Home Blog Page 306

ગુજરાત વિધાનસભા બજેટ સત્રની જાહેરાત

ગાંધીનગર: ગુજરાતના રાજકારણ અને ભાવિ વિકાસનો રોડમેપ તૈયાર કરતું વિધાનસભાનું બજેટ સત્ર આગામી 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહ્વાન બાદ હવે સત્રનું વિગતવાર માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ સત્ર 25 માર્ચ સુધી ચાલશે, જેમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

આગામી બજેટ સત્ર કુલ 23 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ અને ચર્ચાઓ માટે કુલ 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્રના પ્રારંભમાં સરકારના વિઝન અને અત્યાર સુધીની સિદ્ધિઓની વિગતો રજૂ કરાશે. ત્યારબાદ નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27નું રાજ્યનું અંદાજપત્ર (બજેટ) રજૂ કરશે. 17મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાની શક્યતા છે.

વર્ષ 2026-27ના આ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને યુવાઓ માટે મોટી જાહેરાતો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ‘વિકસિત ગુજરાત @2047’ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓમાં જંગી ફાળવણી કરી શકે છે.

આ સત્ર દરમિયાન માત્ર નાણાકીય બાબતો જ નહીં, પરંતુ કેટલાક નિર્ણાયક વિધેયકો પણ રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો તેજ બની છે કે સરકાર સમાન નાગરિક સંહિતા (UCC)ને લગતા કોઈ મહત્વપૂર્ણ પગલાં આ સત્રમાં લઈ શકે છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તારાંકિત પ્રશ્નોત્તરી સહિતના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી લીધી છે.

ભારત, ઇથિયોપિયા વચ્ચે ડિપ્લોમેટિક પાસપોર્ટ પર વિઝાની છૂટ

નવી દિલ્હીઃ ભારત અને ઇથિયોપિયા સરકારોએ ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકો માટે પરસ્પર વિઝા છૂટ (મ્યુચ્યુઅલ વિઝા વેવર) કરારને 15 જાન્યુઆરી, 2026થી અમલમાં મૂક્યો છે. આ કરાર હેઠળ હવે બંને દેશોના ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવતા નાગરિકો વિસા વિના મુસાફરી કરી શકશે.

આ નિર્ણય ભારત અને ઇથિયોપિયા વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. તેને કારણે બંને દેશો વચ્ચે કૂટનીતિક સંપર્ક અને સહયોગને વધુ મજબૂતી મળશે.

આ કરાર નવી દિલ્હી અને અડિસ અબાબા વચ્ચેની એવી ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરીથી દૃઢ કરે છે, જે માત્ર ઐતિહાસિક જ નથી પરંતુ વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી પણ છે.

આ કરાર ડિસેમ્બર, 2025માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇથિયોપિયાની લીધેલી મુલાકાત બાદ અમલમાં આવ્યો છે. આ મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇથિયોપિયાના વડા પ્રધાન ડો. અબી અહમદે બંને દેશોના સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ને સ્તરે ઉજાગર કર્યા હતા. આ કરાર ભારત અને ઇથિયોપિયાની દક્ષિણ–દક્ષિણ સહયોગ અંગેની સંયુક્ત દ્રષ્ટિને દર્શાવે છે અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે.

NIDએ તૈયાર કરી ૭૭મા ગણતંત્ર દિવસની ‘એટ હોમ’ આમંત્રણ કિટ!

અમદાવાદ: દેશના ૭૭મા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘એટ હોમ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટેની આમંત્રણ કિટની ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID)દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વી ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની ભવ્ય હસ્તકળા અને સંસ્કૃતિના સમન્વય આ આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે. જે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે.આ અંગે વિગતો આપતાં NID, અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું કે છેલ્લાં એક વર્ષમાં સતત ત્રીજી વખત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી NIDને સોંપવામાં આવી છે. જે સંસ્થા માટે અત્યંત ગર્વની બાબત છે. તેમણે કહ્યું કે આ વિશેષ પ્રોજેક્ટમાં ભારતના ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા – એમ કુલ આઠ રાજ્યોની પરંપરાગત હસ્તકળા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં આવી છે. આ માટે NIDની ટીમ દ્વારા ત્રણેક મહિનાની મહેનત અને સમગ્ર ઉત્તર-પૂર્વીય પ્રદેશના કારીગર સમુદાયો સાથે સંવાદ-સંશોધન અને રાષ્ટ્રપતિ ભવનની ટીમના પરામર્શ તથા સહયોગથી આ હસ્તનિર્મિત કળાકૃતિઓવાળી આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે.

જેના માટે ઋતુઆધારિત કાચા માલની ઉપલબ્ધિ અને અલગ અલગ રાજ્યોના કારીગરોને સાંકળતી હસ્તકળા પરંપરાને ધ્યાનમાં રાખીને દરેક કળાકૃતિને વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. દરેક આર્ટિફેક્ટ સંબંધિત રાજ્યની વિશિષ્ટ સંસ્કૃતિ, કારીગરોની હુનરમંદી, તેમને જાળવતું કુદરતી પર્યાવરણ તથા આધુનિક સાંસ્કૃતિક સંદર્ભોને પ્રતિબિંબિત કરે છે.

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો સહિત આશરે ૩૫૦થી વધુ કારીગરો દ્વારા આ સમગ્ર કિટ તૈયાર કરવામાં આવી છે. એન.આઈ.ડી. અમદાવાદનાં પ્રા. એન્ડ્રિયા નોરોન્હા અને પ્રા. ડૉ. સી.એસ. સુસાંથની ટીમ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં એન.આઈ.ડી.ના ફેકલ્ટીઝ, વિદ્યાર્થીઓ, ટેકનિકલ સ્ટાફનો પણ સહયોગ મળ્યો છે.

આમંત્રણ કિટ અમદાવાદ અને બેંગલુરુ સ્થિત એન.આઈ.ડી. ટીમો તથા તેમના પોતાના ગામોમાંથી કાર્યરત કુશળ કારીગરો વચ્ચેના સંકલન દ્વારા તૈયાર કરવામાં આવી છે. દરેક કિટ સામૂહિક પ્રયત્નો, કળાત્મકતા અને સમુદાયની ભૂમિકાને રજૂ કરે છે.

ઉત્તર-પૂર્વીય ભારતની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના આધાર સમાન વાંસનો ઉપયોગ કરીને ત્રિપુરાની પરંપરાગત તકનીક મુજબ લૂમ પર વણાયેલી વાંસની ચટાઈથી આમંત્રણ બોક્સ તૈયાર કરાયું છે. જેમાં રંગાયેલા કપાસના દોરા અને વાંસની પાતળી પટ્ટીઓનો ઉપયોગ કરાયો છે. જ્યારે બહારનું કવર મેઘાલયમાં બનાવેલા સ્મોક કરેલા વાંસના અલંકાર સાથે જોડાયેલા હાથથી બનાવેલા કાગળથી સજ્જ છે. કવર અને બોક્સના નકશાઓ આસામી હસ્તપ્રત ચિત્રકલા તથા ઉત્તર-પૂર્વીય પ્રદેશની વનસ્પતિ અને પ્રાણી સંસ્કૃતિથી પ્રેરિત છે.

આમંત્રણમાં વપરાયેલા વાંસ, હેન્ડલૂમ કાપડ, નેટલ, કેન, માટી અને અન્ય કુદરતી સામગ્રી ઉત્તર-પૂર્વીય પ્રદેશના દૈનિક જીવન, આજીવિકા અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે ઊંડે જોડાયેલી છે. ખાસ કરીને, અનેક મહિલાઓ માટે રોજગારનું મહત્વપૂર્ણ સાધન એવા હાથવણાટને આમંત્રણ કિટના વિવિધ ઘટકોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ આમંત્રણ ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોના કુશળ કારીગરો અને હસ્તશિલ્પીઓને સન્માન સમાન છે, જે ભારતના ઉત્તર-પૂર્વીય પ્રદેશની પ્રાચીન જ્ઞાનપરંપરા અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને જિવંત રાખે છે.

શું-શું છે આમંત્રણ કિટમાં અને શું છે?

અષ્ટકોણીય વાંસ વણાટ પેટર્નથી બનેલી આ કિટમાં વૉલ હેંગિંગ સ્ક્રોલ હશે. જે ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યોની પસંદગીદાર હસ્તનિર્મિત કૃતિઓનું કલાત્મક પ્રદર્શન કરે છે. જેમાં સિક્કિમનું સિસ્નુ કાપડવણાટ અને ભરતકામ છે. સિક્કિમની લેપચા વણાટ પરંપરા-‘થારા’માં નિર્મિત આ કૃતિ યુનેસ્કોની ‘મિક્સ્ડ હેરિટેજ સાઇટ’ કાંચનજંગા પર્વત સાથેના આદિકાળના સંબંધને પ્રતિબિંબિત કરે છે.આ સિવાય, પૂર્વ ખાસી હિલ્સ મોસિનરામ જેવા મેઘાલયના સર્વાધિક વરસાદ ધરાવતાં વિસ્ચારનું ગ્રીન બામ્બૂ વણાટ, આસામનું ગોગોના – વાંસ જૉ હાર્પ, ત્રિપુરાના કેન અને વાંસની પટ્ટીઓમાંથી બનાવાયેલાં સુશોભનો, નાગાલૅન્ડનું દુર્લભ કાપડ તેમજ મિઝોરમનું હાથવણાટ કાપડ પુઆન ચેઇ તથા મણિપુરના તાંગખુલ નાગા સમુદાયની નીઓલિથિક કાળથી ચાલતી માટીકામ પરંપરા લોંગપી બ્લેક પોટરીનો સમાવેશ થાય છે.

