Home Blog Page 2556

7મું પગાર પંચ: મંત્રાલયે કર્મચારીઓ માટે અપડેટ જાહેર કર્યું, આ કર્મચારીઓને મળશે પ્રમોશન

સાતમા પગાર પંચ હેઠળ એક નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલયે રક્ષા મંત્રાલયના કર્મચારીઓને પ્રમોશન માટે લઘુત્તમ લાયકાતમાં સુધારો કર્યો છે. આ સુધારો સાતમા પગાર પંચ હેઠળ આવતા સંરક્ષણ કર્મચારીઓ અને સૈનિકોને લાગુ પડશે. 22 ઓગસ્ટે જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમમાં મંત્રાલયે સેવા સંરક્ષણ નાગરિક કર્મચારીઓના પ્રમોશન માટે લઘુત્તમ લાયકાત જારી કરી છે. અહીં આવા કર્મચારીઓના પ્રમોશન માટે માપદંડ જારી કરવામાં આવ્યા છે.

આ કર્મચારીઓને ખૂબ અનુભવની જરૂર છે

કર્મચારીઓના પ્રમોશનને લઈને મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું છે કે અલગ-અલગ સ્તર માટે અલગ-અલગ કામનો અનુભવ હોવો જરૂરી છે. લેવલ 1 થી 2 માટે, ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ. લેવલ 1 થી 3 માટે, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, લેવલ 2 થી 4 માટે, 3 થી 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તેવી જ રીતે, લેવલ 17 સુધીના કુલ કર્મચારીઓને 1 વર્ષથી 12 વર્ષ સુધીનો અનુભવ હોય તો તેમને પ્રમોશન આપવામાં આવશે.

તાત્કાલિક અસરથી અમલ કરવાનો આદેશ

સંરક્ષણ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ નવું અપડેટ તરત જ પ્રભાવી થશે. મતલબ કે આ લાયકાત હેઠળ આવનાર કોઈપણ કર્મચારીને તાત્કાલિક અસરથી બઢતી આપવામાં આવશે. જો કે, મંત્રાલય દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કર્મચારીઓને કેટલું પ્રમોશન આપવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે શું અપડેટ્સ

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો આ મહિને જુલાઈમાં થઈ શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એવું અનુમાન છે કે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. જો આ વધારો કરવામાં આવશે તો કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું વધીને 45 ટકા થઈ જશે.

‘ટાઈગર 3’નું અમેઝિંગ ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ

સલમાન ખાન અને કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સને મોટી ટ્રીટ આપતાં મેકર્સે શનિવારે સવારે ફિલ્મ ‘ટાઈગર 3’નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ કન્ફર્મ થઈ ગઈ છે.  સલમાન ખાને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટાઈગર 3નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે અને ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. સલમાન ખાને ટ્વીટ કર્યું, “આ રહા હૂં! દિવાળી 2023 પર ટાઈગર 3. YRF50 સાથે ટાઈગર 3 નજીકના મોટા સ્ક્રીન પર જ ઉજવો. તમે. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે.” પોસ્ટરમાં, સલમાન અને કેટરીના બંને બંદૂકોથી સજ્જ ડેશિંગ અવતારમાં જોઈ શકાય છે. આ પોસ્ટરને જોઈને કહી શકાય કે ‘ટાઈગર 3’ ‘ટાઈગર’ના પહેલા બે હપ્તાઓ કરતાં વધુ મોટી અને ભવ્ય ફ્રેન્ચાઈઝી બનવાની ખાતરી છે.

 

ફ્રેન્ચાઇઝીની પ્રથમ બે ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા હતા

તમને જણાવી દઈએ કે ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ‘એક થા ટાઈગર’એ 2012માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં સલમાનને RAW એજન્ટ ટાઈગર અને કેટરિના ISI એજન્ટ ઝોયા તરીકે દર્શાવવામાં આવી હતી. સલમાન અને કેટરીનાની કેમેસ્ટ્રીએ સિલ્વર સ્ક્રીન પર આગ લગાવી દીધી હતી. આ પછી સલમાન અને કેટરિનાએ વર્ષ 2017માં ‘ટાઈગર ઝિંદા હૈ’ નામની આ ફિલ્મની સિક્વલ સાથે કમબેક કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તમને જણાવી દઈએ કે ‘ટાઈગર 3’ લોકપ્રિય ‘વાયઆરએફ સ્પાય યુનિવર્સ’ની પાંચમી ફિલ્મ છે અને છ વર્ષ પછી સલમાન અને કેટરિના ટાઈગર અને ઝોયા તરીકે કમબેક કરી રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આવનારી ફિલ્મ તેની અગાઉની ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે કે નહીં.

