રાજ્ય સરકારે પાક નુકસાન મામલે રાહત પેકેજ જાહેર કર્યું

રાજ્યમાં પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. જેમાં ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં 33% કે તેથી વધુ પાક નુકસાનમાં સહાય મળશે. નર્મદાના પૂર મામલે સરકારે 4 દિવસમાં સહાય પેકેજ જાહેર કર્યું છે. પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો ત્યારે ખેડૂતો અરજી VCE કે VLE મારફ્તે કરી શકશે. 16થી 18 સપ્ટેમ્બર વચ્ચે મધ્ય ગુજરાતના ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને નર્મદા નદીના પુરને કારણે 33 ટકા કે તેથી વધુ પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. આ આપત્તિના માત્ર ચાર જ દિવસને અંતે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ખાસ કૃષિ રાહત પેકેજ- 2023’ જાહેર કર્યુ હતુ. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નાયબ સચિવ કાનન પંડયાની સહીથી પ્રસિધ્ધ ઉપરોક્ત ખાસ રાહત પકેજના ઠરાવમાં મુખ્યમંત્રીએ SDRF અને રાજ્યના બજેટમાંથી સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જે અંર્તગત ખરીફ્ 2023-24ના વાવેતર પૈકી બિન પિયત પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂપિયા 8,500ની સહાય ખેડૂતોને ચુકવાશે.

પિયત અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં હેક્ટરદિઠ 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય સરકાર વધારાની સહાય લેખે રૂ.8,000 ઉમેરીને કુલ રૂ.25,000 મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપશે. ઉપરાંત બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં SDRFમાંથી હેક્ટરદિઠ રૂ.22,500 ઉપરાંત રાજ્યના બજેટમાંથી રૂ.15 હજાર ઉમેરીને રૂ.37,500 સહાય હેઠળ બે હેક્ટરની મર્યાદામાં એટલે કે મહત્તમ રૂ.75 હજાર ચૂકવાશે. ઉપરોક્ત સહાય પેકેજનો લાભ મેળવવા અસરગ્રસ્ત ખેડૂતોને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા 31મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહશે. ખેડૂતો આવી અરજી VCE કે VLE મારફ્તે કરી શકશે અને તેના માટે કોઈ જ પ્રકારની ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહી.