Home Blog Page 2676

૨૨ જૂલાઈ, ૨૦૨૩

૨૨ જૂલાઈ, ૨૦૨૩

રાજેશે લતાજી પાસે ડિસ્કો ગીત ગવડાવ્યું  

સંગીતકાર રાજેશ રોશન શરૂઆતથી જ ગાયકોની પસંદગી બાબતે બહુ ચોક્કસ રહ્યા છે. એમના ગીતો વિશેની એમણે જ જણાવેલી કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે. ૧૮ વર્ષની ઉંમરે સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ‘કુંવારા બાપ’ (૧૯૭૪) માં એમણે ‘સજ રહી ગલી’ ગીતમાં અસલી કિન્નરોના સ્વરનો ઉપયોગ કર્યો હતો. રાજેશની પહેલી સૌથી સફળ સંગીતવાળી ફિલ્મ ‘જુલી’ (૧૯૭૫) હતી. જેને આર.ડી. બર્મનની ‘શોલે’ અને ‘ખેલ ખેલ મેં’ સામે ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના ‘દિલ ક્યા કરે’ ગીતની ધૂન બનાવીને રાજેશ ગીતકાર આનંદ બક્ષી પાસે પહોંચ્યા ત્યારે દિલમાં ગભરાટ હતો. પણ બક્ષીજી ધૂન સાંભળીને ખુશ થયા હતા અને બે કલાકમાં જ ગીત લખી આપ્યું હતું. એમાં એમણે ઓરકેસ્ટ્રાના ૧૦૦ ટુકડાનો પ્રયોગ કર્યો હતો અને એ કિશોરકુમારના શ્રેષ્ઠ ગીતોમાં એક બની રહ્યું હતું.

નિર્દેશક બાસુ ચેટર્જીએ ફિલ્મ ‘સ્વામી’ (૧૯૭૭) નું સંગીત મુક્ત રીતે તૈયાર કરવા કહ્યું ત્યારે ‘ક્યા કરું સજની’ ગીતમાં દક્ષિણના યેસુદાસના અવાજનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. એ વાતથી બાસુદા ખુશ ન હતા. કેમકે ત્યારે મોહમ્મદ રફી આવા ગીતો ગાવા માટે ઉપલબ્ધ હતા. પરંતુ તે રાજેશના સંગીતમાં દખલ દેવા માગતા ન હોવાથી વાંધો ઉઠાવ્યો નહીં અને યેસુદાસ માટે મંજૂરી આપી દીધી હતી. કિશોરકુમારનો જમાનો હતો ત્યારે જ રાજેશે ફિલ્મ ‘બાતોં બાતોં મેં’ (૧૯૭૯) નું ‘ના બોલે તુમ’ ગીત એમના પુત્ર અમિતકુમારના અવાજમાં રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. કિશોરકુમારે હા પાડી દીધી હતી પણ અમિતકુમાર ગભરાઈને તૈયાર થતા ન હતા. એમનું કહેવું હતું કે એ પિતાની જેમ ગાઈ શકશે નહીં. ત્યારે રાજેશ રોશન સાથે આશા ભોંસલેએ પણ પ્રોત્સાહન આપ્યા પછી અમિતકુમારે ગાયું હતું.

રાજેશ રોશને ફિલ્મ ‘દો ઔર દો પાંચ’ (૧૯૮૦) નું ટાઇટલ ગીત ‘તુને અભી દેખા નહીં’ માટે કિશોરકુમારને પસંદ કર્યા હતા. પહેલાં એમણે એમ કહીને ના પાડી દીધી હતી કે તે શ્વાસ લીધા વિના એક જ ટેકમાં આવું ઝડપી ગીત ગાઈ શકે એમ નથી. રાજેશે જ્યારે એમને પ્રયત્ન કરવા આગ્રહ કર્યો ત્યારે એમણે રિહર્સલમાં ગાયું અને મજા આવી. પરંતુ જ્યારે રેકોર્ડિંગ વખતે ગીતની વચ્ચે એમણે એક વખત શ્વાસ લીધા ત્યારે રાજેશે અટકાવીને નારાજગી વ્યક્ત કરી. ત્યારે એમણે કહી દીધું કે ખીજવાશો તો હું ગાયા વગર જતો રહીશ. પછી એમણે ઝડપથી શ્વાસ લઈને એ ગીત ગાયું હતું.

