નવી દિલ્હી: ડિલિવરી બોય એટલે કે ગિગ વર્કર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 10 મિનિટમાં સામાન પહોંચાડવાની સમયમર્યાદા પર રોક લગાવવામાં આવી છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ મુખ્ય ઈ-કોમર્સ કંપનીઓએ સમયસીમા સંબંધિત ડેડલાઈન દૂર કરવાનો નિર્ણય લીધો છે.
શું છે આખો મામલો?
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના સતત હસ્તક્ષેપ બાદ મોટા ડિલિવરી એગ્રિગેટર્સે 10 મિનિટની ફરજિયાત ડિલિવરી ડેડલાઈન હટાવવાનો નિર્ણય કર્યો છે. ડિલિવરી ટાઈમલાઈનને લઈને ઊભી થયેલી ચિંતાઓ દૂર કરવા Blinkit, Zepto, Zomato અને Swiggy જેવાં મુખ્ય પ્લેટફોર્મ્સ સાથે બેઠક યોજાઈ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બ્લિન્કિટે 10 મિનિટ ડિલિવરીનું વચન હટાવ્યું
બ્લિન્કિટે પોતાની બ્રાન્ડિંગમાંથી 10 મિનિટમાં ડિલિવરીનું વચન દૂર કરી દીધું છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અન્ય એગ્રિગેટર્સ પણ ટૂંક સમયમાં આવું જ પગલું લેશે. કંપનીઓના આ નિર્ણયથી ગિગ વર્કર્સની સુરક્ષા સુનિશ્ચિત થશે, કારણ કે ઝડપી ડિલિવરી આપવા માટે ગિગ વર્કર્સ પોતાનું જીવન જોખમમાં મૂકી રહ્યા હતા, જેનાથી રસ્તા પર અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થતું હતું.
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ગિગ વર્કર્સની સુરક્ષાને લઈને વ્યાપક ચર્ચા ચાલી રહી હતી. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. સંસદ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ ગિગ વર્કર્સની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને તેમને સન્માન, સુરક્ષા અને યોગ્ય વેતન આપવાની માગ કરી હતી.
ગૌરવની વાત એ છે કે પ્રથમ વખત ‘ગિગ વર્કર્સ’ અને ‘પ્લેટફોર્મ વર્કર્સ’ની વ્યાખ્યા અને તેમની સાથે જોડાયેલી જોગવાઈઓ, સોશિયલ સિક્યોરિટી કોડ, 2020માં આપવામાં આવ્યા છે, જે 21 નવેમ્બર, 2025થી અમલમાં આવ્યા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ બીએમસીમાં ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ઘણું ઊંચું છે. આ દરમિયાન મહાયુતિ સરકારના જ બે ટોચના નેતાઓ વચ્ચે મતભેદ સામે આવ્યા છે. એક તરફ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે અને બીજી તરફ ઉપમુખ્ય મંત્રી અજિત પવાર. મુખ્ય મંત્રી ફડણવીસના એક નિવેદનને સાંપ્રદાયિક ગણાવીને અજિત પવારે તેની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ ધર્મનિરપેક્ષ વિચારધારા ધરાવે છે.
પવારે જણાવ્યું કે ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં દરેક વ્યક્તિ સમાન નાગરિક છે. પવારે કહ્યું હતું કે મને આ વાત બિલકુલ પસંદ નથી. મારી વિચારધારા ધર્મનિરપેક્ષ છે.
પવારે યાદ અપાવી આંબેડકરની વિચારધારા
પવારે વધુમાં કહ્યું કે જો કોઈ દેશ વિરુદ્ધ ગદ્દારી કરે છે તો તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને મૃત્યુદંડ આપવામાં આવવો જોઈએ, તે માટે નવો કાયદો બનાવવો જોઈએ. એ સાથે જ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની વિચારધારાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે દરેકને પોતાની ક્ષમતા બતાવવાની અને કામ કરવાની તક મળવી જોઈએ. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આપણને આ જ શીખવ્યું છે અને અન્ય મહાન વ્યક્તિત્વોએ પણ એ જ કહ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું હતું?
