Home Blog Page 2315

ડેન્ગ્યૂ સામે સાવચેત રહેવાની પ્રશંસકોને ભૂમિ પેડણેકરની સલાહ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડણેકર ડેન્ગ્યૂની બીમારીનો શિકાર થઈ છે. તે હાલ અહીંની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એણે કહ્યું છે કે, ‘છેલ્લા આઠ દિવસથી હું તકલીફમાં હતી, પણ હવે ઘણું સારું છે.’ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘થેંક્યૂ ફોર કમિંગ’ની આ અભિનેત્રીએ હોસ્પિટલની પથારી પરથી પોતાની બે સેલ્ફી એનાં ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે: ‘એક ડેન્ગ્યૂ કે મચ્છરને મુઝે 8 દિન કા મેસિવ ટોર્ચર દે દિયા. પણ આજે સવારે જાગી ત્યારે ઘણું જ સારું લાગ્યું હતું તેથી સેલ્ફી ક્લિક કરી.’

34 વર્ષીય અભિનેત્રીએ તેની પોસ્ટમાં હોસ્પિટલનાં ડોક્ટરો તથા સ્ટાફનો આભાર માન્યો છે. તેણે પ્રશંસકોને સલાહ આપી છે કે, ‘આપ સહુ સંભાળજો, કારણ કે છેલ્લા અમુક દિવસો મને અને મારાં પરિવારજનો માટે અત્યંત કઠિન ગયા હતા. મચ્છર સામે રક્ષણ આપતા રીપેલન્ટ્સ હવે અત્યંત આવશ્યક છે. તમારી રોગપ્રતિકારક શક્તિ પણ બળવાન રાખજો. વધી ગયેલા પ્રદૂષણને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિને મોટો ફટકો પડ્યો છે. મારી ઓળખાણમાં છે એવા બીજા અમુક લોકોને પણ ડેન્ગ્યૂ થયો હતો. એક ઈન્વિઝીબલ વાઈરસને હાલત ખરાબ કર દી.’

ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં થયો ઘટાડો

રાજ્યની ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રુપિયા 40નો ઘટાડો થયો છે. તેમાં ડબ્બાનો ભાવ રૂપિયા 2625થી ઘટી રૂપિયા 2585 સુધી પહોંચ્યો છે. જેમાં દિવાળી પહેલા સિંગતેલનો ભાવ 2700 રુપિયા હતો.

ગત 10 જ દિવસમાં ભાવમાં 90 રુપિયાનો ઘટાડો થયો છે. દિવાળી બાદ તરત જ સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ખૂલતા બજારે સિંગતેલના ભાવમાં ઘટાડો ગૃહિણીઓને ખુશ કરી દેશે. સિંગતેલનો ડબ્બો 2625 થી ઘટીને 2585 સુધી પહોંચ્યો છે. જોકે, વેપારીઓનું કહેવું છે કે, સીંગતેલના ભાવમાં હજુ ઘટાડો થવાનો અંદાજ છે. દિવાળી પહેલા ભાવ 2700 આસપાસ હતો. છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે. તેથી આશા છે કે ઠંડીમાં તેલના ભાવ અંકુશમાં રહે.

સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં ઘટાડો થયો છે. આ મહિનામાં ખાદ્ય તેલનું બજેટ થોડું ઘટી શકે છે. કારણ કે, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિવાળી બાદ તરત જ સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા વિશે વેપારીઓનું કહેવું છે કે, નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા ભાવમાં ઘટાડો થયો છે. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં વધારો ઝીંકાયો હતો. જેને કારણે દિવાળીના તહેવાર પર અસર પડી હતી, અને લોકોનું બજેટ બગડ્યુ હતું. પરંતુ દિવાળી બાદ રાહતના સમાચાર આવ્યા છે.

CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાના-રીરી મહોત્સવ 2023નો પ્રારંભ

વડનગરમાં તાના રીરી સંગીત મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો. રાજ્યભરમાંથી તાના-રીરી મહોત્સવમાં પધારેલા સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને મુખ્યમંત્રીએ નૂતન વર્ષની શુભકાનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી વધુ વર્ષથી સચવાયેલો, સંવર્ધિત થયેલો ઇતિહાસ છે. વડનગરની આ ધરતીમાં જ કંઈ એવું સત્વ અને તત્વ ધરબાઈને પડ્યું છે કે, પુરાતન કાળથી જ સમર્પણ ભાવ અને સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે.

તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઇને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી, તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ જ વડનગરના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકાસ માટેની આગવી સમર્પિતતાથી અને જનસેવાના સામર્થ્યથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વડનગરની આ ધરતી તાનારીરીથી લઈને નરેન્દ્રભાઈ મોદીના આવા આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના સ્વર્ણિમજ્યંતિ વર્ષ-2010માં તાના-રીરીની સ્મૃતિમાં સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો- સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી.આ પરંપરામાં વર્ષ-2022નો એવોર્ડ કંકણા બેનરજી અને ડૉ. મોનિકા શાહને અને વર્ષ 2023 માટે આરતી અંકલિકરને તાના-રીરી સન્માન એવોર્ડ અર્પણ થયા છે.

વડનગરના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ઐતિહાસિક નગર વડાપ્રધાનના આગવા દિશાદર્શનને પરિણામે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, અને પરિવહનના વિવિધ પ્રકલ્પો પામીને વિકાસના રહે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ જે શાળામાં લીધું હતું તેને ‘પ્રેરણા સ્કૂલ’ તરીકે રાજ્ય સરકાર ડેવલપ કરી રહી છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, પ્રેરણા સ્કૂલનો આ અભિનવ વિચાર આપણે રાજ્યની અન્ય શાળાઓમાં પણ અમલી કરવા જઇ રહ્યા છીએ. આધુનિક સુવિધાઓ અને શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રેરણા સ્કૂલ દેશની મોડલ અને આઇકોનિક સ્કૂલ બનવાની છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ વતનભૂમિ વડનગરને 2017માં નવી GMERS મેડિકલ કોલેજ-હોસ્પિટલની ભેટ આપી છે. રાજ્ય સરકાર કળા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને-પ્રોત્સાહન પીઠબળ આપીને આવી કલાપ્રવૃત્તિઓનું જતન-સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે, પીએમ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના-રીરી સંગીત મહાવિદ્યાલય પરફોર્મીંગ આર્ટ્સ કોલેજ પણ વડનગરમાં રાજ્ય સરકારે શરૂ કરી છે.

ઉત્તરકાશી ટનલમાં 42 મીટર સુધી ડ્રિલિંગ થયું, હવે પછીના 3 મીટર ખૂબ જ મહત્વપૂર્ણ

ઉત્તરકાશી સ્થિત ટનલમાં 41 મજૂરો ફસાયાને 11 દિવસ વીતી ગયા છે. અત્યાર સુધી તેમને દૂર કરી શકાતા નથી. પાંચ જાહેર ક્ષેત્રની એજન્સીઓ – ONGC, SJVN, RVNL, NHIDCL અને THDC કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના કાર્યમાં રોકાયેલા છે. દરમિયાન, બુધવારે બચાવ ટીમના એક અધિકારીએ એક મોટું અપડેટ આપ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે અથવા કાલે કામદારોને સુરક્ષિત બહાર કાઢવાને લઈને સારા સમાચાર આવી શકે છે.

 

રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ સેક્રેટરી (ટેક્નિકલ) મહમૂદ અહેમદે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કેટલાક મોટા સમાચારની અપેક્ષા છે કારણ કે વધારાની 880-mm પાઇપ કાટમાળમાં કેટલાક મીટર સુધી ધકેલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે બચાવકર્મીઓએ કાટમાળમાં ત્રણ પાઈપ નાંખી છે. ‘અમે 12:45 વાગ્યે ઓગર મશીનનો ઉપયોગ કરીને ડ્રિલિંગ શરૂ કર્યું અને મને એ કહેતા આનંદ થાય છે કે અમે 39 મીટર ડ્રિલ કર્યું છે અને 800 mm પાઇપ પણ નાખી છે. અમે સારી રીતે પ્રગતિ કરી રહ્યા છીએ. અમે બારકોટ વતી આડી ડ્રિલિંગ પણ કરી રહ્યા છીએ અને 7.9 મીટર સુધી ઘૂસી ગયા છીએ. તેણે કહ્યું, ‘જ્યાં સુધી અમે સુરંગની અંદર 45-50 મીટર સુધી પહોંચીશું, અમે તમને ચોક્કસ સમય કહી શકીશું નહીં. જો કોઈ અવરોધ ન આવે તો આજે રાત્રે અથવા કાલે સવારે કોઈ મોટા સમાચાર મળી શકે છે. કાટમાળ સાથે લોખંડનો સળિયો પણ આવ્યો હતો. ખુશીની વાત એ છે કે પાઈપલાઈન નાખતી વખતે આ લોખંડના કારણે કોઈ સમસ્યા થઈ ન હતી.જણાવાયું હતું કે આગામી 3 મીટર ‘સૌથી મહત્વપૂર્ણ’ છે. ન્યૂઝ 18ને જાણવા મળ્યું છે કે 42 મીટર 800 એમએમ પાઇપ ખોદવામાં આવી છે. બચાવ કામગીરી સાથે જોડાયેલા સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે આગામી ત્રણ મીટર સૌથી મહત્વપૂર્ણ છે. કુલ, 57 મીટર સુધી ડ્રિલ કરવાની જરૂર છે. 8મી પાઇપનો અડધો ભાગ અંદર ગયો છે.

કામદારો અંદર શું ખાય છે?

ટનલમાં ફસાયેલા 41 મજૂરોને દરરોજ ગરમ ખોરાક આપવામાં આવી રહ્યો છે. ઓછા તેલ અને મસાલાવાળો આ ખોરાક ડોક્ટરોની દેખરેખમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે તેને ચીઝ શાક, ભાત અને રોટલી આપવામાં આવી હતી. આજે તેને ખાવા માટે ખીચડી આપવામાં આવી હતી.

વર્લ્ડ કપ પહેલા માત્ર 11 T20, હાર્દિક પંડ્યા એકપણ મેચ રમી શકશે નહીં!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે એટલે કે 23 નવેમ્બરથી 5 મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. જૂન 2024માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે. T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ માત્ર 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. IPL 2024 પહેલા રમવું તેના માટે ઘણું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ટી20 લીગ પણ વર્લ્ડ કપની તૈયારી માટે મહત્વપૂર્ણ બની જશે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા વચ્ચે સંયુક્ત રીતે રમાશે. વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 5 ટી20, દક્ષિણ આફ્રિકા સામે 3 અને અફઘાનિસ્તાન સામે 3 ટી20 મેચોની શ્રેણી રમવાની છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, હાર્દિક પંડ્યા છેલ્લા એક વર્ષથી T20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. IPL પહેલા તેની વાપસીની આશા ઓછી છે. કેપ્ટન તરીકે તેણે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું છે.

ઓપનર તરીકે કોને તક?

ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝની વાત કરીએ તો ઈશાન કિશન સિવાય ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે ટીમમાં જગ્યા મળી છે. આવી સ્થિતિમાં પ્રથમ મેચમાં કોને તક મળશે તે જોવું રહ્યું. તાજેતરમાં જ યશસ્વીએ એશિયન ગેમ્સમાં સદી ફટકારી હતી. બીજી તરફ ઈશાન કિશન વર્લ્ડ કપ દરમિયાન મોટાભાગનો સમય બેંચ પર બેઠો રહ્યો હતો. આવી સ્થિતિમાં યશસ્વી અને ઈશાન પ્રથમ મેચમાં ઓપનર તરીકે રમી શકે છે. સૂર્યકુમાર યાદવ નંબર-3 પર ઉતરી શકે છે જ્યારે તિલક વર્મા નંબર-4 પર ઉતરી શકે છે.

અક્ષર પટેલ પરત ફરશે?

