‘આયુર્વેદના દુશ્મન’ ડોક્ટરો સામે લડી લેવાનો સ્વામી રામદેવનો સંકલ્પ

હરિદ્વારઃ પતંજલિ આયુર્વેદ કંપનીના સહ-સ્થાપક અને જાણીતા યોગગુરુ સ્વામી રામદેવે આજે અહીં પત્રકાર પરિષદ બોલાવી હતી અને એમાં તેઓ આયુર્વેદનો દુષ્પ્રચાર કરતા ડોક્ટરો વિરુદ્ધ રોષે ભરાયા હતા અને આક્રમક વલણ અપનાવ્યું હતું. એમણે કહ્યું કે, ‘આયુર્વેદ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને હું તથા મારા સહયોગીઓ આવા ડોક્ટરોના દુષ્પ્રચારનો પર્દાફાશ કરવાનું ચાલુ રાખીશું. એ માટે અમે ફાંસીની સજા આપવામાં આવે તો એ સ્વીકારવા પણ તૈયાર છીએ.’

બાબા રામદેવની આ કમેન્ટ ગઈ કાલે સુપ્રીમ કોર્ટની આકરી ટીકા બાદ આવી છે. સર્વોચ્ચ અદાલતે ઉત્પાદનોની ખોટી જાહેરખબરો કરવાના મુદ્દે પતંજલિ આયુર્વેદની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

રામદેવે આજે પત્રકારો સમક્ષ કહ્યું કે, ‘એલોપેથી ભલે શક્તિશાળી છે, એની ઘણી હોસ્પિટલો છે, ઘણા સંસાધનો છે અને મોટી લોબી છે, પરંતુ આયુર્વેદ પણ સમૃદ્ધ વારસો ધરાવે છે. આયુર્વેદ વિરુદ્ધ ખોટો પ્રચાર કરનારાઓ સામે લડવાનું અમે ચાલુ રાખીશું એની અમે પ્રતિજ્ઞા લઈએ છીએ.’ સુપ્રીમ કોર્ટે ખોટા દાવા અને જાહેરખબરોના મુદ્દે પતંજલિ કંપનીને ગઈ કાલે ચેતવણી આપી હતી. રામદેવે આજે કહ્યું કે, ‘હું અને મારી કંપની સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ, પણ જે લોકો આયુર્વેદ વિશે જુઠાણા ફેલાવે છે એમની સામે પગલું ભરવું જોઈએ. જો અમે જુઠ્ઠા છીએ તો અમને રૂ.1,000 કરોડનો દંડ કરો. અમે ફાંસીના માચડે ચડતા પણ ગભરાતા નથી. પરંતુ જો અમે જુઠ્ઠા છીએ તો એ લોકોને પણ સજા કરો જેઓ આયુર્વેદ વિશે ખોટો પ્રચાર કરે છે. છેલ્લા પાંચ વર્ષથી મલ્ટીનેશનલ કંપનીઓ મને અને પતંજલિને ટાર્ગેટ કરે છે. એમને ડર છે કે પતંજલિ એમની કમાણી ખાઈ રહી છે.’