મહત્વની વાત એ છે કે અજિત પવારનું આ નિવેદન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના તે દાવા પછી એક દિવસમાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે બીએમસીનો નવો મેયર મહાયુતિમાંથી હશે, તે હિંદુ હશે અને મરાઠી હશે.
વિપક્ષ દ્વારા ‘મરાઠી માનુષ’ ખતરામાં હોવાના દાવાઓ પર જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે ખતરો મરાઠી સમાજને નથી, પરંતુ કેટલીક રાજકીય શક્તિઓના અસ્તિત્વને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર તમામ મરાઠી લોકોનું છે, કોઈ એક જૂથનું નહીં.
પવાર પર ભડક્યા હતા ફડણવીસ
આ અગાઉ પુણેમાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન એનસીપીના નેતા અજિત પવારે પોતાની પાર્ટીના ઘોષણાપત્રમાં મેટ્રોમાં મફત મુસાફરીનું વચન આપ્યું હતું. આ વચનને લઈને ફડણવીસે અજિત પવારનું નામ લીધા વિના જ ટીકા કરી હતી અને કહ્યું હતું કે જેને જે વચન આપવું છે તે આપી રહ્યો છે, પરંતુ આવા વચનો ક્યારેય હકીકતમાં સાકાર થવાનાં નથી.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે કથિત રીતે ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓને ભારતમાં ઘુસાડવામાં સંકળાયેલી એક ગેંગની તપાસ શરૂ કર્યા બાદ હવે આ કેસ કેન્દ્રીય તપાસ એજન્સી NIAને સોંપી દીધો છે. તપાસ સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ એજન્સીને આપવામાં આવ્યા છે, જેથી ઘૂસણખોરીના સમગ્ર નેટવર્કની વિગતવાર તપાસ કરી શકાય.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગયા વર્ષના એપ્રિલમાં ગુનાહિત કાવતરા સંબંધિત કલમો હેઠળ એક કેસ નોંધ્યો હતો, જેને “મુખ્ય ષડયંત્ર” તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં સ્પેશિયલ સેલે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાં એવા લોકો પણ સામેલ છે જેઓ કથિત રીતે પ્રવાસીઓને સરહદ પાર કરાવવામાં મદદ કરતા હતા અને તેમને નકલી આધાર કાર્ડ તથા મતદાર ઓળખપત્ર પૂરાં પાડતા હતા.
સરહદી રાજ્યોમાં સક્રિય નેટવર્ક
દિલ્લી પોલીસને જાણવા મળ્યું હતું કે દેશનાં સરહદી રાજ્યોમાંથી અનેક નેટવર્ક ચેનલો કાર્યરત હતાં. આ પછી મુખ્ય કાવતરાની FIRમાં જાલસાજી અને વિદેશી અધિનિયમ સંબંધિત કલમો ઉમેરવામાં આવી હતી.
ત્યારબાદ દિલ્હી પોલીસે અન્ય રાજ્યોમાં પોતાના સમકક્ષ વિભાગોને પત્ર લખીને માહિતી શેર કરી, જેને આધારે તે રાજ્યોની પોલીસે પણ અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હવે NIAએ સમગ્ર ગેંગનો પર્દાફાશ કરવા અને નાણાકીય સ્ત્રોત (ફંડિંગ) શોધવા માટે કેસ પોતાના હાથમાં લીધો છે. એ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે NIA આ મામલે નવી FIR પણ નોંધાવે એવી શક્યતા છે.
દિલ્હી પોલીસે ચલાવ્યું હતું વિશેષ અભિયાન
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો હેઠળ દિલ્લી પોલીસે ગયા વર્ષે રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓની ઓળખ માટે વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન જાન્યુઆરીથી એપ્રિલ સુધી ચાલ્યું હતું, જોકે અધિકારીઓનું કહેવું છે કે તે હજુ પણ ચાલુ છે. અધિકારીઓએ FRRO (ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ)ની મદદથી ગેરકાયદે પ્રવાસીઓને દેશ બહાર કાઢવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરી હતી.
નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં વાપસી સાથે જ અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અત્યંત કડક બની ગઈ છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના તાજા આંકડાઓ અનુસાર છેલ્લા એક વર્ષમાં 1,00,000થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે. પ્રશાસને સ્પષ્ટ કરી દીધું છે કે સુરક્ષા અને નિયમોના ઉલ્લંઘન મામલે કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે. આ કડકાઈનો સીધી અસર અમેરિકામાં રહેતા ભારતીયો અને ત્યાં અભ્યાસ માટે જવાનાં સપનાં જોતા વિદ્યાર્થીઓ પર પડી છે.
વિઝા રદ થવાનાં ચાર મુખ્ય કારણો
સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટ અનુસાર વિઝા રદ કરવામાં 150 ટકાનો વધારો નોંધાયો છે. તેના પાછળનાં મુખ્ય કારણો આ રહ્યાં:
વિઝા ઓવરસ્ટે: વિઝાની મુદત પૂર્ણ થયા પછી પણ અમેરિકામાં રોકાવું.
DUI (નશામાં વાહન ચલાવવું): દારૂ પીને વાહન ચલાવવાના કેસોમાં H-1B અને L-1 જેવા વિશેષજ્ઞ વિઝાધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આપરાધિક પ્રવૃત્તિઓ: ચોરી, મારામારી અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ.
રાજકીય સક્રિયતા: વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની વિદેશ નીતિ વિરુદ્ધના પ્રદર્શન—જેમ કે ગાઝા યુદ્ધ મામલે પેલેસ્ટિનના સમર્થનમાં પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને ગ્રીન કાર્ડધારકોને પણ ડિપોર્ટેશનનો સામનો કરવો પડી શકે છે.
ભારતીયો પર શી અસર પડી?
અમેરિકાની આ કડક નીતિના કેન્દ્રમાં ભારતીય નાગરિકો પણ રહ્યા છે, જેનો પુરાવો ભારત સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ આપે છે. 21 નવેમ્બર, 2025 સુધીમાં 3155 ભારતીયોને અમેરિકા પરથી પરત મોકલવામાં આવ્યા, જ્યારે 2024માં આ સંખ્યા 1368 અને 2023માં માત્ર 617 હતી. એટલે કે ડિપોર્ટેશનમાં નોંધપાત્ર વધારો થયો છે.
જાન્યુઆરી, 2025થી અત્યાર સુધીમાં 300થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને હજારો સર્વિસ રેકોર્ડ્સ ટર્મિનેટ કરવામાં આવ્યા છે. હવે વિઝા અરજદારોના સોશિયલ મિડિયા પ્રોફાઇલ્સની પણ કડક અને વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાં એક હિન્દુ ગાયકના મૃત્યુથી ભારે ચકચાર મચી ગઈ છે. તેમનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. તેમના પરિવારજનો પોલીસ પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે, જેમાં તબીબી બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બાંગ્લાદેશના પ્રખ્યાત હિન્દુ ગાયક અને રાજકીય કાર્યકર્તા પ્રોલોય ચાકીના મૃત્યુથી દેશમાં રાજકીય દબાણ, માનવ અધિકારો અને લઘુમતીઓના રક્ષણ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. રવિવાર રાત્રે આવામી લીગના સભ્ય ચાકીનું પોલીસ કસ્ટડીમાં અવસાન થયું, જેનાથી તેમના પરિવાર અને સમર્થકોમાં ભારે ચિંતા અને આક્રોશ ફેલાયો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે ચાકીનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું, પરંતુ પરિવારે તેમની અટકાયત દરમિયાન બેદરકારી અને સમયસર તબીબી સારવારનો અભાવ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બાંગ્લાદેશ રાજકીય અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ, દેશમાં રાજકીય હિંસા અને લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે.
પ્રોલોય ચાકી કોણ હતા?
