અમદાવાદઃ દિવાળીના દિવસોની ઉજવણી માટે ખરીદી માટે બજારોમાં ભીડ જામતી જાય છે. શહેરના વલ્લભ સદનની પાછળના ભાગે આવેલા રિવરફ્રન્ટ પર દિવાળીના તહેવાર પહેલાં ‘હુન્નર મહોત્સવ’ને નામે પરંપરાગત કલાના કારીગરોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે.
‘હુન્નર મહોત્સવ’ સાથે સંકળાયેલા કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘના હેતલ અમીન ચિત્રલેખા.કોમને કહે છે, દિવાળીના તહેવાર નિમિત્તે આ ‘હુન્નર મહોત્સવ’નું આયોજન કરવાનું મુખ્ય કારણ આપણી પરંપરાગત કલાના કારીગરોને પ્રોત્સાહન અને રોજગાર આપી શકાય. આધુનિક જમાનામાં કેટલીક લુપ્ત થતી આપણી સાંસ્કૃતિક ધરોહરરૂપી કલા-કારીગરીને બચાવી શકાય. ‘હુન્નર મહોત્સવ’માં હોમ ડેકોરની ચીજવસ્તુઓ, પરંપરાગત કલાત્મક વસ્તુઓ સાથે કલા ભોજન અને સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રકાશના આ પર્વ પહેલાં 25 કરતાં વધારે રાજ્યના કલાકારોએ રિવરફ્રન્ટ પર પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે.
અમદાવાદ શહેરના જુદાં-જુદાં બજારોમાં ચીજવસ્તુઓની જબરજસ્ત ખરીદી ચાલી રહી છે. આ સાથે શહેરમાં પરંપરાગત કલાના કારીગરોના હુન્નર મહોત્સવ જેવાં અનેક એક્ઝિબિશન ચાલી રહ્યાં છે
મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશને પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મગાવી છે. સંસ્થાએ નવ ક્ષેત્રોમાં પ્રથમ વર્ષના પોસ્ટગ્રેજ્યુએટ કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી સ્કોલરશિપ માટેની અરજીઓ મગાવી છે. આ સ્કોલરશિપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર, 2023 છે. આ સ્કોલરશિપનો ઉદ્દેશ વિદ્યાર્થીઓની પ્રતિભાઓને વિશ્વ કક્ષાએ પહોંચાડવાનો છે.
ડિજિટલ, રિન્યુએબલ એન્ડ ન્યુ એનર્જી અને બાયોટેકનોલોજી જેવાં ક્ષેત્રોમાં ટેકનોલોજી ઝડપથી વિકસી રહી છે. સંસ્થાનો પોસ્ટગ્રેજ્યેટ સ્કોલરશિપનો ઉદ્દેશ તમામ ભારતીયોને લાભ પહોંચાડવાનો અને સંભવિત વિકાસ કરવા સાથે આ ક્ષેત્રોમાં નવાં સંશોધનો અને ઉકેલ શોધવા સાથે ભાવિ લીડર્સને ઓળખી કાઢવાનો અને તેમને પ્રોત્સાહન આપવાનો છે. સંસ્થાના CEO જગન્નાથ કુમારે જણાવ્યું હતું કે દેશના યુવાનો ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં દેશની પ્રગતિને વેગ આપવા માટે તૈયાર છે. સંસ્થા પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશિપ દેશના સૌથી તેજસ્વી યુવા પ્રતિભાને ઓળખશે, જેથી તેમની પ્રતિભાનો લાભ સમાજને થશે. અમારો ઉદ્દેશ દેશના વિકાસને વેગ આપે એવા તેજસ્વી યુવાઓને દર વર્ષે આર્થિક મદદ કરવાનો છે. જેથી એક યુવા પેઢી તૈયાર થઈ દેશને મદદરૂપ થવા તૈયાર થાય, એમ તેમણે કહ્યું હતું.
વર્ષ 2020થી 178 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસમાં શ્રેષ્ઠતા માટે મેરિટ-આધારિત શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી સ્કોલરશિપ મેળવનાર આ વિદ્યાર્થીઓ હવે સારા ભવિષ્ય તરફ આગળ વધ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ એ એક પ્લેટફોર્મ સાબિત થયું છે.
વર્ષ 2020થી મેરિટને આધારે 178 વિદ્યાર્થીઓને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસમાં શ્રેષ્ઠતા માટે સ્કોલરશિપ આપવામાં આવી છે. સંસ્થા તરફથી સ્કોલરશિપ મેળવનાર આ વિદ્યાર્થીઓ હવે પ્રોફેશનલ્સ બન્યા છે અને તેમનું ભાવિ ઉજ્જવળ બન્યું છે. આ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ એ એક પ્લેટફોર્મ સાબિત થયું છે જેણે માત્ર તેમની શૈક્ષણિક લાયકાતોને જ નહીં, પરંતુ શીખવાનો અનુભવ માટે મદદરૂપ થઈ રહી છે. જેથી તેઓ ઉદ્યોગના અગ્રણી મેન્ટરો પાસેથી કૌશલ મેળવી શકે અને કેરિયરમાં તેમના માટે ઉપયોગી બની શકે.
સંસ્થા દ્વારા આ સ્કોલરશિપ માટે પસંદ કરાયેલા ટોચના 100 વિદ્યાર્થીઓને રૂ. છ લાખ સુધીની ગ્રાસ્કોલરશિપ આપવામાં આવશે. આ સ્કોલરશિપ પ્રથમ વર્ષના પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જેઓ દેશમાં કોમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગણિત અને કોમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, રિન્યુએબલ એન્ડ ન્યુ એનર્જી, મટીરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને બાયોલોજીમાં ફુલ ટાઇમ અભ્યાસક્રમો કરી રહ્યા છે.
બોલિવૂડના લોકપ્રિય સિંગર અને રેપર હની સિંહ પોતાના ડિવોર્સને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતા. હવે તેમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. ગાયક અને તેની પત્ની શાલિની તલવારના છૂટાછેડાને આજે એટલે કે મંગળવારે દિલ્હીની અદાલતે મંજૂરી આપી દીધી છે.
અઢી વર્ષ પછી છૂટાછેડા મંજૂર
મળતી માહિતી મુજબ, ફેમિલી કોર્ટમાં પરમજીત સિંહે હની સિંહ અને તેની પત્ની વચ્ચે ચાલી રહેલા અઢી વર્ષ જૂના કેસનો અંત લાવ્યો હતો અને બંને પક્ષોને છૂટાછેડાનો હુકમ આપ્યો હતો. હનીની પત્નીએ સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. શાલિનીએ કહ્યું કે ગાયક અને તેના પરિવારે તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. હવે, પક્ષકારો એક કરાર પર પહોંચ્યા પછી, આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હની સિંહે શાલિનીને 1 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ આપ્યો હતો. છૂટાછેડાની સુનાવણીમાં હની સિંહની સાથે મેટલો ઓફિસના ભાગીદાર ઈશાન મુખર્જી, વકીલ અમૃતા ચેટર્જી અને જસપાલ સિંહ હતા.
હની સિંહે રિયાલિટી શોમાં ખુલાસો કર્યો હતો
તમને જણાવી દઈએ કે હની સિંહ અને શાલિનીએ લગ્ન પહેલા લગભગ 20 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ત્યારબાદ 2011માં આ કપલે દિલ્હીના એક ગુરુદ્વારામાં શીખ રીતિ-રિવાજ મુજબ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. બંનેના લગ્ન એકદમ સિક્રેટ હતા. જેમાં માત્ર તેમના પરિવારના સભ્યોએ જ ભાગ લીધો હતો. લગ્નના ત્રણ વર્ષ બાદ તેમના અફેરના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ હની સિંહે એક રિયાલિટી શોમાં ખુલાસો કર્યો હતો કે તેણે શાલિની સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે હની સિંહ સંગીતની દુનિયાનું એક મોટું નામ છે. જેમણે માત્ર ઘણા હિટ આલ્બમ જ નથી બનાવ્યા પરંતુ હિન્દી સિનેમાની ઘણી સુપરહિટ ફિલ્મોમાં પણ ઉત્તમ ગીતો આપ્યા છે.