BMCમાં મહાયુતિની જીતનાં પાંચ મોટાં કારણો…

મુંબઈઃ BMC ચૂંટણી 2026માં મહાયુતિની જીત માત્ર એક ચૂંટણી સફળતા નથી, પરંતુ મુંબઈના રાજકારણમાં તેને એક મોટું પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. આ BMC ચૂંટણીએ સ્પષ્ટ કરી દીધું છે કે મુંબઈના મતદારો હવે ઓળખના રાજકારણથી આગળ વધી ગયા છે. BMCમાં ભાજપે પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરેની પાર્ટી વગર બહુમતી મેળવી છે. ભાજપની આ મોટી જીતનાં મુખ્ય કારણો આ રહ્યાં.

વિકાસના નેરેટિવ પર જનતાનો વિશ્વાસ

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ BMC ચૂંટણીમાં વિકાસના એજન્ડાને સ્પષ્ટ અને આક્રમક રીતે જનતા સમક્ષ રજૂ કર્યો હતો. મેટ્રો, રસ્તાઓ, ક્લસ્ટર રિડેવલપમેન્ટ, ઝૂંપડપટ્ટીનું પુનર્વિકાસ અને જરૂરી સેવાઓ પર ફોકસ કરીને એવો સંદેશ અપાયો કે BMCમાં મુંબઈની જનતા હવે માત્ર રાજકારણ નહીં, પરંતુ પ્રોફેશનલ અર્બન એડમિનિસ્ટ્રેશન ઈચ્છે છે. આ મુદ્દો શહેરના મિડલ ક્લાસ અને યુવા મતદારોમાં ઊંડે સુધી અસરકારક રહ્યો હતો.

ઠાકરે ભાઈઓની એકતા કામ ન આવી

ઉદ્ધવ અને રાજ ઠાકરે 20 વર્ષ બાદ એકસાથે આવ્યા અને પોતપોતાની પાર્ટીઓનું ગઠબંધન બનાવી BMC ચૂંટણીમાં ઊતર્યા, પરંતુ તેનો કોઈ ખાસ લાભ થયો નહીં. તેમની એકતા નિષ્ફળ સાબિત થઈ અને ભાજપના મહાયુતિ ગઠબંધને તેમને BMCની સત્તાથી બહાર કરી દીધા હતા. તેમની ભાવનાત્મક અપીલ પણ ફિક્કી પડી.

મરાઠી મતનું વિભાજન

BMC ચૂંટણીમાં મરાઠી મત એકજૂટ રહી શક્યો નહીં. તે શિવસેના (યુબીટી), રાજ ઠાકરેની MNS અને ભાજપ-શિવસેના શિંદે જૂથની મહાયુતિ વચ્ચે વહેંચાઈ ગયો. આ વિભાજનનો સૌથી મોટો ફાયદો ભાજપને થયો. મહાયુતિએ આ સ્થિતિનો લાભ લઈને પરંપરાગત ન હોય તેવા મતદારો સાથે સાથે મરાઠી મતદારોના મોટા વર્ગને પણ પોતાના પક્ષે કરી લીધા.

ભાજપનું માઇક્રો-મેનેજમેન્ટ અસરકારક

ભાજપે ઠાકરેભાઈઓની જેમ ભાવનાત્મક અપીલ પર આધાર રાખ્યો નહીં, પરંતુ બૂથ લેવલ આયોજન, ડેટા આધારિત કેમ્પેઇન અને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ તમામ બાબતોએ મહાયુતિને ઠાકરે ભાઈઓના ગઠબંધન સામે સ્પષ્ટ વધારાનો લાભ આપ્યો. BMC ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ માટે તેની પાર્ટીઓની સંગઠનાત્મક શક્તિ પણ બહુ ઉપયોગી સાબિત થઈ.

BMC ચૂંટણી 2026 એ સંકેત આપે છે કે મુંબઈના રાજકારણે હવે ઓળખથી દૂર થઈને પરફોર્મન્સ તરફ આગળ વધી રહી છે. મતદારોએ ભાવનાત્મક અપીલ કરતાં વિકાસને મહત્વ આપ્યું છે. આ જ કારણ છે કે હવે ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે BMCની સત્તા એક નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે.

વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ ગેલેરીમાં રોજિંદી હેન્ડ્સ-ઓન શૈક્ષણિક પ્રવૃત્તિ

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન માટે રોબોટિક્સ ગેલેરીમાં ઉપયોગી અને વ્યવહારુ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત સાયન્સ સિટીની મુલાકાતે આવતાં શાળાના વિદ્યાર્થીઓને મૂળભૂત ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઘટકો અંગે હેન્ડ્સ-ઓન પ્રાયોગિક અનુભવ આપવામાં આવી રહ્યો છે.આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓને મોટર ડ્રાઇવર, લેમ્પ, ઇન્વર્ટર, બજ્ઝર જેવા વિવિધ ઇલેક્ટ્રિકલ તથા ઇલેક્ટ્રોનિક ઘટકોની કાર્યપ્રણાલી સમજાવવામાં આવે છે. આ માટે તૈયાર કરાયેલ બેઝિક લર્નિંગ કિટના માધ્યમથી વિદ્યાર્થીઓ જાતે ઘટકો જોડીને જોઈ શકે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે સરળ રીતે સમજી શકે છે.સાયન્સ સિટીની નિષ્ણાત ટીમ દ્વારા દરરોજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે અને દરેક પ્રયોગ તથા ખ્યાલને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓ મૂળભૂત ટેકનિકલ જ્ઞાન મેળવવા સાથે વ્યવહારુ અનુભવ પણ મેળવે છે.આ પ્રવૃત્તિમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને તેઓમાં વિજ્ઞાન તથા ટેકનોલોજી પ્રત્યે રુચિ વધતી જોવા મળી રહી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને તરફથી આ પ્રયાસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે ગુજરાત સાયન્સ સિટીની શૈક્ષણિક મુલાકાત વધુ અર્થપૂર્ણ અને મૂલ્યવાન બની રહી છે.ગુજરાત સાયન્સ સિટી આવનાર સમયમાં પણ આવી રોજિંદી, ઉપયોગી અને અનુભવ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા સતત પ્રયત્નશીલ રહેશે.

ડિજિટલ એરેસ્ટઃ નિવૃત્ત અધિકારી સાથે રૂ. 2.19 કરોડની લૂંટ, પાંચ આરોપીની ધરપકડ

નવી દિલ્હીઃ પોલીસની ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે સાયબર ઠગાઈના એક મોટા કેસમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે કંબોડિયામાં બેઠેલા સાયબર ગુનેગારોએ ભારતીય કાયદાની એજન્સીઓના અધિકારીઓ બનીને દિલ્હીમાં રહેતા 78 વર્ષીય નિવૃત્ત સરકારી અધિકારીને ડિજિટલ એરેસ્ટમાં કરી રાખીને તેમની પાસેથી રૂ. 2.19 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી.

 DCP વિનીત કુમારે જણાવ્યું હતું કે પીડિતે ફરિયાદમાં કહ્યું હતું કે ગયા વર્ષના નવેમ્બરમાં તેમને લખનૌ પોલીસ હેડક્વાર્ટરથી સુમિત મિશ્રા હોવાનો દાવો કરનારી વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમને કહ્યું હતું કે મની લોન્ડરિંગના કેસમાં તેમના વિરુદ્ધ બે ધરપકડ વોરંટ બાકી છે.DCPના જણાવ્યા મુજબ પીડિતની ઉંમર વધુ હોવા અને પોલીસ સ્ટેશન જઈ શકતા ન હોવાને બહાને ઠગોએ ડિજિટલ રીતે ખોટો ધરપકડ કેસ નંબર તૈયાર કર્યો. ત્યાર બાદ પ્રેમકુમાર ગૌતમ નામના બીજા કોલરે પીડિતનો સંપર્ક કર્યો અને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે. તેણે તેમની સંપત્તિની વિગતો માગી, જે પીડિતે આપી દીધી.

24 કલાક નજરકેદ

DCPએ આગળ જણાવ્યું હતું કે ફરિયાદીને 24 કલાક વોટ્સએપ વિડિયો કોલ દ્વારા નજર હેઠળ રાખવામાં આવ્યો હતો અને તેમને ઘર બહાર ન નીકળવા તેમ જ કોઈની સાથે સંપર્ક ન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. પીડિત પર દબાણ બનાવવા માટે એક વ્યક્તિને વકીલ તરીકે નકલી CBI ઓફિસમાં પણ બેસાડવામાં આવ્યો હતો. અંતે 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર વચ્ચે 70 વર્ષીય પીડિતને વિવિધ ખાતાઓમાં કુલ રૂ. 2,19,18,000 ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મંગળવારે મધ્ય પ્રદેશના બરવાણી સ્થિત તેના ગૃહનગરમાંથી 30 વર્ષીય દીપેશ પાટીદારને ધરપકડ કર્યો અને તેની પાસેથી રૂ. 1 કરોડ રોકડા જપ્ત કર્યા. તે ઇલેક્ટ્રોનિક સામાનની રિપેરિંગની દુકાન ચલાવતો હતો.આ ઉપરાંત 28 વર્ષીય અંશુલ રાઠોડ—જે લગ્ન પ્રસંગો માટે મ્યુઝિક સિસ્ટમ ભાડે આપતો હતો—તેની પણ એ જ સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ દરમિયાન ઝાંસીમાં પ્લાસ્ટિક પ્લેટ બનાવતી એકમના માલિક 36 વર્ષીય શ્યામ બાબુ ગુપ્તા, મોટરસાયકલ એક્સેસરીઝની દુકાન ચલાવનાર 25 વર્ષીય રાઘવેન્દ્ર વર્મા અને લખનૌના એક હોટેલમાંથી B.Tech પ્રથમ વર્ષનો વિદ્યાર્થી 26 વર્ષીય દેવેશ સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

