ગુજરાતમાં 21 ઑક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

ગુજરાત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. આ અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. ૨૧મી ઑક્ટોબર અને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. ૬૩૬૪.૨૪ કરોડ મૂલ્યની ૯.૯૮ લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડ મૂલ્યના ૯૧,૩૪૩ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન છે.

ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭ પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮ પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. ૬૯૫૦/- પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. ૪૬૦૦ પ્રતિ કિવ. જાહેર કરવામાં આવ્યો છે.