Home Blog Page 354

Year Ender 2025: એ હૈયાફાટ ઘટનાઓ જેણે અનેક પરિવારોના જીવનને કાયમ માટે બદલી નાખ્યું

2025નું વર્ષ ભારત માટે ખૂબ જ દુઃખદ રહ્યું. વિમાન દુર્ઘટના, ભાગદોડ, આગ અને વિસ્ફોટોમાં સેંકડો લોકોના મોત થયા અને સુરક્ષા વ્યવસ્થા પર પણ  ગંભીર પ્રશ્નો ઉભા થયા.

2025નું વર્ષ ભારત માટે ઘણી રીતે આઘાતજનક રહ્યું. દેશભરમાં થયેલા બોમ્બ વિસ્ફોટ, નાસભાગ અને અકસ્માતોની ઘટનાએ સેંકડો પરિવારોના જીવનને કાયમ માટે બદલી નાખ્યું. કેટલીક જગ્યાએ સુરક્ષામાં ખામીઓ સ્પષ્ટ જોવા મળી, જ્યારે અન્ય જગ્યાએ ભીડ વ્યવસ્થાપન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું. આ વર્ષ ફક્ત એક કેલેન્ડર વર્ષ નહોતું, પરંતુ ઘણા પરિવારો માટે અધૂરી વાર્તાઓનો અંત પણ હતો. ચાલો જોઈએ તે મુખ્ય ઘટનાઓ જેણે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું.

1. મહાકુંભ નાસભાગ ઘટના

તારીખ: 29 જાન્યુઆરી, 2025

મોત: 30

સ્થળ: પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ

શ્રદ્ધાના મહાન સંગમમાં જ્યારે વ્યવસ્થા તૂટે ત્યારે ભક્તિ પણ આંસુમાં ફેરવાઈ જાય છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં 28-29 જાન્યુઆરીની રાત્રે નાસભાગની ઘટના બની હતી. નદીએ સ્નાન કરવા જવાના માર્ગમાં માનવ મહેરામણ ઉમેટ્યુ અને દુર્ઘટના ઘટી, સંપૂર્ણ પરિસરમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતાં. તેમજ 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ પ્રશાસનના ભીડ-વ્યવસ્થાપન પર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતાં. મામલો કોર્ટમાં ગયો, સુનાવણી પણ થઈ. ન્યાયાધીશ હર્ષ કુમારના નેતૃત્વમાં ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ આ મામલે હજી સુધી એટલે કે ડિસેમ્બર 2025 સુધીમાં પણ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી.

2. પહેલગામ આતંકવાદી હુમલો

તારીખ: 22, એપ્રિલ, 2025

મોત: 26

સ્થળ: પહેલગામ, જમ્મુ-કાશ્મીર

22 એપ્રિલ, 2025 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરનમા આતંકવાદીઓએ નાગરિકો પર હુમલો કર્યો ને આખા દેશમાં હાહાકાર મચી ગયો. આ દુર્ઘટનામાં 25 ભારતીયો અને 1 નેપાળી સહિત 26 લોકોએ જીવ ગૂમાવ્યા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સેના, CRPF અને J&K પોલીસે ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબરૂપે ભારતે ઓપરેશન સિંદૂર સાથે પ્રતિક્રિયા આપી. 6-7 મેની રાત્રે, પાકિસ્તાનમાં આતંકવાદીઓના નવ ઠેકાણાઓ પર સચોટ હુમલા કરવામાં આવ્યા.

3. RCBની વિક્ટરી પરેડમાં નાસભાગ

તારીખ: 4 જૂન, 2025

મોત: 11

સ્થળ: બેંગ્લોર, કર્ણાટક

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને વિરાટ કોહલીના ચાહકોની સંખ્યા ઓછી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પહેલી IPL જીત બાદ, ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા. ઉજવણીના ભાગરૂપે પરેડનું આયોજન થયું . પરેડ રૂટમાં છેલ્લી ઘડીએ થયેલા ફેરફારો અને અપૂરતા આયોજનને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ભીડ એટલી વધવા લાગી કે લોકો એકબીજા પર પડવા લાગ્યા. ભાગદોડમાં 11 લોકોના મોત થયા અને 56 થી વધુ ઘાયલ થયા.જોતજોતામાં આનંદનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું.આટલા મોટા કાર્યક્રમમાં ભીડનું નિયંત્રણ કેમ આટલું નબળું હતું તે અંગે પ્રશ્નો ઉભા થયા.કર્ણાટક સરકારે પોલીસ કમિશનરને સસ્પેન્ડ કર્યા અને ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો.