હરિદ્વારમાં બિનહિન્દુઓના પ્રવેશ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

હરિદ્વાર: તીર્થનગરી હરિદ્વારના કુંભ ક્ષેત્રમાં બિનહિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધની માગ વચ્ચે હરકી પૌડી પર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યાં છે. આ બોર્ડમાં હરકી પૌડીને ‘બિનહિન્દુ પ્રવેશ નિષેધ ક્ષેત્ર’ તરીકે દર્શાવવામાં આવ્યું છે, એટલે કે બિનહિન્દુઓના પ્રવેશ પર રોકની સૂચના આપવામાં આવી છે. શુક્રવાર સવારથી હરકી પૌડીની વ્યવસ્થા સંભાળતી સંસ્થા ગંગા સભા દ્વારા બ્રહ્મકુંડ અને તેની આસપાસ આ બોર્ડ લગાવવામાં આવ્યાં છે. આ બોર્ડ ગંગા સભાને નામે નહીં, પરંતુ મ્યુનિસિપાલિટી બાયલોઝના હવાલાથી લગાવવામાં આવ્યાં છે.

વાસ્તવમાં, ગયા મંગળવારે બે યુવકો અરબી શેખની વેશભૂષામાં હરકી પૌડી પર ફરતા જોવા મળ્યા હતા, જેમની તસવીરો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. ગંગા સભા સાથે જોડાયેલા તીર્થ પુરોહિતોનું કહેવું છે કે પહેલેથી અસ્તિત્વમાં રહેલા નિયમોના આધારે આ ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યાં છે, જેથી લોકો હરકી પૌડી વિસ્તારમાં પ્રવેશના નિયમો વિશે જાગ્રત થઈ શકે.

પોસ્ટર લગાવવાનો હેતુ શો છે

હરિદ્વારના તીર્થ પુરોહિત ઉજ્જવલ પંડિતે જણાવ્યું હતું કે બોર્ડ લગાવવાનો હેતુ માત્ર એટલો છે કે દરેકને અહીંના નિયમો અને મર્યાદાઓની જાણ રહે. અગાઉ પણ આવાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં, પરંતુ કેટલાંક નુકસાન પામ્યાં હતાં. અમારો ઉદ્દેશ એ છે કે સનાતન ધર્મના આ પવિત્ર સ્થળ પર આવનારી દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે અહીં કયા નિયમો લાગુ પડે છે અને કયા ધર્મના લોકોનો અહીં પ્રવેશ યોગ્ય છે.

હરિદ્વારમાં આગામી વર્ષે યોજાશે કુંભ મેળો

હરિદ્વારમાં કુંભ મેળો આગામી વર્ષની શરૂઆતમાં યોજાવાનો છે. નીતિન ગૌતમનું કહેવું છે કે હરિદ્વાર નગર નિગમના જૂના બાયલોઝમાં આવા નિયમોનો ઉલ્લેખ મળે છે. આ નિયમો વર્ષ 1916માં બનાવવામાં આવ્યા હતા, જ્યારે દેશમાં બ્રિટિશ શાસન હતું. આ નિયમોનો હેતુ હરિદ્વારની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાનો હતો. તેના હેઠળ હરકી પૌડી અને આસપાસના ધાર્મિક વિસ્તારોમાં બિનહિન્દુઓને જમીન ખરીદવા પર પ્રતિબંધ હતો. એટલું જ નહીં, સૂર્યાસ્ત પછી કોઈપણ ગેર-હિન્દુ દુકાનદાર અથવા વેપારીને ત્યાં રોકાવાની મંજૂરી નહોતી.

