Home Blog Page 2464

આ છે ચાલો સાથે ગાઈએ.. જાહેર કાર્યક્રમ’ ઝરૂખો’

માના હાલરડાંથી લઈને બાળગીતો તથા લગ્નગીતોથી મરસિયા સુધીનાં જીવનનાં અનેક રંગો સાથે જોડાયેલાં ગીતો આપણાં લોહીમાં વહે છે. લોકગીતો , કાવ્યસંગીત તથા સુગમ સંગીતે પણ દાયકાઓથી આપણને સભર રાખ્યાં છે.
કેટલાંક ગીતો એવાં પણ હશે જે દાયકાઓ અગાઉ ગાયાં હશે અને આપણે ગળે ડૂમો બની બાઝી ગયાં હશે .

ચાલો સાથે ગાઈએ ..એવો એક જાહેર કાર્યક્રમ’ ઝરૂખો’ તથા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે . અહીં રજૂ થનારાં ગીતોની સાથે શ્રોતાઓ પણ ગાઈ શકશે અને એમનાં કંઠને અને હૈયાંને નવપલ્લવિત કરી શકશે.

૭ ઑક્ટોબર શનિવાર સાંજે ૭.૩૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતાં ગાયિકા અમી શાહ તથા કાંદીવલી એજ્યુકેશન સોસાયટીની વિદ્યાર્થિની ધાની ચારણ વિવિધ ગીતો ગાશે અને સાથે શ્રોતાઓને પણ ગવડાવશે. સાથે તબલાં પર હેમાંગ વ્યાસ અને કી બોર્ડ પર મનીષા મણિયાર સંગત કરશે.

આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંચાલન સંજય પંડ્યાના છે અને આ સંગીતમઢી સાંજ સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાઈ છે. ‘જન્મભૂમિ ‘ અખબાર આ કાર્યક્રમનું મિડિયા પાર્ટનર છે.

ધોનીએ કરાવી નવી હેરસ્ટાઈલ; બોલીવુડ હસ્તીઓનું ખેંચ્યું ધ્યાન

મુંબઈઃ મહેન્દ્રસિંહ ધોની દુનિયાભરમાં લોકપ્રિય થયેલા ભારતીય ક્રિકેટરોમાંનો એક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એના અઢળક ફોલોઅર્સ છે. કેપ્ટન કૂલ તરીકે જાણીતો થયેલો ધોની હાલ એની નવી હેરસ્ટાઈલને કારણે ચમક્યો છે. મુંબઈના જાણીતા સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે એની આ નવી હેરસ્ટાઈલ બનાવી છે. તેની તસવીરો હકીમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી એ સાથે જ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે.

(તસવીર સૌજન્યઃ આલિમ હકીમ ઈન્સ્ટાગ્રામ)

ધોનીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્રવેશ કર્યો હતો ત્યારે માથાના લાંબા વાળ રાખતો હતો. તેની એ હેરસ્ટાઈલના પાકિસ્તાનના તે વખતના લશ્કરી વડા-પ્રમુખ પરવેઝ મુશર્રફે પણ વખાણ કર્યા હતા. ધોનીએ બાદમાં  2007માં પહેલી વાર તેની હેરસ્ટાઈલ બદલી હતી. હવે આલિમ હકીમે એને જે નવી હેરસ્ટાઈલ કરી આપી છે તે ઈન્ટરેસ્ટિંગ છે.

ધોનીની આ હેરસ્ટાઈલનાં ભરપૂર વખાણ થઈ રહ્યા છે. બોલીવુડના અનેક સિતારાઓને તે ગમી છે અને એમણે ધોનીને બિરદાવ્યો છે. આમાં અનિલ કપૂર, અરમાન મલિક, અપારશક્તિ ખુરાનાનો સમાવેશ થાય છે.

