ગુજરાતમાં ચોમાસા દરમિયાન કુદરત તરફથી મળતા જળવૈભવને સાચવવા, પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા, ખેતી માટે સિંચાઈ પૂરી પાડવા
અને ઉર્જા ક્ષેત્રે જળવિદ્યુત ઉત્પાદન કરવા માટે અનેક વિશાળ જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ત્યારે જાણીએ આ ચોમાસે રાજ્યમાં સૌથી વધુ વરસાદી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા (Water Capacity) ધરાવતા ગુજરાતના પાંચ મુખ્ય અને સૌથી મોટા ડેમ વિશે…
સરદાર સરોવર ડેમ, કેવડિયા, નર્મદા જિલ્લો

ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા અથવા એકતા નગર પાસે નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર ડેમ રાજ્યનો સૌથી મોટો ડેમ છે, જેને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. આ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા આશરે 9,460 મિલિયન ઘન મીટર જેટલી છે. સમગ્ર ગુજરાતમાં પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈ પૂરું પાડવામાં આ ડેમ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્તમાન ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક થવાના કારણે હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 68.93 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 420.76 ફીટ પર પહોંચ્યું છે.
ઉકાઈ ડેમ, ઉકાઈ, તાપી જિલ્લો

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં તાપી નદી પર બનેલો ઉકાઈ ડેમ સંગ્રહ ક્ષમતાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા આશરે 7,414 મિલિયન ઘન મીટર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ, પીવાનું પાણી અને જળવિદ્યુત ઉત્પાદન માટે આ જળાશય અત્યંત ઉપયોગી સાબિત થાય છે. હાલની સ્થિતિએ દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં મોટા પ્રમાણમાં નવું પાણી આવી રહ્યું છે, કુલ સંગ્રહ ક્ષમતાના 43.17 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 315.46 ફીટ નોંધાયું છે.
કડાણા ડેમ, કડાણા, મહીસાગર જિલ્લો

મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં મહી નદી પર આવેલો કડાણા ડેમ રાજ્યનો ત્રીજો મોટો જળ સ્ત્રોત છે. આ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા આશરે 1,542 મિલિયન ઘન મીટર જેટલી છે, જે મધ્ય ગુજરાતના મોટાભાગના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાણીની જરૂરિયાતો પૂરી કરે છે. વર્તમાન ચોમાસાની સિઝનમાં મધ્ય ગુજરાત અને ઉપરવાસના વરસાદને કારણે હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 43.14 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 391.17 ફીટ પર છે.
ધરોઈ ડેમ, ધરોઈ, મહેસાણા જિલ્લો

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં સાબરમતી નદી પર બનેલો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાત માટે મુખ્ય આશાસ્પદ સ્ત્રોત છે. આ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા આશરે 815 મિલિયન ઘન મીટર છે. અમદાવાદ, ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આ ડેમનું મોટું યોગદાન છે. ચાલુ વરસાદી ઋતુમાં સાબરમતી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમનું વોટર લેવલ મજબૂત બની રહ્યું છે. હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 45.99 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 605.21 ફીટ નોંધાયું છે.
દાંતીવાડા ડેમ, દાંતીવાડા, બનાસકાંઠા જિલ્લો

બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર આવેલો દાંતીવાડા ડેમ ઉત્તર ગુજરાતના શુષ્ક વિસ્તારો માટે સંજીવની સમાન છે. આ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા આશરે 464 મિલિયન ઘન મીટર જેટલી છે, જે આસપાસના વિશાળ ખેતીલાયક વિસ્તારને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. હાલની ચોમાસાની સ્થિતિમાં આ વિસ્તારના ખેડૂતો અને રહીશો માટે દાંતીવાડા ડેમમાં થઈ રહેલી નવી પાણીની આવક ખૂબ જ રાહતરૂપ સાબિત થઈ રહી છે. હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 25.62 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 570.01 ફીટ પર છે.
|
સૌરાષ્ટ્રના જળ સંગ્રહના મુખ્ય આધારસ્તંભો
ગુજરાતના આ પાંચ મોટા ડેમ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારની જળ સુરક્ષા માટે અહીંના સ્થાનિક જળાશયો સંજીવની સમાન છે. જેમાં ભાવનગર જિલ્લાના પાલતાણા પાસે આવેલો શેત્રુંજી ડેમ આશરે 309 MCMની કુલ ક્ષમતા સાથે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે, જે ભાવનગર શહેર અને ગ્રામીણ વિસ્તારોની જળ જરૂરિયાતો પૂરી કરે છે. આ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે (ઓવરફ્લો) અને એની સપાટી 182.18 ફીટ છે. જયારે રાજકોટના ઉપલેટા પાસે આવેલો ભાદર ડેમ આશરે 198 MCMની ક્ષમતા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે, જે રાજકોટ અને આસપાસના વિસ્તારો માટે પીવાનો મુખ્ય આધાર છે. હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 22.59 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 338.09 ફીટ પર છે. આ સિવાય જુનાગઢ જિલ્લામાં આવેલો ઓઝત ડેમ પણ આશરે 48 MCM ની જળ ક્ષમતા સાથે સોરઠ વિસ્તારની ખેતી અને સિંચાઈ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ચાલુ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં થયેલા મુસળધાર વરસાદના કારણે શેત્રુંજી, ભાદર અને ઓઝત ત્રણેય જળાશયોમાં પૂરતા પ્રમાણમાં નવા પાણીની આવક થતાં આ તમામ ડેમ 75 ટકાથી વધુ ભરાઈ ચૂક્યા છે. કેટલાક ઓવરફ્લો થવાની આરે પહોંચતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જળ સંકટ દૂર થયું છે. |
(આંકડા 25 જુલાઈ, 2026 સુધીના છે.)
હેતલ રાવ