4. એર ઈન્ડિયા પ્લેન ક્રેશ

તારીખ: 12 જૂન, 2025

મોત: 280

સ્થળ: અમદાવાદ, ગુજરાત

ક્યારેય ન ભૂલી શકાય એવો 12 જૂનનો કાળો દિવસ. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર એક ભયાનક અકસ્માત થયો, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 (લંડન ગેટવિક જતી બોઇંગ 787-8) ટેકઓફ પછી બપોરના સમયે બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ. ફ્લાઈટમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોને કાળ ભરખી ગયો. જે હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયું તે જગ્યાએ 39 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં 280 જીંદગીઓ મોતને ભેટી. ડઝનબંધ લોકો ઘાયલ થયા. પ્રારંભિક તપાસમાં ઘટના પાછળનું કારણ ઇંધણ/એન્જિન નિયંત્રણમાં સમસ્યા હોવાનું બહાર આવ્યું. આ આખી ઘટનામાં એક વ્યક્તિનો સદ્નસીબે બચાવ થયો.

5. કરુર નાસભાગ

તારીખ: 27 સપ્ટેમ્બર, 2025

મોત: 41

સ્થળ: કરુર, તમિલનાડુ

અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય તમિલનાડુના કરુરમાં રેલી કરી રહ્યા હતા. તેમને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. અપેક્ષિત સંખ્યા કરતાં લગભગ ત્રણ ગણા, અથવા લગભગ 10,000 લોકો પહોંચ્યા હતા. વિજયના આગમનમાં વિલંબ થયો, જેના કારણે ભીડ બેચેન થઈ ગઈ, અને અચાનક ઝપાઝપી શરૂ થઈ. લોકો એકબીજા પર પડી ગયા, ઘણા લોકો બેરિકેડમાં ફસાઈ ગયા અને કેટલાક લોકો નાસભાગમાં ફસાઈ ગયા. નાસભાગમાં આશરે 41 લોકોએ જીવ ગુમાવ્યા.

6. લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ

તારીખ: 9 નવેમ્બર, 2025

મોત: 13

સ્થળ: નવી દિલ્હી

9 નવેમ્બર, 2025 ના રોજ, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક આતંકવાદી હુમલો થયો હતો. સાંજના સમયે એક કારમાં વિસ્ફોટની ઘટના ઘટી ને 13 લોકો માર્યા ગયા. 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.સિગ્નલ પર ધીમે ધીમે આગળ વધી રહેલી કારમાં વિસ્ફોટથી રાહદારીઓ ઘાયલ થયા હતા અને વાહનોને પણ નુકસાન થયું હતું. દિલ્હી પોલીસ, એનએસજી અને એફએસએલએ ઘટનાસ્થળને સીલ કરી દીધું હતું અને પુરાવા એકત્રિત કર્યા હતા. એનઆઈએએ ગુપ્તચર અને પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરી હતી. નવ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે તેમને જેલમાં ધકેલી દીધા હતા.

7. નાઈટક્લબ અગ્નિકાંડ

તારીખ: 6 ડિસેમ્બર

મોત: 25

સ્થળ: ગોવા

ગોવાના આર્પોરામાં બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં 6 ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિ પછી ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ભયાનક ઘટનાએ લોકોને ભયભીત કરી દીધા હતા. આ ઘટનામાં 25 લોકો મૃત્યુ પામ્યા હતા અને 5 થી વધુ ઘાયલ થયા હતા.

પૈસાની વાત આવે ત્યારે આપણી તર્કશક્તિ બુઠ્ઠી થઈ જાય છે

ઘણાં વર્ષો પહેલાં હું સજોડે સિંગાપોર ફરવા ગયો હતો. એક સ્થાનિક તામિલ અખબારમાં તામિલમાં લખેલી એક જાહેરખબર હતી. તેમાં જેટલું લખાણ અંગ્રેજીમાં હતું એ અમે વાંચ્યું. એ જાહેખબર જાણીતી દક્ષિણ ભારતીય રેસ્ટોરાં ચેઇનની હતી. તેમાં ‘1 સિંગાપોર ડૉલર’ એટલું જ અંગ્રેજીમાં લખ્યું હતું. અમને લાગ્યું કે કોઈ ડિસ્કાઉન્ટ કૂપન હશે. આથી અમે સારું એવું ડિસ્કાઉન્ટ મેળવવા પાંચ અખબારો ખરીદ્યાં. અમે રાબેતા મુજબના ઓર્ડરની સાથે રેસ્ટોરાંના કૅશ કાઉન્ટર પર એ કૂપનો રજૂ કરી. કાઉન્ટર પરની વ્યક્તિએ પૂછ્યું, “ખાવાનું પાર્સલ જોઈએ છે કે બેસીને ખાવાનું છે.” અમે કહ્યું, “રેસ્ટોરાંમાં બેસીને ખાવાનું છે.”

