Home Blog Page 2308

રતિ અગ્નિહોત્રીએ પહેલી ફિલ્મ જતી ના કરી

હિન્દી ફિલ્મોમાં ‘એક દૂજે કે લિયે’ (૧૯૮૧) થી શરૂઆત કરનાર રતિ અગ્નિહોત્રીને માત્ર સોળ વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ ‘પુથિયા વારપુગલ’ (૧૯૭૯) થી અચાનક અભિનેત્રી તરીકે તક મળતા એને જવા દીધી ન હતી અને પર્દાર્પણ કર્યું હતું. રતિએ દસ વર્ષની ઉંમર સુધી મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. નોકરીમાં પિતાની બદલી થતાં ચેન્નઈમાં આવીને વસ્યા હતા. રતિ સ્કૂલમાં રમતગમત ઉપરાંત નાટક વગેરે પ્રવૃત્તિમાં પણ અગ્રેસર હતી. સ્વીમિંગ વગેરે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતી હતી. રતિના વાળ લાંબા હતા એટલે શેમ્પૂ વગેરેની મોડેલ તરીકે કામ કરવા લાગી હતી. ફિલ્મોમાં ક્યારેય કામ કરવાનું વિચાર્યું ન હતું. એ ડૉક્ટર બનવા માગતી હતી. તે ફિલ્મી પરિવારમાંથી આવતી ન હતી અને બીજું કે પિતા આ ક્ષેત્ર માટે સારો પ્રતિભાવ ધરાવતા ન હતા.

રતિએ દસમા ધોરણની પરીક્ષા આપી એ પછી શાળામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રતિ પહેલાંથી જ આવા કાર્યક્રમોમાં નાટ્ય કૃતિ રજૂ કરતી હતી. એ સાથે આયોજન કરવા સ્કૂલ માટે દાન પણ ઉઘરાવી લાવતી હતી. શાળામાં નાટ્ય દિવસની ઉજવણી પ્રસંગેના એ કાર્યક્રમમાં એક નાટક રજૂ થયું હતું. જેમાં રતિએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ત્યારે એ સ્કૂલમાં પોતાની પુત્રી ભણતી હોવાથી દક્ષિણના જાણીતા નિર્માતા- નિર્દેશક ભારતીરાજા કાર્યક્રમ જોવા હાજર રહ્યા હતા. તે પોતાની આગામી ફિલ્મ માટે છોકરીની શોધમાં હતા અને રતિ એમને એ માટે યોગ્ય લાગી હતી. એના અભિનયથી ભારતીરાજા બહુ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી પોતાની પુત્રીને વાત કરી હતી અને શાળાના શિક્ષિકા કે અન્ય કોઈ પાસેથી રતિના ઘરનો ફોન નંબર મેળવી લીધો હતો.

રતિને વેકેશન પડી ગયું હોવાથી ઘરે જ હતી. એક દિવસ તેઓ જમવા બેઠા હતા ત્યારે લેન્ડલાઇન પર કોઈનો ફોન આવ્યો અને એમની સાથે પિતા ગુસ્સામાં બોલ્યા:‘અગ્નિહોત્રી પરિવારની કોઈ છોકરી ફિલ્મોમાં કામ કરશે નહીં.’ ત્યારે રતિને થયું કે એની મોટી બહેન માટે કોઈનો ફોન આવ્યો હશે. એ ફોન પર વાત કરીને આવ્યા અને પત્નીને પણ ગુસ્સામાં કહ્યું:‘તને ખબર છે? રતિ માટે ફિલ્મની ઓફર આવી છે. અગ્નિહોત્રી પરિવારની છોકરી ફિલ્મોમાં બિલકુલ કામ કરી શકે નહીં.’ ત્યારે રતિને ખબર પડી કે એના માટે ફિલ્મની ઓફર આવી છે. એ ખુશીથી ઉછળી પડી હતી.

