રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ નવસારી, જૂનાગઢ જળબંબોળ

અમદાવાદ: રાજ્યમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે સ્થિતિ બદથી બદતર બની રહી છે. હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લામાં છ  જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  નવસારી જિલ્લામાં ચાર કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં વિસાવદરમાં આભ ફાટ્યું હતું અને બે કલાકમાં જ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગિરનાર પાસેની કાળવા નદી બે કાંઠે થઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

નવસારી જળબંબોળ

નવસારીમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબોળ બન્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખેરગામમાં ધોધમાર વરસાદ પડતાં ઔરંગા નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.. ચીમનપાડા-મરઘમાળને અને બહેજ કુટી ખડક અને ભમ્ભાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. આ તરફ સાનકુવા નાક તલાવડી પાંચથી છ ફૂટ ઘરોમાં પાણી ભરાયાં છે.

કેલિયા ડેમ 90 ટકા ભરાયો

નવસારીમાં કેલિયા ડેમ 90 ટકા ભરાયો છે. કેલિયા ડેમ જિલ્લા માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ વિભાગે ડેમ માટે હાઈએલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા 23થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં કુલ 307.37 ક્યૂસેક પાણીની આવક થઇ છે. જ્યારે ડેમની સપાટી 112.55 મીટરે પહોંચી છે, ડેમ ઓવરફ્લો થવાને ફક્ત 0.85 મીટર જ બાકી છે.

 દ્વારકામાં ત્રણ દિવસથી વરસાદ

દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયા પંથકમાં ફરી ધોધમાર વરસાદથી શહેર પાણીથી જળબંબોળ થયું છે. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયાં છે. રામનાથ, નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા

ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ શુક્રવારે રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે, જ્યારે હજી પણ 1800 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે, જેને લઇને નીચાણવાળાં 17 ગામને એલર્ટ અપાયું છે.

જામનગરના વિસ્તારોને એલર્ટ અપાયું

, જામનગરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વળ્યાં છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇને જિલ્લાના અનેક વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

 

વડોદરામાં ભારે વરસાદ

વડોદરા શહેરમાં અનરાધાર પાંચ ઇંચ અને જિલ્લાના પાદરા તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડોદરા શહેરમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બની ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈં ગયાં હતાં. અનેક મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટી 14 ફૂટે પહોંચી ગઇ હતી.

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

વડોદરા શહેરના માંડવી, દાંડિયાબજાર, રાવપુરા, સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં સારાભાઇ સોસાયટીમાં પાણી ભરાઇ ગયાં હતાં. આ ઉપરાંત શહેરના સ્લમ વિસ્તારો તુલસીવાડી, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, નવાયાર્ડ રોશનનગર, આજવા રોડ, ખોડિયારનગર, વડસર, ગોત્રી, ઇસ્કોન મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સોસાયટીઓના રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ ગયા હતા. સોસાયટીના રહીશો પાણીનો નિકાલ કરવા માટે કામે લાગી ગયા હતા.

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અહીં અતિથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, વિસાવદરમાં 8 ઈંચ અને વલસાડના પારડીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.