સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મામલામાં આદેશ સુરક્ષિત રાખ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અદાણી- હિંડનબર્ગ મામલાની તપાસ પર ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટે બધા પક્ષોને સોમવાર સુધી દલીલો જમા કરવાનો આદેશ આપ્યો હતો. આ સુનાવણી દરમ્યાન એ વાત પર ચર્ચા થઈ હતી કે ભવિષ્ય માટે શેરબજારનાં કામકાજને કેવી રીતે સારું બનાવી શકાય. 

અદાણી હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ખંડપીઠે મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે હાલની સ્થિતિમાં તેઓ હિંડનબર્ગના રિપોર્ટને સત્ય માની શકે નહીં. હાલમાં અદાલત પાસે તે અહેવાલની સત્યતા ચકાસવા માટે કોઈ સાધન નથી, તેથી સેબીને આ બાબતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. એ અલગ વાત છે કે અરજદારો આનાથી નારાજ છે, તેમની તરફથી કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સેબીને આ મામલાની પહેલેથી જ જાણ છે, તેણે તપાસ પણ કરી છે, પરંતુ કોઈ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી.

અરજદાર પક્ષની દલીલો પર સર્વોચ્ચ અદાલતે એવુ પણ કહ્યું છે, કે જો તપાસ થઈ છે તો તેના પુરાવા ક્યાં છે?  સેબીની તપાસ પર કયા આધારે સવાલો ઊઠી રહ્યા છે?  જોકે સુનાવણીમાં પ્રશાંત ભૂષણે સેબી પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે આ પૈસા દુબઈ અને મોરેશિયસમાં ગેરકાયદે રીતે મોકલવામાં આવ્યા હતા, પાછળથી આ જ પૈસાનું અદાણીના શેરમાં પણ રોકાણ કરવામાં આવ્યું હતું. સેબીએ આ પાસાઓ પર કોઈ તપાસ કરી નથી. તેના પર સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે જો આવું હોય તો પણ તપાસ સેબીના બદલે DRI દ્વારા થવી જોઈએ.