Home Blog Page 2493

બુમરાહ આજે ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં કેમ નથી રમ્યો?

ઈન્દોરઃ અહીંના હોલકર સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ત્રણ મેચોની શ્રેણીની પહેલી મેચમાં ભારત પાંચ-વિકેટથી જીત્યું હતું. આજે બીજી મેચ માટે ટોસ ઉછાળાયો એની અમુક જ મિનિટો પહેલાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચમાં રમી શકવાનો નથી.

ટ્વીટના માધ્યમથી ક્રિકેટ બોર્ડે જોકે સ્પષ્ટતા કરી હતી કે બુમરાહને તેના પરિવારજનોને મળવાનું જરૂરી હોવાથી તેને ઈન્દોરની મેચમાંથી એની બાકાતીને મંજૂર રાખવામાં આવી છે. એની જગ્યાએ ઈલેવનમાં પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહ રાજકોટમાં 27 સપ્ટેમ્બરે રમાનાર શ્રેણીની ત્રીજી મેચ માટે ટીમ સાથે જોડાઈ જશે.

ઉલ્લેખનીય છે કે, બુમરાહ ઈજામાંથી સાજો થયા બાદ તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના આયરલેન્ડ પ્રવાસની શ્રેણીમાં રમ્યો હતો. એના પરફોર્મન્સ પર પસંદગીકારોની વિશેષ નજર છે, કારણ કે આગામી ODI વર્લ્ડ કપ માટે બુમરાહ તેની પૂરી રીધમમાં રહે તે ભારતીય ટીમની યોજનાઓ માટે બહુ આવશ્યક છે. એ પણ ઉલ્લેખનીય છે કે, બુમરાહ હાલમાં જ પિતા બન્યો છે. એની પત્ની સંજનાએ એમનાં પ્રથમ સંતાન રૂપે પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ તેમણે અંગદ રાખ્યું છે.

માધુરી દીક્ષિત રાજકારણમાં પ્રવેશ કરશે? લોકસભાની ચૂંટણી લડશે?

મુંબઈઃ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી માધુરી દીક્ષિતે તેની કારકિર્દીમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનય પ્રતિભા અને સૌંદર્ય વડે અને એણે ઘણાં લોકોનાં મન પર રાજ કર્યું છે. હવે તે રાજકારણમાં પ્રવેશ કરશે એવું કહેવાય છે.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં જ મુંબઈની મુલાકાતે આવ્યા હતા. તે પછી આવતા વર્ષે નિર્ધારિત લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક નામો વિશે ચર્ચા શરૂ થઈ છે. એમાં માધુરી દીક્ષિત-નેનેનું નામ પણ છે. કહેવાય છે કે માધુરી દક્ષિણ મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડશે. અમિત શાહ મુંબઈ મુલાકાત દરમિયાન માધુરીને પણ મળ્યા હતા. એમની તસવીર સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી.

વડાપ્રધાને એકસાથે 11 રાજ્યોમાં 9 ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનસેવા શરૂ કરાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 11 રાજ્યોમાં એક સાથે કુલ 9 ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને એમની સફર શરૂ કરાવી છે. શુભારંભ કાર્યક્રમ આજે બપોરે વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાને આ પ્રસંગે એમના સંબોધનમાં કહ્યું કે, દેશના અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનાં લોકોને અત્યાર સુધી 25 ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનોની સુવિધા મળતી હતી. હવે આજથી એમાં 9 વધુ ‘વંદે ભારત એક્સપ્રેસ’નો ઉમેરો થયો છે. એ દિવસ દૂર નથી જ્યારે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનો દેશના દરેક ભાગને કનેક્ટ કરશે.

વડા પ્રધાને એમ પણ કહ્યું કે, ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનોની સેવાનો લાભ દેશભરમાં અત્યાર સુધીમાં એક કરોડ 11 લાખથી વધારે લોકો લીધો છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. આ ટ્રેનની લોકપ્રિયતા વધી રહી છે. આ ટ્રેન સ્વદેશી હાઈ-ટેક્નોલોજી વડે તૈયાર કરવામાં આવી છે. તેની સ્પીડ અને માળખાગત વિકાસ 140 કરોડ ભારતવાસીઓની અભિલાષાને પરિપૂર્ણ કરે છે. આજથી રાજસ્થાન, તામિલનાડુ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, ઝારખંડ અને ગુજરાતનાં લોકો ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન સેવા સુવિધા મેળવતા થઈ ગયા છે. આ ટ્રેન દેશની નવી ઊર્જા દર્શાવે છે.

