પાંચ રાજ્યોમાં 7-30 નવેમ્બર સુધી ચૂંટણીઃ ત્રીજી ડિસેમ્બરે પરિણામ

નવી દિલ્હીઃ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓનો શંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચે આ ચૂંટણી રાજ્યોમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું હતું કે પાંચ રાજ્યોમાં સાત નવેમ્બરથી મતદાન શરૂ થશે. તેમના જણાવ્યા મુજબ આ ચૂંટણીમા કુલ મતદાતાઓની સંખ્યા 17.34 લાખ છે. બધાં રાજ્યોના ચૂંટણી પરિણામો ત્રીજી ડિસેમ્બરે જારી થશે.

તેમના જણાવ્યા મુજબ મિઝોરમમાં સાત નવેમ્બરે મતદાન થશે. છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. આ સિવાય મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બર અને રાજસ્થાનમાં 23 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન અને તેલંગાનામાં 30 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે.

તેલંગાણામાં 119, રાજસ્થાનમાં 200, મધ્ય પ્રદેશમાં 230 સીટો અને મિઝોરમમાં 40 સીટો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે આ ચૂંટણીઓમાં કુલ 17.34 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર, 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી, 2024માં પૂરો થાય છે. આ પાંચ રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. આ સાથે મધ્ય પ્રદેશમાં 5.6 કરોડ, રાજસ્થાનમાં 5.25 કરોડ, તેલંગાણા 3.17 કરોડ, છત્તીસગઢ 2.03 કરોડ અને મિઝોરમ 8.52 લાખ મતદારો છે. પાંચ રાજ્યોની 679 વિધાનસભા બેઠકો માટે 1.77 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને પણ મળ્યા હતા અને તેમના સૂચનો અને પ્રતિભાવો પણ લીધા હતા. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી.