Home Blog Page 2307

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં 24.74 ટકા મતદાન

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની 199 બેઠકો માટે મતદાન સવારથી શરૂ થઈ ગયું છે. વિધાનસભાની 199 બેઠકો પર 1863 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ થશે. રાજસ્થાનમાં સવારે 11 કલાક સુધી 24.74 ટકા મતદાન થયું હતું. મુખ્ય મંત્રી અશોક ગહેલોતે જોધપુરમાં મતદાન કર્યું હતું. તેમણે મતદાન પછી જીતવાનો વિશ્વાસ દર્શાવતાં કહ્યું હતું કે રાજ્યમાં ફરી એક વાર કોંગ્રેસની સરકાર બનશે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) તરફથી સંયુક્ત રૂપે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ચૂંટણીમાં 1875 ઉમેદવારોમાંથી આશરે 17 ટકાએ ગુનાઇત કેસો જાહેર કર્યા છે, જેમાં 36 ઉમેદવારો પર બળાત્કાર સહિત મહિલાઓની વિરુદ્ધ ગુનાના આરોપ છે.  વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સુવ્યવસ્થિત પૂરી કરવા માટે 1,70,000થી વધારે સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જેમા રાજસ્થાન પોલીસના 70,000થી વધારે જવાન, 18,000  રાજસ્થાન હોમગાર્ડ, 2000 રાજસ્થાન બોર્ડરના હોમગાર્ડ અને અન્ય રાજ્યોના 16,000 હોમગાર્ડ તેમ જ આરએસીની 120 કંપનીઓ સામેલ છે.

મતદાન કેન્દ્ર પર અથડામણ

રાજસ્થાનના ચુરુમાં મતદાન દરમિયાન એક મતદાન કેન્દ્ર પર અથડામણની ઘટના બની છે. એક પોલિંગ એજન્ટનો આરોપ છે કે ત્યાંના 4-5 લોકોએ તેના પર હુમલો કર્યો અને તેમને ઈજા પહોંચાડી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી છે.

રાજસ્થાનમાં 11 વાગ્યા સુધી 24.74 ટકા મતદાન

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં અજમેર- 23.43 %, અલવર- 26.15 %, બાંસવાડા- 26.37 %, બારાબંકી  28.91 %, બાડમેર- 22.11 %, ભરતપુર- 27 %, ભીલવાડા- 23.85 %, બિકાનેર- 24.52 %, બુંદી- 25.42 %, ચિત્તૌડગઢ- 24.87 %, ચુરુ- 25.09 %, દૌસા- 22.73 %, ધૌલપુર- 30.25 % ડુંગરપુર- 22.82 %, હનુમાનગઢ- 29.16 %, જયપુર- 25.19 %, જેસલમેર- 25.24 %, જાલોર- 23.24 %, ઝાલાવાડ- 28.48 %, ઝુનઝુનુ- 24.57 %, જોધપુર- 22.58 %, કરૌલી- 24.61 %, કોટા- 26.97 %, નાગૌર- 23.63 %, પોલી- 22.66 %, પ્રતાપગઢ- 22.40 % રાજસમંદ- 21.98 %, સવાઈ માધોપુર- 24.32 %, સીકર- 25.02 %, સિરોહી- 24.19 %, ટોંક – 25.16 %  અને ઉદયપુરમાં- 21.07 % મતદાન થયું હતું.

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા એ જયપુરમાં એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં લોકોને મતદાન કરવા અપીલ કરી.

સચિન પાઇલટ, વસુંધરા રાજે સહિત નેતાઓએ મતદાન કર્યું

કોંગ્રેસના ઉમેદવાર સચિન પાયલોટ, રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના વસુંધરા રાજે સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું છે. મતદાનની પહેલા વસુંધરા રાજે મંદિરમાં દર્શન કરવા ગયા હતા.