સરકારી કર્મચારીઓને લઈને સરકારે કર્યો મોટો નિર્ણય

સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોટા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરી માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે યોગ્ય કામગીરી નહિ જણાય તો 50-55 વર્ષની ઉમરે કર્મચારીઓને નિવૃત કરી શકાશે. મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકારે રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. 50થી 55 વર્ષમાં નિષ્ક્રિય કર્મચારીઓને ફરજિયાત રીતે સેવામાંથી નિવૃત્તિ આપવામાં આવશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે ગત તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ એક નવી માર્ગદર્શિકાથી જાહેર કકરવામાં આવી હતી, ત્યારબાદ રાજ્યમાં સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સિવિલ સર્વિસિસ રૂલ્સમાં આ નવા માપદંડો અને પ્રક્રિયા ઉમેરાઈ છે, જો સરકારી કર્મચારીમાં યોગ્ય કામગીરી નહિ જણાય તો કર્મચારીઓને ફરજિયાતપણે નિવૃત્ત કરી શકાશે. કર્મચારીની સેવાઓની સમિક્ષાના આધારે સરકારને નિર્ણય લેવાની સત્તા છે. સમિક્ષા સમયે કર્મચારીની નોકરીનો તમામ રેકોર્ડ ધ્યાનમાં લેવામાં આવશે. પ્રમાણિત અને બિનઅસરકારક કર્મચારીને કમિટી ફરજિયાત નિવૃત્ત કરી શકશે. આ માર્ગદર્શિકા અંતર્ગત શારીરિક અને માનસિક અસ્વસ્થ કર્મચારીઓને પણ સેવા નિવૃત્ત કરી શકાશે. ફરજિયાત નિવૃત્તિનો કેસ સામાન્ય વહીવટ વિભાગ અથવા મુખ્ય સચિવ સબમિટ કરી શકશે.


સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. જેમાં કર્મચારીઓને નિવૃત્ત કરવાની સત્તા હવે સરકારને આપવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સૂચના જાહેર કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

રિક્ષાઓની હડતાળનું સૂરસૂરિયું

અમદાવાદઃ શહેરના માર્ગો પર ટૂ વ્હીલર સેવાઓ એપ દ્વારા વધતી જાય છે. જેને કારણે ઓટો રિક્ષાચાલકોનું એક યુનિયન તેમના ધંધાને નુકસાન થઈ રહ્યું છે એમ માને છે. ઓનલાઇન એપથી ચાલતા ટૂ વ્હીલર પર મુસાફરીના ધંધો બંધ કરવો જોઈએ. એના માટે અમદાવાદ શહેરના રિક્ષાચાલકોના એકતા યુનિયન દ્વારા મંગળવાર ત્રીજી ઓક્ટોબરથી ત્રણ સુધી હડતાળનું એલાન કરવામાં આવ્યું  હતું. પરંતુ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો પર રિક્ષાઓ મુસાફરોની સવારી સાથે પૂરપાટ દોડી રહી છે.

પશ્ચિમ વિસ્તારના ચાંદખેડા સ્થિત એક રિક્ષા યુનિયનના આગેવાન રાજવીરભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ હડતાળમાં ઘણાં યુનિયન જોડાયાં નથી, કારણ હડતાલ એ માર્ગ નથી. રિક્ષાઓની હડતાળને કારણે ઘણા મુસાફરો રઝળી પડે સાથે અસંખ્ય પરિવારોના ચુલા રિક્ષાની કમાણી પર નભે છે. જેથી રિક્ષાની હડતાળ કે આંદોલન સિવાયના સરકારને જાણકારી આપવાના ઉપાયો વિચારી શકાય.  સરકાર સાદી નંબર પ્લેટો સાથે મુસાફરીનો ધંધો કરતા વાહનોને અટકાવવા પગલાં ભરે, જેથી રિક્ષાચાલકોને રોજીરોટી મળી રહે.હાલ અમદાવાદ શહેરના માર્ગો પર રિક્ષાઓ પુરપાટ દોડી રહી છે. એટલે રિક્ષાઓ ની હડતાળનું આયોજન નિષ્ફળ ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના તેજ આંચકા

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. બપોરે 2.50 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેપાળમાં આવેલા ભૂકંપને કારણે દિલ્હી NCRમાં આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા 6.2ની હતી. નેપાળમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. બીજો આંચકો 4.6ની તીવ્રતાનો હતો.

