મુંબઈ એરપોર્ટ પર ‘આ દિવસે’ 250 ફ્લાઈટ્સ રદ થશે

મુંબઈઃ દેશમાં સૌથી મોટું અને સૌથી વધારે વ્યસ્ત એરપોર્ટ ગણાય છે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટ પર આગામી એક દિવસે આશરે 250 ફ્લાઈટ્સ રદ થવાની છે તેમજ કેટલીક ફ્લાઈટ્સનો રૂટ બદલાવવાનો છે. મુંબઈ એરપોર્ટના રનવેના પુનઃ બાંધકામને કારણે આટલી બધી ફ્લાઈટ્સને રદ કરવામાં આવશે. રનવે દુરસ્તી કામ આવતી 17 ઓક્ટોબરે હાથ ધરવામાં આવનાર છે.

(તસવીર સૌજન્યઃ @CSMIA_Official)

મુંબઈ એરપોર્ટ પર દરરોજ આશરે 900 ફ્લાઈટ્સની આવ-જા રહે છે. તેથી આને દેશનું સૌથી મહત્ત્વનું એરપોર્ટ ગણવામાં આવે છે. ગયા મે મહિનામાં રનવેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે તે કામને આગળ વધારી સંપૂર્ણ કરવામાં આવનાર છે.

મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં ખૂબ વરસાદ પડતો હોય છે. તેથી ચોમાસું પૂરું થાય એ પછી એરપોર્ટના રનવેનું સમારકામ હાથ ધરવામાં આવતું હોય છે. ગયા વર્ષે પણ 18 ઓક્ટોબરે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ વખતે 17 ઓક્ટોબરે સમારકામ હાથ ધરવાનું હોવાથી સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી રનવે બંધ રખાશે અને વિમાનસેવા સ્થગિત કરાશે. તેથી 17 અને 18 ઓક્ટોબરે મુંબઈથી પ્રવાસ કરવાના હોય એ વિમાનપ્રવાસીઓએ એમની ફ્લાઈટના સમયની અગાઉથી તપાસ કરી લેવી.