Home Blog Page 2444

CWCની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરી કરાવશે

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની સોમવારે બેઠક થઈ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સહિત પાર્ટીના ઘણા નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે અમે CWCની બેઠકમાં જાતિ ગણતરી પર સર્વસંમતિથી સંમત થયા હતા. તેમણે કહ્યું કે અમે રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ સહિત અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરીમાં આગળ વધીશું. આ અંગે અમે ભાજપ પર દબાણ પણ બનાવીશું. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન ‘ભારત’માં સામેલ મોટાભાગના પક્ષો જાતિ ગણતરીના આધારે છે. વાસ્તવમાં, બિહારમાં જાતિ સર્વેક્ષણ પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધી કહેતા રહ્યા છે કે જેમ શેર છે, તેવો જ અધિકાર છે.


પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો

રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા ચારમાંથી ત્રણ મુખ્યમંત્રીઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી આવે છે. તે જ સમયે, ભાજપના દસમાંથી માત્ર એક સીએમ ઓબીસી સમુદાયના છે. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી માટે કામ કરતા નથી પરંતુ ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે જ્ઞાતિની વસ્તી ગણતરી થશે.

રાજ્યમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ યોજાશે

ભાવનગર: લોકસભાની ચૂંટણી અગાઉ આવતા વર્ષે 10થી 12 જાન્યુઆરી સુધીના ત્રણ દિવસ માટે ગાંધીનગર મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જેને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર દિવસ-રાત એક કરી રહ્યું છે.

ભાવનગર શહેરમાં આગામી બે દિવસ વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.ભાવનગર શહેરમાં  ૧૩-૧૪ ઓક્ટોબરે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ યોજાશે. ૧૩ ઓક્ટોબર સવારે ૧૦ વાગ્યે ટાઉન હોલ, મોતીબાગમાં ભાવનગરના પ્રભારી મંત્રી પ્રારંભ કરાવશે.

રાજ્યમાં ગ્લોબલ સમિટ અન્વયે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભાવનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશન બંને દિવસ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી શરૂ રહેશે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી.વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અંતર્ગત કાયદો અને વ્યવસ્થા, સ્ટેજ-સ્ટોલ અંગેની વ્યવસ્થા, પ્રચાર પ્રસારની કામગીરી, સહિત યોજાનાર સેમિનાર અને એક્ઝિબિશન અંગે કલેકટર દ્વારા સંબધિત વિભાગોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દ્વારા યોજાનાર કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના અમલીકરણ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

 

 

ગિલ હજી માંદો છે; અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ નહીં રમે

નવી દિલ્હીઃ ભારતનો ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂની બીમારીમાંથી હજી સંપૂર્ણપણે સાજો થઈ શક્યો નથી એટલે 11 ઓક્ટોબરના બુધવારે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે રમાનાર વર્લ્ડ કપ મેચમાં નહીં રમે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ જાણકારી આપી છે.

24 વર્ષીય ગિલ ગઈ કાલે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ રમી શક્યો નહોતો. ચેન્નાઈમાંની મેચ ભારત 6-વિકેટથી જીત્યું હતું. આ મેચમાં ગિલની જગ્યાએ ઈશાન કિશન રમ્યો હતો, પણ એ ઝીરો પર આઉટ થઈ ગયો હતો. અફઘાનિસ્તાન સામેની મેચમાં ઈશાનને ફરી રમાડવામાં આવે અને એ જ કેપ્ટન રોહિત શર્મા સાથે દાવનો આરંભ કરે એવી ધારણા છે.

PM ટ્રુડોએ UAE આગળ ભારતનો રાગ આલાપ્યો

ઓટાવાઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતના મિત્ર સંયુક્ત આરબ અમિરાત (UAE) સાથે ભારતની ફરિયાદ કરી છે. તેમણે ટ્વીટર પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિનજાયદની સાથે ટેલિફોનિક વાતચીતમાં ભારતમાં કાયદાનું શાસન જાળવી રાખવા અને સન્માનના મહત્ત્વ પર ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું હતું કે આજે ફોનમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદની સાથે ઇઝરાયલની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને નાગરિકોના જીવનની સુરક્ષા પર વિચારવિમર્શ કર્યો હતો.આ પહેલાં યુકેના PM ઋષિ સુનકે કેનેડિયન વડા પ્રધાન ટ્રુડો સાથે ભારત-કેનેડા વિવાદને ઓછો કરવા કરવા માટે અરજ કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટના એક નિવેદન અનુસાર સુનકે શક્રવારે સાંજે ટ્રુડો સાથે વાતચીત કરી હતી. બ્રિટને ટ્રુડોને કહ્યું હતું કે બધા દેશોના રાજકીય સંબંધો પર વિયેના કન્વેશનના સિદ્ધાંતો સહિત સંપ્રભુતા અને કાયદાકીય શાસનનું સન્માન કરવું જોઈએ.