આ ભૂકંપ આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરોમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થાનો પર ગયા હતા. અહેવાલો મુજબ આ ભૂકંપના આંચકા ઉત્તર ભારતમાં પણ અનુભવાયા હતા. ઉત્તરાખંડની સાથે ઉત્તર પ્રદેશમાં પણ લોકો સુરક્ષિત સ્થળોએ દોડ્યા હતા. દિલ્હીમાં ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે.

નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર આ  ભૂકંપ મંગળવારે બપોરે 2:25 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 10 કિમી ઊંડી હતી.

આ પહેલાં પૂર્વોત્તરનાં ચાર રાજ્યોમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને ઉત્તર પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. જોકે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જાન-માલના કોઈ નુકસાનના સમાચાર નથી.

ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

મેઘાલયમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર અંદાજે 5.2 હતી. ભૂકંપના સૌથી વધુ આંચકા ઉત્તર પશ્ચિમ બંગાળ એટલે કે સિલિગુડી, દાર્જિલિંગ અને કૂચ બિહારમાં અનુભવાયા હતા. ત્રિપુરા અને આસામના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

 

 

 

 

 

ગૂગલ બનાવશે ‘મેડ ઈન ઈન્ડિયા’ લેપટોપ્સ; HP સાથે કરી ભાગીદારી

મુંબઈઃ ટેક્નોલોજી ક્ષેત્રની જગવિખ્યાત દિગ્ગજ કંપની ગૂગલ ભારતમાં લેપટોપ્સ બનાવવાની છે. આ માટે તેણે કમ્પ્યુટર અને લેપટોપ બનાવતી કંપની HP સાથે ભાગીદારી કરી છે. બંને કંપની ભારતમાં ક્રોમબુક લેપટોપ બનાવશે. આ લેપટોપ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. પર્સનલ કમ્પ્યુટર ઉત્પાદક HP કંપનીએ કહ્યું છે કે ચેન્નાઈ નજીક ફ્લેક્સ એકમ ખાતે ક્રોમબુકનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગૂગલ અને HP વચ્ચેની ભાગીદારીથી ગૂગલને ભારતમાં તેના ઉત્પાદનોની સપ્લાઈ વધારવામાં બળ મળશે. સાથોસાથ, ડેલ, આસુસ, એસર જેવી લેપટોપ ઉત્પાદક કંપનીઓ સાથેની હરીફાઈમાં પણ એને જોર મળી રહશે.

ભારતમાં આ પહેલી જ વાર ક્રોમબુક લેપટોપ્સ બનશે

ગૂગલની મધર કંપની અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે ભારતમાં બનનારા આ પ્રથમ ક્રોમબુક છે અને આનાથી ભારતના વિદ્યાર્થીઓ માટે સસ્તા અને સુરક્ષિત કમ્પ્યુટિંગ સુધી પહોંચવાનું ગૂગલ માટે આસાન બની રહેશે. ક્રોમબુક શિક્ષણ ક્ષેત્રમાં અગ્રગણ્ય ઉપકરણ છે. દુનિયાભરમાં પાંચ કરોડથી વધારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરે છે.

કેટલી હશે ક્રોમબુકની કિંમત?

પ્રોપરાઈટરી ઓપરેટિંગ સિસ્ટમવાળા નોટબુકની સરખામણીમાં ક્રોમબુક સસ્તા છે. ગૂગલ-HPના નવા ક્રોમબુક રૂ. 15,990ની કિંમતમાં મળે છે. આ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. ક્રોમબુકનું સ્થાનિક ઉત્પાદન HPના મેડ ઈન ઈન્ડિયા PC પોર્ટફોલિયોના વિસ્તાર તરીકે છે. HP કંપની 2020થી ભારતમાં પર્સનલ કમ્પ્યુટર બનાવે છે. તે HP EliteBooks, HP ProBooks અને HP G8 શ્રેણીના નોટબુક અને લેપટોપ બનાવે છે. ભારતમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હાર્ડવેર ક્ષેત્રમાં ભારત સરકારે શરૂ કરેલી રૂ. 17,000 કરોડની ઉત્પાદન-સંલગ્ન પ્રોત્સાહન યોજના અંતર્ગત એચપી કંપની પણ એક અરજદાર છે.

