Home Blog Page 2492

રાજ્ય સરકારે પાક નુકસાન મામલે રાહત પેકેજ જાહેર કર્યું

રાજ્યમાં પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. જેમાં ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં 33% કે તેથી વધુ પાક નુકસાનમાં સહાય મળશે. નર્મદાના પૂર મામલે સરકારે 4 દિવસમાં સહાય પેકેજ જાહેર કર્યું છે. પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો ત્યારે ખેડૂતો અરજી VCE કે VLE મારફ્તે કરી શકશે. 16થી 18 સપ્ટેમ્બર વચ્ચે મધ્ય ગુજરાતના ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને નર્મદા નદીના પુરને કારણે 33 ટકા કે તેથી વધુ પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. આ આપત્તિના માત્ર ચાર જ દિવસને અંતે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ખાસ કૃષિ રાહત પેકેજ- 2023’ જાહેર કર્યુ હતુ. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નાયબ સચિવ કાનન પંડયાની સહીથી પ્રસિધ્ધ ઉપરોક્ત ખાસ રાહત પકેજના ઠરાવમાં મુખ્યમંત્રીએ SDRF અને રાજ્યના બજેટમાંથી સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જે અંર્તગત ખરીફ્ 2023-24ના વાવેતર પૈકી બિન પિયત પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂપિયા 8,500ની સહાય ખેડૂતોને ચુકવાશે.

પિયત અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં હેક્ટરદિઠ 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય સરકાર વધારાની સહાય લેખે રૂ.8,000 ઉમેરીને કુલ રૂ.25,000 મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપશે. ઉપરાંત બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં SDRFમાંથી હેક્ટરદિઠ રૂ.22,500 ઉપરાંત રાજ્યના બજેટમાંથી રૂ.15 હજાર ઉમેરીને રૂ.37,500 સહાય હેઠળ બે હેક્ટરની મર્યાદામાં એટલે કે મહત્તમ રૂ.75 હજાર ચૂકવાશે. ઉપરોક્ત સહાય પેકેજનો લાભ મેળવવા અસરગ્રસ્ત ખેડૂતોને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા 31મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહશે. ખેડૂતો આવી અરજી VCE કે VLE મારફ્તે કરી શકશે અને તેના માટે કોઈ જ પ્રકારની ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહી.

દેવ આનંદની જન્મ શતાબ્દીની ઉજવણી…

વીતી ગયેલા વર્ષોની હિન્દી ફિલ્મોના સદાબહાર અભિનેતા સ્વ. દેવ આનંદનું આ જન્મ શતાબ્દીનું વર્ષ છે. દેવ આનંદની જન્મ શતાબ્દીની ઉજવણી માટે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા 23 સપ્ટેમ્બર, શનિવારે મુંબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું – ‘દેવ આનંદ@100 ફોર એવર યંગ’. કાર્યક્રમમાં પીઢ અભિનેત્રી વહીદા રેહમાન, દિવ્યા દત્તા, જેકી શ્રોફ જેવા કલાકારો તથા અન્યોએ હાજરી આપી હતી.

દેવ આનંદનું ખરું નામ હતું ધરમદેવ આનંદ હતું. એમનો જન્મ 26 સપ્ટેમ્બર, 1923માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શકરગઢમાં થયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા એ પહેલાં શકરગઢ ભારતના પંજાબ રાજ્યના ગુરદાસપુર જિલ્લાનું ગામ હતું, પરંતુ ભાગલા બાદ પાકિસ્તાનના કબજામાં ગયેલા પંજાબના નરોવાલ જિલ્લાનું ગામ બન્યું.

દેવ આનંદે તેમની છ દાયકા લાંબી કારકિર્દી દરમિયાન લગભગ 120 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એમની બધી ફિલ્મોના ગીત-સંગીત હિટ થયા છે.

દેવ આનંદનું નિધન 2001ની ત્રીજી ડિસેમ્બરે લંડનમાં થયું હતું.

ગુજરાતમાં 21 ઑક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

ગુજરાત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. આ અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. ૨૧મી ઑક્ટોબર અને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. ૬૩૬૪.૨૪ કરોડ મૂલ્યની ૯.૯૮ લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડ મૂલ્યના ૯૧,૩૪૩ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન છે.

ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭ પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮ પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. ૬૯૫૦/- પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. ૪૬૦૦ પ્રતિ કિવ. જાહેર કરવામાં આવ્યો છે.

એપલ ભારતમાં પાંચ વર્ષમાં ઉત્પાદન પાંચ ગણું વધારશે

મુંબઈઃ અમેરિકાની ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય અને આઈફોન ઉત્પાદક એપલ કંપની ભારતમાં આવતા ચાર-પાંચ વર્ષમાં તેના ઉત્પાદન પાંચ ગણું વધારીને તેનો આંક 40 અબજ ડોલર (આશરે 3.32 લાખ કરોડ રૂપિયા) સુધી વધારવા ધારે છે.

ભારતમાં એપલ કંપનીના ઉત્પાદનનો આંક ગયા નાણાકીય વર્ષમાં 7 અબજ ડોલરને પાર કરી ગયો હતો. હવે તે આવતા ચાર-પાંચ વર્ષમાં આ આંકડો 40 અબજ ડોલર પર પહોંચાડવા માગે છે. એપલ કંપની આવતા વર્ષથી ભારતમાં એરપોડ્સનું ઉત્પાદન પણ શરૂ કરવા ધારે છે. જોકે આઈપેડ કે લેપટોપ્સનું ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની તેની હાલમાં કોઈ યોજના નથી.

એપલ ભારતમાંથી મોબાઈલ ફોનની સૌથી મોટી નિકાસકાર બની છે. તેણે એના નવી આઈફોન-15 શ્રેણીના સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યા છે જેનું મુંબઈ અને દિલ્હીમાં ધૂમ વેચાણ થયું છે. તેણે આઈફોન-15ના ચાર મોડેલ લોન્ચ કર્યા છે. આમાંના બે વેરિઅન્ટ – આઈફોન 15 અને આઈફોન 15-પ્લસ ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે.

ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 400 રનનો ટાર્ગેટ આપ્યો

 

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. નવેમ્બર 2013માં બેંગલુરુ વનડેમાં પ્રથમ ટીમે 6 વિકેટે 283 રન બનાવ્યા હતા. ઈન્દોર વનડેમાં ભારતીય ટીમે 2 સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શુભમન ગિલે 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 52 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી.

શ્રેણી પર કબજો કરવાની સુવર્ણ તક

ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં 5 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમ પાસે બીજી વનડે મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાની સુવર્ણ તક છે. જસપ્રીત બુમરાહ આ મેચમાં ભાગ લઈ રહ્યો નથી. બુમરાહ પારિવારિક કારણોસર ઘરે પરત ફર્યો છે. બુમરાહની જગ્યાએ મુકેશ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

 

 

IND vs AUS: શુભમન ગિલે તોફાની સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડેમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. ગિલે 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની સદીમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પહેલા ગિલે મોહાલીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 63 બોલમાં 74 રન બનાવ્યા હતા. જો કે તે વખતે ગિલ સદી ચૂકી ગયો હતો. પરંતુ આજે તેણે તેની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી, જે ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ સદી હતી. ગિલે 35મી ODIની 35મી ઇનિંગમાં છઠ્ઠી સદી ફટકારી હતી. ગિલ અત્યાર સુધી વનડેમાં 1900 રનનો આંકડો પાર કરી ચૂક્યો છે. ગિલ ODIની 35 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. આ સદી સાથે ગિલે આ વર્ષે વનડેમાં 1200 રનનો આંકડો પણ સ્પર્શી લીધો છે. ઓસ્ટ્રેલિયા સામે ગિલની આ પ્રથમ સદી છે. આ પહેલા તેણે તાજેતરમાં રમાયેલા એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ગિલની છ ODI સદીઓમાં એક બેવડી સદીનો પણ સમાવેશ થાય છે.