 

 

 

 

ઊભરતા કલાકારોને યોગ્ય મંચ ઉપલબ્ધ માટેનું પ્લેટફોર્મ ‘અબિર’

અમદાવાદ: જાણીતા આર્ટિસ્ટ અને નેચરલ ડાઇ એક્સપર્ટ રુબી જાગ્રતના નવતર વિચારને પરિણામે રચાયેલા અબિરે  હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં શુક્રવારે તેના બહુપ્રતિક્ષિત 7મા વાર્ષિક આર્ટ શો અને એવોર્ડ સેરેમનીનું ઉદઘાટન કર્યું હતું. કળા જગતમાં નવા તરંગો ઉત્પન્ન કરતું અબિર કુદરતી પ્રતિભાઓને શોધવા, તેમને માર્ગદર્શન પૂરું પાડવા તથા વર્ચ્યુઅલ અને ભૌતિક બંને પ્રદર્શનો દ્વારા તેમને યોગ્ય મંચ ઉપલબ્ધ બનાવવા માટેનું સમર્પિત પ્લેટફોર્મ છે.

અબિરનું ધ્યેય આર્ટ કમ્યુનિટીને રચનાત્મક સંવાદમાં સાંકળવાની સાથે-સાથે જ આ સર્જનાત્મક પ્રયાસમાં અભિન્ન યોગદાન તરીકે વિચારો અને સૂચનોનું મૂલ્યાંકન કરવાનું છે. અબિરના વિઝનના હાર્દમાં કળાની ઉજવણી અને કલાકારો અને આશ્રયદાતાઓ વચ્ચે અર્થપૂર્ણ જોડાણોની સ્થાપના છે, જે સક્રિય રીતે ભારતના શહેરી અને ગ્રામીણ ખૂણામાંથી ઊભરતી પ્રતિભાઓને શોધી રહી છે.

આ પહેલ વિશે વાત કરતાં રુબી જાગ્રતે જણાવ્યું હતું કે  અબીર એ માત્ર એક મંચ નથી, પરંતુ એક સમૃદ્ધ સમુદાય છે, જે જીવનમાં પરિવર્તન લાવવાની કળાની શક્તિમાં વિશ્વાસ ધરાવે છે. અમે પ્રતિભાને પોષવા, કલાની ઉજવણી કરવા અને સર્જકોને આશ્રયદાતાઓ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છીએ. ફર્સ્ટ ટેક 2023 આર્ટ શો અને એવોર્ડ સમારંભ એ આપણા દેશમાં અતુલ્ય પ્રતિભાને ઓળખવા માટેનું એક મંચ છે. આ ઇવેન્ટને મળેલો જબરદસ્ત પ્રતિસાદ કલાની દુનિયામાં અબિરની વધતા જતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.

આ વર્ષની ઇવેન્ટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેમાં દેશભરના 466 જેટલા જિલ્લાઓમાંથી 2,800 આર્ટવર્ક સબમિટ કરવામાં આવ્યાં હતાં. આમાંથી, 93 અત્યંત પ્રતિભાશાળી કલાકારોને આર્ટ શો માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે 10 આર્ટવર્ક્સ પ્રતિષ્ઠિત ફર્સ્ટ ટેક 2023 એવોર્ડના વિજેતા તરીકે ઊભરી આવ્યા હતા.

પીએસપી પ્રોજેક્ટ્સના CMD અને CEO પ્રહલાદભાઈ પટેલે અતિથિ વિશેષ તરીકે એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહી એવોર્ડ વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ વર્ષની ઇવેન્ટ માટેની પ્રતિષ્ઠિત જ્યુરી પેનલમાં કલા જગતના મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં શંપા શાહ, અખિશ વર્મા, મુરલી ચીરોથ, ડો. નુઝહત કાઝમી અને વસુધા થોઝુરનો સમાવેશ થાય છે. મહત્વાકાંક્ષી કલાકારો તેમની રચનાઓ કળા જગતના વિશાળ સમુદાય સમક્ષ પ્રદર્શિત કરવા માટે સક્ષમ બને તે માટે તેમને સશક્ત બનાવવા માટે અબીર પ્રતિબદ્ધ છે. તે ડિજિટલ પ્રદર્શન, જૂથ પ્રદર્શનો અને માર્ગદર્શન માટે તકો ઉપલબ્ધ બનાવીને આ સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત, તે પુરસ્કારો અને નાણાકીય સહાય દ્વારા ઉભરતી પ્રતિભાઓને ટેકો આપે છે.