શ્રેણીબદ્ધ મર્ડર, જકડી રાખતું સસ્પેન્સ ને અકલ્પનીય ક્લાઈમેક્સ…

અમેરિકાના આટલાન્ટા નજીક આશરે સાડાસાત હજારની વસતીવાળી, પર્વત-સરોવર-હરિયાળાં મેદાનના ખોળે વસેલી રળિયામણી ડેહલોનેગા નગરીનું ગાઢ જંગલ. જંગલમાં પાર્ક્ડ કારના બોનેટ પર એક લોહીલુહાણ જુવાન સ્ત્રી ચત્તીપાટ પડી છે. રાચેલ નામની એ સ્ત્રીના હાથની આંગળીઓ પર કૅમેરા ફોકસ થાય ત્યારે આપણે જોઈએ છીએ કે એમાં થોડો જીવ છે…

સીન કટ્ થાય છે ને પરદા પર બીજી એક સ્ત્રી (આના) લગભગ દોડતી ઘરે આવે છે. એ ગભરાયેલી છે, રઘવાટમાં છે. એ શરીર પરથી લોહીના ડાઘા સાફ કરે છે, વાઈનનો બાટલો મોંએ માંડે છે, કોફી ટેબલ પર પડેલાં કાગળના ઢગલા, ચીજવસ્તુઓ ગાર્બેજ બૅગમાં ઠાલવી રસ્તા પરના ડસ્ટબિનમાં પધરાવે છે.

-અને બૅકગ્રાઉન્ડમાં અવાજ આવે છેઃ એક વાત બે જણ રજૂ કરે ત્યારે એક જ વાતની બે બાજુ રજૂ થાય. આનો અર્થ એ કે બેમાંથી એક જુઠ્ઠું બોલી રહ્યું છે.

તે પછી દર્શક હીરો જેક, પોલીસ ડિટેક્ટિવની સવાર જોય છે. એ ઊઠીને પાંચ-છ વર્ષની મીઠડી ભાણેજ સાથે મસ્તીમજાક કરે છે, કિચનમાં આવી ભાણી માટે બ્રેકફાસ્ટ તૈયાર કરે છે, જંગલમાં રાચેલની લાશના સમાચાર મળતાં એ એની પાર્ટનર પ્રિયા પટેલ (સુનીતા મણિ) સાથે ક્રાઈમ સીન તરફ ધસી જાય છે.

આ છે હિઝ ઍન્ડ હર્સનો ઉપાડ. 40-45 મિનિટનો એક, એવા છ એપિસોડ્સની અંત સુધી ઉત્કંઠા જાળવી રાખતી, નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થેયલી આ સિરીઝ હાલ ચર્ચામાં છે.

સિરીઝના એક્ટર્સ જબરદસ્ત છે. ‘ધ બેર’થી પ્રસિદ્ધ થયેલો જોન બર્ન્થલ અહીં ડિટેક્ટિવ જેક હાર્પરના રોલમાં છે, જે રાચેલ મર્ડર કેસનો ઈનચાર્જ ડિટેક્ટિવ છે. ટેસા થૉમ્પસન બની છે આના એન્ડ્ર્યુસ. એ WSK ટીવીની ફેમસ ન્યુસ એન્કર હતી, પણ લગ્નજીવનમાં ભંગાણ તથા એક ટ્રેજેડી બાદ એણે એકાદ વર્ષનો બ્રેક લીધો છે. સિરીઝના પહેલા એપિસોડમાં આપણે જોઈએ છીએ કે, બ્રેક બાદ એ પાછી નોકરી પર આવી છે, પણ એની જગ્યા રૂપાળી-નખરાળી લેક્સીએ લઈ લીધી છે. આનાને લાગે છે કે રાચેલ-મર્ડર કેસથી એ પોતાની કરિયર ફરીથી સેટ કરી શકે. મર્ડર-કેસનું રિપોર્ટિંગ પોતે કરશે એવું એ ટીવીચેનલના હેડને મનાવી લે છે.

હવે જુઓ વળાંકઃ જેક-આના તો પતિ-પત્ની છે, અત્યારે નોખાં રહે છે. આના કૅમેરામેન રિચાર્ડ સાથે ફરે છે એ જેકને પસંદ નથી. રિચાર્ડ નખરાળી લેક્સીનો પતિ છે.

રાચેલ-મર્ડરની તપાસ ચાલી રહી હોય છે ત્યાં જ રાચેલની ફ્રેન્ડ હેલેનનું પણ મર્ડર થાય છે. આ સાથે આનાને જૂના સ્કૂલના દિવસો યાદ આવે છે અને આપણને ખબર પડે છે કે સ્કૂલમાં રાચેલ-હેલેન-ઝો માથાભારે ત્રિપુટી તરીકે કુખ્યાત હતી. ત્રણેવ સ્કૂલમાં આના અને બીજી એક છોકરી કેથરિનનું બુલિઈંગ કરતી, એમને પજવતી. રાચેલ ‘મીન ગર્લ’ હતી (એટલી ખરાબ કે સ્કૂલની કેન્ટીનમાં કેથરીનને કોકા કોલામાં પેશાબ પીવડાવી). રાચેલ-મર્ડરકેસનો મુખ્ય ઈન્વેસ્ટિગટેર જેક પત્ની આના સાથેનાં લગ્નમાં તિરાડ પડતાં મોટી બહેન ઝો અને એની નાનકી દીકરી (એટલે જેકની ભાણી) સાથે રહે છે.