 

ગિલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અત્યાર સુધી આવી રહી 

ગિલ એવો ખેલાડી છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધીમાં તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18 ટેસ્ટ, 35 વનડે અને 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 33 ઇનિંગ્સમાં તેણે 32.2ની એવરેજથી 966 રન બનાવ્યા છે, જેમાં તેણે 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. વનડેમાં તેણે 1900 રનનો આંકડો પાર કર્યો છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં ગિલે 11 ઈનિંગ્સમાં 30.4ની એવરેજ અને 146.86ના સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે. ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બેટ્સમેન છે.

IND vs AUS: વર્લ્ડ કપ પહેલા શ્રેયસ અય્યરે તોફાની સદી ફટકારી

શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોર વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. આ ખેલાડીએ 86 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. શ્રેયસ અય્યરની વનડે કરિયરની આ ત્રીજી સદી છે. આ સદી સાથે શ્રેયસ અય્યરે આગામી વર્લ્ડ કપ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. જોકે સદી ફટકાર્યા બાદ તરત જ શ્રેયસ અય્યર પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે 90 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ પહેલા મોહાલી વનડેમાં શ્રેયસ અય્યર વહેલો આઉટ થયો હતો. પરંતુ આ મેચમાં શાનદાર વાપસી કરી હતી.

શ્રેયસ અય્યર અને શુભમન ગિલની શાનદાર બેટિંગ

આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાને પહેલો ફટકો 16 રનના સ્કોર પર લાગ્યો હતો. ઓપનર રુતુરાજ ગાયકવાડ 12 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી શુભમન ગિલ અને શ્રેયસ અય્યર વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી હતી. બંને ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે સરળતાથી રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી થઈ હતી.

શ્રેયસ અય્યરે વર્લ્ડ કપ માટે દાવેદારી નોંધાવી

આ પહેલા કેએલ રાહુલે એશિયા કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે. આ સિવાય વિરાટ કોહલી અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં છે. આથી વર્લ્ડ કપ માટે મિડલ ઓર્ડર બેટ્સમેનો વચ્ચે રસપ્રદ જંગ છે, પરંતુ શ્રેયસ અય્યરે પોતાની સદી વડે પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે.

India@47: 2047 સુધીમાં મધ્યમ વર્ગની વસ્તી 1 અબજને વટાવી જશે

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત એક મોટી વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં, ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એવી ધારણા છે કે બ્રિટન અને ફ્રાન્સ પછી આગામી કેટલાક વર્ષોમાં ભારત જીડીપીના સંદર્ભમાં જર્મની અને જાપાનને પાછળ છોડી દેશે. આ રીતે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારતની આ વાર્તામાં મધ્યમ વર્ગનું મોટું યોગદાન છે.

આટલી વસ્તી મધ્યમ વર્ગની છે

એક રિપોર્ટ અનુસાર 2047માં જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે ભારતની કુલ વસ્તીમાં મધ્યમ વર્ગનો હિસ્સો 60 ટકાથી વધુ થઈ જશે. નાણાકીય વર્ષ 2005માં ભારતની કુલ વસ્તીમાં મધ્યમ વર્ગનો હિસ્સો માત્ર 14 ટકા હતો. દેશમાં મધ્યમ વર્ગ ઝડપથી ઉભરી રહ્યો છે અને આગામી વર્ષોમાં તેમાં વધારો થવાની ધારણા છે. હાલમાં ભારતમાં મધ્યમ વર્ગનો હિસ્સો ઘણો ઓછો છે. પ્રાઇસ આઇસ 360 સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2021માં ભારતની કુલ વસ્તીમાં મધ્યમ વર્ગનો હિસ્સો 30 ટકા હતો. જે આગામી 10 વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2031 સુધીમાં વધીને 47 ટકા અને નાણાકીય વર્ષ 47 સુધીમાં 61 ટકા થવાની ધારણા છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે ભારતમાં મધ્યમ વર્ગના લોકોની સંખ્યા 1 અબજને વટાવી જશે.