એ કૂપનની ઑફર એવી હતી કે 1 સિંગાપોર ડૉલરમાં એક પ્લેટ ચના ભટુરા અને એક લાર્જ કોક મળશે. આમ, પાંચ કૂપન આપવાથી અમને પાંચ પ્લેટ ચના ભટુરા અને પાંચ લાર્જ કોક મળ્યાં. આ બધું અમે ઓર્ડર કરેલી ખાણીપીણીની બીજી વસ્તુઓ ઉપરાંત મળ્યું. અમે લાંબો વિચાર કર્યા વગર મેળવેલી પાંચ કૂપનોનું આવું પરિણામ આવ્યું!

અમને ભલે તામિલ આવડતું ન હતું, પરંતુ અમે અખબાર ખરીદતાં પહેલાં કોઈને પૂછીને ચોકસાઈ કરી શક્યાં હોત. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે તહેવારોના સમયે ઘણી વાર મીડિયા કે સોશિયલ મીડિયા પર આવતી ઑફરોથી લલચાઈ જઈએ છીએ અને એવી ઘણી વસ્તુઓ ખરીદી લઈએ છીએ, જેની આપણને જરૂર હોતી નથી.

આવું જ રોકાણની બાબતે પણ થતું હોય છે. આપણા નાણાકીય લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય નહીં એવી સ્કીમમાં આપણે રોકાણ કરી દેતા હોઈએ છીએ. આપણું મન આપણને આ બધું કરવા પ્રેરે છે. ઑફરથી અંજાઈ જઈને આપણે થોડા સમય પૂરતા ઉન્માદમાં આવી જઈએ છીએ. આવા ઉન્માદથી બચવું જોઈએ. એક વખત એ ઊભરો શમી જાય પછી આપણને આપણી ભૂલ સમજાય છે, પરંતુ ત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આપણી જરૂરિયાત કરતાં વધારે પૈસા હોય ત્યારે આવું થતું હોય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક હાનિકારક હોય છે.

પૈસાની વાત આવે ત્યારે આપણી તર્કશક્તિ બુઠ્ઠી થઈ જાય છે, આપણે લાગણીઓમાં દોરાઈ જઈએ છીએ. પૈસાનો સવાલ હોય ત્યારે ‘તાર્કિક’નો વિરુદ્ધાર્થી શબ્દ ‘અતાર્કિક’ નહીં, પણ મોટાભાગે ‘લાગણીશીલ’ હોય છે. લાગણીના પ્રવાહમાં તણાઈને વર્તન કરવું નુકસાન નોતરે છે. કુરુક્ષેત્રના યુદ્ધ વખતની અર્જુનની માનસિકતા વિશે આપણે જાણીએ છીએ. એ વખતે એમને બીજા કોઈ નહીં, પણ ભગવાન કૃષ્ણે જ્ઞાન આપવું પડ્યું હતું અને સત્યનું ભાન કરાવવું પડ્યું હતું.

યોગિક વેલ્થ આપણા મનને શાંત અને સ્થિર રાખવાનું કહે છે. આપણે જેટલા શાંત અને સ્થિર રહી શકશું એટલા વધુ યોગ્ય નિર્ણયો લઇ શકશું અને આપણા નિર્ણયોનો વધુ આનંદ મેળવી શકીશું.

જીવનમાં પૈસાની વાત હોય કે બીજી કોઈ, હંમેશાં મનને શક્ય તેટલું વધારે શાંત રાખવાનો પ્રયાસ કરવો. આમ કહેવું સહેલું છે અને કરવું ઘણું જ અઘરું છે. આપણે બધા મનુષ્યો છીએ, રોબોટ નહીં; અને લાગણીશીલતા આપણો એક ગુણધર્મ છે. જોકે, ઈશ્વરે આપણને લાગણીઓની ચાલ સમજવાની શક્તિ પણ આપી છે અને આપણાં શાસ્ત્રોએ મર્કટ મનને કાબૂમાં રાખવાની રીત પણ શીખવી છે. સાધક બનવા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરવો. એ સ્થિતિ આવ્યા બાદ ખરેખર શાંતિ મળશે.

યોગિક વેલ્થ શાંતિ અને શીતળતાનો વિષય છે, પ્રસન્ન રહો અને યોગિક વેલ્થનો આનંદ માણો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

કોંગ્રેસની બેઠક બહાર દલિત CMની માગને લઈને વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક ચાલી રહી હતી, એ જ સમયે પાર્ટીની અંદર રાજકીય હલચલ જોવા મળી ઠે. કોંગ્રેસ મુખ્યાલય (AICC), દિલ્હી બહાર દલિત મુખ્યમંત્રી બનાવવાની માગ સાથે અચાનક ધરણાં શરૂ થયાં છે. CWCની મહત્વપૂર્ણ બેઠક માટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે AICC મુખ્યાલય પહોંચ્યા હતા. ત્યાર બાદ તમામ નેતાઓ સાથે બેઠકમાં સામેલ થયા હતા.

AICC મુખ્યાલયની બહાર પ્રદર્શન

દિલ્હીના AICC મુખ્યાલયની બહાર આશરે એક ડઝન જેટલા પ્રદર્શનકારીઓ પહોંચ્યા હતા. તેમણે કર્ણાટકના વર્તમાન ગૃહમંત્રી જી. પરમેશ્વરને આગામી CM બનાવવાની માગ ઉઠાવી હતી. પ્રદર્શનકારીઓએ પાર્ટી હાઈકમાન્ડનું ધ્યાન ખેંચવા માટે નારા લગાવ્યા અને પોસ્ટર બતાવ્યાં હતાં. પોસ્ટરમાં રાજ્યમાં દલિત CM બનાવવાની માગ લખેલી હતી.

મહત્વપૂર્ણ બેઠક

પ્રદર્શનકારીઓએ પોસ્ટર લઈને હાઈ કમાન્ડનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે હવે દલિત નેતૃત્વને આગળ લાવવાનો સમય આવી ગયો છે. આ પ્રદર્શન એ જ સમયે થયું જ્યારે અંદર CWCની મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી હતી.

અરાવલી મુદ્દે બેઠક

CWC બેઠકમાં આજે અનેક મહત્વપૂર્ણ રાજકીય અને સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, તેથી ટોચના નેતાઓની હાજરી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. બેઠકમાં વીજી રામ જી કાયદા સામે મોટા આંદોલનની વ્યૂહરચના પર ગંભીર મંથન થશે. ઉપરાંત નેશનલ હેરાલ્ડ કેસ, અરાવલી સાથે જોડાયેલા મુદ્દાઓ અને અન્ય રાજકીય વિષયો પર પણ ચર્ચાની શક્યતા છે.

રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ હાજર

  • કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા પાર્ટી મુખ્યાલય પહોંચ્યા છે.
  • હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદર સુખ્ખુ બેઠકમાં હાજર છે.
  • તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડી પણ CWC બેઠકમાં સામેલ થઈ રહ્યા છે.

આ ઉપરાંત શશિ થરૂર પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.

માધુરીના ‘ડર’ ના ડર અને ‘અંજામ’ ના અંજામની વાત!

માધુરી દીક્ષિતના ફિલ્મી કરિયરમાં જેટલી સફળતાઓ છે, એટલાં જ રસપ્રદ તેના લીધેલા નિર્ણયો પણ છે. ઘણી વખત તેણે એવી મોટી અને સફળ બની શકતી ફિલ્મોને ‘ના’ પાડી, જે પાછળ માત્ર વ્યાવસાયિક ગણતરી નહીં પરંતુ નૈતિકતા અને દૃષ્ટિકોણ પણ કાર્યરત હતો. આ નિર્ણયોએ તેના વ્યક્તિત્વની એક અલગ જ છબી ઊભી કરી.

નિર્દેશક રાજકુમાર સંતોષી જ્યારે ‘દામિની’ પર કામ કરી રહ્યા હતા ત્યારે આ ફિલ્મ માટે મીનાક્ષી શેષાદ્રિ પહેલેથી જ ફાઈનલ થઈ ચૂકી હતી અને શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. છતાં સંતોષીને લાગ્યું કે જો માધુરી જેવી મોટી સ્ટાર ફિલ્મમાં જોડાય તો તેની કિંમત વધી શકે. તેમણે માધુરીનો સંપર્ક કર્યો, પરંતુ માધુરીએ સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કરી દીધો. તેણીનું માનવું હતું કે જ્યારે એક કલાકારને રોલ માટે પસંદ કરી લેવામાં આવ્યો હોય ત્યારે તેના સ્થાને પોતે કામ કરવું એ અન્યાય ગણાય. સ્પર્ધા હોવા છતાં માધુરીએ સાથી કલાકારના હકનું સન્માન કર્યું અને આ ફિલ્મથી દૂર રહી.