લેફ્ટ આર્મ સ્પિનર ​​અને ઓલરાઉન્ડર અક્ષર પટેલને વર્લ્ડ કપ 2023 માટે ટીમમાં જગ્યા મળી છે. પરંતુ એશિયા કપ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તેની જગ્યાએ આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી પુનરાગમન કરવા જઈ રહ્યો છે. આ સિરીઝ રિંકુ સિંહથી લઈને શિવમ દુબે માટે મહત્વની બની રહી છે. ભારતીય ટીમ 2007થી T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી.

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ

-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ ઘટનાસ્થળે બે આતંકીઓને ઘેરી લીધા છે.

 

પોલીસે જણાવ્યું કે ધરમસાલના બજીમલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ. અધિકારીઓએ જણાવ્યું કે અથડામણમાં એક અધિકારી, એક સૈનિકના જીવ ગયા અને અન્ય એક સુરક્ષાકર્મી ઘાયલ થયો. તેમણે જણાવ્યું કે ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

આઇસી15 ઇન્ડેક્સમાં 1,070 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ બાઇનાન્સે અમેરિકાના ન્યાય ખાતા સાથે કરેલા સેટલમેન્ટ અને ચાંગપેંગ ઝાઓએ સીઈઓ પદેથી રાજીનામું આપ્યું એ બન્ને ઘટનાની અસર તળે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ઘટાડો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.26 ટકા (1,070 પોઇન્ટ) ઘટીને 46,226 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,296 ખૂલીને 47,357ની ઉપલી અને 44,842 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. યુનિસ્વોપ સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા. બાઇનાન્સમાં ઘટાડાનું પ્રમાણ 10 ટકા હતું. ઘટેલા અન્ય કોઇન અવાલાંશ, પોલીગોન અને શિબા ઇનુ હતા, જેમાં 4થી 7 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.

એક અહેવાલ મુજબ યુરોપિયન યુનિયનમાં બ્લોકચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાના આયોજનને કારણે બેલ્જિયમ આ નવી ટેક્નોલોજી માટે આશાવાદી છે. બેલ્જિયમ યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખપદે છે એ સમયગાળા દરમિયાન સત્તાવાર દસ્તાવેજો સાચવવા માટે બ્લોકચેઇનનો ઉપયોગ કરવાનું નક્કી થયું છે.

બીજી બાજુ, માસ્ટરકાર્ડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નાણાકીય કૌભાંડો રોકવા માટે ફીડઝાઈ નામની કંપની સાથે સહકાર સાધ્યો છે. વિશ્વભરના ક્રીપ્ટોકરન્સીના કરોડો ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટે આ સહયોગ કરવામાં આવ્યો છે.

નાફેડ દ્વારા શહેરનાં 15 સ્થળોએ રાહત દરે ડુંગળીનું વેચાણ

અમદાવાદઃ ડુંગળીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થવાને કારણે આમ આદમી હેરાન-પરેશાન છે, ત્યારે રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા રાહત દરે ડુંગળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ ફરતા થયા છે, જેમાં સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ડુંગળીના અસહ્ય ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે, તો વિવિધ હોટલો, ખાણી-પીણી લારીઓ પર પણ ડુંગળીના બદલે અન્ય સલાડ આપવામાં આવી રહ્યું છે. માર્કેટમાં રૂપિયા 60થી 70ના ભાવે મળતી પ્રતિ કિલો ડુંગળી લોકોને રડાવી રહી છે, ત્યારે લોકોને રાહત દરે ડુંગળી આપવા ગુજરાત સરકાર અને નાફેડ દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં નાફેડના ડુંગળી ભરેલા ટેમ્પાઓ ફરતા થયા છે, જે નાગરિકોને સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ દ્વારા હાલ પ્રતિ કિલો રૂ. 25ના ભાવે ડુંગળીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાફેડના ટેમ્પાઓ દ્વારા વેચાણ કરવામાં આવતા કેન્દ્ર પરના એક કર્મચારીઓ જણાવ્યું હતું કે લોકોને રાહત દરે ડુંગળી મળી રહે એ માટે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. બજારમાં પ્રતિ કિલો 60થી 70 રૂપિયે ભાવ ચાલી રહ્યો છે, ત્યારે નાફેડ દ્વારા સસ્તા ભાવે 25 રૂપિયે કિલો ડુંગળી અપાતા નાગરિકોને પણ મોંઘવારી સામે આંશિક રાહત મળી છે. હાલ એક ટેમ્પા/ટ્રકમાં અંદાજે દોઢ ડન ડુંગળીનો જથ્થો હોય છે. અગાઉ નાફેડ દ્વારા સસ્તા ભાવે દાળનું વેચાણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

