સારી ફિલ્મો દ્વારા લોકોને થિયેટરો તરફ પાછાં વાળવા જોઈએઃ નિહારીકા (ઓ.પી. નૈયરની અભિનેત્રી પૌત્રી)

મુંબઈઃ દંતકથાસમાન સંગીતકાર ઓ.પી. નૈયરનાં પુત્રી નિહારિકા રાયઝાદા અભિનેત્રી છે. હાલમાં જ એમની ફિલ્મ ‘IB71’ રિલીઝ થઈ હતી. નિહારિકાનું માનવું છે કે એવી સારી ફિલ્મો બનાવવી જોઈએ કે જેથી લોકો થિયેટરોમાં જઈને તે જોવાનો ફરી આનંદ માણતા થાય.

નિહારિકા કહે છે, થિયેટરોને ક્યારેય બંધ કરવા ન જોઈએ. આજકાલ OTT સિસ્ટમે થિયેટરમાં જઈને ફિલ્મ જોવાના આનંદનો ભોગ લઈ લીધો છે. આપણે સારી ફિલ્મો બનાવીને લોકોને થિયેટરો તરફ પાછાં વાળવાની જરૂર છે. મને યાદ છે, બાન્દ્રા (વેસ્ટ)માં ગેઈટી અને ગેલેક્સી થિયેટરોમાં મનગમતાં કલાકારોની ફિલ્મો જોવા માટે લોકોની મોટી ભીડ થતી, ટિકિટબારીઓ પર લાંબી લાઈન લાગતી હતી. આજે લોકો ઘરમાં સોફા પર બેઠાં બેઠાં માત્ર બટન ક્લિક કરીને આરામથી ફિલ્મ જોઈ લે છે. પરંતુ આપણે થિયેટરોમાં સહુની સાથે મળીને ફિલ્મ જોવાના આનંદને આપણે પાછો લાવવો જોઈએ.

‘IB71’ ફિસ્મમાં નિહારિકાએ 30 જાસૂસોની ટીમમાં મહિલા ઈન્ટેલિજન્સ બ્યૂરો એજન્ટની ભૂમિકા કરી છે. આ ફિલ્મ વિશે નિહારિકાએ કહ્યું કે તે સસ્પેન્સથી ભરપૂર છે અને બહુ જ સરસ રીતે ફિલ્મ બનાવાઈ છે. ભવિષ્યમાં મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં કામ કરવાની મારી ઈચ્છા છે. વળી, કોઈક એવી ફિલ્મ પણ કરવી છે જેમાં અભિનેત્રીની સશક્ત ભૂમિકા હોય. તદુપરાંત મારે એવી પણ કોઈક ફિલ્મમાં કામ કરવું છે જેમાં મારી પર ત્રણ-ચાર ગીત ફિલ્માવેલા હોય.

33 વર્ષીય નિહારિકાનો જન્મ યૂરોપના લક્ઝમબર્ગમાં થયો હતો. 2010માં એણે મિસ ઈન્ડિયા યૂકે તાજ જીત્યો હતો અને એ જ વર્ષમાં મિસ ઈન્ડિયા-વર્લ્ડવાઈડમાં રનર-અપ રહી હતી. બોલીવુડમાં એણે ‘મસાન’, ‘અલોન’, ‘બેબી’, ‘ધ પરફેક્ટ મર્ડર’, ‘ટોટલ ધમાલ’, ‘સૂર્યવંશી’માં અભિનય કર્યો હતો. 2016માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વર તો એનઆરઆઈ જ’માં પણ મુખ્ય અભિનેત્રીનો રોલ કર્યો હતો.