ભારતીય નૌકાદળ દ્વારા સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવી રહેલા યુદ્ધજહાજ સૂરતના શિખર (CREST – પ્રતીક ચિન્હ)નું 6 નવેમ્બર, સોમવારે સુરત શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ-એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીયર એડમિરલ અનિલ જગ્ગી તથા ભારતીય નૌકાદળ તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેર તેના ભવ્ય સમુદ્રી ઈતિહાસ અને જહાજ નિર્માણના વારસા માટે પ્રખ્યાત છે અને માટે જ આ યુદ્ધજહાજને ‘સૂરત’ નામ આપવામાં આવ્યું છે.
‘સૂરત’ યુદ્ધજહાજ નિર્દેશિત મિસાઈલ વિધ્વંસક છે, જે સ્વદેશી ટેક્નોલોજી વડે બાંધવામાં આવી રહેલું ચોથું યુદ્ધજહાજ છે. આ જહાજનું વિશિષ્ટ એવી બ્લોક કન્સ્ટ્રક્શન મેથોડોલોજીના ઉપયોગ વડે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જહાજ નેવલ ટેક્નોલોજી અને ક્ષમતાના ક્ષેત્રે ભારતીય નૌકાદળની મોટી છલાંગ તરીકે સાબિત થશે.
બાવળાઃ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દિવ્યાંગ તથા પ્રભુ વત્સલ બાળકોને જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની ઉપસ્થિતિમાં દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ, ફટાકડા સાથેની શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આમ, સાચા અર્થમાં બાળદેવની સેવા કરવામાં આવી છે.
આ અવસરે અમદાવાદ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને DEO તેમ જ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીઃ પ્રદૂષિત વાયુ ગુણવત્તાથી ઝઝૂમી રહેલી દિલ્હીમાં મંગળવારે સવારે પ્રદૂષણનો સ્તર બહુ ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં AQI- વાયુ ગુણવત્તા સૂચકાંક 395 નોંધવામાં આવ્યો હતો. પડોશી રાજ્યો હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં કેટલાંય શહેરોમાં વાયુ ગુણવત્તા ખતરનાક સ્તરે ખરાબ છે. ગાઝિયાબાદમાં AQI 338, ગુરુગ્રામમાં 364, નોએડામાં 348, ગ્રેટર નોએડામાં 439 અને ફરિદાબાદમાં 382 નોંધાયો હતો. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે ફટકડા પર પ્રતિબંધ મૂકવાને મામલે સુનાવણી કરતાં કહ્યું હતું કે અમે જે પાછલો આદેશ આપ્યો હતો, એ માત્ર દિલ્હી માટે જ નહોતો.
કોર્ટે કહ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો અમારો આદેશ દેશઆખા માટે હતો.અમે જૂના આદેશમાં ફટાકડાનો સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ સ્થાનિક સરકારો પર છોડ્યો હતો. એ સાથે હોસ્પિટલ જેવી આરોગ્ય જેવી સંવેદનશીલ જગ્યાઓ પર ફટાકડા ના ફોડવા, ફટાકડા ફોડવાની સમયમર્યાદા નક્કી કરવા માટે નિર્દેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે NCRમાં આવનારા રાજસ્થાનના વિસ્તારો માટે પણ દિલ્હી NCRવાળા નિયમો લાગુ થશે. ત્યાં પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
કોર્ટે દિલ્હી NCR સહિત દેશભરનાં અન્ય શહેરોમાં વધતા પ્રદૂષણને મામલે સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી હતી. પંજાબમાં પરાલી સળગાવવાની સાથે દેશના બાકી ભાગોમાં વિવિધ કારણોથી પ્રદૂષણના સ્તરમાં થઈ રહેલા વધારાને જોતાં કોર્ટે કહ્યું હતું કે આ માત્ર કોર્ટનું જ કામ નથી કે એ પ્રદૂષણને અટકાવે, આ બધાની જવાબદારી છે. ખાસ કરીને સરકારની સૌથી વધુ જવાબદારી છે.