આ રીતે માથાદીઠ આવક વધશે

ભારતમાં જેમ જેમ મધ્યમ વર્ગના લોકોની સંખ્યા વધશે તેમ તેમ ભારતની માથાદીઠ આવકમાં પણ વધારો થશે. SBI રિસર્ચના અહેવાલ મુજબ, હાલમાં ભારતની માથાદીઠ આવક આશરે $2,500 છે, જે ભારતીય ચલણમાં લગભગ 2 લાખ રૂપિયા છે. આ આંકડો ગત નાણાકીય વર્ષનો છે. SBI રિસર્ચ અનુસાર, ભારતની માથાદીઠ આવક 2046-47 સુધીમાં વધીને $12,400 થશે. એટલે કે 2047 સુધીમાં ભારતની માથાદીઠ આવક 14.9 લાખ રૂપિયા થઈ જશે. દેશની માથાદીઠ આવક વધારવામાં સૌથી મોટો ફાળો આપનાર મધ્યમ વર્ગની સાથે નીચલા વર્ગમાં સમાવિષ્ટ લોકોની આવકમાં પણ વધારો થશે. જો આપણે મધ્યમ વર્ગ પર નજર કરીએ તો 2047 સુધીમાં તેની સાથે જોડાનાર 61 ટકા વસ્તીની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધીને 30 લાખ રૂપિયા થઈ જશે.

10 વર્ષમાં રિટર્ન ઘણું વધી ગયું છે

આવકવેરાના ડેટા દ્વારા પણ આ આંકડાઓની પુષ્ટિ થાય છે. આકારણી વર્ષ 2023-24માં આવકવેરાનો નવો રેકોર્ડ બન્યો છે. આ વખતે 7.09 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 10 વર્ષ પહેલા ITR ફાઇલ કરનારા લોકોની સંખ્યા લગભગ 1.50 કરોડ હતી. આનો અર્થ એ થયો કે છેલ્લા 10 વર્ષમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે.

કરપાત્ર આધાર ઝડપથી વધી રહ્યો છે

એસબીઆઈના સંશોધન મુજબ, નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, માત્ર 59.1 ટકા કર્મચારીઓ જ કરપાત્ર આધારમાં સામેલ હતા. નાણાકીય વર્ષ 2047 સુધીમાં તેમનો હિસ્સો વધીને 78 ટકા થઈ જશે અને 56.5 કરોડ લોકો કરપાત્ર આધાર હેઠળ આવશે. SBI રિસર્ચ અનુસાર, ભારતના લોકો સતત ઉચ્ચ કૌંસમાં શિફ્ટ થઈ રહ્યા છે અને સારી વાત એ છે કે આ પરિવર્તનની ગતિ પણ સતત વધી રહી છે.

19 ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી જાહેર; બધાયની સંપત્તિ જપ્ત કરાશે

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદીઓના ખાત્માને લીધે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડ્યા છે ત્યારે રાષ્ટ્રીય તપાસ યંત્રણા (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી – NIA) દ્વારા ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. NIA દ્વારા પંજાબના વિવિધ શહેર અને સ્થળે સક્રિય રહેલા અને ભારત સરકારે પ્રતિબંધિત ઘોષિત કરેલા સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નૂની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. NIA દ્વારા આ ઉપરાંત 19 ખાલિસ્તાની આતંકવાદીઓના નામોની એક યાદી બહાર પાડવામાં આવી છે.

