ખંભાતના આ ગણપતિ બિરાજમાન છે શિવ સ્વરૂપે

સમગ્ર દેશ જ્યાં ગણેશમય બન્યો છે ત્યારે વાત કરી ગુજરાત ના દરિયા કિનારે આવેલા ખંભાતના ગણેશ મહોત્સવની. અહીં પણ ગણેશોત્સવ ધામધૂમ થી ઉજવાઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર ના બધા જ શહેરોમાં ગણેશોત્સવ ઠેર ઠેર સાર્વજનિક રીતે ઉજવાય છે. એ જ રીતે ગુજરાતના તમામ નાના મોટા શહેરમાં વિઘ્નહર્તાની મૂર્તિઓ ડીજે , ઢોલ નગારા નૃત્યવૃંદ સાથે લાવી લોકો ઉત્સવની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે.

ખંભાતમાં પણ હવે ઘણાં સ્થળોએ સાર્વજનિક ગણેશોત્સવ થાય છે. શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા માવચાવાડમાં શંકર ભગવાનના સ્વરૂપે ગણેશજીની વિશાળ પ્રતિમાની સ્થાપના ભક્તોએ આ વર્ષે કરી છે.

ખંભાતના અકીકના વેપાર સાથે સંકળાયેલા અને માવચાવાડના ગણપતિ મહોત્સવના અયોજક મંડળના પરેશ ઠાકોર ચિત્રલેખા.કોમ ને કહે છે..’અમારી યુવાન પેઢી સત્તર વર્ષ કરતાંય વધારે સમયથી ગણેશોત્સવ ઉજવે છે. ગણેશોત્સવમાં અમે ભવ્ય આરતી , ભજનો અને ગરબાનું આયોજન કરીએ છીએ.

વધુમાં  કહે છે, આ વર્ષે ગણેશજીને ભોલાનાથ સ્વરૂપે તૈયાર કરી બિરાજમાન કર્યા છે. ગણેશની ચૌદ ફૂટ ઉંચી પ્રતિમાને વાજતે ગાજતે ગુલાલ ઉડાડી, ફટાકડા આતશબાજી કરી પધરામણી કરી હતી. અમારું શિવશક્તિ ગૃપ દશેય દિવસ ગણેશોત્સવ ધામધૂમ થી ઉજવશે.

પ્રજ્ઞેશ વ્યાસ