મુંબઈઃ ઈલોન મસ્ક હાલ વિશ્વમાં સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ દુનિયામાં સૌથી લોકપ્રિય કાર બ્રાન્ડ ટેસ્લાના માલિક છે. ટેસ્લા કંપની ઈલેક્ટ્રિક કાર બનાવે છે અને તે ઘણા મોટા દેશોમાં ઉપલબ્ધ છે. પરંતુ આ કાર તેઓ હજી સુધી ભારતમાં લાવ્યા નથી, જે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે મસ્કે વચન આપ્યું હતું કે તેઓ શક્ય એટલી વહેલી તકે ટેસ્લા કાર ભારતમાં લોન્ચ કરશે.
હવે એવા અહેવાલો છે કે મસ્ક આવતા વર્ષે ટેસ્લા કાર ભારતના રસ્તાઓ પર ફરતી મૂકે એવી ધારણા છે. કેન્દ્ર સરકાર આ માટે મસ્કની કંપનીને તમામ આવશ્યક મંજૂરીઓ આપવા માટેની પ્રક્રિયા પર વિચારણા કરી રહી છે. હાલ એવું જણાય છે કે 2024ના જાન્યુઆરી સુધીમાં ટેસ્લાની કાર ભારતના માર્ગો પર ફરતી દેખાશે.
ભારતમાં જે આયાતી કારની કિંમત 40 હજાર ડોલર (આશરે રૂ. 30 લાખ)થી વધારે હોય તેની પર 100 ટકા ટેક્સ લાદવામાં આવે છે. આમાં વીમા અને શિપિંગ ખર્ચનો પણ સમાવેશ થાય છે. જે કારની કિંમત 40 હજાર ડોલરથી ઓછી હોય તેમની પર 40 ટકાનો ઈમ્પોર્ટ ટેક્સ લાગે છે. ટેસ્લા કાર ઈમ્પોર્ટ ટેક્સથી બચવા માટે તેની કારનું ઉત્પાદન ભારતમાં જ કરવા માગે છે જેથી ભારતમાં આ કાર ગ્રાહકોને સસ્તી કિંમતમાં પડે.
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતીય ભાષાઓ તથા હિન્દી ફિલ્મોની મશહૂર એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના વાઇરલ થયેલા ડીપફેક વિડિયો બનાવવામાં જે યુવતીના વિડિયો ક્લિપનો ઉપયોગ થયો છે, તેણે સોમવારે કહ્યું હતું કે હું આ ઘટનાથી બહુ વ્યથિત તથા નારાજ છે. ઝારા પટેલ નામની આ યુવતીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે તે યુવતીઓ તથા મહિલાઓના ભવિષ્યને લઈને ચિંતિત છે, જેણે હવે સોશિયલ મિડિયા પ્લેટફોર્મો પર પોતાના ફોટો અને વિડિયો પોસ્ટ કરવા વિશે પહેલાંથી વધુ ડરવું પડશે.
ભારતીય મૂળની બ્રિટિશ ઇન્ફ્લુએન્સર ઝારા પટેલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે નમસ્કાર…મારી જાણમાં આવ્યું છે કે કોઈએ મારા શરીર અને એક લોકપ્રિય બોલીવૂડ એક્ટ્રેસના ચહેરાનો ઉપયોગ કરીને એક ડીપફેક વિડિયો બનાવ્યો છે. આ ડીપફેક વિડિયોથી મારે નાહવાનિચોવાનો સંબંધ નથી અને જેકાંઈ થઈ રહ્યું છે, એનાથી ખૂબ વ્યથિત છું.
I feel really hurt to share this and have to talk about the deepfake video of me being spread online.