પાકિસ્તાનમાં મોંઘવારી દર 31 ટકા, ગેસ સિલિન્ડરના રૂ. 3000

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. આર્થિક સંકટે દેશમાં સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. સપ્ટેમ્બરમાં IMFના દબાણમાં કાર્યવાહક સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મોટો વધારો કર્યો હતો. હવે સરકારે પહેલી સપ્ટેમ્બરથી LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 246.16નો વધારો કર્યો છે, જે પછી LPG સિલિન્ડર રૂ. 3079.64એ પહોંચ્યું છે.

પાકિસ્તાનમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી છે. પાકિસ્તાનમાં મોંઘવારીનો દર સપ્ટેમ્બરમાં વધીને 31.4 ટકા થયો છે, જે ઓગસ્ટમાં 27.4 ટકાએ હતો. પાકિસ્તાન નાદાર થવાની સ્થિતિમાં હતું, પણ IMFએ જુલાઈમાં ત્રણ અબજ ડોલરનું પેકેજ આપ્યું હતું. જોકે IMFએ પાકિસ્તાન પર કેટલીય આકરી શરતો લાદી હતી. આવનારા કેટલાક મહિનાઓ સુધી મોંઘવારી દર 29-31 ટકાની આસપાસ રહેવાની ધારણા છે, એમ રિપોર્ટ કહે છે.

પાકિસ્તાનની કાર્યવાહક સરકારે જુલાઈથી શરૂ થયેલા IMF બેલઆઉટ પેકેજને મેળવવા માટે સપ્ટેમ્બરમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની કિંમતોમં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. જે પછી દેશમાં ટ્રાન્સપોર્ટેશનની કિંમતમાં વાર્ષિક ધોરણે 31.26 ટકા વધારો થયો છે. આ સાથે ખાદ્ય મોંઘવારી દર વાર્ષિક ધોરણે 33.11 ટકા અને ઘર, પાણી અને વીજળીના દરમાં 29.70 ટકા સુધીનો વધારો થયો છે.

પાકિસ્તાનમાં મોંઘવારીથી લોકોની હાલત ખરાબ છે. ખાસ કરીને બલૂચિસ્તાન રાજ્યમાં ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સહિત વિવિધ જિલ્લાઓમાં ખાંડ રૂ. 130 (પાકિસ્તાની રૂપિયા)થી લઈને રૂ. 200 પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે.

 

 

 

 

અમેરિકાના 30 યુવાનોએ સંસાર છોડી લીધો સંન્યાસ

BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીની પાવન ભૂમિમાં તારીખ 2 ઓક્ટોબર, 2023 ના રોજ, એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દિક્ષાદિન યોજાયો.

આ સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ભારતમાં જન્મેલા અને ઉછરેલા 30 સુશિક્ષિત યુવાનોએ એક નવા જીવનની શરૂઆત કરી – નિઃસ્વાર્થ સેવાની પરિવર્તન યાત્રાની. દીક્ષા દિન તેમના જીવનમાં એક અસાધારણ પ્રકરણ ચિહ્નિત કરે છે, જે અતૂટ શ્રદ્ધા, એકતા અને ભક્તિ દ્વારા માર્ગદર્શિત માર્ગ માટે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

દીક્ષા દિન માત્ર એ એક પ્રસંગ નથી પરંતુ તે આ 30 યુવાન પુણ્યા આત્માઓની અદમ્ય ભાવનાનો પુરાવો છે જેઓ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને કંપનીઓમાં અભ્યાસ અને વ્યવસાયોના વિવિધ ક્ષેત્રોને અનુસર્યા છે. આ નવયુવાનોમાં થી ઘણા એવા યુવાનો છે કે જેઓ તેમના માતાપિતાના એકમાત્ર સંતાન છે, જે દર્શાવે છે કે તેમના માતા પિતાએ સમાજ કલ્યાણ અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પોતાના વ્હાલસોયા પુત્રોને રાજીખુશી સાથે દિક્ષા લેવાની પરવાનગી આપી છે જેથી તે યુવાનો પોતાની આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે અનેક લોકોના જીવન પરિવર્તન કરવામાં અતુલ્ય યોગદાન આપી શકે.