ભારત અને કેનેડાની વચ્ચે રાજકીય સંબંધો ત્યારથી બગડ્યા છે, જ્યારથી કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ભારત પર આરોપ લગાવી દીધો હતો. ત્યાર પછી એક વરિષ્ઠ ભારતીય અધિકારીને કાઢી મૂક્યા હતા. ભારત તરફ વળતા જવાબમાં કેનેડાના સિનિયર ડિપ્લોમેટને કાઢી મૂક્યા હતા. ત્યાર બાદ ભારતે કેનેડાના 41 ડિપ્લોમેટને પરત બોલાવવા માટે કહ્યું હતું. ભારતે આકરા શબ્દોમાં કહ્યું હતું કે નિયત સમય પછી આ ડિપ્લોમેટ અહીં રહેશે તો તેમની બધી જ સુવિધા ખતમ કરવામાં આવશે.

 

 

 

 

 

ઈઝરાયલ પર હમાસના હુમલાને પગલે વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ વધી ગયા

મુંબઈઃ ઈઝરાયલ અને ગાઝા સ્ટ્રીપમાંની પરિસ્થિતિને લીધે મધ્ય પૂર્વમાંથી ક્રૂડ તેલનું ઉત્પાદન ખોરવાઈ જવાની ચિંતાને લીધે ક્રૂડ તેલના વૈશ્વિક ભાવમાં 4 ટકાનો વધારો થયો છે.

બીબીસીના અહેવાલ મુજબ, યૂએસ ઓઈલ માટેના બેન્ચમાર્ક ધ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI)માં પ્રતિ બેરલ 86 ડોલરનો ઉછાળો આવ્યો છે જ્યારે એશિયામાં શરૂઆતના ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પણ વધી ગઈ હતી. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન પ્રદેશો ખનિજ તેલનું ઉત્પાદન નથી કરતા, પરંતુ ક્રૂડ તેલની વિશ્વસ્તરે જે કુલ સપ્લાય કરાય છે એમાં મધ્ય પૂર્વ વિસ્તારનો હિસ્સો લગભગ એક-તૃતિયાંશ છે. ગાઝામાંથી હમાસ આતંકવાદી સંગઠને ઈઝરાયલ પર હજારો રોકેટો વડે હુમલો કર્યો અને ઈઝરાયલી સેનાએ તેનો વળતો જવાબ આપીને ગાઝા, પેલેસ્ટાઈનમાં વિનાશ વેર્યો એને કારણે બંને પક્ષ વચ્ચે દાયકાઓની સૌથી ખરાબ તંગદિલી વ્યાપી ગઈ છે.

બજારોમાં પ્રવર્તે છે મોટી અનિશ્ચિતતા

જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારનું કહેવું છે કે ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં બજારોમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે. કોઈને ખબર પડતી નથી કે આ યુદ્ધનું પરિણામ શું આવશે. જોકે ભારત જેવા ક્રૂડ તેલના મોટા આયાતકાર દેશોને માઠી અસર પડે એટલી હદે તેલની સપ્લાય ખોરવાશે નહીં. પરંતુ જો હમાસનું સૌથી મોટું સમર્થક ઈરાન જો આ યુદ્ધમાં ઢસડાશે તો પરિસ્થિતિ ખૂબ બગડી જશે. એ પછી તેલની સપ્લાઈ ખોરવાઈ જશે અને માર્કેટમાં મોટું જોખમ ઊભું થશે.

સામાજિક અડચણોને ખતમ કરવા યોજના લાવવાની જરૂરઃ સુજાતા મનોહર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ જસ્ટિસ સુજાતા મનોહરે હાલાં જ કહ્યું હતું કે પછાત સમુદાયોની સામાજિક અડચણોને ખતમ કરવાની જરૂર છે, પણ એ સ્પષ્ટ નથી કે કવોટા પ્રણાલી અતવા અનામત સમાનતા લાવવામાં મદદ કરશે કે નહીં.

