Home Blog Page 2840

સેન્સેક્સ, બેન્કેક્સના ડેરિવટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર રૂ.૧૭ હજાર કરોડને પાર

મુંબઈ- બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજ)ના સાપ્તાહિક ડેરિવેટિવ્ઝ સેગમેન્ટે ટૂંક સમયમાં મોટી સિધ્ધિ હાંસલ કરી છે. સેન્સેકસ અને બેન્કેક્સમાં શરૂ કરાયેલા વિકલી કોન્ટ્રેક્ટ્સના બીજા સપ્તાહમાં જ આ બંને કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર મોટા ઉછાળા સાથે ૧૭ હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. શુક્રવારે તેની એક્સપાયરીના દિવસે આ આંકડા જાહેર થયા હતા. હજી ગયા સપ્તાહમાં આ ટર્નઓવર માત્ર રૂ. ૫૩૮ કરોડનું થયુ હતું.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની ગઈકાલે (શુક્રવારે) દ્વિતીય સાપ્તાહિક એક્સપાયરી હતી. આ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.17,345 કરોડનું (રૂ.17,316 કરોડનું ઓપ્શન્સમાં અને રૂ.29 કરોડ ફ્યુચર્સમાં) કામકાજ નોંધાયું હતું. બીએસઈના આ કોન્ટ્રેક્ટ્સનું વિલક્ષણ પાસું એ છે કે તે શુક્રવારની એક્સપાયરી ધરાવે છે. આ બંને કોન્ટ્રેક્ટ્સના ટર્નઓવર અને ઓપન ઈન્ટરેસ્ટમાં સતત વધારો થઈ રહ્યો છે.

શુક્રવારે 98,242 સોદા દ્વારા કુલ 1,78,341 કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ થયું હતું. એક્સપાયરી પૂર્વે કુલ રૂ.1,280 કરોડ મૂલ્યના 20,700 કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.“આ કોન્ટ્રેક્ટ્સમાં વધી રહેલો રસ એ દર્શાવે છે કે નવા કોન્ટ્રેક્ટ્સ બજારના સહભાગીઓ માટે ઉપયોગી છે,’’ એમ બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું.

બીએસઈએ બજારના સહભાગીઓ અને હિતધારકોના પ્રાપ્ત કરેલા પ્રતિભાવના આધારે શુક્રવારની સમાપ્તિવાળા અને નાની લોટ સાઈઝ ધરાવતા સેન્સેક્સ અને બેન્કેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કર્યા છે.

આઇસી15 ઇન્ડેક્સમાં 144 પોઇન્ટની સાધારણ વૃદ્ધિ

મુંબઈઃ અમેરિકાના રોજગારના સાપ્તાહિક આંકડા પ્રોત્સાહક રહેવાને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સાધારણ વૃદ્ધિ થઈ હતી. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇનડેક્સના ઘટકોમાંથી એક્સઆરપી, લાઇટકોઇન, પોલીગોન અને ઈથેરિયમ 1થી 3 ટકાની રેન્જમાં વધ્યા હતા, જ્યારે ટ્રોન, સોલાના, અવાલાંશ અને પોલકાડોટમાં મામૂલી ઘટાડો થયો હતો.

દરમિયાન, વર્લ્ડ ઈકોનોમિક ફોરમે ક્રીપ્ટો એસેટના નિયમન માટેનું શ્વેતપત્ર જાહેર કર્યું છે. એણે વૈશ્વિક સ્તરે સહકાર સાધીને નિયમન કરવાની સરકાર તથા ઉદ્યોગને ભલામણ કરી છે. બીજી બાજુ, બીઆઇએસ અને સાત કેન્દ્રીય બેન્કોના સમૂહે રિટેલ સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) બાબતે સંશોધનપત્ર રજૂ કર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.39 ટકા (144 પોઇન્ટ) વધીને 37,053 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,909 ખૂલીને 37,201ની ઉપલી અને 36,821 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

