સંબંધોનાં સમીકરણનો નીરસ દાખલોઃ એનઆરઆઈ વાઈવ્સ

આજે ફરી એક વાર ફ્રાઈડે અને ફરી એક વાર, આજે તો સારી ફિલ્મ જોવા મળશે જ એવી આશાએ ‘એનઆરઆઈ વાઈવ્સઃ ગ્રે સ્ટોરીઝ ઑફ લવ વર્સીસ ડિઝાયર્સ’ જોવા જાઉં છું. શીર્ષક અને ‘એનઆરઆઈ’ શબ્દથી કન્ફ્યુઝન ન થાય તે માટે જણાવી દઉં કે હિંદી કલાકારોવાળી આ હિંદી ફિલ્મ છે. એનઆરઆઈ ક્રિએટર-ઍક્ટર-પ્રોડ્યુસર ગુંજનબહેન કુઠલિયા અને એમની ટીમે સર્જેલી આ એન્થોલોજી અથવા ફિલ્માવલીમાં અપાર તકના દેશ અમેરિકામાં વસતી મૂળ ભારતીય પરિણીત સ્ત્રીનાં અસંતુષ્ટ લગ્નજીવનની ચાર વાર્તા છેઃ ફર્સ્ટ સ્ટોરી ‘ઓલ્ડ સિક્રેટ’ રાઈમા સેન-ગૌરવ ગેરા અને સાદિયા સિદ્દીકીની આસપાસ ફરે છે. બીજી વાર્તા ‘વૉઈડ સ્પેસ’માં ભાગ્યશ્રી-હીતેન તેજવાની-કપિલ અરોરા છે. ત્રીજી કહાણી ‘ડિઝાયર્સ’માં છે કીકુ શારદા-અદિતિ ગોવિત્રીકર-સમીક્ષા ઓસવાલ-જાવેદ પઠાન અને ચોથી, ‘ટૅબૂ’માં છે જુગલ હંસરાજ-ગુંજન કુઠિયાલા-સમીર સોની-ઑલિવિયા મલ્હોત્રા.

ચારેય વાર્તા માનવસંબંધ, માનવલાગણી, અતૃપ્ત ઈચ્છા-એષણા, સામાજિક બંધનો વચ્ચે ફંગોળાયા કરે છે. ‘પડોસન’ નામની બહેતરીન કૉમેડીના “પ્યારી બિંદુ…” સોંગમાં કિશોરકુમારે ગાયું છેનેઃ “પ્રેમ કી નૈયા બિચ ભઁવર મેં ગુડ-ગુડ ગોથે ખાયે…”

-અને, વહેલી સવારે ફિલ્મ જોતી વખતે હું પ્રાર્થું છું, “ઝટપટ પાર લગા દે…” ચારેય વાર્તાની નાયિકાનાં લગ્નજીવનમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે. અને આ બધી અમેરિકામાં રહેતી ભણેલીગણેલી પત્નીઓ છે. એક મૅથ્સમાં ડૉક્ટરેટ કરનારી વાઈફ (રાઈમા સેન) છે, પણ એ ઘરે બેસીને બાલિકા સંભાળે છે, પતિની પ્રતીક્ષા કર્યા કરે છે, બીજાના બચ્ચાનું બેબીસીટિંગ કરે છે. તો અમેરિકાની વડી કંપનીની સીઈઓ (ભાગ્યશ્રી) પતિની ઘોર ઉપેક્ષાને ‘હશે’ કહીને ચલાવી લે છે. એક (સમીક્ષા) જવાન, ખૂબસૂરત ગૃહિણી છે, જેને ખાધૂડકો-વર્કાહોલિક-સ્થૂળ પતિ (કીકુ શારદા) ખાસ ગમતો નથી, પણ એનો અટિટ્યુડ ‘પડ્યું પાનું નિભાવી લેવા’ જેવો છે.