એ જ રીતે માધુરીએ ‘ડર’ પણ ઠુકરાવી હતી. એ સમયે તે ‘અંજામ’માં વ્યસ્ત હતી. બંને ફિલ્મોની વાર્તામાં એક મહત્વપૂર્ણ સમાનતા હતી—એક એવો પાગલ પ્રેમી, જે હીરોઈન માટે કોઈ પણ હદ વટાવે. બંને ફિલ્મોમાં વિલન તરીકે શાહરૂખ ખાન જ હતો. માધુરીને લાગ્યું કે જો તે બંને ફિલ્મો કરશે તો પ્રેક્ષકો માટે પાત્રોની છબીઓ ગૂંચવાઈ જશે. તેને ‘અંજામ’ની સ્ક્રિપ્ટ વધુ મજબૂત લાગી, કારણ કે તેમાં હીરોઈન અંતે વિલન સામે ઊભી રહી બદલો લે છે, જ્યારે ‘ડર’માં હીરોઈન વધુ ડરીેલી અને નિષ્ક્રિય દેખાય છે.

માધુરીની આ ‘ના’ પછી ‘ડર’માં જુહી ચાવલાને લેવામાં આવી. વિધાન એ છે કે ‘ડર’ સુપરહિટ સાબિત થઈ, જ્યારે ‘અંજામ’ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નહીં. છતાં અભિનયની દૃષ્ટિએ ‘અંજામ’માં માધુરીનું પ્રદર્શન આજે પણ પ્રશંસિત માનવામાં આવે છે.

નિર્દેશક વિધુ વિનોદ ચોપરા તેમની રોમેન્ટિક સાગા ‘1942: અ લવ સ્ટોરી’ માટે માધુરીને જ લેવા ઇચ્છતા હતા. માધુરીએ આ ફિલ્મ માટે ટેસ્ટ શૂટ અને ફોટોશૂટ પણ કર્યા હતા, જેમાં તે 1940ના દાયકાના રેટ્રો લુકમાં અદભૂત લાગી રહી હતી. પરંતુ તેની વ્યસ્ત તારીખો—ખાસ કરીને ‘હમ આપકે હૈ કૌન’ અને ‘અંજામ’ના કારણે—ફિલ્મ માટે અવરોધ બની. પરફેક્શન માટે જાણીતા ચોપરાએ રાહ જોવાને બદલે નવી હીરોઈનની શોધ કરી અને અંતે આ રોલ મનીષા કોઈરાલાને મળ્યો, જેને આ ફિલ્મે રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી.

‘હમ આપકે હૈ કૌન’ જેવી ઐતિહાસિક હિટ આપ્યા બાદ પણ નિર્દેશક સૂરજ બડજાત્યાની ‘હમ સાથ સાથ હૈ’માં માધુરીને સ્થાન મળ્યું નહીં. બડજાત્યાએ સ્વીકાર્યું હતું કે આ ફિલ્મમાં મોટી વહુ ‘સાધના’નું પાત્ર શરૂઆતમાં માધુરીને ધ્યાનમાં રાખીને જ રચાયું હતું. પરંતુ તે સમયે માધુરી અને સલમાન ખાનની જોડી એટલી લોકપ્રિય હતી કે તેને સલમાનની ભાભી તરીકે દર્શાવવી પ્રેક્ષકો માટે સ્વીકાર્ય ન રહે તેવી આશંકા હતી. પડદા પર પ્રેમી યુગલ તરીકે ઓળખાયેલી જોડીનો ભાભી-દિયરનો સંબંધ ફિલ્મની ગંભીરતા માટે જોખમી બની શકે એમ લાગ્યું.

પછીથી માધુરીએ પણ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ‘હમ આપકે હૈ કૌન’ પછી પ્રેક્ષકોના મનમાં સલમાન-માધુરીની છબી એટલી ગાઢ રીતે બેસી ગઈ હતી કે ભાભી-દિયરનો સંબંધ લોકો પચાવી શકત નહીં. આ રીતે, માધુરીના ઇન્કાર માત્ર ફિલ્મી નિર્ણયો નહીં પરંતુ સમય, છબી અને સંવેદનશીલતાની સમજ દર્શાવતા ઉદાહરણો બની રહે છે.