પ્રોલોય ચાકી માત્ર એક રાજકીય નેતા જ નહોતા પણ બાંગ્લાદેશમાં એક પ્રખ્યાત સંગીતકાર અને સાંસ્કૃતિક કાર્યકર પણ હતા. તેમને ઉત્તર બાંગ્લાદેશમાં આવામી લીગના પ્રભાવશાળી આયોજક માનવામાં આવતા હતા અને દાયકાઓ સુધી સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ વિચારધારાને પ્રોત્સાહન આપતા હતા. તેઓ આવામી લીગના પબના જિલ્લા એકમના સાંસ્કૃતિક બાબતોના સચિવ હતા અને 1990 ના દાયકાથી સાંસ્કૃતિક ચળવળોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના ગીતો અને પ્રદર્શન ખાસ કરીને લઘુમતી અને પ્રગતિશીલ સમુદાયોમાં લોકપ્રિય હતા.
તેમની ધરપકડ શા માટે કરવામાં આવી?
ડિસેમ્બરમાં, પોલીસે 2024 ના વિરોધ પ્રદર્શન દરમિયાન બોમ્બ વિસ્ફોટના સંદર્ભમાં પ્રોલોય ચાકીની ધરપકડ કરી હતી, જેના કારણે શેખ હસીનાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. પરિવારનો દાવો છે કે ચાકીની ધરપકડ સમયે કેસમાં તેમનું નામ પણ નહોતું, છતાં તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે વચગાળાની સરકાર દરમિયાન આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
મૃત્યુ અંગે વહીવટીતંત્રનું સંસ્કરણ
જેલ વહીવટીતંત્ર જણાવે છે કે ચાકી પહેલેથી જ ગંભીર બીમારીઓથી પીડાતા હતા. પબના જેલ સુપરિન્ટેન્ડેન્ટ મોહમ્મદ ઓમર ફારુકના જણાવ્યા અનુસાર, ચાકી ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડાતા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેમને પહેલા પબના જનરલ હોસ્પિટલ અને પછી રાજશાહી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે રાત્રે 9 વાગ્યે તેમનું મૃત્યુ થયું. 60 વર્ષીય ચાકીનું સારવાર દરમિયાન જેલ કસ્ટડીમાં મૃત્યુ થયું.
પરિવારના આરોપો
ચાકીના પરિવારે વહીવટીતંત્રના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમના પુત્ર, સોની ચાકી, આરોપ લગાવે છે કે જેલમાં તેમના પિતાની તબિયત સતત બગડતી રહી, પરંતુ અધિકારીઓએ સમયસર સારવાર આપી ન હતી કે પરિવારને જાણ કરી ન હતી. તેમનું કહેવું છે કે પરિવારે હોસ્પિટલમાં દાખલ થવા માટે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો, પરંતુ તે ખૂબ મોડું થઈ ગયું હતું.
વધતી હિંસા વચ્ચે ગંભીર પ્રશ્નો
પ્રોલોય ચાકીનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે બાંગ્લાદેશમાં ધાર્મિક અને વંશીય લઘુમતીઓ, રાજકીય વિરોધીઓ, સાંસ્કૃતિક સંગઠનો અને મીડિયા આઉટલેટ્સ પર હુમલાઓ વધી ગયા છે. ઘણી સાંસ્કૃતિક સંસ્થાઓ, શેખ મુજીબુર રહેમાનના સ્મારકો અને રાજદ્વારી મિશનને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ પૃષ્ઠભૂમિ સામે, ચાકીનું કસ્ટડીમાં મૃત્યુ ફક્ત એક વ્યક્તિનું મૃત્યુ જ નહીં, પરંતુ રાજકીય દમન, લઘુમતી અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ખતરોનું પ્રતીક બની ગયું છે. તેમના મૃત્યુએ કાયદાના શાસન અને કસ્ટડીમાં રહેલા લોકો સાથેના વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ઢાકાઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે એક વધુ હિંદુ યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ 28 વર્ષીય સમીર કુમાર દાસ તરીકે થઈ છે. રવિવારની રાત્રે ભીડે તેને મારપીટ કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સાથે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 13 હિંદુઓની હત્યા થઈ ચૂકી છે. દેશમાં આ હિંસા ભારતવિરોધી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની મોત બાદ શરૂ થયેલાં ઉગ્ર પ્રદર્શનોને કારણે ફેલાઈ છે.