અમદાવાદના વિસ્તારોમાં સુસવાટા મારતા પવનની સાથે વરસાદ ખાબક્યો

અમદાવાદઃ શહેરના પશ્ચિમ ભાગના વિસ્તારો – ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, જગતપુરમાં આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

આ વર્ષે ઉનાળાની શરૂઆતે ગરમી પડે એ પહેલાં અનેક વાર ગુજરાતમાં માવઠા થયા છે. એ પછી પડેલી કાળઝાળ ગરમીથી  લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હવે મે મહિનાનો અંત આવી ગયો છે ત્યારે સુસવાટા મારતા પવનની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે શુક્રવારની સાંજે આંધી આવી હતી અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

અમદાવાદના અનેક વિસ્તારોમાં માર્ગો પર વીજળી વિભાગ, રેલવે,  મહાનગરપાલિકાના કામો ચાલી રહ્યા છે. એવા વખતે ચોમાસા પહેલાં અચાનક જ વરસાદ ખાબકતાં ઊંડા ખાડા, ઉબડખાબડ રસ્તાઓથી તંત્ર અને લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

સેન્સેક્સ 629 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી 18,500 પોઇન્ટના સ્તરે

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં તેજી થઈ હતી, જેથી સેન્સેક્સ 629 પોઇન્ટ ઊછળ્યો હતો. જ્યારે નિફ્ટી 18,500ની પાસે પહોંચ્યો હતો, જે નિફ્ટીનો પાંચ મહિનામાં સૌથી ઊંચો સ્તર છે. સૌથી વધુ રિયલ્ટી, આઇટી, FMCG, મેટલ અને બેન્કિંગ શેરોમાં જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં પણ આશરે રૂ. 2.30 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરો પણ તેજી સાથે બંધ થયા હતા.

ઘરેલુ બજારમાં સેન્સેક્સ 629.07 પોઇન્ટ વધીને 62,501.69ના મથાળે બંધ રહ્યો હતો અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 178.20 પોઇન્ટ ઊછળીને 18,499.35ના મથાળે બંધ રહ્યો હતો.  બજારમાં સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ મેટલ, FMCG, IT, રિયલ એસ્ટેટ, ફાર્મા અને PSU બેન્કના શેરો એક-એક ટકા વધીને બંધ રહ્યા હતા. BSE મિડકેપ 0.8 ટકા અને સ્મોલ કેપ 0.5 ટકા ઊછળીને બંધ રહ્યા હતા.

ફોરેન કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલરની તુલનાએ રૂપિયો 18 પૈસા વધીને 82.56ના સ્તરે બંધ આવ્યો હતો.

રોકાણકારોએ 2.30 લાખ કરોડનો વધારો

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વધીને રૂ. 282.63 લાખ કરોડે પહોંચ્યું હતું, જે આગલા દિવસે રૂ. 280.33 લાખ કરોડ હતું. આ રીતે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2.30 લાખ કરોડનો વધારો થયો છે.

NSE મિકેપ 0.82 ટકા વધીને 26,803.15ના સ્તરે બંધ થયો છે, જ્યારે NSEના સ્મોલકેપ  0.49 ટકા વધ્યો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 3630 શેરોમાં કામકાજ જોવા મળ્યાં હતાં, જેમાં 1964 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1527 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે 139 શેરો સ્થિર રહ્યા હતા.

 

 

સારી ફિલ્મો દ્વારા લોકોને થિયેટરો તરફ પાછાં વાળવા જોઈએઃ નિહારીકા (ઓ.પી. નૈયરની અભિનેત્રી પૌત્રી)

મુંબઈઃ દંતકથાસમાન સંગીતકાર ઓ.પી. નૈયરનાં પુત્રી નિહારિકા રાયઝાદા અભિનેત્રી છે. હાલમાં જ એમની ફિલ્મ ‘IB71’ રિલીઝ થઈ હતી. નિહારિકાનું માનવું છે કે એવી સારી ફિલ્મો બનાવવી જોઈએ કે જેથી લોકો થિયેટરોમાં જઈને તે જોવાનો ફરી આનંદ માણતા થાય.

નિહારિકા કહે છે, થિયેટરોને ક્યારેય બંધ કરવા ન જોઈએ. આજકાલ OTT સિસ્ટમે થિયેટરમાં જઈને ફિલ્મ જોવાના આનંદનો ભોગ લઈ લીધો છે. આપણે સારી ફિલ્મો બનાવીને લોકોને થિયેટરો તરફ પાછાં વાળવાની જરૂર છે. મને યાદ છે, બાન્દ્રા (વેસ્ટ)માં ગેઈટી અને ગેલેક્સી થિયેટરોમાં મનગમતાં કલાકારોની ફિલ્મો જોવા માટે લોકોની મોટી ભીડ થતી, ટિકિટબારીઓ પર લાંબી લાઈન લાગતી હતી. આજે લોકો ઘરમાં સોફા પર બેઠાં બેઠાં માત્ર બટન ક્લિક કરીને આરામથી ફિલ્મ જોઈ લે છે. પરંતુ આપણે થિયેટરોમાં સહુની સાથે મળીને ફિલ્મ જોવાના આનંદને આપણે પાછો લાવવો જોઈએ.

‘IB71’ ફિસ્મમાં નિહારિકાએ 30 જાસૂસોની ટીમમાં મહિલા ઈન્ટેલિજન્સ બ્યૂરો એજન્ટની ભૂમિકા કરી છે. આ ફિલ્મ વિશે નિહારિકાએ કહ્યું કે તે સસ્પેન્સથી ભરપૂર છે અને બહુ જ સરસ રીતે ફિલ્મ બનાવાઈ છે. ભવિષ્યમાં મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં કામ કરવાની મારી ઈચ્છા છે. વળી, કોઈક એવી ફિલ્મ પણ કરવી છે જેમાં અભિનેત્રીની સશક્ત ભૂમિકા હોય. તદુપરાંત મારે એવી પણ કોઈક ફિલ્મમાં કામ કરવું છે જેમાં મારી પર ત્રણ-ચાર ગીત ફિલ્માવેલા હોય.

33 વર્ષીય નિહારિકાનો જન્મ યૂરોપના લક્ઝમબર્ગમાં થયો હતો. 2010માં એણે મિસ ઈન્ડિયા યૂકે તાજ જીત્યો હતો અને એ જ વર્ષમાં મિસ ઈન્ડિયા-વર્લ્ડવાઈડમાં રનર-અપ રહી હતી. બોલીવુડમાં એણે ‘મસાન’, ‘અલોન’, ‘બેબી’, ‘ધ પરફેક્ટ મર્ડર’, ‘ટોટલ ધમાલ’, ‘સૂર્યવંશી’માં અભિનય કર્યો હતો. 2016માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વર તો એનઆરઆઈ જ’માં પણ મુખ્ય અભિનેત્રીનો રોલ કર્યો હતો.

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશેઃ IMD

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે. ચોથી જૂનની આસપાસ ચોમાસું કેરળ પહોંચશે. આ વર્ષે ચોમાસું 96 ટકા રહેવાનો અંદાજ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 96 ટકા રહેવાનો અંદાજ છે. જોકે ચોમાસા દરમ્યાન અલ નિનોની સંભાવના 90 ટકાથી વધુ છે.

હવામાન વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સોમા સેનરોયે કહ્યું હતું કે અલ નિનો રહેશે અને હિન્દ મહાસાગર ડિપોલ પોઝિટિવ રહેશે. યુરેશિયન બરફની ચાદર પણ આપણા માટે લાભદાયી છે. જોકે અલ નિનોની અસર જરૂર દેખાશે, જે ચોમાસા પર અસર કરશે.હવામાન વિભાગે કહ્યું હતું કે છેલ્લી 16 ચોમાસાની સીઝનમાં જ્યારે અલ નિનો રહ્યું છે, એમાં જોવા મળ્યું છે કે નવ વાર ચોમાસું સરેરાશથી નબળું રહ્યું છે અને બાકીની સાત વાર ચોમાસું સામાન્ય રહ્યું છે.

વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડો. એમ રવિચંદ્રને કહ્યું હતું કે તેઓ સામાન્ય ચોમાસાની આશા રાખી રહ્યા છે. અલ નિનો એકમાત્ર કારક નથી, જે વૈશ્વિક પવન પેટર્નને પ્રભાવિત કરે છે. એટલાન્ટિક નિનો, હિંદ મહાસાગર ડિપોલ અને યુરેશિયન સ્નો કવર વગેરે જેવા અન્ય કારણો પણ છે, જે ચોમાસા પર પ્રતિકૂળ અસર કરશે.

સાયન્સ જર્નલમાં દાવો કરવામાં આવ્યો છે કે અલ નિનોને કાણે 1982-83 અને 1997-98માં વૈશ્વિક આવકમાં 4.1 લાખ કરોડ ડોલર અને 5.7 લાખ કરોડ ડોલરનું નુકસાન થયું હતું. આ શોધમાં દાવો કરવામાં આવ્યો હતો કે 21મી સદીના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે આર્થિક નુકસાન 84 લાખ કરોડ ડોલરનું નુકસાન થવાની શક્યતા છે.

 

 

 

 

 

 

 

સંબંધોનાં સમીકરણનો નીરસ દાખલોઃ એનઆરઆઈ વાઈવ્સ

આજે ફરી એક વાર ફ્રાઈડે અને ફરી એક વાર, આજે તો સારી ફિલ્મ જોવા મળશે જ એવી આશાએ ‘એનઆરઆઈ વાઈવ્સઃ ગ્રે સ્ટોરીઝ ઑફ લવ વર્સીસ ડિઝાયર્સ’ જોવા જાઉં છું. શીર્ષક અને ‘એનઆરઆઈ’ શબ્દથી કન્ફ્યુઝન ન થાય તે માટે જણાવી દઉં કે હિંદી કલાકારોવાળી આ હિંદી ફિલ્મ છે. એનઆરઆઈ ક્રિએટર-ઍક્ટર-પ્રોડ્યુસર ગુંજનબહેન કુઠલિયા અને એમની ટીમે સર્જેલી આ એન્થોલોજી અથવા ફિલ્માવલીમાં અપાર તકના દેશ અમેરિકામાં વસતી મૂળ ભારતીય પરિણીત સ્ત્રીનાં અસંતુષ્ટ લગ્નજીવનની ચાર વાર્તા છેઃ ફર્સ્ટ સ્ટોરી ‘ઓલ્ડ સિક્રેટ’ રાઈમા સેન-ગૌરવ ગેરા અને સાદિયા સિદ્દીકીની આસપાસ ફરે છે. બીજી વાર્તા ‘વૉઈડ સ્પેસ’માં ભાગ્યશ્રી-હીતેન તેજવાની-કપિલ અરોરા છે. ત્રીજી કહાણી ‘ડિઝાયર્સ’માં છે કીકુ શારદા-અદિતિ ગોવિત્રીકર-સમીક્ષા ઓસવાલ-જાવેદ પઠાન અને ચોથી, ‘ટૅબૂ’માં છે જુગલ હંસરાજ-ગુંજન કુઠિયાલા-સમીર સોની-ઑલિવિયા મલ્હોત્રા.

