ભારતીય મૂળના થર્મન શણમુગારત્નમ સિંગાપોરના રાષ્ટ્રપતિ બન્યા

સિંગાપોરઃ ભારતીય મૂળના થર્મન શણમુગારત્નમે સિંગાપોરના રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી છે. ચૂંટણી વિભાગે શુક્રવારે આની જાહેરાત કરી હતી. વર્ષ 2011થી 2019 સુધી સિંગાપોરના ડેપ્યુટી PM રહેલા થર્મન શણમુગારત્નમને 70.4 ટકા મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ એનજી કોક સોંગને 15.7 ટકા મત મળ્યા હતા, જ્યારે તાન કિન લિયાનને 13.88 ટકા મતા મળ્યા હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 27 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું. સિંગાપોરમાં છેલ્લાં 12 વર્ષમાં આ પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી હતી. અગાઉ 2011માં અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવી હતી. સિંગાપોરમાં પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી 28 ઓગસ્ટ, 1993એ યોજવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ચૂંટણી જીતવા બદલ ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપી હતી.

આ ચૂંટણી પરિણામો જાહેર થયા પછી સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લુંગે થર્મનને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિપદની ફરજોનું પાલન કરશે

થર્મને જીત બાદ પત્રકારો સાથે વાત કરતાં યોગ્ય નિર્ણય લેવા બદલ સિંગાપોરના મતદારોનો આભાર માન્યો હતો. એ જ સમયે હારથી ગુસ્સે થયેલા તાન કિન લિયાને કહ્યું હતું કે સિંગાપોરની ચૂંટણીની જગ્યાએ જૂની પદ્ધતિ લાગુ કરો, જેમાં સંસદ રાષ્ટ્રપતિની પસંદગી કરતી હતી. જ્યારે એનજી કોક સાંગે કહ્યું હતું કે હું 100 ટકા સફળ રહ્યો છું. હું લોકોને મતદાન કરવાની તક આપવા માગતો હતો.

થર્મન શણમુગારત્નમ કોણ?થર્મનનો જન્મ 25 ફેબ્રુઆરી 1957એ સિંગાપોરમાં થયો હતો. તેમના દાદા તામિલનાડુથી સ્થળાંતર કરીને સિંગાપોરમાં સ્થાયી થયા હતા. થર્મનના પિતા પ્રો.કે. શણમુગારત્નમ હતા, જેઓ મેડિકલ સાયન્ટિસ્ટ હતા. તેમને સિંગાપોરમાં પેથોલોજીના જનક માનવામાં આવે છે.

કેમ્બ્રિજના અર્થશાસ્ત્રી થર્મન સિંગાપોરના ‘પોલિસી મેકર’ રહી ચૂક્યા છે. તેઓ ગ્લોબલ ફોરમમાં સિંગાપોર અને ભારત જેવા દેશો વિરુદ્ધ બોલવા માટે જાણીતા છે. તેમનું કહેવું છે કે ચીન,અમેરિકા બંને મહાસત્તાઓએ એ અહંકાર છોડી દેવાની જરૂર છે કે તેઓ સર્વશ્રેષ્ઠ છે. તેમને ખબર હોવી જોઈએ કે વિકાસશીલ દેશો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.