મુંબઈ એરપોર્ટ પર ‘આ દિવસે’ 250 ફ્લાઈટ્સ રદ થશે

મુંબઈઃ દેશમાં સૌથી મોટું અને સૌથી વધારે વ્યસ્ત એરપોર્ટ ગણાય છે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટ પર આગામી એક દિવસે આશરે 250 ફ્લાઈટ્સ રદ થવાની છે તેમજ કેટલીક ફ્લાઈટ્સનો રૂટ બદલાવવાનો છે. મુંબઈ એરપોર્ટના રનવેના પુનઃ બાંધકામને કારણે આટલી બધી ફ્લાઈટ્સને રદ કરવામાં આવશે. રનવે દુરસ્તી કામ આવતી 17 ઓક્ટોબરે હાથ ધરવામાં આવનાર છે.

(તસવીર સૌજન્યઃ @CSMIA_Official)

મુંબઈ એરપોર્ટ પર દરરોજ આશરે 900 ફ્લાઈટ્સની આવ-જા રહે છે. તેથી આને દેશનું સૌથી મહત્ત્વનું એરપોર્ટ ગણવામાં આવે છે. ગયા મે મહિનામાં રનવેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે તે કામને આગળ વધારી સંપૂર્ણ કરવામાં આવનાર છે.

મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં ખૂબ વરસાદ પડતો હોય છે. તેથી ચોમાસું પૂરું થાય એ પછી એરપોર્ટના રનવેનું સમારકામ હાથ ધરવામાં આવતું હોય છે. ગયા વર્ષે પણ 18 ઓક્ટોબરે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ વખતે 17 ઓક્ટોબરે સમારકામ હાથ ધરવાનું હોવાથી સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી રનવે બંધ રખાશે અને વિમાનસેવા સ્થગિત કરાશે. તેથી 17 અને 18 ઓક્ટોબરે મુંબઈથી પ્રવાસ કરવાના હોય એ વિમાનપ્રવાસીઓએ એમની ફ્લાઈટના સમયની અગાઉથી તપાસ કરી લેવી.

ભુજઃ સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોરને સીમા સુરક્ષા દળે પકડી લીધો

ભુજઃ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં લાગતી ભારત-પાકિસ્તાન સરહદને ગેરકાયદેસર રીતે પાર કરીને ભારતમાં ઘૂસી આવેલા એક પાકિસ્તાની નાગરિકની સીમા સુરક્ષા દળના સતર્ક જવાનોએ પકડી લીધો છે.

આ પાકિસ્તાની 30 વર્ષનો છે અને પાકિસ્તાનના સિંધ પ્રાંતના બાદીન જિલ્લાનો રહેવાસી છે. એનું નામ મેહબૂબ અલી છે.

બીએસએફની પહેરો ભરતી એક ટીમને ગઈ કાલે રાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક કોઈક શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. જવાનો તરત એ સ્થળે દોડી ગયા હતા અને પાકિસ્તાની નાગરિકને પકડી લીધો હતો. ઘૂસણખોરની પૂછપરછ ચાલી રહી છે. વધુ વિગતની રાહ જોવાઈ રહી છે.

એશિયન ગેમ્સઃ ભારતે મહિલાઓની શૂટિંગ, પુરુષોની રોઈંગ હરીફાઈઓમાં સિલ્વર જીત્યા

હાંગ્ઝો (ચીન): અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં આજે પહેલા જ ભારતે બે મેડલ જીત્યા છે. દેશની મહિલાઓએ 10 મીટર એર રાઈફલ ટીમ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો છે તો પુરુષોની રોઈંગ રમતમાં પણ ભારતને ટીમ હરીફાઈમાં એક રજત ચંદ્રક મળ્યો છે.

મહિલાઓની શૂટિંગ હરીફાઈમાં, રમિતા જિંદલ, મેહુલી ઘોષ અને આશી ચોક્સીએ 1,886ના સ્કોર સાથે બીજું સ્થાન પ્રાપ્ત કરીને રજત ચંદ્રક જીત્યો છે. આમ, મહિલા શૂટરોએ વર્તમાન એશિયાડમાં ભારતનું ખાતું ખોલાવ્યું છે. આ હરીફાઈનો સુવર્ણ ચંદ્રક યજમાન ચીને જીત્યો છે. તેની શૂટરોએ 1,896.6 સ્કોર સાથે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો છે. કાંસ્ય ચંદ્રક દક્ષિણ કોરિયાની શૂટરોએ જીત્યો છે.

મેહુલી અને રમિતા મહિલાઓની 10 મીટરની એર રાઈફલ વ્યક્તિગત હરીફાઈમાં પણ ભાગ લઈ રહી છે. રમિલા માત્ર 19 વર્ષની છે.