ભારતમાં ક્વોટા અને સકારાત્મક કાર્યવાહીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે શું એનાથી હાલની સ્થિતિ વધુ સમાન થશે. આ એવા મુદ્દા છે, જેમનો ઉકેલ લાવવો મુશ્કેલ છે અને સામાજિક અડચણો દૂર કરવા માટે યોજનાઓ લાવવાની જરૂર છે.  કોઈ કટ-એન્ડ ડ્રાય સમાધાન નથી, એમ તેમણે કહ્યું હતું. દિલ્હીમાં સાત સપ્ટેમ્બરે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત પહેલું શિવકુમાર સૂરી મેમોરિયલ વ્યાખ્યાન તેઓ આપી રહ્યા હતા.

આ કાર્યક્રમમાં એટર્ની જનરલ આર. વેન્કટરમણી, ટોચની કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ અનિલ આર. દવે, સુપ્રીમ કોર્ટના બાર એસોસિયેશન (SCBA)ના અધઅયક્ષ આદીશ સી. અગ્રવાલ અને વકીલ શિવકુમાર સૂરીના પુત્ર, વકીલ શિખર સૂરી પણ હાજર હતા.

તેમણે કહ્યું હતુ કે ક્યારેક-ક્યારેક અધિકારોમાં અંતરનિર્હિત વિરોધભાસ હોય છે. સમાનતાના અધિકારની વ્યાખ્યા કરવામાં એક પાયાની સમસ્યા હોય છે, કેમ કે કોઈ પણ બે માણસો સમાન નથી હોતા. જોકે તેમને સન્માનની સાથે જીવન જીવવાનો અધિકાર છે. જસ્ટિસ મનોહરે સ્ટુડન્ટ્સ ફોર ફેર એડમિશન વિરુદ્ધ હાર્વર્ડ કોલેજ મામલે US સુપ્રીમ કોર્ટ 2023ના ચુકાદાનો હવાલો આપ્યો હતો. જે કહે છે કે એક પ્રવેશ પ્રણાલી જે એક માપદંડ છે, તે અમેરિકી બંધારણમાં સમાન સુરક્ષા ખંડનું ઉલ્લંઘન કરે છે.

 

 

 

ટોલ ટેક્સ વસૂલી બંધ કરો, નહીં તો ટોલ બૂથ સળગાવી દઈશું: રાજ ઠાકરે

મુંબઈઃ ટોલ ટેક્સને રાજ્યનું સૌથી મોટું કૌભાંડ ગણાવીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વડા રાજ ઠાકરેએ આજે માગણી કરી છે કે સરકાર રોડ-ટોલ ટેક્સ વસૂલી પ્રથાનો અંત લાવે નહીં તો એમની પાર્ટીના કાર્યકર્તાઓ ટોલ બૂથને સળગાવી દેશે. રાજ્ય સરકાર સામે બાંયો ચડાવીને રાજ ઠાકરેએ કહ્યું છે કે બહુ જ થોડા જ વખતમાં એમની પાર્ટીના કાર્યકર્તાઓ ટોલ બૂથ પર જશે અને નાના વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલ કરવાના કામકાજને રોકશે.

અહીં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઠાકરેએ એવી ધમકી ઉચ્ચારી છે કે, ‘હું બે દિવસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે આ મુદ્દે ચર્ચા કરવાનો છું અને જોઉં છું એ શું પ્રતિસાદ આપે છે… તે પછી મારા માણસો ટોલ બૂથો પર જશે અને ધ્યાન રાખશે કે નાના વાહનો પાસેથી ટેક્સની વસૂલી કરાય નહીં. જો સરકાર અમારી સામે પગલું લેશે તો અમે ટોલ બૂથોને સળગાવી દઈશું. રોડ ટોલ ટેક્સ રાજ્યનું સૌથી મોટું કૌભાંડ છે. ટોલ વસૂલીનો કોન્ટ્રાક્ટ દર વર્ષે એક જ કંપનીઓને શા માટે આપવામાં આવે છે?’ એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે. ‘આપણે રોડ ટેક્સ તો ચૂકવીએ જ છીએ તો ટોલ ટેક્સ આપણે શા માટે ચૂકવવો જોઈએ?’ એમ તેમણે વધુ સવાલ કર્યો હતો.