આદિત્ય એલ1ના સફળ પ્રક્ષેપણ પછી PM મોદીએ શું કહ્યું ?

ભારતનું સૂર્ય મિશન આદિત્ય એલ-1 સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે તેની અવકાશ યાત્રા ચાલુ રાખી છે. PM મોદીએ ટ્વીટ કર્યું, ‘સમગ્ર માનવતાના કલ્યાણ માટે બ્રહ્માંડની વધુ સારી સમજ વિકસાવવા માટે અમારા અથાક વૈજ્ઞાનિક પ્રયાસો ચાલુ રહેશે.’

આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું

ગૃહમંત્રી અમિત શાહે પણ આદિત્ય એલ-1ના સફળ લોન્ચિંગ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યું, ‘આપણા વૈજ્ઞાનિકોએ પોતાની શક્તિ અને પ્રતિભાને વારંવાર સાબિત કરી છે. ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય L1ના સફળ પ્રક્ષેપણ પર દેશને ગર્વ અને આનંદ છે. આ સાથે તેમણે ઈસરોને અભિનંદન આપતા લખ્યું કે, અમૃતકાલ દરમિયાન અંતરિક્ષ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં આ એક મોટું પગલું છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યું, ‘1.4 અબજ ભારતીયો માટે શનિવાર એક ઐતિહાસિક ‘સન ડે’ છે. આજે ISRO દ્વારા ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. તેઓ લખે છે કે, મિશન ચંદ્રયાન 3 અને મંગલયાનની અપાર સફળતા બાદ ભારત હવે સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આદિત્ય L1ના લોન્ચિંગ બાદ ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું, ‘ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા બાદ ભારત સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. સૂર્યનો અભ્યાસ કરવા માટે ભારતના પ્રથમ અવકાશ-આધારિત મિશન આદિત્ય-L1ના સફળ પ્રક્ષેપણ પર ISROને હાર્દિક અભિનંદન. અમને અમારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પર ગર્વ છે, જેઓ તેમની અસાધારણ પ્રતિભા અને નિશ્ચય દ્વારા શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરે છે.

બટેટા અને લોટના ઈન્સ્ટન્ટ ઢોસા

બટેટા અને ઘઉંના લોટના ઢોસા પણ દાળ-ચોખાના ઢોસા જેટલાં જ સ્વાદીષ્ટ લાગે છે. ઉપરાંત ઈન્સ્ટન્ટ બની પણ જાય છે!

સામગ્રીઃ

  • મોટી સાઈઝનો બટેટો 1
  • ઘઉંનો લોટ 1 કપ
  • રવો ½ કપ
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલા મરચાં 3
  • જીરુ 1 ટી.સ્પૂન
  • 1 લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • પાણી 3 કપ
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • તલ 1 ટી.સ્પૂન

ચટણીઃ

  • નાળિયેરનું ખમણ 2 ટે.સ્પૂન
  • દહીં 2 ટે.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલા મરચાં 3
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • રાઈ ½ ટી.સ્પૂન
  • લાલ મરચું 1
  • કળીપતાના પાન 7-8

રીતઃ બટેટાનો છોલીને ધોઈને મધ્યમ સાઈઝના કાણાંવાળી ખમણીમાં ખમણી લો. તેમાં રવો તથા ઘઉંનો લોટ મેળવી લો. તેમાં પહેલાં 1 કપ પાણી મેળવીને એકસરખું મિક્સ કરી લો. ફરીથી તેમાં બીજો  1 કપ પાણી મેળવીને મિક્સ કરીને હજુ 1 કપ પાણી મેળવીને પાતળું ખીરું તૈયાર કરી લો.

આ ખીરામાં જીરુ, આદુ ખમણેલું, કોથમીર ધોઈને સમારેલી, લીલા મરચાં સમારેલાં, મીઠું સ્વાદ મુજબ તેમજ લીંબુ અને ચાટ મસાલો મેળવી લો.

10 મિનિટ બાદ ગેસ પર નોનસ્ટીક તવો ગરમ કરી લો. તવા ઉપર થોડું તેલ ફેલાવીને એક મોટી કડછી વડે ઢોસાનું ખીરું તવા પર ફરતે ગોળ રેડી દો. મધ્યમ આંચ પર થવા દો. ઢોસો ઉપરથી બ્રાઉન થવા લાગે એટલે લગભગ 4-5 મિનિટમાં તૈયાર થઈ જાય એટલે નીચે ઉતારી લો.

ચટણીની સામગ્રી મિક્સીમાં ભેગી કરીને તેમાં થોડું પાણી નાખીને ચટણી બનાવી લો. એક વઘારીયામાં 1 ટી.સ્પૂન તેલ ગરમ કરી રાઈ તતડાવી એક લાલ મરચું તેમજ કળીપતાના પાન સાંતડી ચટણી વઘારી લો.

આ ક્રિસ્પી ઢોસા ચટણી સાથે પીરસો.

રાજસ્થાનમાં મહિલાને નિર્વસ્ત્ર કરવાને મામલે સાતની ધરપકડ

જયપુરઃ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં માનવતા મરી પરવારી હોય એવી ઘટના બની છે. અહીં ગુરુવારે એક આદિવાસી મહિલાને તેના પતિએ મારપીટ કરી, નિર્વસ્ત્ર કરી અને તેને ગામમાં ફેરવી. આ શરમજનક ઘટના વખતે મહિલાએ મદદ માટે બૂમો પાડી હતી, પણ તેની વહારે કોઈ નહોતું આવ્યું.

પોલીસના જણાવ્યાનુસાર આ મહિલા કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ ધરાવતી હતી, જેને કારણે તેના પર હુમલો થયો હતો. પોલીસે આ મામલે અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યા મુજબ ગુરુવારે 21 વર્ષીય ગર્ભવતી મહિલાને તેના ભૂતપૂર્વ પતિ અને સાસરિયાવાળાએ નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી હતી. પોલીસ કમિશનર ઉમેશ મિશ્રાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને ADGને પ્રતાપગઢ મોકલવામાં આવ્યા છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશેઃ ગહેલોત

મુખ્ય મંત્રી અશોક ગહેલોતે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે ગર્ભવતી મહિલાને નિર્વસ્ત્ર  કરવાનો વિડિયો સામે આવ્યો છે, આવી ઘટનાઓનું સભ્ય સમાજમાં કોઈ સ્થાન હોતું નથી, તેમણે વધુમાં કહ્યું હતું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને તેમનો સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાનની આ શરમજનક ઘટના વિસે કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજસ્થાનના પ્રતાપગઢનો આ વિડિયો ચોંકાવનારો છે.

રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળ્યા છે. રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દાને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલરઃ કરણી સેના આંદોલન કરશે

બોટાદઃ સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોનો વિવાદ દિન પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. . આ મામલે સાધુ-સંતો તથા સનાતન ધર્મીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. કરણી સેના પણ આંદોલનના મૂડમાં છે. હનુમાજીને દાસ તરીકે દર્શાવવા મુદ્દે બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત અને મહામંડલેશ્વર આશુતોષ ગિરિ બાપુ ભારે ગુસ્સામાં છે. આગામી દિવસોમાં જરૂર પડે તો 5000 જેટલા સાધુ-સંતો હનુમાનજી મંદિર ખાતે ઉપવાસ પર બેસીને આ ભીંતચિત્રો હટાવાની કામગીરી કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વિવાદ અંગે વાત કરીને ઉગ્ર આંદોલનનું અલ્ટિમેટમ આપી દીધું છે. જો ભીંતચિત્રો દૂર કરવામાં નહીં આવે તો સાધુ-સંતોને આવડે છે કે તેને કઈ રીતે હટાવી શકાય તેમ પણ તેમણે જણાવ્યું છે.