જો ગીત ધ્યાનથી સાંભળવામાં આવે તો એમના શ્વાસ સાંભળી શકાય છે. ૧૯૮૦ ના દાયકામાં ડિસ્કો ગીતોની બોલબાલા હતી ત્યારે પણ એમણે મધુર ગીતો તૈયાર કર્યા હતા. એ સાથે જરૂર મુજબ ડિસ્કો ગીત પણ બનાવ્યા હતા. એમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ખુદ્દાર’ (૧૯૮૦) નું ‘ડિસ્કો ૮૨’ ગીત ખૂબ લોકપ્રિય બન્યું હતું. રાજેશ રોશને જ્યારે આ ગીત માટે લતા મંગેશકરને કહ્યું ત્યારે એમણે પહેલાં ના પાડી દીધી હતી અને રાજેશને એમ પણ કહ્યું હતું કે તારો ટેસ્ટ ખરાબ થઈ ગયો છે. મને કેવું ગીત ગાવા કહી રહ્યો છે. ત્યારે રાજેશ રોશને સમજાવ્યા હતા કે અત્યારે ડિસ્કોનો જમાનો ચાલે છે અને તમે આવું ગીત નહીં ગાશો તો પાછળ રહી જશો. અને રાજેશના આગ્રહથી લતાજીએ એ ગીતમાં કિશોરકુમાર સાથે અવાજ આપ્યો હતો.

 

ધન ક્યારેય સલામતી આપી શકતું નથી

મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણા

કુરુ સદબુદ્ધિં મનસિ વિતૃષ્ણામ્ ।।1।।

યલ્લભસે નિજકર્મોપાત્તં

વિત્તં તેન વિનોદય ચિત્તમ્ ।।2।।

અર્થાત્ “હે મૂઢ વ્યક્તિ, સંપત્તિ એકઠી કરવાની તારી તૃષ્ણા છોડીને સત્યની ખોજ (આત્મખોજ) કરવા માટે તારા મગજનો ઉપયોગ કર. પોતાનાં કર્મોનાં ફળથી જે મળે છે તેનાથી સંતુષ્ટ રહે.”

અત્યાર સુધી આપણે ભગવદ્ ગીતા, યજુર્વેદ તથા સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાંથી મંત્રો, શ્લોક અને સંહિતામાં લખાયેલા ધન-સંપત્તિ વિશેનાં બોધવચનોનો અભ્યાસ કર્યો છે. હવે આપણે જગદ્ ગુરુ આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિંદમ્’ તરફ વળીએ.

આદિ શંકરાચાર્ય કાશી (આજનું વારાણસી)માં હતા એ વખતે તેમણે આ શાસ્ત્રની રચના કરી હતી. એક દિવસ તેમણે જોયું કે એક વૃદ્ધ માણસ જાણીતા વ્યાકરણી પાણિની પાસે વ્યાકરણ શીખવા જહેમત કરી રહ્યો હતો. શીખવા માટે તેણે ઘણી મહેનત લેવી પડે છે એ જોઈને આદિ શંકરાચાર્યને તેના પર દયા આવી. તેમણે એ વખતે કહ્યું કે વૃદ્ધાવસ્થામાં માણસે ધન, ભૌતિક સુખ, કામ, અન્ય ઇન્દ્રીયસુખ એ બધી એષણાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. મનુષ્યની અંદર રહેલા સુષુપ્ત અહમને શાંત કરવા માટે આ બધી ઈચ્છાઓ જાગે છે અને તેને લીધે છેવટે મનુષ્ય દુખી થાય છે.

તેમનું કહેવું છે કે માણસ જ્યારે પોતાના ઘમંડ, એષણાઓ, કામવાસનાનો ત્યાગ કરીને આત્મકલ્યાણ પર ધ્યાન કેન્દ્રીત કરી ત્યારે જ તેને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

‘ભજ ગોવિંદમ્’ના એક મંત્રમાં ધન એકઠું કરવા બાબતે બોધ અપાયો છે. આદિ શંકરાચાર્યના મતે પુષ્કળ ધનનો સંચય કરવાથી માનસિક શાંતિ મળતી નથી. તેમની આ વાત પરથી મને મારી પ્રેક્ટિસ દરમિયાનનો એક કિસ્સો યાદ આવે છે. થોડાં વર્ષો પહેલાં એક વયસ્ક દંપતી મારી પાસે આવ્યું હતું. તેમની એકની એક 19 વર્ષીય દીકરી પેરિસમાં શિક્ષણ લઈ રહી હતી. તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યં કે તેમની પુત્રી 13 વર્ષની હતી ત્યારે તેમણે તેને ભણવા ઈંગ્લૅન્ડ મોકલી હતી.

તેમની પાસે પુષ્કળ ધન હોવાથી સંતાનને વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચાભ્યાસ માટે મોકલવાનું તેમને પરવડતું હતું. પેરિસમાં અભ્યાસ પૂરો થયા પછી દીકરીને ન્યૂ યોર્ક મોકલવાની તેમની ઈચ્છા હતી.

આ દંપતીની કુલ સંપત્તિ આશરે 75 કરોડ રૂપિયા હતી. તેમને એ જ ચિંતા સતાવતી હતી કે એકની એક દીકરીને આટલી બંધી સંપત્તિ સાચવવાની કેળવણી મળી ન હતી.

આથી તેમણે મને કહ્યું કે એવું એક ટ્રસ્ટ બનાવવામાં હું એમની મદદ કરું, જેમાં તેમની બધી સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવે અને દીકરીને નિયમિત સમયાંતરે તથા જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી નાણાં મળતાં રહે. એ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ કોઈ વિશ્વાસુ માણસની તેમને જરૂર હતી.

તેમની મિલકતમાં રિયલ એસ્ટેટ, ડાઇરેક્ટ ઈક્વિટી પોર્ટફોલિયો, સરકારી સિક્યોરિટીઝ, વગેરે સામેલ હતાં. તેમની સંપત્તિની એક ખાસિયત એ હતી કે તેમાં જીવન વીમાની સંખ્યાબંધ એન્ડોવમેન્ટ પોલિસીઓ સામેલ હતી. દરેકની પાકતી તારીખ અલગ અલગ હતી.

મેં જોયું કે તેમની દીકરી 25 વર્ષની થયા બાદ દર છ મહિને એન્ડોવમેન્ટ પોલિસી પાકવાની હતી અને તેની 40 વર્ષની ઉંમર સુધી તેમાંથી પૈસા મળવાના હતા. આમ, તેને નિયમિતપણે આવક મળવાની હતી. વડીલોને એ વાતની પણ ખબર હતી કે મોંઘવારીની અસરને લીધે પાકતી રકમ પૂરતી નહીં હોય. આથી તેમણે પછીની દરેક પોલિસી અગાઉની પોલિસી કરતાં 5 ટકા વધારે રિસ્ક કવર ધરાવતી લીધી હતી. આ બધું હોવા છતાં તેમને ચિંતા સતાવતી હતી કે દીકરી સંપત્તિને કેવી રીતે સંભાળશે.

આ તો ફક્ત એક કિસ્સો થયો. આવા તો સંખ્યાબંધ કિસ્સા મેં જોયા છે, જેમાં અલગ અલગ ઉંમર, સંપત્તિનું પ્રમાણ અને શિક્ષણ ધરાવતી વ્યક્તિઓ ચિંતિત હોય.

સંપત્તિ ખતમ થઈ જશે તો સંતાનો પર નિર્ભર રહેવું પડશે કે કેમ, ઘર વેચવાની નોબત આવશે કે કેમ, જીવનધોરણ ટકાવી શકાશે કે નહીં, એવી બધી ચિંતાઓ હોય છે.

જે માણસ 2-3 કરોડના ફ્લેટમાં રહેતો હોય, 2-3 કાર ધરાવતો હોય, નિયમિતપણે વિદેશમાં ફરવા જતો હોય, જીવનનાં બીજા મોજશોખ કરતો હોય અને છતાં પૈસા બાબતે ચિંતિત હોય ત્યારે તેને જોઈને મને દુઃખ થાય છે. તેમના આ વર્તન પરથી સ્પષ્ટ થાય છે કે પૈસા ક્યારેય સલામતી આપી શકતા નથી.

