મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ બિનધાસ્ત અંદાજ માટે જાણીતી છે. તે અલગ-અલગ ડ્રેસને લઈને ભલે કેટલીય વાર ટ્રોલનો શિકાર થતી રહેતી હોય, પણ એના ફેન્સની કોઈ કમી નથી. ઉર્ફીની ડ્રેસિંગ ફેશન આમ તો કોઈનાથી છુપાયેલી નથી. એટલે કેટલાય લોકો તેને સાચુંખોટું કહેતા હોય છે.
જ્યારે તે મુંબઈથી ગોવા જતી ફ્લાઇટમાં બેઠી હતી, એ દરમ્યાન ઉર્ફીની સાથે ફ્લાઇટમાં કેટલાક યુવકોએ નશાની હાલતમાં તેની છેડતી કરી હતી. ઉર્ફીએ આ વિડિયો ખુદ સોશિયલ મિડિયા અકાઉન્ટમાં શેર કર્યો છે અને આપવીતી જણાવી છે. ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં એક વિડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે કેવી રીતે ફ્લાઇટમાં યુવકોના એક ગ્રુપે તેનું યૌન ઉત્પીડન કરવાનું શરૂ કર્યું હતું. તેણે એક નોટમાં આપવીતી જણાવી હતી. તેણે કહ્યું હતું કે એ વ્યક્તિએ તેને નામથી બોલાવી હતી. ફ્લાઇટમાં તેની સાથે છેડતી કરી અને આકરી ટિપ્પણીઓ કરી હતી.
તેણે નોટમાં લખ્યું હતું કે કાલે એક ફ્લાઇટમાં મુંબઈથી ગોવાની યાત્રામાં મારી સાથે ઉત્પીડન થયું હતું. આ વિડિયોમાં યુવકો ગંદી વાત કરી રહ્યા હતા. જ્યારે મેં તેમનો સામનો કર્યો તો તેમાંથી એકે કહ્યું હતું કે તેના મિત્રો નશામાં હતા. નશામાં હોવું એ મહિલાઓ સાથે દુર્વયવહાર કરવાનું કોઈ બહાનું નથી. સેલિબ્રિટી છું, પણ જાહેર સંપત્તિ નથી.તેનું કહેવું છે કોઈ મહિલા સાથી માત્ર એટલા માટે બેહૂદું વર્તન કરવો એ તમારી નૈતિકતાના વિચારને અનુરૂપ નથી. આ સૌથી ગંભીર સામાજિક સમસ્યાઓમાંની એક છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ફરી એક વાર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. પૂર પછી હજી પણ દિલ્હીના કેટલાય વિસ્તારોમાં લોકો રાહત શિબિરોમાં રહી રહ્યા છે. વહીવટી તંત્રે લોકોને યમુનાથી દૂર રહેવાની સલાહ આપી છે.
હથિનીકુંડ બેરેજથી સવારે નવ કલાકે 1.47 લાખ ક્યુસેક, 10 કલાકે 2.09 લાખ ક્યુસેક અને 11 કલાકે 2.23 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જો આ જ રીતે પ્રતિ કલાક પાણી છોડવામાં આવશે તો આગામી 24થી 48 કલાકમાં એની અસર જોવા મળશે. રાજધાનીની ફરી પૂરની સ્થિતિ ઊભી થાય એમ છે. દિલ્હીમાં જળસ્તર વધવાથી વાહનોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મુકાવાની શક્યતા છે. બીજી બાજુ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી ખસ્તા હાલત છે. રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
મયૂર વિહાર ફેર એકમાં રાહત શિબિરમાં રહેતા લોકોનું કહેવું છે કે તેમને એ સૂચના આપવામાં આવી છે કે યમુનાનું જળસ્તર ફરી એક વાર વધવાને કારણે તેમણે હજી અહીં રોકાવાનું રહેશે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ જૂના રેલવે બ્રિજ પર યમુનાનું જળ સ્તર 205.48થી ઉપર બનેલું છે.
છેલ્લા આઠ દિવસમાં યમુના ખતરાના નિશાન ઉપરથી વહી રહી હતી. ત્યાર બાદ મંગળવારની રાતે આઠ વાગ્યે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે આવી ગયું હતું. બુધવાર સવારે પાંચ કલાકે ઘટીને 205.22 મીટર રહી ગયું, જે બાદ જળસ્તરમાં ફરથી વધારો થવા લાગ્યો અને તે ખતરાનાથી નિશાનથી ઉપર વહેવા લાગી હતી.