બીજી તરફ અજાણ્યા ભક્ત દ્વારા વિવાદિત ભીંતચિંત્ર પર કાળો રંગ લગાડવામાં આવ્યો છે. આ કાળો રંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. એ સાથે હનુમાનજીનાં ભીંતચિત્રોને લાકડી વડે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત અને મહામંડલેશ્વર આશુતોષ ગીરીબાપુ કહે છે કે ભીંતચિત્રો છે તે વહેલી તકે મંદિર વિભાગ દ્વારા હટાવી લેવામાં આવે, નહીંતર સારું નહીં થાય.

સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે કણપીઠમાં કંડારવામાં આવેલાં ભીંતચિત્રોને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મિડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે.

 કરણી સેના મેદાનમાં

સાળંગપુરમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવતા દાદાના ભક્તો મેદાનમાં ઉતર્યા છે. હવે કરણી સેનાએ પણ ઝંપલાવ્યું છે. કરણી સેનાએ આ પ્રકારના ભીંતચિત્રો મામલે ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે. ભીંતચિંત્રો દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કરણી સેના દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે તે અંગે પણ વાત કરવામાં આવી છે. ગુજરાત કરણી સેનાના ઉપાધ્યક્ષ સામતભાઈ જેબલિયાએ કહ્યું હતું કે આ મુદ્દાથી સનાતન ધર્મના લોકોની લાગણી દુભાઈ છે. કરણી સેનાનું સંગઠન મોટી સંખ્યામાં સાળંગપુરમાં શનિવારે વિરોધ કરવા માટે પહોંચવાનું છે. જે ચિત્રો છે તેને દૂર કરવાની કોશિશ કરીશું. જો આમાં કોઈ અડચણ ઊભી થશે તો અમે જ્વલંત આંદોલન કરીશું.

 

 

 

 

 

ભારતીય મૂળના થર્મન શણમુગારત્નમ સિંગાપોરના રાષ્ટ્રપતિ બન્યા

સિંગાપોરઃ ભારતીય મૂળના થર્મન શણમુગારત્નમે સિંગાપોરના રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી છે. ચૂંટણી વિભાગે શુક્રવારે આની જાહેરાત કરી હતી. વર્ષ 2011થી 2019 સુધી સિંગાપોરના ડેપ્યુટી PM રહેલા થર્મન શણમુગારત્નમને 70.4 ટકા મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ એનજી કોક સોંગને 15.7 ટકા મત મળ્યા હતા, જ્યારે તાન કિન લિયાનને 13.88 ટકા મતા મળ્યા હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 27 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું. સિંગાપોરમાં છેલ્લાં 12 વર્ષમાં આ પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી હતી. અગાઉ 2011માં અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવી હતી. સિંગાપોરમાં પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી 28 ઓગસ્ટ, 1993એ યોજવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ચૂંટણી જીતવા બદલ ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપી હતી.

આ ચૂંટણી પરિણામો જાહેર થયા પછી સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લુંગે થર્મનને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિપદની ફરજોનું પાલન કરશે

થર્મને જીત બાદ પત્રકારો સાથે વાત કરતાં યોગ્ય નિર્ણય લેવા બદલ સિંગાપોરના મતદારોનો આભાર માન્યો હતો. એ જ સમયે હારથી ગુસ્સે થયેલા તાન કિન લિયાને કહ્યું હતું કે સિંગાપોરની ચૂંટણીની જગ્યાએ જૂની પદ્ધતિ લાગુ કરો, જેમાં સંસદ રાષ્ટ્રપતિની પસંદગી કરતી હતી. જ્યારે એનજી કોક સાંગે કહ્યું હતું કે હું 100 ટકા સફળ રહ્યો છું. હું લોકોને મતદાન કરવાની તક આપવા માગતો હતો.

થર્મન શણમુગારત્નમ કોણ?થર્મનનો જન્મ 25 ફેબ્રુઆરી 1957એ સિંગાપોરમાં થયો હતો. તેમના દાદા તામિલનાડુથી સ્થળાંતર કરીને સિંગાપોરમાં સ્થાયી થયા હતા. થર્મનના પિતા પ્રો.કે. શણમુગારત્નમ હતા, જેઓ મેડિકલ સાયન્ટિસ્ટ હતા. તેમને સિંગાપોરમાં પેથોલોજીના જનક માનવામાં આવે છે.