પુરુષોની રોઈંગમાં રજત કાંસ્ય

અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે પુરુષોની રોઈંગ રમતમાં લાઈટવેઈટ ડબલ સ્કલ્સ હરીફાઈમાં બીજું સ્થાન પ્રાપ્ત કરીને રજત ચંદ્રક જીત્યો છે. ભારતીય એથ્લીટ્સ 6:28.18 સેકન્ડના સમય સાથે બીજા ક્રમે રહ્યા હતા. પહેલા ક્રમે ચીનના પુરુષો આવ્યા હતા, જેમણે 6:23.16 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો. ઉઝબેકિસ્તાનની જોડીએ 6:33.42 સેકન્ડના સમય સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

આ જ રમતની પેર રોઈંગ હરીફાઈમાં યાદવ બાબુ લાલ અને રામ લેખીની જોડી ત્રીજા ક્રમે આવી હતી અને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

ખંભાતના આ ગણપતિ બિરાજમાન છે શિવ સ્વરૂપે

સમગ્ર દેશ જ્યાં ગણેશમય બન્યો છે ત્યારે વાત કરી ગુજરાત ના દરિયા કિનારે આવેલા ખંભાતના ગણેશ મહોત્સવની. અહીં પણ ગણેશોત્સવ ધામધૂમ થી ઉજવાઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર ના બધા જ શહેરોમાં ગણેશોત્સવ ઠેર ઠેર સાર્વજનિક રીતે ઉજવાય છે. એ જ રીતે ગુજરાતના તમામ નાના મોટા શહેરમાં વિઘ્નહર્તાની મૂર્તિઓ ડીજે , ઢોલ નગારા નૃત્યવૃંદ સાથે લાવી લોકો ઉત્સવની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે.

ખંભાતમાં પણ હવે ઘણાં સ્થળોએ સાર્વજનિક ગણેશોત્સવ થાય છે. શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા માવચાવાડમાં શંકર ભગવાનના સ્વરૂપે ગણેશજીની વિશાળ પ્રતિમાની સ્થાપના ભક્તોએ આ વર્ષે કરી છે.

ખંભાતના અકીકના વેપાર સાથે સંકળાયેલા અને માવચાવાડના ગણપતિ મહોત્સવના અયોજક મંડળના પરેશ ઠાકોર ચિત્રલેખા.કોમ ને કહે છે..’અમારી યુવાન પેઢી સત્તર વર્ષ કરતાંય વધારે સમયથી ગણેશોત્સવ ઉજવે છે. ગણેશોત્સવમાં અમે ભવ્ય આરતી , ભજનો અને ગરબાનું આયોજન કરીએ છીએ.

વધુમાં  કહે છે, આ વર્ષે ગણેશજીને ભોલાનાથ સ્વરૂપે તૈયાર કરી બિરાજમાન કર્યા છે. ગણેશની ચૌદ ફૂટ ઉંચી પ્રતિમાને વાજતે ગાજતે ગુલાલ ઉડાડી, ફટાકડા આતશબાજી કરી પધરામણી કરી હતી. અમારું શિવશક્તિ ગૃપ દશેય દિવસ ગણેશોત્સવ ધામધૂમ થી ઉજવશે.

પ્રજ્ઞેશ વ્યાસ

વાહ ભાઈ વાહ! – ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩

આ ગણેશ મંદિરમાં સ્થિત છે દાદાની બે મૂર્તિઓ

ગણેશોત્સવની ઉજવણી શહેરમાં ધામધૂમથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદના લાલ દરવાજામાં આવેલા ગણેશ મંદિરમાં આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં એક ઐતિહાસિક અને પૌરાણિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે.

આ દુંદાળા દેવને સિદ્ધિવિનાયક તરીકે જ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મુંબઈમાં સ્થિત દાદા જેવો જ રૂતબો આ ગણપતિ દાદાનો પણ છે.  સાબરમતી નદીના કિનારે આવેલે આ મંદિરમાં ભક્તો આસ્થા સાથે શિશ નમાવીને પોતાની માનતા પુરી કરે છે.

કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પેશ્વાઓના વખતે થયું હતુ. અને અહીં ગણપતિ દાદાની બે મૂર્તિઓ છે. એક મૂર્તિ જમણે સૂંઢવાળા ગણેશની છે તો બીજી આરસપહાણની સિંદુરી રંગની મૂર્તિ છે.

આ ગણેશ મંદિર અમદાવાદીઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બારેમાસ ભક્તોની ભીડ રહે છે. અંગારકી ચોથે વિશેષ ઉત્સવ યોજાય છે. ત્યારે ગણેશ ઉત્સવમાં પણ ભક્તો દૂર દૂરથી આવે છે. ભાવિકો દાદાના દર્શન કરવા લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહે છે.

૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩

૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