ગુંજન કુઠિયાલાએ એક ઈન્ટરવ્યુમાં એવું કહ્યું હોવાનું સમજાય છે કે “વૈચારિક આંદોલન જગાવે એવા બોલ્ડ સબ્જેક્ટ માટે બોલ્ડ સીન હોવા જરૂરી નથી.” ઓક્કે, બોલ્ડ સીન ભલે ન રાખો, પણ રેગ્યુલર ફિલ્મોમાં આવતા હોય એવા સીન તો રાખો. હૈયાસગડી જેવી ઓલમોસ્ટ એકસરખી, ઊંડાણ વિનાની, સપાટી પર છબછબિયાં કરતી ચારેય વાર્તાને અણઘડ રીતે શૂટ કરવામાં આવી છે… ફિલ્મમાં સીએટલ વૉશિંગ્ટન, હ્યુસ્ટન ટેક્સાસ, ન્યુ ઈન્ગ્લેન્ડ બોસ્ટન અને ન્યુ જર્સી જેવાં નવાં નવાં લોકેલ્સ બદલાયાં કરે છે, પણ વાર્તામાં ભાગ્યે જ કોઈ નાવીન્ય છે. એનઆરઆઈ ગૃહિણીઓની કેવી ને કેટલી સમસ્યા છે એનો તમને ખાસ અણસાર નથી એવું તમારી એન્થોલોજી જોતાં લાગે છે.

લવ-લેસ મેરેજલાઈફ પર આ પહેલાં અઢળક ફિલ્મો હિંદી સિનામામાં બની છે. મારા મન પર ઊંડી છાપ છોડી ગયેલી એક ફિલ્મ એટલે વિનોદ પાંડેની ‘એક બાર ફિર.’ નાયિકા કલ્પના (દીપ્તી નવલ) હિંદી ફિલ્મના સુપરસ્ટાર મહેન્દ્રકુમાર (સુરેશ ઑબેરોય)ની પત્ની છે. મહેન્દ્રકુમાર અત્યંત બિઝી ફિલ્મકલાકાર છે, સમય મળે ત્યારે મહિલા ફૅન્સ સાથે ફ્લર્ટ કર્યા કરે છે, જ્યારે કલ્પના રસકસ વિનાનું લગ્નજીવન વેંઢાર્યે જાય છે. એક ફિલ્મના શૂટિંગ માટે બન્ને લંડન જાય છે, જ્યાં કલ્પના જવાન ઈન્ડિયન સ્ટુડન્ટ (પ્રદીપ વર્મા)ને મળે છે. સ્ટુડન્ટ સાથેની શ્રેણીબંધ મુલાકાતોમાં કલ્પનાને પોતાનું અસ્તિત્વ જડે છે. બોલ્ડ સીન વિના બોલ્ડ સબ્જેક્ટને આજથી ચાળીસ વર્ષ પહેલાં વિનોદ પાંડેએ કેવી રીતે હાથ ધર્યો એ માટે ‘એક બાર ફિર,’ ખાસ તો એની ક્લાઈમેક્સ જોવા જેવાં છે. રઘુનાથ સેઠનાં કર્ણપ્રિય ગીત-સંગીત આજેય યાદ છેઃ “મન કહે મૈં ઝૂમું” અને “જાને યે મુજકો ક્યા હો રહા હૈ…”

કમોન, ગુંજનબહેન. ફિલ્મ લખવાનો, ડિરેક્ટ કરવાનો, ઍક્ટિંગ કરવાનો શોખ હોવો સારી વાત છે, પણ એ શોખને જ્યારે પ્રોફેશનલ ટચ આપવા નીકળો અને કૅમેરા સ્વિચઑન કરો તે પહેલાં સર્જનની સજ્જતા કેળવો એટલી અપેક્ષા, સિનેમાના પ્રેક્ષક તરીકે હોય તો એ બટ નેચરલ છે કે નહીં?