કિશોર વયની રતિ હીરોઈન બનવાની કલ્પનાથી ઉત્સાહમાં આવી ગઈ હતી અને પિતાને કામ કરવા દેવા વિનંતી કરવા લાગી હતી. જુનવાણી વિચારના પિતા પહેલાં તો માન્યા જ ન હતા. પણ રતિએ સમજાવ્યું કે તેને બે મહિનાનું વેકેશન છે અને તે બીજા કોઈ ક્લાસ કરતી નથી. સ્વીમીંગમાં તે ઘણું શીખી ચૂકી છે. અને ફિલ્મનું શૂટિંગ એક જ મહિનામાં પૂરું થવાનું છે. તેને અભિનયમાં શોખ છે તો આ તક ઝડપી લેવા દો. રતિ જિદ્દી હતી તે પિતાને મનાવીને જ રહી હતી અને તમિલ ફિલ્મ ‘પુથિયા વારપુગલ’ ની હીરોઈન બની ગઈ. ફિલ્મ સુપરહિટ રહી. બધાને એ વાતની નવાઈ લાગી હતી કે રતિ પંજાબી હોવા છતાં તમિલમાં સારું કામ કર્યું છે. એ કારણે તમિલની ઘણી ફિલ્મો મળતી રહી. એ પછી દક્ષિણના નિર્દેશક કે. બાલાચંદરની હિન્દી ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ માં કમલ હસન સાથે કામ કર્યા પછી હિંદીમાં વધુ ફિલ્મો કરી અને દાયકાઓ સુધી અભિનયમાં પાછા વળીને જોવું પડ્યું ન હતું.

રાશિ ભવિષ્ય 25/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિક નાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે,  વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 25/11/2023

મુંબઈ એરપોર્ટને ફૂંકી મારવાની ધમકી આપનારને કેરળમાંથી પકડ્યો

મુંબઈઃ ‘48 કલાકની અંદર 10 લાખ ડોલર બિટકોઈનમાં આપો નહીં તો મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2ને બોમ્બથી ઉડાવી દઈશું’ એવી ગઈ કાલે ઈમેલ મારફત ધમકી આપનારને મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓએ કેરળમાંથી પકડી લીધો છે. ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ મહારાષ્ટ્ર એટીએસને સોંપી હતી. એટીએસ અમલદારોએ શોધી કાઢ્યું હતું કે આરોપી તિરુવનંતપુરમ છે. એમણે ત્યાં જઈને આરોપીને પકડી લીધો છે.

મુંબઈ પોલીસે કહ્યું હતું, આ ધમકી સહાર પોલીસના ઈમેલ આઈડી પર મળી હતી. આ ધમકી quaidacasrol@gmail.com આઈડીનો ઉપયોગ કરીને મોકલવામાં આવી હતી. પોલીસે ભારતીય ફોજદારી કાયદાની કલમ 385 (જબરદસ્તીથી પૈસા વસૂલ કરીને કોઈને ઈજા પહોંચાડવાનો ડર બતાવવો) અને 505 (1) (બી) (જનતામાં ડર પેદા કરવા અથવા સાર્વજનિક શાંતિ વિરુદ્ધ ભય પેદા કરવાના ઈરાદે નિવેદન કરવા) અંતર્ગત અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ ઈમેલ ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની સંચાલક કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડની પેટાકંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ના ફીડબેક ઈનબોક્સમાં મોકલવામાં આવી હતી. ઈમેલમાં લખવામાં આવ્યું હતું: ‘વિષયઃ બ્લાસ્ટ. આ તમારા એરપોર્ટ માટે આખરી ચેતવણી છે. જો એડ્રેસ પર બિટકોઈનમાં 10 લાખ ડોલર ટ્રાન્સફર નહીં કરાય તો અમે 48 કલાકમાં ટર્મિનલ-2ને વિસ્ફોટ કરીને ઉડાવી દઈશું. એક વધુ એલર્ટ 24 કલાક પછી આવશે.’

આ ધમકીને ગંભીરતાથી લઈને એરપોર્ટ તથા આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસે જે આઈપી એડ્રેસ પરથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેનો પતો લગાવી લીધો છે.

નવા વર્ષના આરંભે મુંબઈગરાઓને મળશે મેટ્રો-3ની ભેટ

મુંબઈઃ વર્ષ 2024ના આરંભે મુંબઈવાસીઓને એક વધુ મેટ્રો લાઈનનો લાભ મળતો થશે. કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ વિસ્તારોને જોડતી ‘મેટ્રો લાઈન-3’ જેને ‘એક્વા લાઈન’ તરીકે પણ ઓળખવામાં આવશે આવતા વર્ષના આરંભમાં શરૂ થવાની ધારણા છે. આ લાઈન શરૂ થવાથી ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં વસતા લોકોને ઘણી રાહત થશે. આ લાઈનના પ્રથમ ચરણનું ઉદઘાટન વર્ષારંભે કરાશે. દક્ષિણ મુંબઈના નેવી નગરથી ઉત્તર મુંબઈના આરે ડેપો સુધીની આ 34 કિલોમીટર લાંબી લાઈન પર કુલ 37 સ્ટેશન હશે. એમાં વચ્ચે બાન્દ્રા, બીકેસી, સીપ્ઝ (સાંતાક્રૂઝ) પણ વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. પ્રથમ ચરણમાં અંધેરી-એમઆઈડીસી મેટ્રો સ્ટેશનનું કામ લગભગ પૂરું થઈ ગયું છે તેથી નવા વર્ષથી મુંબઈગરાઓને નવી મેટ્રોમાં પ્રવાસ કરવા મળશે. મુંબઈની આ પહેલી જ ભૂગર્ભ મેટ્રો હશે.