દાસ ફેની જિલ્લાના ડાગોનભુઈયાં વિસ્તારમાં ઓટો રિક્ષાચાલક તરીકે કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલા બાદ હુમલાખોરો તેનું વાહન લઈને ફરાર થઈ ગયા હતા. 28 વર્ષીય દાસનો મૃતદેહ બાદમાં એક ઉપજિલ્લા હોસ્પિટલ નજીક મળ્યો હતો.
પોલીસે લૂંટ અને હત્યાની આશંકા વ્યક્ત કરી
પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ પરથી આ ઘટના લૂંટ અને હત્યાનો કેસ હોવાનું લાગી રહ્યું છે. તપાસ ચાલુ છે અને હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. બાંગ્લાદેશમાં છેલ્લા 25 દિવસમાં અનેક હિંદુ યુવકોની હત્યા થઈ ચૂકી છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં હિંદુઓ સામે વધતા અત્યાચાર
ગૌરતલબ છે કે લગભગ 17 કરોડની વસ્તી ધરાવતા મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશમાં વર્ષ 2024થી પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી છે. આ દરમિયાન ઇસ્લામિક કટ્ટરપંથના વધતા પ્રભાવને કારણે હિંદુઓ સહિત અન્ય અલ્પસંખ્યક સમુદાયો પર હુમલાઓ તેજ થયા છે.
ધાર્મિક ભેદભાવ સામે કામ કરતી માનવાધિકાર સંસ્થા ‘બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી યુનિટી કાઉન્સિલ’એ પણ દેશના વિવિધ વિસ્તારોમાં અલ્પસંખ્યકો પર થતા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
હિંદુઓ પર થતા હુમલાઓ અંગે ભારતની ચિંતા
મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન હિંદુઓ પર થતા અત્યાચારને લઈને ભારતે ગયા અઠવાડિયે આકરી પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે અલ્પસંખ્યકો તેમ જ તેમનાં ઘરો અને વ્યવસાયો પર અતિરેકવાદીઓ દ્વારા વારંવાર થતા હુમલાઓની ચિંતાજનક શ્રેણી જોઈ રહ્યા છીએ. આવી સાંપ્રદાયિક ઘટનાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.
અંગ્રેજીમાં કહેવત છે – Charity begans at Home. માણસે હંમેશાં જે પોતાના છે તેને યોગ્ય તે સન્માન આપવાની વૃત્તિ રાખવી જોઈએ, નહીં તો ‘ઘરકા જોગી જોગડા ઔર ગાવકા પીર’ જેવું થાય.
જ્યારે પાસે હોય તેને અવગણીને અને જે પોતાનું છે એને વ્યાજબી માન પણ નહીં આપીને પારકાને અથવા દૂરનાને સ્વીકૃતિ અથવા માન આપવાની વૃત્તિ રાખવામાં આવે ત્યારે ‘ઊમરો મૂકી ડુંગરો પૂજવો’ કહેવત વપરાય છે.
આવી જ સમાનાર્થી કહેવત ‘માને મૂકીને માસીને ધાવવા જવું’ છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
આનંદ બક્ષી ભારતીય સિનેમાના એવા દિગ્ગજ ગીતકાર હતા જેઓ પોતાની શરતો અને ગીતની ગરિમા સાથે ક્યારેય સમાધાન કરતા નહોતા. તેમના જીવનના બે રસપ્રદ કિસ્સાઓ ફિલ્મ ‘અફલાતૂન’ અને ‘કોહરામ’ સાથે જોડાયેલા છે. જે દર્શાવે છે કે એક ગીતકાર તરીકે કેટલા ચોકસાઈવાળા અને સિદ્ધાંતવાદી હતા.