નવી દિલ્હીઃ કસ્ટમ અધિકારીઓએ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી પકડી પાડી છે. અધિકારીઓએ રૂ. 10 કરોડની વિદેશી કરન્સી પકડી છે. આ કરન્સી દિલ્હી એરપોર્ટ પર તાજિકિસ્તાનના ત્રણ નાગરિકો પાસેથી જપ્ત કરવામાં આવી છે. સત્તાવાર આંકડાઓથી આ ખુલાસો થયો છે.
કસ્ટમ અધિકારીઓએ તેમને એ સમયે અટકાવ્યા, જ્યારે તેઓ ઇસ્તુંબુલ માટે ફ્લાઇટ પકડવાના હતા. અધિકારીઓએ તેમની તપાસ કરી અને પછી એ અત્યાર સુધીની મોટી સફળતા હાંસલ થઈ.
અધિકારીઓએ જે નિવેદન જારી કર્યું છે, એ મુજબ તાજિકિસ્તાનના ત્રણ નાગરિકો ઇસ્તંબુલ જવાના હતા. કસ્ટમે તેમનો માલસામાન અને વ્યક્તિગત તપાસ કરી હતી. આ તપાસમાં તેમની પાસેથી 7.20 લાખ ડોલર અને 4.66 લાખ યુરોની વિદેશી કરન્સી મળી, જેની કિંમત રૂ. 10,0678,410 છે. તેમની પાસેથી મળેલી વિદેશી કરન્સીને કસ્ટમ્સે જપ્ત કરી લીધી છે. આ સિવાય આગળની કાર્યવાહી માટે તપાસ જારી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ દાણચોરોમાં એક કિશોર પણ સામેલ છે. વિદેશી કરન્સી માલસામાનમાં રાખેલાં જૂતાંની અંદર છુપાયેલી હતી.
દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર એરપોર્ટ કસ્ટમના અધિકારીઓએ રૂ. 10 કરોડનથી વધુની વિદેશી કરન્સી જપ્ત કરી છે. કસ્ટમ અધિકારીઓનું કહેવું છે કે આ દેશના કોઈ પણ એરપોર્ટ દ્વારા ગેરકાયદે રીતે લઈ જવાતી વિદેશી કરન્સીની અત્યાર સુધીની સૌથી મોટી ખેપ છે.
અમદાવાદ: રાજ્યમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે સ્થિતિ બદથી બદતર બની રહી છે. હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લામાં છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. નવસારી જિલ્લામાં ચાર કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં વિસાવદરમાં આભ ફાટ્યું હતું અને બે કલાકમાં જ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગિરનાર પાસેની કાળવા નદી બે કાંઠે થઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
નવસારી જળબંબોળ
નવસારીમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબોળ બન્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખેરગામમાં ધોધમાર વરસાદ પડતાં ઔરંગા નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.. ચીમનપાડા-મરઘમાળને અને બહેજ કુટી ખડક અને ભમ્ભાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. આ તરફ સાનકુવા નાક તલાવડી પાંચથી છ ફૂટ ઘરોમાં પાણી ભરાયાં છે.
કેલિયા ડેમ 90 ટકા ભરાયો
નવસારીમાં કેલિયા ડેમ 90 ટકા ભરાયો છે. કેલિયા ડેમ જિલ્લા માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ વિભાગે ડેમ માટે હાઈએલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા 23થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં કુલ 307.37 ક્યૂસેક પાણીની આવક થઇ છે. જ્યારે ડેમની સપાટી 112.55 મીટરે પહોંચી છે, ડેમ ઓવરફ્લો થવાને ફક્ત 0.85 મીટર જ બાકી છે.
દ્વારકામાં ત્રણ દિવસથી વરસાદ
દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયા પંથકમાં ફરી ધોધમાર વરસાદથી શહેર પાણીથી જળબંબોળ થયું છે. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયાં છે. રામનાથ, નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા
ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ શુક્રવારે રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે, જ્યારે હજી પણ 1800 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે, જેને લઇને નીચાણવાળાં 17 ગામને એલર્ટ અપાયું છે.