(તસવીર સૌજન્યઃ @AshwiniBhide)

મેટ્રો-3 લાઈનનું બાંધકામ મહારાષ્ટ્ર સરકાર સંચાલિત મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કરી રહી છે. આ લાઈન પર કોલાબાથી બાન્દ્રા સુધીનો રૂટ અન્ડરગ્રાઉન્ડ છે. આ લાઈન ચાલુ થયા બાદ દરરોજ આશરે સાડા ચાર લાખ વાહન ફેરી ઘટી જવાની ધારણા રખાય છે. મતલબ કે ટ્રાફિક બોજો સારો એવો ઘટી જશે અને વાયુ પ્રદૂષણ પણ ઘટશે. રસ્તાઓ પર વાહનો ઓછા થવાથી પ્રદૂષિત કાર્બન વાયુનું પ્રમાણ સારું એવું ઘટી જશે.

સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મામલામાં આદેશ સુરક્ષિત રાખ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અદાણી- હિંડનબર્ગ મામલાની તપાસ પર ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટે બધા પક્ષોને સોમવાર સુધી દલીલો જમા કરવાનો આદેશ આપ્યો હતો. આ સુનાવણી દરમ્યાન એ વાત પર ચર્ચા થઈ હતી કે ભવિષ્ય માટે શેરબજારનાં કામકાજને કેવી રીતે સારું બનાવી શકાય. 

અદાણી હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ખંડપીઠે મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે હાલની સ્થિતિમાં તેઓ હિંડનબર્ગના રિપોર્ટને સત્ય માની શકે નહીં. હાલમાં અદાલત પાસે તે અહેવાલની સત્યતા ચકાસવા માટે કોઈ સાધન નથી, તેથી સેબીને આ બાબતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. એ અલગ વાત છે કે અરજદારો આનાથી નારાજ છે, તેમની તરફથી કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સેબીને આ મામલાની પહેલેથી જ જાણ છે, તેણે તપાસ પણ કરી છે, પરંતુ કોઈ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી.

અરજદાર પક્ષની દલીલો પર સર્વોચ્ચ અદાલતે એવુ પણ કહ્યું છે, કે જો તપાસ થઈ છે તો તેના પુરાવા ક્યાં છે?  સેબીની તપાસ પર કયા આધારે સવાલો ઊઠી રહ્યા છે?  જોકે સુનાવણીમાં પ્રશાંત ભૂષણે સેબી પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે આ પૈસા દુબઈ અને મોરેશિયસમાં ગેરકાયદે રીતે મોકલવામાં આવ્યા હતા, પાછળથી આ જ પૈસાનું અદાણીના શેરમાં પણ રોકાણ કરવામાં આવ્યું હતું. સેબીએ આ પાસાઓ પર કોઈ તપાસ કરી નથી. તેના પર સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે જો આવું હોય તો પણ તપાસ સેબીના બદલે DRI દ્વારા થવી જોઈએ.

 

 

 

 

 

આઇસી15 ઇન્ડેક્સમાં 426 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત બીજા દિવસે વૃદ્ધિ થઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.89 ટકા (426 પોઇન્ટ) વધીને 47,989 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,563 ખૂલીને 48,084ની ઉપલી અને 46,781 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના સોલાના સિવાયના તમામ કોઇન વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ડોઝકોઇન, ઈથેરિયમ, કાર્ડાનો અને અવાલાંશમાં 1થી 3 ટકાની વૃદ્ધિ થઈ હતી.