ચારેય વાર્તા માનવસંબંધ, માનવલાગણી, અતૃપ્ત ઈચ્છા-એષણા, સામાજિક બંધનો વચ્ચે ફંગોળાયા કરે છે. ‘પડોસન’ નામની બહેતરીન કૉમેડીના “પ્યારી બિંદુ…” સોંગમાં કિશોરકુમારે ગાયું છેનેઃ “પ્રેમ કી નૈયા બિચ ભઁવર મેં ગુડ-ગુડ ગોથે ખાયે…”

-અને, વહેલી સવારે ફિલ્મ જોતી વખતે હું પ્રાર્થું છું, “ઝટપટ પાર લગા દે…” ચારેય વાર્તાની નાયિકાનાં લગ્નજીવનમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે. અને આ બધી અમેરિકામાં રહેતી ભણેલીગણેલી પત્નીઓ છે. એક મૅથ્સમાં ડૉક્ટરેટ કરનારી વાઈફ (રાઈમા સેન) છે, પણ એ ઘરે બેસીને બાલિકા સંભાળે છે, પતિની પ્રતીક્ષા કર્યા કરે છે, બીજાના બચ્ચાનું બેબીસીટિંગ કરે છે. તો અમેરિકાની વડી કંપનીની સીઈઓ (ભાગ્યશ્રી) પતિની ઘોર ઉપેક્ષાને ‘હશે’ કહીને ચલાવી લે છે. એક (સમીક્ષા) જવાન, ખૂબસૂરત ગૃહિણી છે, જેને ખાધૂડકો-વર્કાહોલિક-સ્થૂળ પતિ (કીકુ શારદા) ખાસ ગમતો નથી, પણ એનો અટિટ્યુડ ‘પડ્યું પાનું નિભાવી લેવા’ જેવો છે.

ગુંજન કુઠિયાલાએ એક ઈન્ટરવ્યુમાં એવું કહ્યું હોવાનું સમજાય છે કે “વૈચારિક આંદોલન જગાવે એવા બોલ્ડ સબ્જેક્ટ માટે બોલ્ડ સીન હોવા જરૂરી નથી.” ઓક્કે, બોલ્ડ સીન ભલે ન રાખો, પણ રેગ્યુલર ફિલ્મોમાં આવતા હોય એવા સીન તો રાખો. હૈયાસગડી જેવી ઓલમોસ્ટ એકસરખી, ઊંડાણ વિનાની, સપાટી પર છબછબિયાં કરતી ચારેય વાર્તાને અણઘડ રીતે શૂટ કરવામાં આવી છે… ફિલ્મમાં સીએટલ વૉશિંગ્ટન, હ્યુસ્ટન ટેક્સાસ, ન્યુ ઈન્ગ્લેન્ડ બોસ્ટન અને ન્યુ જર્સી જેવાં નવાં નવાં લોકેલ્સ બદલાયાં કરે છે, પણ વાર્તામાં ભાગ્યે જ કોઈ નાવીન્ય છે. એનઆરઆઈ ગૃહિણીઓની કેવી ને કેટલી સમસ્યા છે એનો તમને ખાસ અણસાર નથી એવું તમારી એન્થોલોજી જોતાં લાગે છે.

લવ-લેસ મેરેજલાઈફ પર આ પહેલાં અઢળક ફિલ્મો હિંદી સિનામામાં બની છે. મારા મન પર ઊંડી છાપ છોડી ગયેલી એક ફિલ્મ એટલે વિનોદ પાંડેની ‘એક બાર ફિર.’ નાયિકા કલ્પના (દીપ્તી નવલ) હિંદી ફિલ્મના સુપરસ્ટાર મહેન્દ્રકુમાર (સુરેશ ઑબેરોય)ની પત્ની છે. મહેન્દ્રકુમાર અત્યંત બિઝી ફિલ્મકલાકાર છે, સમય મળે ત્યારે મહિલા ફૅન્સ સાથે ફ્લર્ટ કર્યા કરે છે, જ્યારે કલ્પના રસકસ વિનાનું લગ્નજીવન વેંઢાર્યે જાય છે. એક ફિલ્મના શૂટિંગ માટે બન્ને લંડન જાય છે, જ્યાં કલ્પના જવાન ઈન્ડિયન સ્ટુડન્ટ (પ્રદીપ વર્મા)ને મળે છે. સ્ટુડન્ટ સાથેની શ્રેણીબંધ મુલાકાતોમાં કલ્પનાને પોતાનું અસ્તિત્વ જડે છે. બોલ્ડ સીન વિના બોલ્ડ સબ્જેક્ટને આજથી ચાળીસ વર્ષ પહેલાં વિનોદ પાંડેએ કેવી રીતે હાથ ધર્યો એ માટે ‘એક બાર ફિર,’ ખાસ તો એની ક્લાઈમેક્સ જોવા જેવાં છે. રઘુનાથ સેઠનાં કર્ણપ્રિય ગીત-સંગીત આજેય યાદ છેઃ “મન કહે મૈં ઝૂમું” અને “જાને યે મુજકો ક્યા હો રહા હૈ…”

કમોન, ગુંજનબહેન. ફિલ્મ લખવાનો, ડિરેક્ટ કરવાનો, ઍક્ટિંગ કરવાનો શોખ હોવો સારી વાત છે, પણ એ શોખને જ્યારે પ્રોફેશનલ ટચ આપવા નીકળો અને કૅમેરા સ્વિચઑન કરો તે પહેલાં સર્જનની સજ્જતા કેળવો એટલી અપેક્ષા, સિનેમાના પ્રેક્ષક તરીકે હોય તો એ બટ નેચરલ છે કે નહીં?

વંટોળ, વરસાદવાળી મુશ્કેલ રાતો પણ વીતી જશેઃ સાક્ષી મલિક

નવી દિલ્હીઃ દિલ્હીમાં ગઈ કાલે મોડી રાત્રે વંટોળ અને પાણીએ રાજધાનીને પાણી-પાણી કરી દીધું હતું, તો જંતર-મંતર પર બેઠલા પહેલવાનો માટે રાત કાળી કરી દીધી હતી. વાવાઝોડાએ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા જંતર-મંતર પર દેખાવો કરી રહેલા રેસલરોનો ટેન્ટ ઉખાડી દીધા હતા અને વરસાદથી તેમના ગોદડા પણ પલળી ગયા હતા. તેમને પડેલી પારાવાર મુશ્કેલીઓનો ઉલ્લેખ સાક્ષી મલિકે ટ્વીટ કરીને સમર્થકોની સાથે શેર કરી હતી.

સાક્ષી મલિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે વરસાદ અને વંટોળે અમારા ટેન્ટ ઊખડી ગયા છે, અમારે રાત્રે ભીના ગોદડા પર સૂવું પડ્યું હતું, પરંતુ નાનપણમાં મુશ્કેલીઓ વેઠી છે. આ મુશ્કેલ રાતો પણ વીતી રહેશે. તમને બધાને અમારા બધા –જંતર-મંતર પર બેઠેલા પહેલવાનો તરફથી શુભ રાત્રિ.રેસલરોની આ સમસ્યા પર દિલ્હી પંચનાં અધ્યક્ષ અને આપ પાર્ટીનાં નેતા સ્વાતિ માલીવાલે લખ્યું હતું કે વરસાદથી મોસમ ખુશનુમા થઈ ગઈ છે, પણ એક વાર એ ચેમ્પિયન્સ વિશે પણ વિચારો જે એ વરસાદમાં જંતર-મંતર પર દેખાવો કરી રહ્યા છે.

શું છે મામલો?

હરિયાણાના પહેલવાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા જંતર-મંતર પર ધરણાં પર બેઠેલા છે. તેમનું કહેવું છે કે ભાજપના સાંસદ અને WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે કેટલીય યુવતીઓનું યૌન શોષણ કર્યું છે, જેથી તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ મામલે દિલ્હી પોલીસ FIR નોંધી કેસની તપાસ કરી રહી છે. પહેલવાનોની માગ છે કે બ્રિજભૂષણ શરણ સિંહની તરત ધરપકડ થવી જોઈએ ને તેમની ધરપકડ નહીં કરવામાં આવે, ત્યાં સુધી તેઓ દેખાવો કરતા રહેશે.