આ સાધુ સમાજ એ નિઃસ્વાર્થ સેવા માટે સમર્પિત છે તેમજ માનવતાના ઉત્થાન માટે જરૂરી એવા નમ્રતા, કરુણા અને અતૂટ સમર્પણના મૂલ્યોનું ઉદાહરણ આપે છે. તે ઊંડી માન્યતાને  દર્શાવે છે કે વ્યક્તિગત બલિદાન દ્વારા, નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે – એવી સિદ્ધિઓ જે સમાજ પર કાયમી હકારાત્મક અસર કરે છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં યોજાયેલા સમારોહમાં તમામ યુવાનોને વૈદિક દીક્ષા મંત્રો આપવામાં આવ્યા હતા.

દીક્ષા દિનનો સાર હિંદુ ધર્મના ઊંડા મૂલ્યોમાં રહેલો છે જેને આ યુવાનોએ જાળવી રાખવાનું પસંદ કર્યું છે. તે હેતુપૂર્ણ જીવન જીવવા માટેની તેમની પ્રચંડ પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં અન્યોની સેવાને અગ્રતા આપવામાં આવે છે અને સમુદાયની સુખાકારી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા બની જાય છે.

નવદિક્ષિત યુવાનોને  મહંત સ્વામી મહારાજે અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપ્યા કે “તમારા મનમાં ભગવાન અને સમાજની સેવા કરવાનું પૂર્વનિર્ધારિત હતું, નહીં તો આજે તમે અહીં બેઠા ન હોત. અહીંથી ઘણું કામ કરવાનું બાકી છે. તમારી સેવા દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાના આ આધ્યાત્મિક માર્ગ પર તમે સફળ થાઓ એવા આશીર્વાદ છે.આ સુશિક્ષિત નવયુવાનો અક્ષરધામના ઉપદેશોને તેમની નવી આધ્યાત્મિક સફરમાં ચરિતાર્થ કરવાની પ્રેરણા સાથે લઈ જાય છે, તેઓ આ પવિત્ર સ્થાનમાં રહેલા નિઃસ્વાર્થ પ્રેમ અને એકતાના સાર્વત્રિક સંદેશાઓના તેજસ્વી ઉદાહરણ તરીકે સેવાકાર્ય બજાવશે.”

તે જ દિવસે સાંજે, અક્ષરધામ મહામંદિરમાં  આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી માટે “જીવનમૂલ્યો તેમજ અહિંસા” નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. સમગ્ર ઉત્તર અમેરિકામાંથી ભક્તો અને શુભેચ્છકો સત્ય, અહિંસા અને સમાનતા સહિતના હિંદુ ધર્મના મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા.

આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મહાત્મા ગાંધીના જીવન અને કાર્યનું સન્માન કરે છે, જેમણે ભારતની આઝાદી માટેના સફળ પ્રયાસોમાં અહિંસક પ્રતિકારનો સફળ ઉપયોગ કર્યો હતો. અહિંસા અને શાંતિના આ સમાન મૂલ્યો હિંદુ શાસ્ત્રોમાં અંકિત છે.

BAPS સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય સ્વયંપ્રકાશદાસ સ્વામીએ (ડૉક્ટર સ્વામી) તેમના વ્યકતવ્યમાં કહ્યું કે, “આજના મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે, ચાલો આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ: સફળતા ફક્ત શબ્દોથી નહીં, પરંતુ આપણા કાર્યો અને ચારિત્ર્યની શુદ્ધતા દ્વારા પ્રાપ્ત થાય છે. “

આજના બંને કાર્યક્રમો ઉદાહરણરૂપ છે કે કેવી રીતે અક્ષરધામ આધ્યાત્મિક ભક્તિ, સાંસ્કૃતિક વારસા અને એકતાના દીવાદાંડી તરીકે સેવા આપે છે, ભારતની જીવંત પરંપરાઓ અને વારસાને સાચવી અને વિશ્વના ખૂણે ખૂણે સુધી તેની સુવાસ ફેલાવે છે.