પાંચ રાજ્યોમાં 7-30 નવેમ્બર સુધી ચૂંટણીઃ ત્રીજી ડિસેમ્બરે પરિણામ

નવી દિલ્હીઃ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓનો શંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચે આ ચૂંટણી રાજ્યોમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું હતું કે પાંચ રાજ્યોમાં સાત નવેમ્બરથી મતદાન શરૂ થશે. તેમના જણાવ્યા મુજબ આ ચૂંટણીમા કુલ મતદાતાઓની સંખ્યા 17.34 લાખ છે. બધાં રાજ્યોના ચૂંટણી પરિણામો ત્રીજી ડિસેમ્બરે જારી થશે.

તેમના જણાવ્યા મુજબ મિઝોરમમાં સાત નવેમ્બરે મતદાન થશે. છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. આ સિવાય મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બર અને રાજસ્થાનમાં 23 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન અને તેલંગાનામાં 30 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે.

તેલંગાણામાં 119, રાજસ્થાનમાં 200, મધ્ય પ્રદેશમાં 230 સીટો અને મિઝોરમમાં 40 સીટો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે આ ચૂંટણીઓમાં કુલ 17.34 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર, 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી, 2024માં પૂરો થાય છે. આ પાંચ રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. આ સાથે મધ્ય પ્રદેશમાં 5.6 કરોડ, રાજસ્થાનમાં 5.25 કરોડ, તેલંગાણા 3.17 કરોડ, છત્તીસગઢ 2.03 કરોડ અને મિઝોરમ 8.52 લાખ મતદારો છે. પાંચ રાજ્યોની 679 વિધાનસભા બેઠકો માટે 1.77 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને પણ મળ્યા હતા અને તેમના સૂચનો અને પ્રતિભાવો પણ લીધા હતા. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી.

 

રિલાયન્સ બોર્ડમાં સામેલ અંબાણીના સભ્યોને આ લાભાલાભ ચૂકવાશે…

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ડિરેક્ટર બનાવવામાં આવેલા મુકેશ અંબાણીના ફેમિલીના ત્રણે ઉત્તરાધિકારી- આકાશ, અનંત અને ઇશા અંબાણી કોઈ સેલરી નહીં લે. તેમને માટે ડિરેક્ટર બોર્ડ અને સમિતિની મીટિંગમાં સામેલ થવાની ફીસ આપવામાં આવશે.

અબજોપતિ મુકેશ અંબાણીએ ઘોષણા કરી હતી કે તેમનાં પત્ની નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. જોકે તેમનાં ત્રણે સંતાનોની કંપનીમાં અલગ-અલગ ભૂમિકાઓ રહેશે. જોકે ત્રણ જણને બોર્ડમાં સમાવાની સાથે ત્રણે યુવા અંબાણીઓને અનેક સુવિધાઓ મળશે. આ ત્રણે જણને તેમના કઝિન ભાઈ હીતલ અને નિખિલ મેસવાનીથી વિપરીત કંપનીના બોર્ડના સભ્યો તરીકે કોઈ સેલરી નહીં મળે. જોકે તેમને દરેક બેઠક માટે ભથ્થાં મળતાં રહેશે.

કંપનીમાં સામેલ ઇશા, આકાશ અને અનંત અંબાણીને તેમનાં માતા નીતા અંબાણીની જેમ દરેક મીટિંગમાં હાજર રહેવા માટે રૂ. છ લાખ ફી તરીકે મળશે. તેમને માતા નીતા અંબાણીને પણ આ રીતે કોઈ સેલેરી ચૂકવવામાં નહોતી આપતી, પણ તેમને દરેક બેઠકમાં હાજરી આપવા માટે ફી ચૂકવવામાં આવતી હતી. આ ઉપરાંત નીતા અંબાણીને વાર્ષિક ધોરણે રૂ. બે કરોડનું વાર્ષિક કમિશન ચૂકવવામાં આવતું હતું. આ સાથે મુકેશ અંબાણીના ભત્રીજાઓ- હીતલ અને નિખિલ મેસવાનીને કંપનીના મહત્ત્વના કર્મચારીઓની જેમ ઊંચા પગાર ચૂકવવામાં આવશે. અહેવાલો મુજબ હીતલને વર્ષ 2021-22 માટે રૂ. 24 કરોડનું સેલેરી પેકજ અને નિખિલ મેસવાનીને રૂ. વર્ષે દહાડે રૂ. 24 કરોડનું પેકેજ આપવામાં આવતું હતું.

 

 

કોરાનાના 38 નવા કેસો, એક પણ જણનું મોત નહીં     

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 38 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,366 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,034 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,968 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 43 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 364 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 6821 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,72,508 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 180 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.