1997માં આવેલી નિર્દેશક ગુડ્ડુ ધનોઆની ફિલ્મ ‘અફલાતૂન’ના ગીતો આનંદ બક્ષી લખી રહ્યા હતા. આ ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘પોસ્ટર લગવા દો બજાર મેં’ જ્યારે તેમણે લખ્યું ત્યારે નિર્દેશકે તેને તરત જ મંજૂરી આપી દીધી હતી. પરંતુ સંગીતકાર દિલીપ સેન અને સમીર સેનને લાગતું હતું કે ગીત ક્યાંક અટકી રહ્યું છે. તેમાં જે ‘લય’ હોવી જોઈએ તે ખૂટે છે. જ્યારે તેમણે બક્ષીજીને આ વાત કહી ત્યારે તેઓ થોડા અચરજમાં પડ્યા. કારણ કે નિર્માતા-નિર્દેશકને ગીત પસંદ હતું. પરંતુ સંગીતકારના સંતોષ માટે તેમણે ગીત પર ફરી વિચાર કર્યો અને માત્ર બે જ શબ્દો ઉમેર્યા ‘હાય હાય’ અને ગીતની પંક્તિ બની: ‘એક લડકા એક લડકી, એક લડકા લડકી હાય હાય, દોનો પાગલ હો ગયે પ્યાર મેં.’ આ નાનકડા સુધારાએ ગીતમાં એવો પ્રાણ ફૂંક્યો કે દિલીપ સેન ઉછળી પડ્યા અને બોલ્યા કે, ‘બસ, હવે ગીત બરાબર વહે છે!’
બીજો કિસ્સો 1999ની ફિલ્મ ‘કોહરામ’નો છે. મેહુલ કુમારની આ ફિલ્મ માટે આનંદ બક્ષીએ બધા જ ગીતો તૈયાર કરી દીધા હતા, પરંતુ એક ગીત ગુરુદ્વારામાં ‘ગુરુવાણી’ તરીકે આવતું હતું. બક્ષીજીને સંગીતકારોએ આપેલી ધૂન ‘મુજરા’ જેવી લાગી. તેમણે સ્પષ્ટ કહી દીધું કે આ ધૂન પર હું ગુરુવાણી નહીં લખું. કારણ કે તેનાથી વિવાદ થઈ શકે છે અને ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. તે ડરી ગયા હતા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે આ સિચ્યુએશન જ ફિલ્મમાંથી કાઢી નાખો.
નિર્દેશક મેહુલ કુમાર આ ગીત ગુરુદ્વારામાં જ રાખવા માંગતા હતા. આનંદ બક્ષી પોતાની વાત પર મક્કમ હતા. અંતે સંગીતકાર દિલીપ સેન બીજા ગીતકાર દેવ કોહલી પાસે ગયા. જોકે, દેવ કોહલીએ જ્યારે સાંભળ્યું કે બાકીના ગીતો આનંદ બક્ષીએ લખ્યા છે ત્યારે તેમણે નૈતિકતાના ધોરણે ગીત લખવાની ના પાડી દીધી. મામલો ત્યારે ઉકેલાયો જ્યારે આનંદ બક્ષીએ પોતે દેવ કોહલી સાથે ફોન પર વાત કરી અને તેમને ગીત લખવા માટે વિનંતી કરી.
એટલું જ નહીં દેવ કોહલીની ઈચ્છા મુજબ બક્ષીજીએ લેખિતમાં ‘નો ઓબ્જેક્શન’ પત્ર આપ્યો કે તેમને દેવ કોહલી આ ગીત લખે તેની સામે કોઈ વાંધો નથી. ત્યારબાદ દેવ કોહલીએ ‘સતનામ વાહેગુરુ’ લખ્યું. જે કિશનપાલ સિંહના અવાજમાં રેકોર્ડ થયું. આનંદ બક્ષીની આ મક્કમતા અને દેવ કોહલીના સાથી કલાકાર પ્રત્યેના આદરે હિન્દી ફિલ્મ જગતમાં એક અનોખો દાખલો બેસાડ્યો હતો.