કોરાનાના 36 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,655 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,297 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,195 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 16 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 241 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,211 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 94 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ઈન્સ્ટન્ટ ખમણ સાથે દેશી ચટણી

ઈન્સ્ટન્ટ ખમણ સાથે દેશી ચટણી ગામ તરફની પારંપરિક રીત પ્રમાણે બનાવશો તો ખમણનો સ્વાદ તો બમણો થઈ જશે. ઉપરાંત રસોઈની આપણી પરંપરા પણ જળવાઈ રહેશે અને બાળકો પણ પિઝા, બર્ગરનો સ્વાદ છોડીને ઘરની રસોઈ ખાતાં થઈ જશે!

સામગ્રીઃ

  • મોગર દાળ 500 ગ્રામ
  • લીંબુનો રસ 7 ટે.સ્પૂન અથવા ખાટી છાશ 1 કપ
  • 8-10 લીલા મરચાં
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર ½ ટી.સ્પૂન
  • ઈનો પાવડર 2 ટી.સ્પૂન
  • લીલા નાળિયેરનું ખમણ 2 કપ

ચટણી માટેઃ

  • 7-8 લીલાં મરચાં
  • લીલા નાળિયેરના ટુકડા 1 કપ
  • કાકડી અડધી
  • લીંબુનો રસ 2
  • 8-10 લીલા મરચાંના ટુકડા
  • એક કાચું લીલું ટામેટું

રીતઃ મોગર દાળને 2-3 પાણીએથી ધોઈને પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ એ પાણી કાઢીને ફરીથી 2 પાણીએથી ધોઈને તેને મિક્સીમાં બારીક પીસી લેવી. હવે તેમાં 5 ટે.સ્પૂન લીંબુનો રસ નાખો અને લીલા મરચાંને ઝીણાં સમારીને નાખો. હળદર નાખીને મીઠું પણ સ્વાદ મુજબ ઉમેરીને 5 મિનિટ માટે ઢાંકી રાખો.

ઢોકળા બાફવાના વાસણમાં પાણી ઉકાળવા મૂકી દો. પાણી ઉકળવા માંડે એટલે ખમણના ખીરામાં 2 ટી.સ્પૂન ઈનો પાઉડર નાખી તેની ઉપર 2 ટી.સ્પૂન લીંબુનો રસ નાખીને મિશ્રણને એકસરખું 1 મિનિટ માટે હલાવીને તેલ ચોપડેલી થાળીમાં રેડી દો. આ થાળી બાફવા માટે મૂકીને વાસણ ઢાંકી દો. 25 મિનિટ બાદ ચપ્પૂથી તપાસી જુઓ, જો ચપ્પૂ ચોખ્ખું બહારી નીકળી આવે એટલે કે, ચપ્પૂ પર ખમણનું ખીરું ચોંટ્યું ના હોય તો ખમણ તૈયાર છે. ખમણની થાળી નીચે ઉતારી લો. 2 મિનિટ બાદ ખમણના ચપ્પૂ વડે ચોરસ ટુકડા કટ કરી લો.

એક વઘારિયામાં 3 ટે.સ્પૂન તેલ ગરમ કરી 2 ટી.સ્પૂન રાઈ તતડાવો. આ વઘાર ખમણની થાળી પર રેડીને તવેથા વડે ફેલાવી દો. ત્યારબાદ વઘારિયામાં ફરીથી 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી લીલાં મરચાંના 2-2 ટુકડા કરી તે તેલમાં સાંતડી લો. મરચાં પર થોડું મીઠું તેમજ હળદર છાંટીને મિક્સ કરી લો. ખમણ ઉપર નાળિયેરનું ખમણ પણ ભભરાવી દો.

ચટણી માટે કોથમીર ધોઈને મોટા ટુકડામાં સમારીને મિક્સીમાં ઉમેરો, તેમાં કાકડીના ટુકડા લીંબુનો રસ, લીલાં નાળિયેરના ટુકડા, લીલાં મરચાના ટુકડા પણ ઉમેરો. કાચાં ટમેટાંના ટુકડા તેમજ થોડા રાંધેલાં ખમણના 4-5 ટુકડા મેળવીને, સ્વાદ મુજબ મીઠું ઉમેરી થોડું પાણી નાખીને ચટણી પીસી લો.

ખમણ પીરસતી વખતે થાળીમાં ચટણી તેમજ તેલમાં સાંતડેલા લીલાં મરચાંના ટુકડા પણ મૂકવા.