યુપીમાં SIR હેઠળ 2.89 કરોડ મતદાતાઓનાં નામ કપાયાં

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં મતદાર યાદીના 26 ડિસેમ્બરેની SIR ફોર્મ જમા કરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. નિર્ધારિત સમય સુધી ફોર્મ ન ભરનાર 2.89 કરોડ મતદાતાઓનાં નામ હવે મતદાર યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયામાં છે. ચૂંટણી પંચના આંકડા મુજબ તેમાં મોટી સંખ્યામાં સ્થળાંતરિત, મૃત્યુ પામેલા, ડુપ્લિકેટ અને ગેરહાજર મતદાતાઓ સામેલ છે.

જોકે ચૂંટણી પંચનું કહેવું છે કે રાજ્યમાં 90 ટકા મતદાર મેપિંગ પૂર્ણ થઈ ચૂકી છે અને સમયમર્યાદામાં કોઈ વધારો કરવામાં નહીં આવે. 31 ડિસેમ્બરથી SIR માટે દાવો-આપત્તિ પ્રક્રિયા શરૂ થશે.સિદ્ધાર્થનગરમાં ચાર લાખ મતદાતાઓનાં નામ કપાવાની શક્યતા

સિદ્ધાર્થનગર જિલ્લામાં SIR પ્રક્રિયા હેઠળ મોટી સંખ્યામાં મતદાતાઓનાં નામ મતદાર યાદીમાંથી દૂર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રશાસનિક આંકડાઓ મુજબ જિલ્લામાં લગભગ 4 લાખ મતદાતાઓ અસરગ્રસ્ત થઈ શકે છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે:

77,664 મતદાતાઓને મૃત જાહેર કરવામાં આવ્યા

1,04,768 મતદાતાઓને સ્થળાંતરિત શ્રેણીમાં મૂકવામાં આવ્યા

પ્રશાસનની રિપોર્ટ મુજબ, જિલ્લામાં 2.32 લાખ મતદાતાઓ મેપિંગ પ્રક્રિયા બહાર રહી ગયા છે..

આમાં કપિલવસ્તુ વિધાનસભા ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું છે. મેપિંગ બહાર રહેલા પાત્ર મતદાતાઓને ફરીથી જોડવા માટે પ્રશાસન વિશેષ સુધારા અભિયાન ચલાવવાની વિચારણા કરી રહ્યું છે.

ડ્રાફ્ટ મતદાર યાદી 31 ડિસેમ્બર 2025ને જાહેર થશે

ચૂંટણી પંચ મુજબ 31 ડિસેમ્બર 2025એ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે

31 ડિસેમ્બર 2025 – 30 જાન્યુઆરી 2026: દાવો અને આપત્તિનો સમય

31 ડિસેમ્બર 2025 – 21 ફેબ્રુઆરી 2026: ફોર્મ પર નિર્ણય અને નિકાલ

28 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશની અંતિમ મતદાર યાદી જાહેર થશે. ચૂંટણી પંચના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં 90 ટકા મતદાર મેપિંગ પૂર્ણ થઈ ગયું છે અને ડેડલાઇન આગળ નહીં વધારવામાં આવે. હાલ ઉત્તર પ્રદેશમાં 15.4 કરોડથી વધુ નોંધાયેલા મતદાતાઓ છે.

સલમાન ખાને પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો, બર્થડે પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો

આજે બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનનો જન્મદિવસ છે. ભાઈજાને સેલેબ્સના જમાવડા વચ્ચે પોતાનો 60મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો.

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને 27 ડિસેમ્બરના રોજ પોતાનો 60મો જન્મદિવસ ખૂબ જ ઉષ્માભર્યા અને હૃદયસ્પર્શી અંદાજમાં ઉજવ્યો. અભિનેતાએ પોતાના પનવેલ ફાર્મહાઉસની બહાર નીકળીને બહાર ભેગા થયેલા પાપારાઝીઓ સાથે બર્થડેની ઉજવણી કરી. તેમણે પાપારાઝીઓ સાથે કેક કાપી અને ફોટા પડાવતા પહેલા તેમને કેકનો ટુકડો આપ્યો. ઉજવણી મોટાભાગે ખાનગી હતી, પરંતુ મહેમાનોની યાદીમાં અભિનેતાના નજીકના લોકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રોનો સમાવેશ થતો હતો. જન્મદિવસની પાર્ટીમાં મહેન્દ્ર સિંહ ધોની અને હુમા કુરેશી સહિત બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