દિલ્હીમાં ‘ન્યૂઝક્લિક’ પોર્ટલની ઓફિસ, પત્રકારોના ઘરો પર દરોડા

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ ઓનલાઈન પોર્ટલ ન્યૂઝક્લિકના અત્રેના કાર્યાલય અને તેના પત્રકારોના ઘર પર આજે સવારે દરોડા પાડ્યા હતા. આને કારણે પત્રકારજગતમાં રોષ ફેલાયો છે. સ્પેશિયલ સેલે નવો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. અમેરિકાના અબજોપતિ નેવિલ રોય સિંઘમ સાથે પોર્ટલના કથિત સંપર્કોને લીધે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. નેવિલ રોય સિંઘમ ભારતમાં ચીનના પ્રચાર માટે કરોડો રૂપિયા ખર્ચતા હોવાનું અને ગેરકાયદેસર રીતે ભંડોળ એકઠું કરતા હોવાનું મનાય છે. તેઓ ‘થોટવર્ક્સ’ નામની આઈટી કન્સલ્ટિંગ કંપનીના સ્થાપક છે. આ કંપની કસ્ટમ સોફ્ટવેર, સોફ્ટવેર ટૂલ્સ, કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે.

અગાઉ આ જ પોર્ટલની ઓફિસ પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ પણ દરોડા પાડ્યા હતા. તેનું કારણ પોર્ટલ આર્થિક ભંડોળ ક્યાંથી મેળવે છે તેની તપાસ કરવા માટે એ દરોડા પાડવામાં આવ્યા હતા જ્યારે આજના દરોડા ઈડી એજન્સીએ આપેલી માહિતીના આધારે દિલ્હી પોલીસે પાડ્યા છે. પોલીસે પોર્ટલના રેચવાર પક્પરાપોના લેપટોપ્સ અને મોબાઈલ ફોન્સમાંથી કેટલીક માહિતી મેળવી છે. અમુક પત્રકારોને ત્યારબાદ સ્પેશિયલ સેલની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોર્ટલના અભિષાર શર્મા નામના વરિષ્ઠ પત્રકારે X પર લખ્યું છેઃ ‘દિલ્હી પોલીસે મારા ઘર પર દરોડો પાડ્યો છે. મારું લેપટોપ અને ફોન લઈ ગયા છે.’ ભાષા સિંહ નામનાં એક અન્ય પત્રકારે પોતાનાં X પર લખ્યું છે, ‘આખરે આ ફોન પરથી છેલ્લું ટ્વીટ કર્યું છે. દિલ્હી પોલીસે મારો ફોન જપ્ત કરી લીધો છે.’

સુરતના બોમ્બે માર્કેટમાં લાગી ભીષણ આગઃ કોઈ જાનહાનિ નહીં

સુરતઃ વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આ આગની માહિતી મળતાં ફાયર સ્ટેશનની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને લઈ કાપડ માર્કેટમાં અફરાતફરી જોવા મળી રહી છે. આ માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો છે આ આગને પગલે માર્કેટ ખાલી કરાવવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં કોઈના જાનહાનિના સમાચાર નથી.

સુરત નગર નિગમના મુખ્ય ફાયરબ્રિગ્રેડના અધિકારી કૃષ્ણા મોડે જણાવ્યું હતું કે સુરતના બોમ્બે માર્કેટમાં એક શોરૂમમાં આગ લાગી હતી. સ્થિતિ નિયંત્રણમાં છે. આગ લાગવાનું કારણ હજી માલૂમ નથી પડ્યું.

આ આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ગ્રાઉન્ડ ફ્લોરથી આગની શરૂઆત થઈ હતી અને અચાનક જ પ્રસરી હતી. આથી તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચતાં ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ આવી જતા સ્થાનિક વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

વેપારી મહેન્દ્ર ઝવેરીએ જણાવ્યું હતું કે આ જૂની બોમ્બે માર્કેટમાં મોટી સંખ્યામાં સાડીઓની દુકાનો આવેલી છે. સદનસીબે મોટી દુઘટર્ના બનતાં ટળી ગઈ છે. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ફાયરબ્રિગ્રેડને મદદ કરી હતી જેને પગલે આગ વધુ પ્રસરતાં અટકી હતી.