કેમ્બ્રિજના અર્થશાસ્ત્રી થર્મન સિંગાપોરના ‘પોલિસી મેકર’ રહી ચૂક્યા છે. તેઓ ગ્લોબલ ફોરમમાં સિંગાપોર અને ભારત જેવા દેશો વિરુદ્ધ બોલવા માટે જાણીતા છે. તેમનું કહેવું છે કે ચીન,અમેરિકા બંને મહાસત્તાઓએ એ અહંકાર છોડી દેવાની જરૂર છે કે તેઓ સર્વશ્રેષ્ઠ છે. તેમને ખબર હોવી જોઈએ કે વિકાસશીલ દેશો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

 

 

 

 

એશિયા કપ-2023માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ટકરાશે

નવી દિલ્હીઃ ભારત માટે આજનો દિવસ ખાસ છે. ક્રિકેટપ્રેમીઓ માટે ભારત-પાકિસ્તાનની એશિયા કપની મેચ થવાની છે તો બીજી બાજુ ઇસરો દ્વારા સૂર્યનું આદિત્ય L-1 સફળ લોન્ચિંગ થયું છે. આમ સ્પોર્ટ્સથી માંડીને વિજ્ઞાન સુધી ભારત ઇતિહાસ લખવાની બહુ નજીક છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ છે. ક્રિકેટપ્રેમીઓ પણ આ મેચની આતુરતાપૂર્વક રાહ જુએ છે કે કઈ ટીમ નિર્ણાયક મેચ જીતશે. એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની ત્રીજી વાર આગેવાની કરવા માટે રોહિત શર્મા તૈયાર છે. વર્ષ 2018માં ટુર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાયો હતો ત્યારે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. ત્યાર બાદ T20 ફોર્મેટમાં વર્ષ 2022માં રમાયો હતો, જેમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતનું પ્રદર્શન સારું નહોતું રહ્યું.એશિયા કપ 2018માં ભારતે પાકિસ્તાનને બે વખત ખરાબ રીતે હરાવ્યું હતું. ગ્રુપ મેંચમાં આઠ વિકેટથી હરાવ્યું તો સુપર 4માં નવ વિકેટથી, ગ્રુપ મેચમાં પાકિસ્તાનની ટીમ 43.1 ઓવરમાં 162 રન પર આઉટ થઈ ગઈ હતી. ભારતે 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. સુપર 4માં પાકિસ્તાને સાત વિકેટ પર 237 રન બનાવ્યા હતા. ભારતે 39.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

ભારતની સંભવિત પ્લેઇંગ 11- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.

પાકિસ્તાનની 11 ટીમમાં- ફખર જમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.

એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન

એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન સારું નથી રહ્યું. ટીમ સુપર ચારથી આગળ વધી ન શક્યું. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવીને ટીમ અજય રહી હતી, પરંતુ સુપર 4માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવી દીધું હતું.

એશિયા કપમાં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ વન ડે ફોર્મેટમાં પાંચમાંથી પાંચ મેચ જીતી છે. T20 ફોર્મેટમાં બે મેચ હાર્યા છે અને ત્રણ જીતી ચૂક્યા છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વનડે ફોર્મેટમાં હશે.

 

 

 