 

 

 

 

એનએસઈના આશિષકુમાર ચૌહાણ સિંગાપોરમાં ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’થી સમ્માનિત

મુંબઈ તા.26 મે, 2023: સિક્યુરિટીઝ સર્વિસીસને આવરી લેતી એક અગ્રગણ્ય આાંતરરાષ્ટ્રીય પ્રકાશન સંસ્થા ગ્લોબલ કસ્ટોડિયને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણને ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ- લીડર્સ ઈન કસ્ટડી એવોર્ડ્સ ફોર એશિયા પેસિફિક’થી સન્માનિત કર્યા છે. સિંગાપોરમાં 25મી મેએ યોજાઈ ગયેલા એક સમારંભમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આશિષકુમાર ચૌહાણે દૂરદર્શી બિઝનેસ લીડર તરીકે બીએસઈ અને એનએસઈ, એમ બંને ભારતીય સ્ટોક એક્સચેન્જીસ સંચાલનના કેન્દ્રમાં રહી ભારતીય સિક્યુરિટીઝ બજારમાં આપેલા ઉત્કૃષ્ટ યોગદાનને પગલે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

સિક્યુરિટીઝ સર્વિસીસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ક્ષેત્રે એશિયા પેસિફિક રિજનમાં જેમનું વિશિષ્ટ યોગદાન હોય તેમને ‘લીડર્સ ઈન કસ્ટડી એવોર્ડ્સ ફોર એશિયા પેસિફિક’ આપવામાં આવે છે અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે, જેમનું દસકાઓ સુધી વ્યક્તિગતપણે મોટું યોગદાન રહ્યું હોય.

ગ્લોબલ કસ્ટોડિયન પાછલાં 30 વર્ષથી ગ્લોબલ સિક્યુરિટીઝ સર્વિસીસ ક્ષેત્રમાં સંપાદકીય વિચારો માટે વિખ્યાત છે અને તેના વાર્ષિક સર્વેક્ષણો ઉદ્યોગ માટે બેન્ચમાર્ક બની રહ્યાં છે.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમને મળશે રૂ.13.21 કરોડનું ઈનામ

લંડનઃ આવતી 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીંના ઓવલ મેદાન પર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેરાત કરી છે કે જે ટીમ વિજેતા બનશે એને 16 લાખ ડોલર (આશરે રૂ. 13 કરોડ 21 લાખ)નું ઈનામ મળશે. જ્યારે ફાઈનલ હારનાર ટીમને 8 લાખ ડોલર (આશરે રૂ. 6 કરોડ 50 લાખ) ઈનામ રૂપે મળશે. વિજેતા ટીમના કેપ્ટનને ખાસ બનાવેલી ICC મેસ (ગદા) પણ મળશે.

WTC ફાઈનલ મેચ 7-11 જૂન સુધી રમાશે. 12 જૂન રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે.

આઈસીસીએ 2019-21માં યોજાઈ ગયેલી પ્રારંભિક WTC વખતે જે ઈનામી રકમ રાખી હતી તે જ આ વખતે રાખી છે. પહેલી WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને આઠ-વિકેટથી હરાવ્યું હતું અને 16 કરોડ ડોલરનું પહેલું ઈનામ પ્રાપ્ત કર્યું હતું.

સ્પર્ધાની કુલ ઈનામી રકમ 38 કરોડ ડોલર છે. સ્પર્ધામાં રમનાર તમામ ટીમોને અમુક રકમ આપવામાં આવશે. ત્રીજા ક્રમે રહેલી સાઉથ આફ્રિકા ટીમને સાડા ચાર લાખ ડોલર ઈનામ રૂપે મળ્યા છે. તો ઈંગ્લેન્ડને સાડા ત્રણ લાખ ડોલર મળ્યા છે. પાંચમા ક્રમે રહેલા શ્રીલંકાને બે લાખ, છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા ક્રમે રહેલા અનુક્રમે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને એક-એક લાખ ડોલર મળશે.