અમેરિકાએ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું, ભારતને ચેતવણી આપી

અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમણે અમેરિકામાં એક શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. આ મામલે ભારતને ચેતવણી પણ આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ષડયંત્રનું નિશાન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના નેતા ગુરપતવંત સિંહ પન્નુ હતા.

“યુએસ અધિકારીઓએ યુ.એસ.માં એક શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો,” ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT) એ બુધવારે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો.

‘આયુર્વેદના દુશ્મન’ ડોક્ટરો સામે લડી લેવાનો સ્વામી રામદેવનો સંકલ્પ

હરિદ્વારઃ પતંજલિ આયુર્વેદ કંપનીના સહ-સ્થાપક અને જાણીતા યોગગુરુ સ્વામી રામદેવે આજે અહીં પત્રકાર પરિષદ બોલાવી હતી અને એમાં તેઓ આયુર્વેદનો દુષ્પ્રચાર કરતા ડોક્ટરો વિરુદ્ધ રોષે ભરાયા હતા અને આક્રમક વલણ અપનાવ્યું હતું. એમણે કહ્યું કે, ‘આયુર્વેદ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને હું તથા મારા સહયોગીઓ આવા ડોક્ટરોના દુષ્પ્રચારનો પર્દાફાશ કરવાનું ચાલુ રાખીશું. એ માટે અમે ફાંસીની સજા આપવામાં આવે તો એ સ્વીકારવા પણ તૈયાર છીએ.’

બાબા રામદેવની આ કમેન્ટ ગઈ કાલે સુપ્રીમ કોર્ટની આકરી ટીકા બાદ આવી છે. સર્વોચ્ચ અદાલતે ઉત્પાદનોની ખોટી જાહેરખબરો કરવાના મુદ્દે પતંજલિ આયુર્વેદની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

રામદેવે આજે પત્રકારો સમક્ષ કહ્યું કે, ‘એલોપેથી ભલે શક્તિશાળી છે, એની ઘણી હોસ્પિટલો છે, ઘણા સંસાધનો છે અને મોટી લોબી છે, પરંતુ આયુર્વેદ પણ સમૃદ્ધ વારસો ધરાવે છે. આયુર્વેદ વિરુદ્ધ ખોટો પ્રચાર કરનારાઓ સામે લડવાનું અમે ચાલુ રાખીશું એની અમે પ્રતિજ્ઞા લઈએ છીએ.’ સુપ્રીમ કોર્ટે ખોટા દાવા અને જાહેરખબરોના મુદ્દે પતંજલિ કંપનીને ગઈ કાલે ચેતવણી આપી હતી. રામદેવે આજે કહ્યું કે, ‘હું અને મારી કંપની સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ, પણ જે લોકો આયુર્વેદ વિશે જુઠાણા ફેલાવે છે એમની સામે પગલું ભરવું જોઈએ. જો અમે જુઠ્ઠા છીએ તો અમને રૂ.1,000 કરોડનો દંડ કરો. અમે ફાંસીના માચડે ચડતા પણ ગભરાતા નથી. પરંતુ જો અમે જુઠ્ઠા છીએ તો એ લોકોને પણ સજા કરો જેઓ આયુર્વેદ વિશે ખોટો પ્રચાર કરે છે. છેલ્લા પાંચ વર્ષથી મલ્ટીનેશનલ કંપનીઓ મને અને પતંજલિને ટાર્ગેટ કરે છે. એમને ડર છે કે પતંજલિ એમની કમાણી ખાઈ રહી છે.’