત્ર કેવિન મિત્તલે કરી હતી. એક સમય એવો હતો જ્યારે હાઈક વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવા વૈશ્વિક મેસેજિંગ પ્લેટફોર્મ્સને ટક્કર આપતું લાગતું હતું. લોન્ચના ચાર વર્ષમાં જ કંપનીએ વેન્ચર કેપિટલ ફર્મ્સ પાસેથી 25 કરોડ ડોલરથી વધુનું ફંડિંગ મેળવ્યું હતું, પરંતુ સ્પર્ધા વધતાં 2021માં તેની મેસેજિંગ સર્વિસ બંધ કરવી પડી. ત્યાર બાદ કંપનીએ રિયલ-મની ગેમિંગ પ્લેટફોર્મ ‘Rush’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જોકે આ વર્ષે Online Gaming Promotion and Regulation Act હેઠળ રિયલ-મની ગેમિંગ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો. પરિણામે, સપ્ટેમ્બર 2025માં હાઈકે તેના બાકીના તમામ ઓપરેશન્સ પણ બંધ કરી દીધાં.
ડુન્ઝો
ડુન્ઝો ભારતમાં હાઈપરલોકલ ડિલિવરી ક્ષેત્રમાં શરૂઆત કરનાર આગેવાન સ્ટાર્ટઅપ્સમાંનું એક હતું. 2022માં તેને રિલાયન્સ રિટેલ પાસેથી 24 કરોડ ડોલરનું ફંડિંગ મળ્યું હતું, પરંતુ જ્યારે સ્પર્ધા વધી અને ઝેપ્ટો, સ્વિગી ઇન્સ્ટામાર્ટ તથા બ્લિન્કિટ જેવા ખેલાડીઓ મેદાનમાં આવ્યા, ત્યારે ડુન્ઝો તેમની સામે ટકી શક્યું નહીં.આ સાથે કંપની દેવાંના જાળમાં પણ ફસાઈ ગઈ. આ સાથે ડુન્ઝોની કહાણીનો અંત આવ્યો.
ઓટિપી (Otipy)
બ્લિન્કિટના ભૂતપૂર્વ ચીફ ટેક્નોલોજી ઓફિસર વરુણ ખુરાણાએ લોકડાઉન દરમિયાન 2020માં ઓટિપીની શરૂઆત કરી હતી. આ એક સબ્સ્ક્રિપ્શન આધારિત ગ્રોસરી ડિલિવરી સર્વિસ હતી. ઓટિપીએ મુંબઈ અને દિલ્હી-NCRમાં લાસ્ટ-માઈલ ડિલિવરી સંભાળતા રીસેલર્સની કોમ્યુનિટી મારફતે ગ્રાહકોને સીધા ખેડૂતો સાથે જોડ્યા હતા, પરંતુ થોડા સમય બાદ સ્ટાર્ટઅપમાં ફંડની તંગી શરૂ થઈ. કંપની 10 મિનિટમાં ડિલિવરીના મોડલને અપનાવી શકી નહીં. પરિણામે મે, 2025માં ઓટિપી સ્ટાર્ટઅપ બંધ થઈ ગયું.
થાણે: થાણે નગરપાલિકા ચૂંટણી પહેલાં મહાયુતિમાં તણાવ જોવા મળી રહ્યો છે. ભાજપ અને શિવસેના (શિંદે જૂથે)એ અલગ-અલગ રીતે ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો છે. નોંધપાત્ર છે કે છેલ્લા ઘણા દિવસોથી સંકેતો મળી રહ્યા હતા કે થાણે મુદ્દે બંને પક્ષો વચ્ચે સહમતી બની રહી નથી. ગઠબંધન અંગે વારંવાર બેઠક હોવા છતાં કોઈ નક્કર નિર્ણય ન આવતાં નારાજ થઈને શિવસેનાએ પણ થાણેમાં સ્વતંત્ર રીતે પ્રચાર શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ભાજપ અને શિંદેની શિવસેના અલગ-અલગ પ્રચારમાં
આ તરફ ભાજપે પણ અહીં અલગથી પ્રચાર શરૂ કરી દીધો છે. થાણેને એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. અહીં ભાજપ અને શિવસેના વચ્ચે લાંબા સમયથી ખટપટ ચાલી રહી હતી. હવે ભાજપે શહેરમાં અંદાજે 16 સ્થળોએ બેનરો લગાવ્યાં છે. આ બેનરો પર ‘નમો ભારત, નમો થાણે’નો સંદેશ આપવામાં આવ્યો છે. બેનરોમાં વિકાસકાર્યો ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શું બંને પક્ષોમાં સીટ શેરિંગ પર સહમતી નથી?
એવું માનવામાં આવે છે કે થાણેમાં સીટ શેરિંગને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે વાત નથી બની, તેથી બંને પક્ષો અલગ-અલગ રીતે ચૂંટણીપ્રચારમાં લાગી ગયા છે.
રાજ્યમાં રાજકીય ઊથલપાથલની શક્યતા
હવે સૌની નજરો એ પર છે કે ભાજપના આ પગલાં પર શિવસેના (શિંદે ગૂટ) તરફથી શું પ્રતિક્રિયા આવે છે. શિવસેનાના ગઢ ગણાતા થાણેમાં ભાજપ દ્વારા એકલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરવાથી રાજ્યના રાજકારણમાં તોફાન પણ આવી શકે છે. માનવામાં આવે છે કે આવનારા કેટલાક દિવસોમાં રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની શકે છે.