એરપોર્ટ પર રૂ. 10 કરોડથી વધુની વિદેશી કરન્સી પકડાઈ

નવી દિલ્હીઃ કસ્ટમ અધિકારીઓએ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી પકડી પાડી છે. અધિકારીઓએ રૂ. 10 કરોડની વિદેશી કરન્સી પકડી છે. આ કરન્સી દિલ્હી એરપોર્ટ પર તાજિકિસ્તાનના ત્રણ નાગરિકો પાસેથી જપ્ત કરવામાં આવી છે. સત્તાવાર આંકડાઓથી આ ખુલાસો થયો છે.

કસ્ટમ અધિકારીઓએ તેમને એ સમયે અટકાવ્યા, જ્યારે તેઓ ઇસ્તુંબુલ માટે ફ્લાઇટ પકડવાના હતા. અધિકારીઓએ તેમની તપાસ કરી અને પછી એ અત્યાર સુધીની મોટી સફળતા હાંસલ થઈ.

અધિકારીઓએ જે નિવેદન જારી કર્યું છે, એ મુજબ તાજિકિસ્તાનના ત્રણ નાગરિકો ઇસ્તંબુલ જવાના હતા. કસ્ટમે તેમનો માલસામાન અને વ્યક્તિગત તપાસ કરી હતી. આ તપાસમાં તેમની પાસેથી 7.20 લાખ ડોલર અને 4.66 લાખ યુરોની વિદેશી કરન્સી મળી, જેની કિંમત રૂ. 10,0678,410 છે. તેમની પાસેથી મળેલી વિદેશી કરન્સીને કસ્ટમ્સે જપ્ત કરી લીધી છે. આ સિવાય આગળની કાર્યવાહી માટે તપાસ જારી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ દાણચોરોમાં એક કિશોર પણ સામેલ છે. વિદેશી કરન્સી માલસામાનમાં રાખેલાં જૂતાંની અંદર છુપાયેલી હતી.

દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર એરપોર્ટ કસ્ટમના અધિકારીઓએ રૂ. 10 કરોડનથી વધુની વિદેશી કરન્સી જપ્ત કરી છે. કસ્ટમ અધિકારીઓનું કહેવું છે કે આ દેશના કોઈ પણ એરપોર્ટ દ્વારા ગેરકાયદે રીતે લઈ જવાતી વિદેશી કરન્સીની અત્યાર સુધીની સૌથી મોટી ખેપ છે.