તો હવે શંકાની સોય કોના પર? આના પર? કારણ એ શરૂઆતમાં લોહીવાળી હાલતમાં દેખાઈ હતી અને એ રાચેલ, હેલેન સાથે ભણતી. જેક પોતે? જે પોતાના DNA સૅમ્પલ આપવા તૈયાર નથી કેમ કે એને મૃત રાચેલ સાથે સેક્સસંબંધ હતા. રાચેલનો ધનાઢ્ય પતિ? કેમ કે રાચેલ એને છેતરતી હતી. જેકની પાર્ટનર પ્રિયા પટેલને જેક પર જ શંકા છે, કારણ કે એ હત્યાના પુરાવા સાથે છેડછાડ કરી રહ્યો છે. પ્રિયાને લાગે છે કે જેક પોતાના તરફથી ધ્યાન બીજે હટાવવા રાચેલના પતિને ફસાવી રહ્યો છે.

આ બધાં વચ્ચે ફૅમિલી ડ્રામા છે. જેકની આલ્કોહોલિક બહેન, સિંગલ મધર ઝો છે, આનાની વૃદ્ધ માતા છે, જેને ભૂલવાની બીમારી છે.

-અંતે ખૂન કોણે કર્યાં એ રહસ્ય છતું થાય છે ત્યારે આપણાં મોં ખુલ્લાં રહી જાય છે. ક્લાઈમેક્સ, એન્ટી ક્લાઈમેક્સ વિચિત્ર છે, પરંતુ દર્શકે કલ્પી ન હોય એવી પણ છે. વાર્તામાં વળાંક ઘણા છે, જે ક્યારેક અજીબ લાગે, પણ જોવાની મજા આવશે.

વિલિયમ ઓલ્ડ્રોઈડનું ડિરેક્શન મસ્ત છે, ડાયલોગ્સ ઠીકઠાક છે. લેખન ક્યાંક ક્યાંક નબળું પડે છે. જેમ કે જેક દુનિયાનો સૌથી ઠોઠ ડિટેક્ટિવ લાગે છે. એના અમુક સીન તો અકારણ કોમિક બની ગયા છે. એવું જ આના અને એના કેમેરામેનનું પણ છે. આખી સિરીઝમાં જો કોઈ સમજદાર, ઠરેલ હોય તો એ જેકની પાર્ટનર પ્રિયા પટેલ છે. વળી આજના સમયમાં મોબાઈલ ફોન સ્વિચઓન થાય તો તરત એનું પગેરું મળી જાય એટલી સાદી વાત સિરીઝના લેખકોને કેમ ખબર નહીં હોય?

તો, સિરીઝ જોવી કે નહીં? જો જાન્યુઆરીની સુસ્ત સંધ્યાએ તમારી પાસે કરવા જેવું ખાસ કંઈ નથી અને ઉત્તરાયણવાળા વીકએન્ડની રજાનો મૂડ છે તો ઊંધિયું-જલેબી લઈને બેસી જાઓ ટીવી સામે. પાંચ કલાક વેડફાઈ ગયા જેવું તો નહીં જ લાગે! ‘હિઝ એન્ડ હર્સ’ નેટફ્લિક્સ પર જોવા મળશે.

મ્યુનિ. કોર્પોરેશનનાં ચૂંટણી પરિણામોઃ 29માંથી 26 શહેરોમાં ભાજપ+ આગળ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણ માટે ‘મિની વિધાનસભા’ કહેવાતી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીનો આજે નિર્ણાયક દિવસ છે રાજ્યની 29 મહાનગરપાલિકાઓમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં 26 શહેરોમાં ભાજપ અને તેના સાથી પક્ષો આગળ ચાલી રહ્યા છે.  અત્યાર સુધી મળેલા રુઝાનો મુજબ BMCમાં ભાજપ-શિવસેના ગઠબંધન સૌથી આગળ છે, જ્યારે ઉદ્ધવ અને રાજ ઠાકરેની જોડીએ પણ પુરજોશમાં પ્રયત્નો કર્યા છે. આ દરમિયાન બીએમસી ચૂંટણીમાં કોંગ્રેસની આશા દીપક કાલેએ પ્રથમ અધિકૃત જીત નોંધાવી છે અને વોર્ડ નંબર 183માંથી જીત મેળવી છે. માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણીનાં પરિણામો આવનારા દિવસોમાં રાજ્યના રાજકીય ભવિષ્યની દિશા નક્કી કરશે.

આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ભવિષ્ય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ રાજ્યમાં સત્તારૂઢ મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી (MVA) માટે પોતાની જમીની પકડ સાબિત કરવાનો લિટમસ ટેસ્ટ પણ માનવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર ચૂંટણી રુઝાનોનો સંપૂર્ણ ટ્રેન્ડ

કુલ 2869 વોર્ડમાંથી 1092ના રુઝાનો સામે આવ્યાં છે:

* ભાજપ – 509

* શિવસેના (શિંદે) – 150

* કોંગ્રેસ – 150

* શિવસેના (ઠાકરે) – 71

* એનસીપી (અજિત) – 64

* એનસીપી (શરદ) – 07

* AIMIM – 25

* MNS – 06

કોલ્હાપુરમાં કોંગ્રેસની જીતનો ઉત્સવ શરૂ

કોલ્હાપુરમાં કોંગ્રેસ ઉમેદવારોની જીતને લઈને ઉજવણીનો માહોલ છે. કસબા બાવડા વિસ્તારમાં ગુલાલ ઉડાવીને જીતનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.આ જીત બાદ સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં 893 વોર્ડ અને કુલ 2869 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. તેમાં બીએમસી, પુણે, કલ્યાણ-ડોમ્બિવલી, ઠાણે અને મીરા-ભાયંદર જેવી નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. 15 જાન્યુઆરીએ મતદાન થયું હતું અને આજે તેના પરિણામો આવી રહ્યાં છે. મહાયુતિથી લઈને ઉદ્ધવ ગઠબંધન, રાજ ઠાકરેથી લઈને કોંગ્રેસ સુધી – આ ચૂંટણીનાં પરિણામો તમામ માટે મહત્વપૂર્ણ છે. અહીં સૌથી વધુ ચર્ચા બીએમસીની થઈ રહી છે, કારણ કે તેના પાસે વિશાળ બજેટ છે. છેલ્લા ઘણા વર્ષોથી બીએમસીમાં શિવસેનાનું શાસન રહ્યું છે, પરંતુ આ વખતનાં બદલાયેલાં રાજકીય સમીકરણોમાં ચૂંટણી યોજાઈ હોવાથી, આ ચૂંટણી દરેક પક્ષ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.

બાંગ્લાદેશમાં હિંદુ વ્યક્તિના ઘરને આગ લગાવાઈઃ યુનુસ સરકાર ઘોર નિદ્રામાં

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. અહીં હિંદુઓને નિશાન બનાવી તેમની હત્યા કરવામાં આવી રહી છે અને તેમનાં ઘરો સળગાવવામાં આવી રહ્યાં છે, પરંતુ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ ઘોર નિદ્રામાં છે. બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંદુ પર હુમલો થયો છે. આ ઘટના સિલ્હેટ જિલ્લાના ગોયાઇનઘાટ વિસ્તારના નંદિરગાંવ યુનિયનના બહોર ગામની છે. અહીં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ એક હિંદુ પરિવારના ઘરમાં હુમલો કર્યો છે. કટ્ટરપંથીઓએ બિરેન્દ્ર કુમાર દેના ઘરને આગ ચાંપી હતી.

જુઓ વિડિયો

બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓના આ કરતૂતનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે આગ લાગ્યા બાદ તે ઝડપથી ઘરમાં ફેલાઈ જાય છે. પરિવારના લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. આગને કારણે ઘર સંપૂર્ણ રીતે ખાખ થયું હતું.

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સ્થિતિ શું છે

હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ (HRCBM) સંસ્થાએ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયો પર વધી રહેલી હિંસા પર સતત નજર રાખી છે. સંસ્થાએ છેલ્લા સાત મહિનામાં 100થી વધુ મોતનું દસ્તાવેજીકરણ કર્યું છે. HRCBMનો આરોપ છે કે આ હિંસા કોઈ છૂટક કે અલગ-અલગ ઘટનાઓ નથી, પરંતુ અલ્પસંખ્યકોને વ્યવસ્થિત રીતે નિશાન બનાવતી દેશવ્યાપી પેટર્ન છે.

રિપોર્ટ મુજબ, 6 જૂન 2025થી 5 જાન્યુઆરી 2026 વચ્ચે બાંગ્લાદેશના તમામ 8 ડિવિઝન અને ઓછામાં ઓછા 45 જિલ્લાઓમાં 116 અલ્પસંખ્યકોનાં મોત થયાં છે, તેમાં લિન્ચિંગ, હત્યા અને શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થયેલા મોતનો સમાવેશ થાય છે। આ કોઈ સ્થાનિક કે સંયોગવશ થયેલી હિંસા નથી, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી હિંસા છે, જેની પેટર્ન સમગ્ર દેશમાં જોવા મળે છે.