બીજા મંત્રમાં આદિ શંકરાચાર્ય કહે છે કે એક તબક્કા બાદ પૈસાની પાછળ દોડવાને બદલે સત્ય એટલે કે આત્માની શોધ કરવી જોઈએ. એ કામ ચિંતન દ્વારા થઈ શકે છે.

બૅન્ક અકાઉન્ટમાં, શેરમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં, સોનામાં કે રિયલ એસ્ટેટમાં નાણાં રોકવામાત્રથી મનની શાંતિ મળતી નથી. મન તો એકથી બીજી અને બીજીથી ત્રીજી એષણા પૂરી કરવા માટે ઠેકડા માર્યા કરતું હોય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

પંચાંગ 22/07/2023

‘આદિપુરુષ’ ફિલ્મ વિરુદ્ધની તમામ કાર્યવાહી સુપ્રીમ કોર્ટે અટકાવી દીધી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હિન્દી-તેલુગુ ફિલ્મ ‘આદિપુરુષ’ના નિર્માતાઓને આજે મોટી રાહત આપતો નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે આ વિવાદાસ્પદ ફિલ્મના સંબંધમાં દેશની જુદી જુદી હાઈ કોર્ટમાં પેન્ડિંગ રહેલી તમામ કાર્યવાહી સામે મનાઈહૂકમ આપ્યો છે. આમાં, અલાહાબાદ હાઈકોર્ટના આદેશનો પણ સમાવેશ થાય છે જેણે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને સંવાદલેખકને પ્રત્યક્ષ રીતે હાજર થવાનું ફરમાન કર્યું હતું.

અલાહાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ એસ.કે. કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે ઉક્ત નિર્ણય આપ્યો છે.

આઇસી15 ઇન્ડેક્સમાં 843 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે પ્રોફિટ બુકિંગ થવાને પગલે નોંધપાત્ર ઘટાડો થયો હતો. બિટકોઇનનો ભાવ 30,000 ડોલરની નીચે ઊતરી ગયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના મોટાભાગના કોઇનના ભાવ ઘટ્યા હતા, જેમાંથી સોલાના, એક્સઆરપી, કાર્ડાનો અને પોલીગોન 4થી 8 ટકાની રેન્જમાં ઘટેલા ટોચના કોઇન હતા. પોલકાડોટ, યુનિસ્વોપ અને ટ્રોનમાં બે ટકા સુધીની વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, ઇન્ડોનેશિયાએ એક સપ્તાહ પહેલાં કરેલા જાહેરાત અનુસાર રાષ્ટ્રીય ક્રીપ્ટો એક્સચેન્જનો પ્રારંભ કર્યો છે. ચીનના નાગરી ઉડ્ડયન ખાતાએ અને ચાઇના મર્ચન્ટ્સ બેન્કે મળીને ડિજિટલ યુઆનની મદદથી ફ્લાઇટની ટિકિટોના બુકિંગ માટેનું પ્લેટફોર્મ રચ્યું છે.

અગાઉ, ૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.09 ટકા (843 પોઇન્ટ) ઘટીને 39,537 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,380 ખૂલીને 40,422ની ઉપલી અને 39,303 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

જ્ઞાનવાપી મસ્જિદ વિશે કોર્ટનો મોટો નિર્ણયઃ સંપૂર્ણ પરિસરનું કરાશે ASI સર્વેક્ષણ, મુસ્લિમ પક્ષકારોને ફટકો

વારાણસીઃ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલા જ્ઞાનવાપી પરિસરનું આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) દ્વારા સર્વેક્ષણ કરવાનો અહીંની એક જિલ્લા અદાલતે આદેશ આપતાં મુસ્લિમ પક્ષકારોને મોટો ફટકો પડ્યો છે.

કોર્ટે શિવલિંગવાળા સ્થાનને છોડીને સમગ્ર સંકુલ (પરિસર)નું એએસઆઈ દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું સર્વેક્ષણ કરવાનો અદાલત એએસઆઈ સંસ્થાને દેશ આપે એવી દાદ ચાહતી પીટિશન હિન્દુ પક્ષકારોએ નોંધાવી હતી. હિન્દુ પક્ષકારોનું પ્રતિનિધિત્વ વિષ્ણુ શંકર જૈન નામના લૉયર કરી રહ્યા છે.