ગુલકંદ – ૨૫ નવેમ્બર, ૨૦૨૩

ગુલકંદ – ૨૫ નવેમ્બર, ૨૦૨૩

૨૫ નવેમ્બર, ૨૦૨૩

૨૫ નવેમ્બર, ૨૦૨૩

વાસ્તુ: ઘરનું દ્વાર વાયવ્યમાં હોય તો વિચારો વધુ આવે

શું તમે ક્યારેય ધર્મ પરિવર્તનનો વિચાર કર્યો છે? વિશ્વમાં સહુથી પહેલા ધર્મના નિયમ બન્યા એ નિયમો માનવ જાતિને સુવ્યવસ્થિત જીવન આપવા માટે બન્યા. કુદરત અને અન્ય જીવો સાથે સંતુલિત જીવનના નિયમો જે માણસને સુખી બનાવવા સક્ષમ હોય એ નિયમોને ધાર્મિક નિયમો કહેવામાં આવતા. જેમાં દરેક પદાર્થ અથવા જીવનું એક ચોક્કસ સ્થાન છે અને તેમને સન્માન આપવું જરૂરી છે એની સમજણ હતી. જે તત્વો જીવન સાથે જોડાયેલા હતા એની પૂજા થતી હતી. આહાર, વિહાર અને વિચાર ત્રણેયની સાચી સમજણ પણ એમાં હતી. એમાં વિજ્ઞાન, તત્વજ્ઞાન અને સમાજ વિજ્ઞાન પણ જોવા મળે છે. આ ધર્મના કોઈ અધિપતિ ન હતા. કે પોતાને મોટા દેખાડવાની ક્યાંય હોડ પણ ન હતી. જો આ ધર્મનું પરિવર્તન કરીએ તો પછી માણસ તરીકે જીવવાના નિયમો બદલાય. આવું તો કોને ગમે? આપણા આવાજ નિયમોમાંના રહેણાંક સાથે જોડાયેલા નિયમો એટલે વાસ્તુ નિયમો. જે પોતાના મકાન થકી સુખી થવાના નિયમોનું જ્ઞાન આપે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: મને ક્યારેક એવું થાય છે કે મારે ધર્મ બદલી નાખવો છે. ક્યારેક એવું થાય છે કે કોઈ એવી જગ્યાએ જતી રહું જ્યાં સાચા નિયમોથી જીવતા લોકો મળે. દુર ક્યાંક જંગલમાં, સાવ એવા વાતાવરણમાં જ્યાં પ્રદુષણ નથી, જ્યાં માનવ મન પણ સાફ છે. ભલે એમની પાસે ધન વૈભવ નથી પણ જીવનનું સુખ અને સમજણ છે. સ્વાર્થી માણસો અને ધતીગો થી હું થાકી ગઈ છુ. આ રીલ્સની દુનિયામાં સાવ અજ્ઞાની માણસ પણ જ્ઞાન દર્શાવી શકે છે. અને સાચું ખોટું જાણ્યા વિના બધા મંડી પડે છે. આપણી પૌરાણિક વાર્તાઓને સમજ્યા વિના કોઈ પણ તર્ક સાથે રજુ થઇ રહી છે. વિવિધ ધર્મના લોકો પોતાની લીટી મોટી કરવા ભાગી રહ્યા છે. જેમણે સંસાર છોડ્યાનો દાવો કરે છે એમનાથી માયા છૂટતી નથી. સંતો કરોડોના આશ્રમો માં રહે છે. આ ક્યાંનો સન્યાસ છે? ગુરુત્વ ધરાવતા ગુરુ ઘટી ગયા છે. તમારા પર વિશ્વાસ છે. તમે સાચી સલાહ આપો એવી અપેક્ષા છે.