બિંદુને ‘દો રાસ્તે’ થી નવો રસ્તો મળ્યો

અભિનેત્રી બિંદુએ પહેલી ફિલ્મ ‘અનપઢ’ (૧૯૬૨) પછી છેક ‘દો રાસ્તે’ (૧૯૬૯) થી પુનરાગમન કર્યું એની પાછળની કહાની રસપ્રદ છે. ‘અનપઢ’ માં માલા સિંહાની પુત્રીની ભૂમિકા કરીને શરૂઆત કર્યા બાદ અભિનયમાં સફળતા ના મળતાં બિંદુએ કામ બંધ કરી દીધું હતું. ‘અનપઢ’ ના ‘આપ કી નજરોં ને સમઝા’ વગેરે બધા જ ગીતો સાથે સંગીત લોકપ્રિય થયું પણ ફિલ્મ ચાલી નહીં. બિંદુને પહેલી ફિલ્મથી જે ઓળખ મળવી જોઈએ એ મળી નહીં. ફિલ્મ રજૂ થયા પછી લોકોને ખ્યાલ ના આવ્યો કે બિંદુ નામની કોઈ નવી છોકરી આવી છે. બિંદુને કોઈ ફિલ્મ ના મળી એ દરમ્યાનમાં ચંપકલાલ ઝવેરીની બહેન સાથે મિત્રતા હોવાથી એમની સાથે મુલાકાત થઈ અને પ્રેમ થતાં ૧૯૬૪ માં લગ્ન કરી લીધા. પહેલાં એણે હીરોઈન બનવાનું વિચાર્યું હતું. પણ કામ મળવાનું મુશ્કેલ હતું. કેમકે લોકો એવું માનતા હતા કે એ પાતળી અને લાંબી છે. ગુજરાતી ભાષી છે એટલે હિન્દી બોલવા અંગે શંકા વ્યક્ત થતી હતી.

બિંદુએ પ્રયત્ન છોડી દીધા હતા. એક દિવસ અભિનેતા ચંદ્રશેખરના જન્મદિનની પાર્ટીમાં જવાનું આમંત્રણ મળ્યું. બિંદુ એની બહેનો સાથે ગઈ ત્યારે ત્યાં સંગીતકાર લક્ષ્મીકાંત–પ્યારેલાલ પણ આવ્યા હતા. ત્યારે એમની ‘પારસમણી’ (૧૯૬૩) અને ‘દોસ્તી’ (૧૯૬૪) રજૂ થઈ ચૂકી હતી. બિંદુ અને એની બહેનો એના ગીતોની દીવાની હતી. એમણે લક્ષ્મીકાંત – પ્યારેલાલના સંગીતના બહુ વખાણ કર્યા અને એમની મિત્રતા થઈ ગઈ. બિંદુએ એમને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. કેમકે ઘર નજીકના ફેમસ સ્ટુડિયોમાં જ એમના સંગીતનું રેકોર્ડિંગ થતું હતું. એમને બિંદુનો પરિવાર સારો લાગ્યો અને અવરજવર શરૂ થઈ ગઈ. ત્યારે બિંદુને ખબર ન હતી કે એની નાની બહેન જયા સાથે લક્ષ્મીકાંતની આંખો ચાર થઈ ગઈ છે. એમણે જ્યારે બિંદુની બહેન સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે ખબર પડી. બહેનને લક્ષ્મીકાંત પસંદ હતા એટલે એણે પણ હા પાડી દીધી અને એમનાં લગ્ન થઈ ગયા.

એક દિવસ લક્ષ્મીકાંત બિંદુના ઘરે જમવા આવવાના હતા પણ રાજ ખોસલાની ફિલ્મ ‘અનિતા’ (૧૯૬૭) ના સંગીતમાં એટલા વ્યસ્ત રહ્યા કે બહુ મોડું થઈ ગયું. સ્ટુડિયો નજીક હતો એટલે બિંદુ પતિ સાથે એમને બોલાવવા ગઈ. ત્યારે એમણે કહ્યું કે કામ પૂરું જ થવા આવ્યું છે. તેઓ આવી રહ્યા છે. ત્યાં રાજ ખોસલા હાજર હતા એટલે લક્ષ્મીકાંતે બિંદુ પોતાની સાળી હોવાનો પરિચય આપ્યો. થોડી વાર પછી રાજે પૂછ્યું કે તું ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરશે? બિંદુ અભિનય કરવાની વાત પોતાના દિમાગમાંથી કાઢી ચૂકી હતી પણ કંઈક વિચારીને તરત જ હા પાડી દીધી. રાજે ફિલ્મ ‘દો રાસ્તે’ ની વેમ્પની ભૂમિકા ઓફર કરી ત્યારે બિંદુ વિચારમાં પડી ગઈ. એને નકારાત્મક ભૂમિકા કરવા બાબતે મૂંઝવણ ઊભી થઈ એટલે રાજે પંદર દિવસમાં જવાબ આપવાનું કહ્યું. બિંદુએ પછીથી પતિને, લક્ષ્મીકાંતને અને બીજા ઘણાને પૂછ્યું કે અભિનયમાં નકારાત્મક ભૂમિકાનો આ નવો રસ્તો પસંદ કરવો કે નહીં.

