રાજસ્થાનમાં મહિલાને નિર્વસ્ત્ર કરવાને મામલે સાતની ધરપકડ

જયપુરઃ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં માનવતા મરી પરવારી હોય એવી ઘટના બની છે. અહીં ગુરુવારે એક આદિવાસી મહિલાને તેના પતિએ મારપીટ કરી, નિર્વસ્ત્ર કરી અને તેને ગામમાં ફેરવી. આ શરમજનક ઘટના વખતે મહિલાએ મદદ માટે બૂમો પાડી હતી, પણ તેની વહારે કોઈ નહોતું આવ્યું.

પોલીસના જણાવ્યાનુસાર આ મહિલા કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ ધરાવતી હતી, જેને કારણે તેના પર હુમલો થયો હતો. પોલીસે આ મામલે અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યા મુજબ ગુરુવારે 21 વર્ષીય ગર્ભવતી મહિલાને તેના ભૂતપૂર્વ પતિ અને સાસરિયાવાળાએ નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી હતી. પોલીસ કમિશનર ઉમેશ મિશ્રાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને ADGને પ્રતાપગઢ મોકલવામાં આવ્યા છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશેઃ ગહેલોત

મુખ્ય મંત્રી અશોક ગહેલોતે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે ગર્ભવતી મહિલાને નિર્વસ્ત્ર  કરવાનો વિડિયો સામે આવ્યો છે, આવી ઘટનાઓનું સભ્ય સમાજમાં કોઈ સ્થાન હોતું નથી, તેમણે વધુમાં કહ્યું હતું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને તેમનો સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાનની આ શરમજનક ઘટના વિસે કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજસ્થાનના પ્રતાપગઢનો આ વિડિયો ચોંકાવનારો છે.

રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળ્યા છે. રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દાને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.