જામનગરના વિસ્તારોને એલર્ટ અપાયું
, જામનગરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વળ્યાં છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇને જિલ્લાના અનેક વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
વડોદરામાં ભારે વરસાદ
વડોદરા શહેરમાં અનરાધાર પાંચ ઇંચ અને જિલ્લાના પાદરા તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડોદરા શહેરમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બની ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈં ગયાં હતાં. અનેક મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટી 14 ફૂટે પહોંચી ગઇ હતી.
નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
વડોદરા શહેરના માંડવી, દાંડિયાબજાર, રાવપુરા, સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં સારાભાઇ સોસાયટીમાં પાણી ભરાઇ ગયાં હતાં. આ ઉપરાંત શહેરના સ્લમ વિસ્તારો તુલસીવાડી, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, નવાયાર્ડ રોશનનગર, આજવા રોડ, ખોડિયારનગર, વડસર, ગોત્રી, ઇસ્કોન મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સોસાયટીઓના રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ ગયા હતા. સોસાયટીના રહીશો પાણીનો નિકાલ કરવા માટે કામે લાગી ગયા હતા.
ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અહીં અતિથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, વિસાવદરમાં 8 ઈંચ અને વલસાડના પારડીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદઃ દરેક બાળકમાં સર્જનાત્મક ઇચ્છા હોય છે, જેને શોધવાની અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. 12 કે તેથી વધુ વધુ વયનાં બાળકો માટે શનિવારે સાંજે ચારથી છ કલાક દરમ્યાન ટેક્સ્ચર આર્ટ વર્કશોપ યોજવામાં આવશે. ખાસ કરીને શિખાઉ બાળકો આ વર્કશોપમાં ભાગ લઈ શકશે.
આ વર્કશોપમાં ટેક્સ્ચર આર્ટની પાયાની બાબતો શીખવવામાં આવશે. દરેક ભાગ લેતા બાળકને કેન્વાસ બોર્ડ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવશે અને તેમને ટેક્સ્ચર આર્ટ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ સાથે 12×12નું કેન્વાસ બોર્ડ પણ તમે સાથે લઈ જઈ શકશો. આ ટેક્સ્ચર આર્ટ માટે સંપર્ક સાધોઃ 079/ સ્ટોરીઝ, શાશ્વત બંગલોઝની સાંમે રાજપથ રોડ, બોડકદેવ, અમદાવાદ.
કોલકાતાઃ મણિપુરની ઘટનાએ દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો છે, ત્યારે કંઈક આવું જ પશ્ચિમ બંગાળમાં થયું છે. પશ્ચિમ બંગાળમાં હાવડાનો કેસ હજી શાંત નથી થયો, ત્યારે માલદાથી બે મહિલાઓને મારપીટ કરવાનો વિડિયો વાઇરલ થયો છે. આ મહિલાઓ પર ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો, જે પછી લોકોએ મહિલાઓને અર્ધનગ્ન કરીને મારપીટ કરી હતી.
પશ્ચિમ બંગાળથી માલદાથી એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલાઓને મારપીટ કરતાં-કરતાં અર્ધનગ્ન કરવામાં આવી રહી છે. આ ઘટના ત્રણ-ચાર દિવસ પહેલાંની છે.
🚨 Disturbing Video Surfaces! 😔
A viral video from West Bengal, capturing a horrific incident on July 19th in #Malda. The victims are women from socially marginalized communities.
