રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિયઃ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પ્રદેશ પર બનેલું છે, એક સાઇક્લોનિક સર્ક્યુલેશન છત્તીસગઢ પર બન્યું છે. આ ઉપરાંત એક નવી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે, જે મજબૂત થઈને લો-પ્રેશર એરિયા બનશે. આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે. આ તમામ સિસ્ટમોના પ્રભાવને કારણે રાજયમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, જૂનાગઢના વિસાવદર અને વલસાડના કપરાડામાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં જળબંબોની સ્થિતિ સર્જાયા બાદ આજે મુખ્ય મંત્રીએ આ બંને જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરી સર્વે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

કપરાડામાં બે કલાકમાં ચાર ઇંચ

વલસાડના કપરાડામાં બે કલાકમાં ચાર ઇંચ અને ધરમપુરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા કોલક, પાર, તાન અને ઔરંગા નદીની જળસપાટીમાં વધારો થયો છે. લો લેવલના કોઝવે પર પાણી ફરી વળવાના કારણે 15 જેટલા રસ્તાઓ બંધ થયા છે. ધરમપુરના કેળવણી ખાતે લાવરી નદીનો કોઝવે પાણીમાં ડૂબી જતા લોકો ફસાયા હતા.

પુલમાં ગાબડું

ભારે વરસાદને પગલે માંગરોળમાં નોરી નદીના પૂલમાં ગાબડું પડ્યું છે, ધસમસતા પાણીના પ્રવાહમાં ગાબડું પડતાં શેખપુરા, વીરડી, લંબોરા અને ચોટલી સહિતનાં ગામોનો સંપર્ક તૂટ્યો છે, જેને લઇને ધારાસભ્ય કરગઠિયાએ સ્થળ મુલાકાત લઇ અધિકારીને તાત્કાલિક કામ કરવા સૂચના આપી છે.

રાજ્યના 179 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી વધુ દ્વારકામાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં દ્વારકામાં બે કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકયો છે. જેમાં જામકંડોરણા, જામજોધપુર અને ધ્રોલમાં 4.5 ઇંચ,મહુવા, કલ્યાણપુર અને માણાવદરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ધોલેરા, ઉપલેટા, વંથલીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

મુખ્ય મંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જૂનાગઢ કલેકટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જે પાણી ભરાયાં છે એ ઓસર્યાં બાદ તાત્કાલિક સર્વે કરવાની સૂચના આપી છે.

​​​​​ખંભાળિયામાં ભારે વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને પગલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

​​​​​ 6 ટ્રેન રદ, 1 રિ-શેડ્યૂલ

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા સહિતના જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને અસર પહોંચી છે. રેલવેટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે આજની કુલ 6 ટ્રેન રદ અને 1 ટ્રેન રી-શેડ્યૂલ કરવામાં આવી છે

શેત્રુંજી ડેમ 90 ટકાથી વધારે ભરાયો

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 90 ટકાથી વધારે ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 32 ફૂટ 11 ઈંચે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 29,615 ક્યૂસેક પાણીની આવક શરૂ છે, ડેમ ઓવરફ્લો થવાની વકી છે. શેત્રુંજી ડેમ હેઠળનાં 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.