ગયા મે મહિનામાં પીટિશન પર સુનાવણી કરવા અદાલત સહમત થઈ હતી. તેણે જ્ઞાનવાપી મસ્જિદ સમિતિને આદેશ આપ્યો હતો કે તે હિન્દુ પક્ષકારોએ કરેલી રજૂઆત સામે તેનો પ્રત્યુત્તર નોંધાવે. મુસ્લિમ પક્ષે પ્રત્યુત્તર નોંધાવ્યો હતો અને ત્યારબાદ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી. સુનાવણીને અંતે કોર્ટે ઉપર મુજબ પોતાનો ફેંસલો સંભળાવ્યો છે.

લૉયર જૈને કોર્ટમાં એવી દલીલ કરી હતી કે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના વિવાદનો ઉકેલ માત્ર એએસઆઈ દ્વારા સમગ્ર મસ્જિદ સંકુલના સર્વેક્ષણ (તપાસ)થી જ આવશે.

રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિયઃ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પ્રદેશ પર બનેલું છે, એક સાઇક્લોનિક સર્ક્યુલેશન છત્તીસગઢ પર બન્યું છે. આ ઉપરાંત એક નવી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે, જે મજબૂત થઈને લો-પ્રેશર એરિયા બનશે. આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે. આ તમામ સિસ્ટમોના પ્રભાવને કારણે રાજયમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, જૂનાગઢના વિસાવદર અને વલસાડના કપરાડામાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં જળબંબોની સ્થિતિ સર્જાયા બાદ આજે મુખ્ય મંત્રીએ આ બંને જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરી સર્વે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

કપરાડામાં બે કલાકમાં ચાર ઇંચ

વલસાડના કપરાડામાં બે કલાકમાં ચાર ઇંચ અને ધરમપુરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા કોલક, પાર, તાન અને ઔરંગા નદીની જળસપાટીમાં વધારો થયો છે. લો લેવલના કોઝવે પર પાણી ફરી વળવાના કારણે 15 જેટલા રસ્તાઓ બંધ થયા છે. ધરમપુરના કેળવણી ખાતે લાવરી નદીનો કોઝવે પાણીમાં ડૂબી જતા લોકો ફસાયા હતા.

પુલમાં ગાબડું

ભારે વરસાદને પગલે માંગરોળમાં નોરી નદીના પૂલમાં ગાબડું પડ્યું છે, ધસમસતા પાણીના પ્રવાહમાં ગાબડું પડતાં શેખપુરા, વીરડી, લંબોરા અને ચોટલી સહિતનાં ગામોનો સંપર્ક તૂટ્યો છે, જેને લઇને ધારાસભ્ય કરગઠિયાએ સ્થળ મુલાકાત લઇ અધિકારીને તાત્કાલિક કામ કરવા સૂચના આપી છે.

રાજ્યના 179 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી વધુ દ્વારકામાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં દ્વારકામાં બે કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકયો છે. જેમાં જામકંડોરણા, જામજોધપુર અને ધ્રોલમાં 4.5 ઇંચ,મહુવા, કલ્યાણપુર અને માણાવદરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ધોલેરા, ઉપલેટા, વંથલીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

મુખ્ય મંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જૂનાગઢ કલેકટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જે પાણી ભરાયાં છે એ ઓસર્યાં બાદ તાત્કાલિક સર્વે કરવાની સૂચના આપી છે.

​​​​​ખંભાળિયામાં ભારે વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને પગલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

​​​​​ 6 ટ્રેન રદ, 1 રિ-શેડ્યૂલ

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા સહિતના જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને અસર પહોંચી છે. રેલવેટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે આજની કુલ 6 ટ્રેન રદ અને 1 ટ્રેન રી-શેડ્યૂલ કરવામાં આવી છે

શેત્રુંજી ડેમ 90 ટકાથી વધારે ભરાયો

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 90 ટકાથી વધારે ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 32 ફૂટ 11 ઈંચે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 29,615 ક્યૂસેક પાણીની આવક શરૂ છે, ડેમ ઓવરફ્લો થવાની વકી છે. શેત્રુંજી ડેમ હેઠળનાં 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.