આ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા પાર્ટીમાં

સલમાનના જન્મદિવસની ઉજવણીમાં આદિત્ય રોય કપૂર, રકુલ પ્રીત સિંહ, હુમા કુરેશી અને અન્ય ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. તેમના પરિવારના સભ્યો પણ સંપૂર્ણ રીતે પહોંચ્યા હતા. ભાઈ અરબાઝ ખાન તેની પત્ની શૂરા ખાન સાથે જોવા મળ્યા હતા, જ્યારે ભત્રીજાઓ અરહાન ખાન અને નિર્વાણ ખાન પણ ફાર્મહાઉસની બહાર જોવા મળ્યા હતા. બહેન અર્પિતા ખાન તેના પતિ આયુષ શર્મા સાથે ઉજવણીમાં હાજરી આપી હતી. પાર્ટીના ગ્લેમરમાં તબ્બુ ખાન પણ જોવા મળી,જે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમએસ ધોની સાથે તેની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે પહોંચી હતી. સલમાનના માતાપિતા, સલીમ ખાન અને સલમા ખાન પણ હાજર હતા, જેના કારણે ઉજવણી એક વાસ્તવિક પારિવારિક ઘટના બની હતી. જન્મદિવસની ઉજવણી ઉપરાંત, ચાહકો સલમાન ખાનના વ્યાવસાયિક જીવન, ખાસ કરીને તેની આગામી ફિલ્મ, “બેટલ ઓફ ગલવાન” વિશેના અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અભિનેતા તેના જન્મદિવસ પર ફિલ્મ સાથે સંબંધિત કેટલાક મોટા સમાચાર જાહેર કરશે, જે પહેલાથી જ ખાસ દિવસે વધુ ઉત્સાહ ઉમેરશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો. પનવેલ ફાર્મહાઉસ ખાતેની પાર્ટીમાં હાજરી આપી ન શક્યા હોય તેવા ઘણા જાણીતા બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર સલમાન ખાનને અનોખી રીતે શુભેચ્છા પાઠવી. દિગ્દર્શક ઝોયા અખ્તર અને અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે સલમાન ખાનની તસવીરો શેર કરી અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છાઓ શેર કરી, તેમની ભૂમિકાઓને યાદ કરી.

મનરેગા મુદ્દે કોંગ્રેસની સરકારને ઘેરવાની તૈયારી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સર્વોચ્ચ નીતિ નિર્ધારક એકમ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) શનિવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) મુદ્દે ચર્ચા કરીને આગળની વ્યૂહરચના નક્કી કરશે. કોંગ્રેસ વર્કિંગ કમિટી પોતાની બેઠકમાં મનરેગા મુદ્દે સરકારને ઘેરવા માટે કેટલાક કાર્યક્રમો પર નિર્ણય લે એવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

બેઠકમાં કોણ-કોણ સામેલ રહેશે?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ સંસદીય દળની અધ્યક્ષા સોનિયા ગાંધી, લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી વડરા, જયરામ રમેશ અને અન્ય અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેવાની શક્યતા છે.

કોંગ્રેસનો આરોપ છે કે ‘વિકસિત ભારત–જી રામ જી અધિનિયમ’ મારફતે મનરેગાને ખતમ કરી દેવામાં આવ્યું છે અને આ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવું રાષ્ટ્રપિતાનું અપમાન છે. પાર્ટીનાં ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 20 ડિસેમ્બરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું છે અને કરોડો ખેડૂતો, શ્રમિકો તથા ભૂમિહીન ગ્રામીણ ગરીબ વર્ગનાં હિતો પર હુમલો કર્યો છે. તેમણે એ પણ કહ્યું હતું કે પાર્ટી નવા “કાળા કાયદા” સામે લડત માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્ર પર ખડગેનો પ્રહાર

સંસદમાં વીજી રામ જી બિલ પસાર થયા બાદ ખડગેએ આરોપ મૂક્યો હતો કે મનરેગાનું માત્ર નામ બદલવામાં નથી આવી રહ્યું, પરંતુ આ યોજનાની “યોજનાબદ્ધ હત્યા” કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે વિદેશી ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાઓ પર ફૂલ ચઢાવવું માત્ર દેખાવ પૂરતું છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જી રામ જી અધિનિયમ રાજ્યો અને ગામડાંઓના વિરોધમાં છે અને તેને પાછું ખેંચાવવા માટે સરકારને મજબૂર કરવાના હેતુથી એક રાષ્ટ્રવ્યાપી મોરચો બનાવવામાં આવશે. સંસદે વિરોધ પક્ષના હોબાળા વચ્ચે 18 ડિસેમ્બરે ‘વિકસિત ભારત–જી રામ જી વિધેયક, 2025’ને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંમતિ બાદ હવે આ અધિનિયમ બની ચૂક્યો છે. આ કાયદો 20 વર્ષ જૂના મનરેગાની જગ્યાએ લાગુ થશે.

