રણબીર-રશ્મિકાની ‘એનિમલ’ ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ; 1 ડિસેમ્બરથી થિયેટરોમાં રિલીઝ

મુંબઈઃ રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘એનિમલ’ને સેન્સર બોર્ડે પાસ કરી છે, પણ એમાં હિંસા દર્શાવવામાં આવી હોવાથી એને ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત આ ફિલ્મનું ટ્રેલર નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. ફિલ્મમાં પિતાના પ્રેમ માટે તરસતા અને એને લીધે અંડરવર્લ્ડની દુનિયા તરફ ધકેલાઈ જતા પુત્રની વાર્તા છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે પિતા બલબીરસિંહ (અનિલ કપૂર) ધંધામાં વ્યસ્ત રહેતા હોવાથી પુત્ર (રણબીર કપૂર)થી દૂર રહે છે. આ પીડા પુત્રને નકારાત્મક બનવા પ્રેરિત કરે છે. પરંતુ એ પિતાથી નારાજ થવાને બદલે એમને અધિક પ્રેમ કરે છે.

ફિલ્મમાં પિતા-પુત્ર વચ્ચેના કડવાશભર્યા અને જટિલ સંબંધને દર્શાવવામાં આવ્યો છે. રણબીર આદર્શ પુત્ર બનવા માટે તેનાથી બનતું શ્રેષ્ઠ કરે છે. ફિલ્મ વળાંક ત્યારે લે છે જ્યારે પિતા પર ગોળીબાર કરાય છે અને ત્યાંથી પુત્રની શરૂ થાય છે બદલો લેવાની સફર. તે એક સીધાસાદા છોકરામાંથી ખૂંખાર હિંસક ગેંગસ્ટર બની જાય છે. ફિલ્મમાં બોબી દેઓલે નકારાત્મક ભૂમિકા ભજવી છે. રશ્મિકા રણબીરની પત્ની બની છે, પણ રણબીર એના પિતાની અંધભક્તિ કરે એ તેને પસંદ નથી. ફિલ્મમાં એવો રક્તપાત બતાડવામાં આવ્યો છે કે દેશી દર્શકો મોટા સ્ક્રીન પર એવું જોવા ટેવાયેલા નથી. હુમલાખોરોને રણબીર કુહાડીથી જે રીતે મોતને ઘાટ ઉતારે છે તે દ્રશ્યોની પ્રેરણા કોરિયન ફિલ્મ ‘ઓલ્ડબોય’માંથી લેવામાં આવી હોય એવું લાગે છે. રણબીર કપૂરે જ કહ્યું છે કે,’ એનિમલ’ ફિલ્મનું પાત્ર પોતે એની જિંદગીમાં અત્યાર સુધીમાં ભજવેલું સૌથી જટિલ અને અવળું છે.

આ ફિલ્મ 3 કલાક અને 21 મિનિટ લાંબી છે. તે આવતી 1 ડિસેમ્બરથી થિયેટરોમાં રિલીઝ થવાની છે. જુઓ ફિલ્મનું ટ્રેલર અને ગીત.