ડેન્ગ્યૂ સામે સાવચેત રહેવાની પ્રશંસકોને ભૂમિ પેડણેકરની સલાહ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડણેકર ડેન્ગ્યૂની બીમારીનો શિકાર થઈ છે. તે હાલ અહીંની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એણે કહ્યું છે કે, ‘છેલ્લા આઠ દિવસથી હું તકલીફમાં હતી, પણ હવે ઘણું સારું છે.’ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘થેંક્યૂ ફોર કમિંગ’ની આ અભિનેત્રીએ હોસ્પિટલની પથારી પરથી પોતાની બે સેલ્ફી એનાં ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે: ‘એક ડેન્ગ્યૂ કે મચ્છરને મુઝે 8 દિન કા મેસિવ ટોર્ચર દે દિયા. પણ આજે સવારે જાગી ત્યારે ઘણું જ સારું લાગ્યું હતું તેથી સેલ્ફી ક્લિક કરી.’

34 વર્ષીય અભિનેત્રીએ તેની પોસ્ટમાં હોસ્પિટલનાં ડોક્ટરો તથા સ્ટાફનો આભાર માન્યો છે. તેણે પ્રશંસકોને સલાહ આપી છે કે, ‘આપ સહુ સંભાળજો, કારણ કે છેલ્લા અમુક દિવસો મને અને મારાં પરિવારજનો માટે અત્યંત કઠિન ગયા હતા. મચ્છર સામે રક્ષણ આપતા રીપેલન્ટ્સ હવે અત્યંત આવશ્યક છે. તમારી રોગપ્રતિકારક શક્તિ પણ બળવાન રાખજો. વધી ગયેલા પ્રદૂષણને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિને મોટો ફટકો પડ્યો છે. મારી ઓળખાણમાં છે એવા બીજા અમુક લોકોને પણ ડેન્ગ્યૂ થયો હતો. એક ઈન્વિઝીબલ વાઈરસને હાલત ખરાબ કર દી.’