Something like this is honestly, extremely scary not only for me, but also for each one of us who today is vulnerable to so much harm because of how technology is being misused.…
ઝારાએ વધુમાં લખ્યું હતું કે હું એ યુવતીઓ અને મહિલાઓના ભવિષ્ય વિશે ચિંતિત છું, જેમણે તેમના ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવા માટે પહેલાં વિચારવું જોઈએ અને ડરવું જોઈએ. કૃપયા ઠંડા ડિમાગથી વિચારો અને ઇન્ટરનેટ પર દરેક બાબતની ચકાસણી કરો. ઇન્ટરનેટ પર કંઈ પણ વાસ્તવિક નથી થતું.
હાલના દિવસોમાં એક વિડિયો વાઇરલ થઈ ગયો હતો, જેમાં રશ્મિકા મંદાનાને લિફ્ટમાં પ્રવેશતા જોઈ શકાય છે. જોકે ડીપફેક ટેક્નિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આ વિડિયોમાં દેખાતી યુવતી વાસ્તવમાં ઝારા પટેલ હતી, રશ્મિકા મંદાના નહીં. રશ્મિકા મંદાનાએ પણ ટ્વીટ કરતાં લખ્યું હતું કે હું હતપ્રભ છું આવા ડીપફેક વિડિયોથી. આપણે એક સમાજ તરીકે તત્કાળ આની પર ધ્યાન આપવાની જરૂર છે.
ભૂવનેશ્વર:ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) સંસ્થાએ આજે ઓડિશાના સમુદ્ર કાંઠેથી ટૂંકી રેન્જવાળા બેલિસ્ટિક મિસાઇલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
જમીન પરથી જમીન પર છોડી શકાય એવી આ મિસાઈલ ૫૦૦ કિ.મી. દૂરના ટાર્ગેટને તોડી પાડવા સક્ષમ છે. આ મિસાઈલ વજનમાં પાંચ ટનનું છે. તે ૮૦૦ કિલોગ્રામનો દારૂગોળો લઈ જવા માટે સક્ષમ છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ મુદ્દે પંજાબને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું હતું કે આ રાજકીય લડાઈનું મેદાન નથી. રાજકીય બ્લેમગેમને અટકાવો. આ લોકોના આરોગ્યની હત્યાની સમાન છે. તમે આ મામલાને અન્ય પર થોપી શકો નહીં. તમે પરાલી સળગાવવાનું કેમ રોકી નથી શકતા?
પંજાબ સરકારના વકીલે કહ્યું હતું કે પંજાબમાં 40 ટકા પરાલી સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. અમે પગલાં લઈ રહ્યા છીએ. દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણને મામલે દિલ્હી અને પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. દિલ્હી સરકારે આ સોગંદનામામાં કહ્યું હતું કે પ્રદૂષણને કાબૂમાં કરવા માટે કેટલાંક મોટાં પગલાં લેવામાં આવ્યાં છે, જ્યારે પંજાબ સરકારે કહ્યું હતું કે પરાલી સળગાવવા મુદ્દે રાજ્ય સરકાર ગંભીર છે. કોર્ટે કહ્યું હતું કે અમે નીતિ વિષયક મુદ્દોમાં પ્રવેશ નથી કરતા, પરંતુ જો લોકો મરી રહ્યા છે તો અમે નીતિ વિષયક મામલે દખલ દઈશું.દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાન પરાલી સળગતી તત્કાળ અટકાવે. ચીફ સેક્રેટર અને DGP એ સુનિશ્ચિત કરે.
કોર્ટે પરાલી મુદ્દે યુપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી સહિત રાજ્યો અને કેન્દ્રને બેઠક બોલાવવા પણ નિર્દેશ આપ્યા હતા. કોર્ટ આ મામલે આગામી સુનાવણી શુક્રવારે કરશે. કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે આ મુદ્દે તત્કાળ સમાધાન થવું જોઈએ. આ મામલે અમારી ધીરજ ખૂટી રહી છે. કોર્ટે કહ્યું હતું કે સરકારે આકરાં પગલાં ઉઠાવવાં જોઈએ, નહીં તો અમે બુલડોઝર ચલાવવાનું શરૂ કર્યું તો અમે થોભીશું નહીં.