It's truly shameful that some leaders selectively empathize with women's pain, enabling such… pic.twitter.com/cCuhzKyz7K
માલદામાં બે મહિલાઓને ચોરીના આરોપમાં સ્થાનિક લોકોએ પકડી લીધી હતી. ત્યાર બાદ તેની મારપીટ કરી હતી. આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બે મહિલાઓ કેટલીક મહિલાઓની મારપીટ કરી રહી છે. જોકે પશ્ચિમ બંગાળ પોલીસની પાસે આ પ્રકારની કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
પોલીસનું કહેવું છે કે વાઇરલ વિડિયો જોયા પછી તેમને ઘટનાની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસ બાદ માલૂમ પડ્યું હતું કે બે મહિલાઓને ચોરી કરતાં રંગે હાથ પકડવામાં આવી હતી, ત્યાર બાદ સ્થાનિક મહિલા દુકાનદારોએ તેમને માર માર્યો હતો. ત્યાર બાદ જે મહિલાઓ ચોરી કરતાં પકડાઈ હતી, તે પણ ભાગી ગઈ હતી. જે મહિલાઓએ તેમને માર માર્યો હતો, તેમણે ડરથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. હવે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પોલીસે સ્વયંસ્ફુરણાથી કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 53 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,055 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,830 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1479એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 36,945 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,49,950 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 307 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સંગીતકાર રાજેશ રોશન શરૂઆતથી જ ગાયકોની પસંદગી બાબતે બહુ ચોક્કસ રહ્યા છે. એમના ગીતો વિશેની એમણે જ જણાવેલી કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે. ૧૮ વર્ષની ઉંમરે સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ‘કુંવારા બાપ’ (૧૯૭૪) માં એમણે ‘સજ રહી ગલી’ ગીતમાં અસલી કિન્નરોના સ્વરનો ઉપયોગ કર્યો હતો. રાજેશની પહેલી સૌથી સફળ સંગીતવાળી ફિલ્મ ‘જુલી’ (૧૯૭૫) હતી. જેને આર.ડી. બર્મનની ‘શોલે’ અને ‘ખેલ ખેલ મેં’ સામે ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના ‘દિલ ક્યા કરે’ ગીતની ધૂન બનાવીને રાજેશ ગીતકાર આનંદ બક્ષી પાસે પહોંચ્યા ત્યારે દિલમાં ગભરાટ હતો. પણ બક્ષીજી ધૂન સાંભળીને ખુશ થયા હતા અને બે કલાકમાં જ ગીત લખી આપ્યું હતું. એમાં એમણે ઓરકેસ્ટ્રાના ૧૦૦ ટુકડાનો પ્રયોગ કર્યો હતો અને એ કિશોરકુમારના શ્રેષ્ઠ ગીતોમાં એક બની રહ્યું હતું.
નિર્દેશક બાસુ ચેટર્જીએ ફિલ્મ ‘સ્વામી’ (૧૯૭૭) નું સંગીત મુક્ત રીતે તૈયાર કરવા કહ્યું ત્યારે ‘ક્યા કરું સજની’ ગીતમાં દક્ષિણના યેસુદાસના અવાજનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. એ વાતથી બાસુદા ખુશ ન હતા. કેમકે ત્યારે મોહમ્મદ રફી આવા ગીતો ગાવા માટે ઉપલબ્ધ હતા. પરંતુ તે રાજેશના સંગીતમાં દખલ દેવા માગતા ન હોવાથી વાંધો ઉઠાવ્યો નહીં અને યેસુદાસ માટે મંજૂરી આપી દીધી હતી. કિશોરકુમારનો જમાનો હતો ત્યારે જ રાજેશે ફિલ્મ ‘બાતોં બાતોં મેં’ (૧૯૭૯) નું ‘ના બોલે તુમ’ ગીત એમના પુત્ર અમિતકુમારના અવાજમાં રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. કિશોરકુમારે હા પાડી દીધી હતી પણ અમિતકુમાર ગભરાઈને તૈયાર થતા ન હતા. એમનું કહેવું હતું કે એ પિતાની જેમ ગાઈ શકશે નહીં. ત્યારે રાજેશ રોશન સાથે આશા ભોંસલેએ પણ પ્રોત્સાહન આપ્યા પછી અમિતકુમારે ગાયું હતું.
રાજેશ રોશને ફિલ્મ ‘દો ઔર દો પાંચ’ (૧૯૮૦) નું ટાઇટલ ગીત ‘તુને અભી દેખા નહીં’ માટે કિશોરકુમારને પસંદ કર્યા હતા. પહેલાં એમણે એમ કહીને ના પાડી દીધી હતી કે તે શ્વાસ લીધા વિના એક જ ટેકમાં આવું ઝડપી ગીત ગાઈ શકે એમ નથી. રાજેશે જ્યારે એમને પ્રયત્ન કરવા આગ્રહ કર્યો ત્યારે એમણે રિહર્સલમાં ગાયું અને મજા આવી. પરંતુ જ્યારે રેકોર્ડિંગ વખતે ગીતની વચ્ચે એમણે એક વખત શ્વાસ લીધા ત્યારે રાજેશે અટકાવીને નારાજગી વ્યક્ત કરી. ત્યારે એમણે કહી દીધું કે ખીજવાશો તો હું ગાયા વગર જતો રહીશ. પછી એમણે ઝડપથી શ્વાસ લઈને એ ગીત ગાયું હતું.
જો ગીત ધ્યાનથી સાંભળવામાં આવે તો એમના શ્વાસ સાંભળી શકાય છે. ૧૯૮૦ ના દાયકામાં ડિસ્કો ગીતોની બોલબાલા હતી ત્યારે પણ એમણે મધુર ગીતો તૈયાર કર્યા હતા. એ સાથે જરૂર મુજબ ડિસ્કો ગીત પણ બનાવ્યા હતા. એમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ખુદ્દાર’ (૧૯૮૦) નું ‘ડિસ્કો ૮૨’ ગીત ખૂબ લોકપ્રિય બન્યું હતું. રાજેશ રોશને જ્યારે આ ગીત માટે લતા મંગેશકરને કહ્યું ત્યારે એમણે પહેલાં ના પાડી દીધી હતી અને રાજેશને એમ પણ કહ્યું હતું કે તારો ટેસ્ટ ખરાબ થઈ ગયો છે. મને કેવું ગીત ગાવા કહી રહ્યો છે. ત્યારે રાજેશ રોશને સમજાવ્યા હતા કે અત્યારે ડિસ્કોનો જમાનો ચાલે છે અને તમે આવું ગીત નહીં ગાશો તો પાછળ રહી જશો. અને રાજેશના આગ્રહથી લતાજીએ એ ગીતમાં કિશોરકુમાર સાથે અવાજ આપ્યો હતો.
અર્થાત્ “હે મૂઢ વ્યક્તિ, સંપત્તિ એકઠી કરવાની તારી તૃષ્ણા છોડીને સત્યની ખોજ (આત્મખોજ) કરવા માટે તારા મગજનો ઉપયોગ કર. પોતાનાં કર્મોનાં ફળથી જે મળે છે તેનાથી સંતુષ્ટ રહે.”
અત્યાર સુધી આપણે ભગવદ્ ગીતા, યજુર્વેદ તથા સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાંથી મંત્રો, શ્લોક અને સંહિતામાં લખાયેલા ધન-સંપત્તિ વિશેનાં બોધવચનોનો અભ્યાસ કર્યો છે. હવે આપણે જગદ્ ગુરુ આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિંદમ્’ તરફ વળીએ.
આદિ શંકરાચાર્ય કાશી (આજનું વારાણસી)માં હતા એ વખતે તેમણે આ શાસ્ત્રની રચના કરી હતી. એક દિવસ તેમણે જોયું કે એક વૃદ્ધ માણસ જાણીતા વ્યાકરણી પાણિની પાસે વ્યાકરણ શીખવા જહેમત કરી રહ્યો હતો. શીખવા માટે તેણે ઘણી મહેનત લેવી પડે છે એ જોઈને આદિ શંકરાચાર્યને તેના પર દયા આવી. તેમણે એ વખતે કહ્યું કે વૃદ્ધાવસ્થામાં માણસે ધન, ભૌતિક સુખ, કામ, અન્ય ઇન્દ્રીયસુખ એ બધી એષણાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. મનુષ્યની અંદર રહેલા સુષુપ્ત અહમને શાંત કરવા માટે આ બધી ઈચ્છાઓ જાગે છે અને તેને લીધે છેવટે મનુષ્ય દુખી થાય છે.
તેમનું કહેવું છે કે માણસ જ્યારે પોતાના ઘમંડ, એષણાઓ, કામવાસનાનો ત્યાગ કરીને આત્મકલ્યાણ પર ધ્યાન કેન્દ્રીત કરી ત્યારે જ તેને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
‘ભજ ગોવિંદમ્’ના એક મંત્રમાં ધન એકઠું કરવા બાબતે બોધ અપાયો છે. આદિ શંકરાચાર્યના મતે પુષ્કળ ધનનો સંચય કરવાથી માનસિક શાંતિ મળતી નથી. તેમની આ વાત પરથી મને મારી પ્રેક્ટિસ દરમિયાનનો એક કિસ્સો યાદ આવે છે. થોડાં વર્ષો પહેલાં એક વયસ્ક દંપતી મારી પાસે આવ્યું હતું. તેમની એકની એક 19 વર્ષીય દીકરી પેરિસમાં શિક્ષણ લઈ રહી હતી. તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યં કે તેમની પુત્રી 13 વર્ષની હતી ત્યારે તેમણે તેને ભણવા ઈંગ્લૅન્ડ મોકલી હતી.