 

 

 

 

 

અલ્યા..આ લોકો તો કપડાંય તાણી ગયા…

 અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારના માર્ગો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવવાની ગાડી સતત ફરતી જોવા મળી. શુક્રવારની સવારથી જ લારી-ગલ્લાં, ખૂમચાં, ગેરકાયદે  જાહેરાતનાં પાટિયાં, શેડ દબાણ હટાવવાની ગાડીઓના કર્મચારીઓ દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં. દબાણ દૂર કરતી ગાડીઓના કર્મચારીઓએ રસ્તા પર બસ સ્ટેન્ડ પર અડ્ડો જમાવીને બેઠેલા, રહેણાક બનાવી આરામ ફરમાવતા લોકોનાં કપડાં પણ તાણીને લઈ ગયા હતા. બસ સ્ટેન્ડ, ફૂટપાથ, ડિવાઇડર, રેલિંગ અને મહાનુભાવો નામની તકતીઓ પર સુકવવામાં આવેલા કપડાં પણ દૂર કરી દેવામાં આવ્યાં હતાં.

દબાણ હટાવવાની કામગીરી કરતાં એક કર્મચારી એ ચિત્રલેખા.કોમને કહ્યું હતું કે આ પ્રકારની કામગીરી એકદમ ઝડપી બનાવવામાં આવી રહી છે. ચાલવાની ફૂટપાથોને ધંધા માટે ઉપયોગમાં લેવા-દેવામાં આવશે નહીં. આ ઉપરાંત ફૂટપાથ પર અડ્ડો જમાવી રહેતા લોકોને પણ ખસેડવામાં આવશે, કારણ કે તંત્ર દ્વારા હવે ઘરવિહોણા લોકો માટે ‘શેલ્ટર હોમ’ તૈયાર કરી દેવામાં આવ્યાં છે.

અમદાવાદના શાસ્ત્રીનગર, અંકુર રોડ નારણપુરા, ઉસ્માનપુરા અને સી.જી. રોડ પર સતત દબાણ હટાવવાની ગાડી ફરીને કામગીરી કરી રહી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

ભારતીય કોર્ટોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ

નવી દિલ્હીઃ દેશની અલગ-અલગ કોર્ટોમાં કેસોનો આંકડો પાંચ કરોડને પાર કરી ગયો છે. સુપ્રીમ કોર્ટ, 25 હાઇકોર્ટ અને અન્ય કોર્ટોમાં 5.02 કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે, એમ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભાને લેખિત જવાબમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે  ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (ICMIS)થી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ પહેલી જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટમાં 69,766 કેસો પેન્ડિંગ છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ (NJDG) પર માહિતી મુજબ 14 જુલાઈ સુધી હાઇકોર્ટમાં 60,62,953 અને જિલ્લા અને નીચલી કોર્ટોમાં 4,41,35,357 કેસો પેન્ડિંગ છે.

કોર્ટોમાં કેસો પેન્ડિંગ છે, કેમ કે પર્યાપ્ત સંખ્યામાં જજો અને કાયદાકીય અધિકારીઓ અપૂરતા છે કોર્ટના કર્મચારીઓ અને કોર્ટના માળખાકીય ઊણપ સામેલ છે. એ સાથે સાક્ષીઓને એકત્ર કરવા, બાર, તપાસ એજન્સો, સાક્ષીઓ અને વાદીઓ જેવા હિતધારકોનો સહયોગ પણ સામેલ છે, એમ તેમણે કહ્યું હતું.

સરકારનું કહેવું છે કે કેસોના નિકાલમાં વિલંબનાં કારણોમાં વિવિધ પ્રકારના કેસો માટે સંબંધિત કોર્ટો દ્વારા સમયમર્યાદાની કમી, વારંવાર સુનાવણી ટળવી અને સુનાવણી માટે કેસની નિગરાની, પેન્ડિંગ કેસોને ટ્રેક કરવાની વ્યવસ્થાની કમી વગેરે સામેલ છે.

કોર્ટોમાં કેસોને પતાવવા માટે પોલીસ, વકીલ, તપાસ એજન્સીઓ અને સાક્ષીઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જ બધા લોકો કરોડો કેસો પેન્ડિંગ થવાનું કારણ બની રહ્યા છે. કેટલાય કેસોમાં પોલીસ ચાર્જશીટ દાખલ નથી કરી શકતી તો કેટલાય કેસોમાં વકીલો હાજર નથી થતા.