એક નોંધનીય ઘટનામાં ભારતની સૌથી મોટી બેન્ક – સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ગત ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના નવ લાખ કરતાં વધુ વ્યવહારો થઈ ચૂક્યા છે. બેન્કે સીબીડીસીના એના પ્રાયોગિક ઉપયોગમાં આશરે 40,000 વેપારીઓને આવરી લીધા છે. બીજી બાજુ, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે ક્રીપ્ટોકરન્સી માટે વધુ ચુસ્ત ધારાધોરણો ઘડવાનું નક્કી કર્યું છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૪ નવેમ્બર, ૨૦૨૩


ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૪ નવેમ્બર, ૨૦૨૩

આખા યૂરોપમાં એમેઝોન વિરુદ્ધ હડતાળ-વિરોધ; ‘બ્લેક ફ્રાઈડે’ના દિવસે કંપનીનો ધંધો ઠપ

લંડનઃ અમેરિકાની ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એમેઝોન તેના કર્મચારીઓનો પગાર વધારે એવી માગણીના ટેકામાં આજે આખા યૂરોપમાં કંપનીની કાર્યપદ્ધતિ સામે વિરોધ થયો છે. ગ્રાહકો દ્વારા તેની સેવાનો બહિષ્કાર કરાયો છે અને કંપનીના કર્મચારીઓ હડતાળ પર ગયા છે. યૂએનઆઈ ગ્લોબલ યૂનિયન દ્વારા એક સંકલિત ઝુંબેશ આદરવામાં આવી છે – ‘મેક એમેઝોન પે’ આ પ્રચાર અંતર્ગત યૂરોપના 30થી વધારે દેશોમાં હડતાળ અને વિરોધ થઈ રહ્યો છે. અમેરિકામાં ગઈ કાલે ‘રાષ્ટ્રીય થેંક્સગિવિંગ હોલીડે’ની ઉજવણી કરવામાં આવી હતી, પણ આજે આખા યૂરોપમાં એમેઝોન વિરુદ્ધ બ્લેક ફ્રાઈડે મનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે, થેંક્સગિવિંગ હોલીડેને કારણે તો ગ્રાહકો વધારે ખરીદી કરતા હોય છે અને તે મૂડ અઠવાડિયા સુધી ચાલતો હોય છે. આને કારણે ઘણા રીટેલરો વેચાણ વધારવા માટે કિંમતમાં કાપ મૂકતા હોય છે. અમેરિકામાં તો મોટા સ્ટોર્સમાં ગ્રાહકોની ભીડ જામતી હોય છે, લાંબી લાઈનો લાગતી હોય છે.

અહેવાલો અનુસાર, જર્મનીમાં એમેઝોનના આશરે 750 કર્મચારીઓ પગારવધારાની માગણી માટે એક દિવસની હડતાળ પર ઉતરી ગયા છે. બ્રિટનના કોવેન્ટ્રીમાં એમેઝોનના વેરહાઉસ ખાતે 200 કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. ફ્રાન્સમાં પણ એમેઝોનના ધંધાને માઠી અસર પડી છે. ઈટાલીમાં પણ કામદારોના સંગઠને બ્લેક ફ્રાઈડે મનાવવાનું નક્કી કર્યું છે. સ્પેનમાં કામદારોના યૂનિયને એમેઝોનના દસ દિવસના વેચાણના આખરી દિવસ, સોમવારે કંપનીના વેરહાઉસ અને ડિલિવરી કામદારો માટે દરેક શિફ્ટમાં એક-કલાકની હડતાળ પાડવાનું એલાન કર્યું છે.

એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે અમે કર્મચારીઓને ઉચિત પગાર આપીએ છીએ. એમને પ્રતિ કલાક 14 યૂરો (15.27 ડોલર)નો સ્ટાર્ટિંગ પગાર તથા અતિરિક્ત લાભો આપીએ છીએ. કર્મચારીઓની માગણી છે કે એમને પ્રતિ કલાક 18.69 ડોલરનો પગાર આપવામાં આવે અને કામકાજની પરિસ્થિતિ બેહતર કરવામાં આવે.

રાજ્યમાં ઠંડીમાં વધારોઃ માવઠાને લીધે ગાજવીજ વરસાદની શક્યતા

અમદાવાદ: રાજ્યમાં હાલના તાપમાનમાં ઘટાડો થયો છે, પણ ઠંડીનો ચમકારો આવતાં પહેલાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવેમ્બરમાં રાજ્યમાં ભારે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગઈ કાલ રાતથી રાજ્યમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે. આ ફેરફારને કારણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમ વાર અમદાવાદમાં ઠંડીનો પારો 16 ડિગ્રીએે પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં પણ ઠંડીનો પારો બે ડિગ્રી ઘટી 16 ડિગ્રી નોંધાયો હતો. તો સુરતમાં પણ પારો બે ડિગ્રી ઘટી 19.6 થતાં ઠંડી વધી ગઈ છે. સૌથી વધુ ઠંડી હાલ નલિયામાં જણાઈ રહી છે.હવામાન વિભાગ પ્રમાણે  બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર-સોમનાથ, કચ્છ અને દીવના જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડાં સ્થળો, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંતના બાકીના વિસ્તારોમાં જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.