જવાબ: બહેન શ્રી. આપણા દેશમાં આત્માને મહત્વ આપવામાં આવ્યું છે. હું તમારી થાળીમાં એક હજાર વાનગી મુકું તો તમે એમાંથી કેટલી ખાઈ શકશો? જે તમને સહુથી વધારે પ્રિય છે એ પહેલા લેશો. આ જ રીતે આપણી આસપાસ ઘણું બધું ન ગમતું થતું હશે. એની સામે થોડુક આપણને ગમતું પણ થતું હશે. બસ, એના તરફ નજર કરો. આજના સમાજની દિશા ભૌતિકતા ભણી વધારે જોવા મળે છે. જેમાં તમારા જેવા લાગણી પ્રધાન લોકો વિચલિત થાય એવું બની શકે. પણ શું તમે આ બધું બદલવા સક્ષમ છો? વળી ધર્મ એટલે જીવવાના નિયમો. બની શકે અન્યના એ નિયમોની સમજણ અલગ હોય. તમે જેને ધર્મ માંનો છો એને માની અને ચાલ્યા કરો. કોઈ અન્ય વિચારધારા સાથે જોડાવાથી તમે તમારા મૂળભૂત વિચારો બદલી શકશો? તમારા ઘરનું દ્વાર વાયવ્યમાં છે. તેથી વિચારો વધારે આવે છે. દરરોજ શિવપૂજા કરો. વહેલા ઉઠો અને પાણી વધારે પીવો. ચોક્કસ સારું લાગશે.

સુચન: સારા કર્મોથી પણ સકારાત્મક ઉર્જા મળે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

ધનવાન બનવાનો રામબાણ ઉપાય

ભાગવત પુરાણના પુસ્તક ક્ર. 10ના અધ્યાય 22નો 35મો શ્લોક સમાજનું ઋણ ચૂકવવાનો બોધ આપે છે. કોઈકે સાચું જ કહ્યું છે, “કમાવું સહેલું છે, પણ સમાજને પાછું આપવું અઘરું છે.” કોઈ માણસને પૈસા આપવાની વાત તો જવા દો, બીજું પણ કંઈ આપવાનું મુશ્કેલ હોય છે. એક વખત માણસ કંઈક આપી દે તોપણ તેનું ગુમાન આવતું અટકાવવાનું એનાથીય વધારે આકરું છે.

પાંચ મોટા બિઝનેસમૅનનાં નામ વિચારો. તમે જોઈ શકશો કે એ દરેકે સમાજને કોઈક ને કોઈક રીતે મદદ કરી છે. સમાજનું ઋણ અદા કર્યા વગર કોઈનો બિઝનેસ ફૂલ્યોફાલ્યો છે ખરો? જો તેમણે બીજી કોઈ દેખીતી રીતે મદદ નહીં કરી હોય તોય તેમાંથી કોઈકે મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થયું હશે, કોઈકે સામાન્ય માણસને ઓછા ખર્ચે ટેક્નૉલૉજી પૂરી પાડી હશે, કોઈકે શૈક્ષણિક સંસ્થાઓ બનાવી હશે, તો કોઈકે આરોગ્ય સેવા માટેની સંસ્થાઓ સ્થાપી હશે.

સુપ્રસિદ્ધ કલાકાર, લેખક, ગાયક અને પોતાના શૉનું દિગ્દર્શન કરનાર શેખર સેને પોતાના એક કાર્યક્રમમાં આ સુંદર પંક્તિઓ રજૂ કરી હતીઃ

खुद की कमाई खुद खाना यह इंसान की प्रकृति हैं।

दूसरों की कमाई छीन के खाना यह इंसान की विकृति हैं।

पर खुद की कमाई दूसरों के साथ बाँट कर खाना यह हमारी संस्कृति हैं।

થોડાં વર્ષો પહેલાંની આ વાત છે. મારાં ફઈએ મને પૂછ્યું, “ગૌરવ, તું ઘણા વખતથી પર્સનલ ફાઇનાન્સનું કામ કરે છે. કોઈને પૈસા કમાવા માટે ટૂંકી ને ટચ સલાહ આપવી હોય તો તું શું કહેશે?” મેં પલકવારમાં જવાબ આપ્યો, “સમાજ પાસે લીધેલું પાછું આપવું.”

25 વર્ષની મારી કારકિર્દીમાં હું એક વાત શીખ્યો છું. જેઓ કોઈ પણ પ્રકારનો અહંકાર લાવ્યા વગર (પોતાના મન કે નામથી સંકળાયા વગર) સમાજનું ઋણ ચૂકવે એ જ માણસ ધનવાન કહેવાય.

સમાજ પાસેથી લીધેલું સમાજને પાછું ચૂકવવાની શરૂઆત કરનારના ઘરમાં ધનનો પ્રવાહ આવવા લાગે છે. ભગવાન એવા જ માણસને શોધતો હોય છે, જેઓ તેના ‘વિશ્વાસુ ઍજન્ટ’ તરીકે કામ કરી શકે. ભગવાનને લાગે કે તમે પ્રામાણિક અને વિશ્વાસુ છો, તો એ તમને કામે રાખી લે છે. એ કર્યા બાદ ભગવાન તમને એટલું ધન આપતો રહેશે કે તમારી પાસે આવેલો માણસ ભૂખ્યો પાછો ન જાય.