મોટાભાગનાએ હકારાત્મક પ્રતિભાવ ના આપ્યો. પણ બિંદુને થયું કે લોકો કહેતા હતા કે ગુજરાતી છે અને આવી છે તેવી છે ત્યારે આ એક તક છે જેનાથી લોકોને બતાવી શકું છું કે કંઈક કરી શકું છું. બિંદુએ રાજને હા પાડી દીધી અને એમણે સ્ક્રીનટેસ્ટ લઈ એને પસંદ કરી લીધી. બિંદુએ પડકાર ઝીલીને એ નકારાત્મક ભૂમિકાને એવી ભજવી કે અભિનયમાં નામ થઈ ગયું અને બધાને ખબર પડી ગઈ કે બિંદુ નામની એક અભિનેત્રી આવી છે.

સૂર્યના અભ્યાસ માટે આદિત્ય L-1નું સફળ લોન્ચિંગ

શ્રીહરિકોટાઃ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી ભારત હવે સૂરજ તરફ ડગ માંડ્યા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) પહેલું સોલર મિશન લોન્ચ કર્યું હતું. શ્રીહરિકોટાના લોન્ચિંગ પેડથી 11.50 કલાકે L-1એ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એને PSLV-C57 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.સૂર્ય વિશે એ માહિતી એકઠી કરીને ઇસરોને મોકલશે.  આદિત્ય L-1 મિશનના લોન્ચિંગ વખતે ઇસરોના વડા એસ. સોમનાથની સાથે વૈજ્ઞાનિકોની ટીમ તિરુપતિ પહોંચી હતી. આ વૈજ્ઞાનિકોએ તિરુપતિ બાલાજી મંદિરમાં મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

આ આદિત્ય L-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મિશન હશે. આ અવકાશ યાન લોન્ચ થયાના ચાર મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) પર પહોંચશે. આ બિંદુ પર ગ્રહણની કોઈ અસર નથી,  જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આ મિશનનો અંદાજિત ખર્ચ રૂ. 378 કરોડ છે.

આદિત્ય સ્પેસક્રાફ્ટને L1 પોઇન્ટ સુધી પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે ચાર મહિનાનો સમય લાગશે. આ 120 દિવસ 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂર્ણ થશે. જો મિશન સફળ થાય છે અને આદિત્ય અવકાશયાન L-1 પર પહોંચે છે, તો 2023માં ISRO માટે આ બીજી મોટી સિદ્ધિ હશે.

લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1) શું છે?

લેગ્રેન્જ પોઈન્ટનું નામ ઇટાલિયન-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફ-લુઇસ લેગ્રેન્જના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ બોલચાલની ભાષામાં L1 તરીકે ઓળખાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા પાંચ બિંદુઓ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે અને કેન્દ્રત્યાગી બળનું નિર્માણ થાય છે.

આવી સ્થિતિમાં જો કોઈ વસ્તુ આ સ્થાન પર રાખવામાં આવે છે તો એ સરળતાથી બંને વચ્ચે સ્થિર રહે છે અને ઓછી ઊર્જાની પણ જરૂર પડે છે. પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચે 1.5 મિલિયન કિલોમીટરના અંતરે છે.

આદિત્ય L1ના 7 પેલોડ સૂર્યને સમજશે

આદિત્ય યાન L-1 એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઇન્ટ પર રહીને સૂર્ય પર ઉદભવતાં તોફાનોને સમજી શકશે. એ લેગ્રેન્જિયન બિંદુની આસપાસ ભ્રમણ કરશે, વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ દ્વારા ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોનાના સૌથી બહારના સ્તરનું પરીક્ષણ કરશે.

આદિત્ય L1ના સાત પેલોડ કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર અને ફ્લેર એક્ટિવિટીઝની વિશેષતાઓ, પાર્ટિકલ્સના મુવમેન્ટ અને સ્પેસ વેધરને સમજવાની જાણકારી આપશે. આદિત્ય L-1 સોલર કોરોના અને એની હીટિંગ મિકેનિઝમનો અભ્યાસ કરશે.