તેમની પાસે પુષ્કળ ધન હોવાથી સંતાનને વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચાભ્યાસ માટે મોકલવાનું તેમને પરવડતું હતું. પેરિસમાં અભ્યાસ પૂરો થયા પછી દીકરીને ન્યૂ યોર્ક મોકલવાની તેમની ઈચ્છા હતી.
આ દંપતીની કુલ સંપત્તિ આશરે 75 કરોડ રૂપિયા હતી. તેમને એ જ ચિંતા સતાવતી હતી કે એકની એક દીકરીને આટલી બંધી સંપત્તિ સાચવવાની કેળવણી મળી ન હતી.
આથી તેમણે મને કહ્યું કે એવું એક ટ્રસ્ટ બનાવવામાં હું એમની મદદ કરું, જેમાં તેમની બધી સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવે અને દીકરીને નિયમિત સમયાંતરે તથા જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી નાણાં મળતાં રહે. એ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ કોઈ વિશ્વાસુ માણસની તેમને જરૂર હતી.
તેમની મિલકતમાં રિયલ એસ્ટેટ, ડાઇરેક્ટ ઈક્વિટી પોર્ટફોલિયો, સરકારી સિક્યોરિટીઝ, વગેરે સામેલ હતાં. તેમની સંપત્તિની એક ખાસિયત એ હતી કે તેમાં જીવન વીમાની સંખ્યાબંધ એન્ડોવમેન્ટ પોલિસીઓ સામેલ હતી. દરેકની પાકતી તારીખ અલગ અલગ હતી.
મેં જોયું કે તેમની દીકરી 25 વર્ષની થયા બાદ દર છ મહિને એન્ડોવમેન્ટ પોલિસી પાકવાની હતી અને તેની 40 વર્ષની ઉંમર સુધી તેમાંથી પૈસા મળવાના હતા. આમ, તેને નિયમિતપણે આવક મળવાની હતી. વડીલોને એ વાતની પણ ખબર હતી કે મોંઘવારીની અસરને લીધે પાકતી રકમ પૂરતી નહીં હોય. આથી તેમણે પછીની દરેક પોલિસી અગાઉની પોલિસી કરતાં 5 ટકા વધારે રિસ્ક કવર ધરાવતી લીધી હતી. આ બધું હોવા છતાં તેમને ચિંતા સતાવતી હતી કે દીકરી સંપત્તિને કેવી રીતે સંભાળશે.
આ તો ફક્ત એક કિસ્સો થયો. આવા તો સંખ્યાબંધ કિસ્સા મેં જોયા છે, જેમાં અલગ અલગ ઉંમર, સંપત્તિનું પ્રમાણ અને શિક્ષણ ધરાવતી વ્યક્તિઓ ચિંતિત હોય.
સંપત્તિ ખતમ થઈ જશે તો સંતાનો પર નિર્ભર રહેવું પડશે કે કેમ, ઘર વેચવાની નોબત આવશે કે કેમ, જીવનધોરણ ટકાવી શકાશે કે નહીં, એવી બધી ચિંતાઓ હોય છે.
જે માણસ 2-3 કરોડના ફ્લેટમાં રહેતો હોય, 2-3 કાર ધરાવતો હોય, નિયમિતપણે વિદેશમાં ફરવા જતો હોય, જીવનનાં બીજા મોજશોખ કરતો હોય અને છતાં પૈસા બાબતે ચિંતિત હોય ત્યારે તેને જોઈને મને દુઃખ થાય છે. તેમના આ વર્તન પરથી સ્પષ્ટ થાય છે કે પૈસા ક્યારેય સલામતી આપી શકતા નથી.
બીજા મંત્રમાં આદિ શંકરાચાર્ય કહે છે કે એક તબક્કા બાદ પૈસાની પાછળ દોડવાને બદલે સત્ય એટલે કે આત્માની શોધ કરવી જોઈએ. એ કામ ચિંતન દ્વારા થઈ શકે છે.
બૅન્ક અકાઉન્ટમાં, શેરમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં, સોનામાં કે રિયલ એસ્ટેટમાં નાણાં રોકવામાત્રથી મનની શાંતિ મળતી નથી. મન તો એકથી બીજી અને બીજીથી ત્રીજી એષણા પૂરી કરવા માટે ઠેકડા માર્યા કરતું હોય છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)