પોતે ભગવાને આપેલું ધન નહીં, પણ પોતાના પૈસા આપી રહ્યો છે એવો ભાવ જાગે ત્યારે સમસ્યા સર્જાય છે. આ ભાવ અહંકારનો છે અને એ જાગે ત્યારે ભગવાન તમને આપેલી ઍજન્સી પાછી ખેંચી લે છે.

ક્યારેક આપણને એવા માણસોનો ભેટો થઈ જાય છે કે જેઓ કહેવા માટે તો એમ જ કહેતા હોય છે કે પોતે ભગવાનના નામે આ બધું કરી રહ્યા છે અથવા તો ભગવાન તેમને આ બધું કરાવી રહ્યો છે. માણસ આવું બોલવા માટે મોં ખોલે એ જ દર્શાવે છે કે તેનામાં સૂક્ષ્મરૂપે અહંકાર છે. જો માણસ સંઘરો કરવાને બદલે કંઈક સમાજને પાછું આપી રહ્યો હોય તો આવો સૂક્ષ્મ અહંકાર પણ ચલાવી લેવાય એવો છે, કારણ કે સંઘરેલું ધન સડી જતાં વાર નથી લાગતી. એક જગ્યાએ ભેગું થયેલું સ્થિર પાણી પણ જે રીતે બગડી જાય છે એ જ હાલ ધનના પણ થાય છે.

ઉપર આપણે સમાજનું ઋણ ચૂકવનારા બિઝનેસમૅનોની વાત કરી, પણ હું તો ત્યાં સુધી કહું છું કે બિઝનેસમૅન જવા દો, જે કોઈ માણસને દુનિયા આજે યાદ કરે છે એણે ગુમાન કર્યા વગર કોઈક ને કોઈક સ્વરૂપે સમાજ પ્રત્યેનું કરજ ચૂકવ્યું જ હશે.

અહંકાર અસલામતીની ભાવનામાંથી જન્મે છે. અહંકાર આવ્યા બાદ માણસને એવું લાગ્યા કરે છે કે જો એ સમાજને આપ-આપ કર્યે રાખશે તો પોતાનું ધન ખૂટી જશે. આથી અસલામતીની ભાવનાથી પિડાઈને માણસ સંઘરો કરવા લાગે છે અને સંઘરેલું ધન સડી જાય છે. આથી જ ગુજરાતીમાં કહેવત છેઃ કંજૂસનું ધન કાંકરા બરાબર.

આમ, ભાગવત પુરાણના ઉક્ત શ્લોકના આધારે કહી શકાય કે ધનનો સંગ્રહ કરવો નહીં અને કોઈ પણ આસક્તિ કે ઘમંડ રાખ્યા વગર સમાજનું ઋણ ચૂકવવું. સદા ધનવાન રહેવા માટેનો આ અચૂક ઉપાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

રતિ અગ્નિહોત્રીએ પહેલી ફિલ્મ જતી ના કરી

હિન્દી ફિલ્મોમાં ‘એક દૂજે કે લિયે’ (૧૯૮૧) થી શરૂઆત કરનાર રતિ અગ્નિહોત્રીને માત્ર સોળ વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ ‘પુથિયા વારપુગલ’ (૧૯૭૯) થી અચાનક અભિનેત્રી તરીકે તક મળતા એને જવા દીધી ન હતી અને પર્દાર્પણ કર્યું હતું. રતિએ દસ વર્ષની ઉંમર સુધી મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. નોકરીમાં પિતાની બદલી થતાં ચેન્નઈમાં આવીને વસ્યા હતા. રતિ સ્કૂલમાં રમતગમત ઉપરાંત નાટક વગેરે પ્રવૃત્તિમાં પણ અગ્રેસર હતી. સ્વીમિંગ વગેરે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતી હતી. રતિના વાળ લાંબા હતા એટલે શેમ્પૂ વગેરેની મોડેલ તરીકે કામ કરવા લાગી હતી. ફિલ્મોમાં ક્યારેય કામ કરવાનું વિચાર્યું ન હતું. એ ડૉક્ટર બનવા માગતી હતી. તે ફિલ્મી પરિવારમાંથી આવતી ન હતી અને બીજું કે પિતા આ ક્ષેત્ર માટે સારો પ્રતિભાવ ધરાવતા ન હતા.