ગુલકંદ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫

જુવાર-બટેટા હેલ્ધી સમોસા બાટી

સ્વાસ્થ્ય માટે જાગૃત વ્યક્તિ કે સ્વાસ્થ્યને કારણે ડાયેટ પાળનાર વ્યક્તિને જુવારના લોટના પડવાળા અને સમોસાના પૂરણવાળા, તળ્યા વગરના, પરંતુ સ્વાદિષ્ટ સમોસા ખાવા મળે તો મનભરીને તે વ્યક્તિ સમોસાની લહેજત માણી શકે! ખરું ને?

સામગ્રીઃ જુવારનો લોટ 1½ કપ, રવો ½ કપ, મીઠું સ્વાદ મુજબ, કસૂરી મેથી 1 ટે.સ્પૂન, સફેદ તલ 2 ટે.સ્પૂન, ઘી 1 ટે.સ્પૂન તથા બાટી શેકવા માટે, અજમો ½ ટી.સ્પૂન, હૂંફાળું ગરમ પાણી 1-1½ કપ, આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, શેકેલા જીરાનો પાઉડર 2 ટી.સ્પૂન,

પૂરણ માટેઃ ફુદીનાના પાન ½ કપ, લીલા તીખા મરચાં 4-5, આદુનો ટુકડો 2 ઈંચ, સ્વાદ મુજબ મીઠું, જીરૂ 1 ટી.સ્પૂન, તેલ 2 ટે.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, હળદર ½ ટી.સ્પૂન, બાફેલા બટેટા 3, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, સમારેલી કોથમીર ½ કપ, બાફેલા લીલા વટાણા ¼ કપ, ખાંડ ½ ટી.સ્પૂન

રીતઃ જુવારના લોટમાં રવો, કસૂરી મેથી, સફેદ તલ, ઘી તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને હાથેથી મિશ્રણ મિક્સ કરી લીધા બાદ તેમાં થોડું થોડું ગરમ પાણી ઉમેરતાં જઈ (હાથમાં લઈ શકાય તેવું ગરમ પાણી) લઈ લોટ બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.

મિક્સીમાં ફુદીનાના પાન, મરચાં, આદુનો ટુકડો નાખીને પેસ્ટ બનાવી લો.

એક પેનમાં તેલ ગરમ કરી જીરૂ વઘારી, હીંગ નાખો. ત્યારબાદ ફુદીના-આદુમરચાંની પેસ્ટ નાખી, હળદર તેમજ બાફેલા બટેટાનો છૂંદો કરીને નાખો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાઉડર, બાફેલા લીલા વટાણા, ખાંડ તથા સમારેલી કોથમીર ઉમેરી દો. 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને પૂરણ ઠંડું થવા દો. પૂરણ ઠંડું થાય એટલે તેમાંથી ગોળા વાળી લેવા.

જુવારનો લોટ ફરીથી થોડો કુણી લો. તેમાંથી લીંબુ સાઈઝના ગોળા લઈ હાથને પાણીવાળો કરીને હાથમાં જ તેની પુરી થેપી લો. અને આ પુરીમાં પૂરણનો ગોળો મૂકીને તે ફાટે નહીં તે રીતે પેક કરીને લીસો ગોળો વાળીને બધા ગોળા તૈયાર કરી લો.

અપ્પે પેનના દરેક મોલ્ડમાં તેલ અથવા ઘી લગાડીને તેને ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે દરેક મોલ્ડમાં જુવારના સમોસા એટલે કે જુવાર બાટીને ગોઠવી દો. ગેસની ધીમી આંચે થવા દો. વચ્ચેના 2-3 મોલ્ડમાં બાટી જલ્દી ચઢી જશે. તેથી તેને ફેરવીને ગોલ્ડન થાય એટલે કાઢી લો અને આસપાસની બાટીને વચ્ચેના ખાનામાં ગોઠવીને તૈયાર કરી લો. દરેક ખાનાની બાટીમાં થોડું થોડું ઘી નાખીને ફેરવતા રહેવું. (ઘી નાખવાથી તે વધુ ક્રિસ્પી બનશે) દરેક બાટી તૈયાર થતા 10 મિનિટ જેવો સમય થશે.

આ જુવાર સમોસા (બાટી)ને લીલી કોથમીર-ફુદીનાની ચટણી સાથે પીરસો તો વધુ સ્વાદીષ્ટ લાગશે અથવા ગળી ચટણી સાથે પણ પીરસી શકાય.

૨૭ ડિસેમ્બર ૨૦૨૫