આ તમામ આતંકવાદીઓ ફરાર છે અને એમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

એનઆઈએ સંસ્થાએ થોડાક દિવસો પહેલાં 43 ફરાર આરોપીઓની યાદી બહાર પાડી હતી. આ યાદીમાં એવા આતંકીઓ સામેલ છે જેમને ભારતે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર તરીકે ઘોષિત કર્યા છે અને આ ભારતવિરોધી તત્ત્વોએ બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાન તથા અન્ય દેશોમાં આશ્રય લીધો છે.

આ છે 19 ખાલિસ્તાની આતંકવાદીઓઃ

પરમજીત સિંહ પમ્મા (બ્રિટન)

વાધવા સિંહ બબ્બર (પાકિસ્તાન)

કુલવંત સિંહ મુથરા (બ્રિટન)

જે.એસ. ધાલીવાલ (અમેરિકા)

સુખપાલ સિંહ (બ્રિટન)

હરપ્રીતસિંહ ઉર્ફે રાણા સિંહ (અમેરિકા)

સરબજીત સિંહ બેન્નૂર (બ્રિટન)

કુલવંત સિંહ ઉર્ફે કાંતા (બ્રિટન)

હરજાપ સિંહ ઉર્ફે જપ્પી સિંહ (અમેરિકા)

રણજીત સિંહ નીટા (પાકિસ્તાન)

ગુરમીત સિંહ ઉર્ફે બગ્ગા બાબા (કેનેડા)

ગુરપ્રીત સિંહ ઉર્ફે બાગી (બ્રિટન)

જસ્મીત સિંહ હકીમજાદા (દુબઈ)

ગુરજંત સિંહ ધિલોન (ઓસ્ટ્રેલિયા)

લખબીર સિંહ રોડે (કેનેડા)

અમરદીપ સિંહ પૂરવાલ (અમેરિકા)

જતિન્દર સિંહ ગ્રેવાલ (કેનેડા)

દુપિન્દર જીત (બ્રિટન)

એસ. હિંમત સિંહ (અમેરિકા)

(આમાંના ગુરપતવંત સિંહ પન્નૂની અમૃતસરના ખાનકોટ ગામની જમીનનો પ્લોટ એનઆઈએ સંસ્થાએ પોતાના કબજામાં લીધો છે)

બુમરાહ આજે ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં કેમ નથી રમ્યો?

ઈન્દોરઃ અહીંના હોલકર સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ત્રણ મેચોની શ્રેણીની પહેલી મેચમાં ભારત પાંચ-વિકેટથી જીત્યું હતું. આજે બીજી મેચ માટે ટોસ ઉછાળાયો એની અમુક જ મિનિટો પહેલાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચમાં રમી શકવાનો નથી.

ટ્વીટના માધ્યમથી ક્રિકેટ બોર્ડે જોકે સ્પષ્ટતા કરી હતી કે બુમરાહને તેના પરિવારજનોને મળવાનું જરૂરી હોવાથી તેને ઈન્દોરની મેચમાંથી એની બાકાતીને મંજૂર રાખવામાં આવી છે. એની જગ્યાએ ઈલેવનમાં પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહ રાજકોટમાં 27 સપ્ટેમ્બરે રમાનાર શ્રેણીની ત્રીજી મેચ માટે ટીમ સાથે જોડાઈ જશે.

ઉલ્લેખનીય છે કે, બુમરાહ ઈજામાંથી સાજો થયા બાદ તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના આયરલેન્ડ પ્રવાસની શ્રેણીમાં રમ્યો હતો. એના પરફોર્મન્સ પર પસંદગીકારોની વિશેષ નજર છે, કારણ કે આગામી ODI વર્લ્ડ કપ માટે બુમરાહ તેની પૂરી રીધમમાં રહે તે ભારતીય ટીમની યોજનાઓ માટે બહુ આવશ્યક છે. એ પણ ઉલ્લેખનીય છે કે, બુમરાહ હાલમાં જ પિતા બન્યો છે. એની પત્ની સંજનાએ એમનાં પ્રથમ સંતાન રૂપે પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ તેમણે અંગદ રાખ્યું છે.