રતિએ દસમા ધોરણની પરીક્ષા આપી એ પછી શાળામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રતિ પહેલાંથી જ આવા કાર્યક્રમોમાં નાટ્ય કૃતિ રજૂ કરતી હતી. એ સાથે આયોજન કરવા સ્કૂલ માટે દાન પણ ઉઘરાવી લાવતી હતી. શાળામાં નાટ્ય દિવસની ઉજવણી પ્રસંગેના એ કાર્યક્રમમાં એક નાટક રજૂ થયું હતું. જેમાં રતિએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ત્યારે એ સ્કૂલમાં પોતાની પુત્રી ભણતી હોવાથી દક્ષિણના જાણીતા નિર્માતા- નિર્દેશક ભારતીરાજા કાર્યક્રમ જોવા હાજર રહ્યા હતા. તે પોતાની આગામી ફિલ્મ માટે છોકરીની શોધમાં હતા અને રતિ એમને એ માટે યોગ્ય લાગી હતી. એના અભિનયથી ભારતીરાજા બહુ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી પોતાની પુત્રીને વાત કરી હતી અને શાળાના શિક્ષિકા કે અન્ય કોઈ પાસેથી રતિના ઘરનો ફોન નંબર મેળવી લીધો હતો.

રતિને વેકેશન પડી ગયું હોવાથી ઘરે જ હતી. એક દિવસ તેઓ જમવા બેઠા હતા ત્યારે લેન્ડલાઇન પર કોઈનો ફોન આવ્યો અને એમની સાથે પિતા ગુસ્સામાં બોલ્યા:‘અગ્નિહોત્રી પરિવારની કોઈ છોકરી ફિલ્મોમાં કામ કરશે નહીં.’ ત્યારે રતિને થયું કે એની મોટી બહેન માટે કોઈનો ફોન આવ્યો હશે. એ ફોન પર વાત કરીને આવ્યા અને પત્નીને પણ ગુસ્સામાં કહ્યું:‘તને ખબર છે? રતિ માટે ફિલ્મની ઓફર આવી છે. અગ્નિહોત્રી પરિવારની છોકરી ફિલ્મોમાં બિલકુલ કામ કરી શકે નહીં.’ ત્યારે રતિને ખબર પડી કે એના માટે ફિલ્મની ઓફર આવી છે. એ ખુશીથી ઉછળી પડી હતી.

કિશોર વયની રતિ હીરોઈન બનવાની કલ્પનાથી ઉત્સાહમાં આવી ગઈ હતી અને પિતાને કામ કરવા દેવા વિનંતી કરવા લાગી હતી. જુનવાણી વિચારના પિતા પહેલાં તો માન્યા જ ન હતા. પણ રતિએ સમજાવ્યું કે તેને બે મહિનાનું વેકેશન છે અને તે બીજા કોઈ ક્લાસ કરતી નથી. સ્વીમીંગમાં તે ઘણું શીખી ચૂકી છે. અને ફિલ્મનું શૂટિંગ એક જ મહિનામાં પૂરું થવાનું છે. તેને અભિનયમાં શોખ છે તો આ તક ઝડપી લેવા દો. રતિ જિદ્દી હતી તે પિતાને મનાવીને જ રહી હતી અને તમિલ ફિલ્મ ‘પુથિયા વારપુગલ’ ની હીરોઈન બની ગઈ. ફિલ્મ સુપરહિટ રહી. બધાને એ વાતની નવાઈ લાગી હતી કે રતિ પંજાબી હોવા છતાં તમિલમાં સારું કામ કર્યું છે. એ કારણે તમિલની ઘણી ફિલ્મો મળતી રહી. એ પછી દક્ષિણના નિર્દેશક કે. બાલાચંદરની હિન્દી ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ માં કમલ હસન સાથે કામ કર્યા પછી હિંદીમાં વધુ ફિલ્મો કરી અને દાયકાઓ સુધી અભિનયમાં પાછા વળીને જોવું પડ્યું ન હતું.

રાશિ ભવિષ્ય 25/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિક નાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે,  વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.